કાવ્યકૂકીઝ
0
તમે માનો કે ની માનો, પણ અ’વે તો અભણો જ
ભણેલાને ભૂ પીવડાવતા છે, જો !
આ માસ્તરો મોટે ઉપાડે જૂનું પેન્શન
માંગવા ગઈલા તે ફાટફૂટ લઈને પાછા આઈવા
એ લોકોએ હમજવું જોઈએ કે અંગ્રેજો ગિયા ઓય
તો હો ડિવાઇડ એન્ડ રૂલ તો અ’જી ચાલતું જ છે
પેન્શન તો બાજુ પર રિ’યું
માસ્તરો વગર ફોગટના કુટાઈ મઈરા
અ’વે પેન્શન તો મલવાનું ઓહે ત્યારે મલહે
પણ અત્તારે તો ગાડું ઘોંચમાં પઈડું જ કે’ની !
એક વાત નોકરિયાતોએ હમજી લેવી જોઈએ
કે નોકરી જ જાં’ પાકી ની ઓય
તાં’ પેન્શન પાકું કાં’થી ઓય?
અ’વે તો નોકરી મલે તો હો બઉ છે
મારો પોઇરો સાયેબને પૂછે કે પેન્શન મલહેકે?
તો સાયેબ કે’ય કે પેન્શન તો મલહે
પણ પગારનું પાકું ની !
ને માસ્તરોનું હું છે કે
આખો વખત નોકરી જ કઇરા કરે
ઉપરથી વસ્તી ગણતરી ને ટીકાકરણ હો કરે
અઈલા જાં’ ટીકા થાય એવું જ ની ઓય
તાં’ ટીકાકરણ કાં’થી ચાલે?
હું છે કે માસ્તરોએ કામ ઘટાડવું જોઈએ
એ હાળા ભણાવવાને બદલે
ઇતરપ્રવૃત્તિમાં જ ગોંધાઈ રે’ય તો
પોઈરાઓ ઉઠાં જ ભણાવે કે બીજું કૈં?
સ્કૂલમાં હાળા માસ્તર ઓછા ને પ્લાસ્ટર વધારે
અ’વે હું છે કે પોઈરાઓ જેમ ની ભણે તેમ
વધારે હારા માર્કે પાસ થાય છે
એટલે હો ભણાવવા હારું
બઉ માસ્તર રાખતા ની મલે
માસ્તર તો અ’વે યુનિયનમાં ઓય તો ઓય
બાકીના સાયેબોને જવાબો લખવા કામ લાગે
જતે દા’ડે માસ્તરો
ટ્યૂશન ક્લાસમાં જોવા મલે તો મલે !
સ્કૂલમાં તો એનું કામ જ ની મલે
બેચાર રાખવા ઓય તો ઠીક છે
કારકૂનીમાં કામ લાગે, બાકી ચાલે !
અ’વે તો લાગે છે, માસ્તરો રોજ પર જ રાખ્ખે
તે હો કલાક પર !
એવું થહે તો જ પેન્શનનું પાકું થહે
તમને અહવું આવે છેને, પણ આ હાચું છે
જો એક વાર ચૂંટણી જીતીએ
ને પાંચ વરહ ભવનમાં બેહીએ તો
એકથી વધારે વખત પેન્શન મલે એમાં ફેર ની
અ’વે પેન્શન એમને આપીએ કે આમને?
એટલે તીહ વરહનો નોકરો કૂટો
તો હો પેન્શન ની મલે એમ બને.
પેન્શન જોઈતું જ ઓય તો ચૂંટણી જીતો
ભલે નોકરી કાચી, પણ પેન્શન તો પાકું .. .
000
(‘સંદેશ’ની બુધવારની પૂર્તિ)
e.mail : ravindra21111946@gmail.com
 ![]()


આજના સમયમાં જે કેટલુંક વિચિત્ર ચાલી રહ્યું છે એ ચિંતા ઉપજાવનારું છે. ચિંતા એ વાતે પણ થાય છે કે કોઈને કશું ખોટું થઈ રહ્યું છે એવું તો લાગતું જ નથી ને કરુણતા એ છે કે ખોટું એટલું ચાલે છે કે સાચું પણ ખોટું લાગવા માંડે. જે પ્રકારનું છીછરાપણું તમામ ક્ષેત્રોમાં આજકાલ દેખાય છે તે પરથી તો એવું લાગે છે કે અસત્ય જ સત્ય છે, અપ્રમાણિકતા જ પ્રમાણિકતા છે, અનીતિ જ નીતિ છે. રાજકારણથી માંડીને સમાજકારણ સુધીના તમામ સ્તરે એટલી હદની ભ્રષ્ટતા ફેલાઈ છે કે ક્યાં ય થોડી પણ સચ્ચાઈ કે અચ્છાઈ નજરે પડે છે તો આનંદ થાય છે. આખી દુનિયા ખોટા ભપકા ને દેખાડામાં એવી ગળાડૂબ છે કે દરેક સંબંધ ગ્રાહક-વેપારીનો સંબંધ થઈને જ રહી ગયો હોય એવો વહેમ પડે છે. ઇરાદો લૂંટવાનો હોય, પણ દેખાવ એવો હોય કે બધાં જ આપણું હિત ઈચ્છે છે. આપણામાં સારા-ખરાબની પરખ જ રહી ન હોય તેમ બધાં જ આપણને સલાહ આપે છે કે અમુક જ કરો કે તમુક તો ન જ કરો. સાબુ કયો વાપરવો તે કંપનીઓ નક્કી કરે છે, ફેરનેસ ક્રીમ કયું સારું તેની કોઈ ખાતરી કર્યાં વગર દેખાદેખી જ આપણે એ ખપમાં લેતાં રહીએ છીએ. કઈ સીઝનમાં શું પહેરવું, કયું બોડી લોશન કઇ સીઝનમાં વાપરવું જેવી એટલી સલાહો જાહેરાતોમાં અપાય છે કે વાત ન પૂછો. શરીર દેખાવમાં કઇ કઇ રીતે સારું લાગે તેને માટે એટલી જાહેરાતો આંખ સામે ખડકાતી રહે છે કે જોનારને લઘુતાનો જ અનુભવ થાય. એમ લાગે છે કે જાણે આપણામાં કૈં નથી ને જે છે તે જાહેરાતોમાં જ છે. એમાં તનની જેટલી વાતો છે, એની જેટલી કાળજી લેવાય છે એટલી મનની લેવાતી નથી. જગતમાં સારું બધું જાહેરાતોમાં જ બચ્યું હોય તેમ બધું સુંદર તો એમાં જ દેખાય છે ને વાસ્તવિકતા એટલી વરવી છે કે ઘણીવાર તો પીડાવાનું જ સામે આવે છે. જાહેરખબરનું આટલું જોર આપણી બેવકૂફીને આભારી છે એવું નથી લાગતું? નબળી વસ્તુ ખપે છે એમાં આપણો ફાળો ઓછો નથી. વસ્તુનો ઉપાડ ધારવા જેટલો ન થાય તો જાહેરાત થાય જેથી વધુ ઉપડે કે બહુ ઉપડે તો વધુ ખપાવવા પણ જાહેરાત થાય. આમ તો જાહેરાત આપણા ખર્ચે ને જોખમે જ થતી હોય છે. આપણે એટલા અંધ છીએ કે જાહેરાતને સાચી માનીને ખરીદતાં રહીએ છીએ ને પરિણામ મોટે ભાગે છેતરાવામાં જ આવતું હોય છે.
એવો દિવસ નથી ઊગતો જેમાં સ્ત્રીઓને લગતા અપરાધોથી મીડિયા બચી ગયું હોય. નાની છોકરીથી માંડીને કોઈ પણ ઉંમરની સ્ત્રીને દુષ્કર્મનો ભોગ બનાવવાનું સામાન્ય થઈ પડ્યું છે. છેડતી, બળાત્કાર, બીભત્સ ફોટો – વીડિયો વાયરલ કરી દેવાની ઘટનાઓ હવે કશા ય ક્ષોભ કે સંકોચ વગર બહાર આવે છે. પ્રેમી કે બોયફ્રેન્ડ હવે લગ્નની રાહ નથી જોતાં. અંગત પળોનો વીડિયો કે ફોટો પ્રેમી ઉતારે છે ને પ્રેમિકા તે ઉતારવા પણ દે છે ને પછી પ્રેમી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી તેનું આર્થિક કે શારીરિક શોષણ કરે છે તો પ્રેમિકા પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. પણ, આ બધું ય હવે કોઠે પડી ગયું હોય તેમ એમાં કોઈને કૈં ચિંતા કરવા જેવું લાગતું નથી. આમાં ઘટાડો થતો નથી ને એને સ્વાભાવિક ક્રમમા સ્વીકારી લેવા જેવી ખંધી સ્વસ્થતા સૌએ કેળવી લીધી છે. અનેક પ્રકારે અને રીતે સ્ત્રીઓનો દુરુપયોગ અગાઉ નવી વાત ન હતી ને હવે પણ નથી. પણ આશ્ચર્ય ને આઘાત એ વાતે છે કે શિક્ષણ જેમ જેમ વધતું આવે છે તેમ તેમ એવા અપરાધોમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવામાં આવે છે, ત્યારે પ્રશ્ન થાય કે આવી માનસિકતા આજનાં શિક્ષણનું પરિણામ તો નથી ને? માણસ પણ હવે ઉપયોગનાં સાધનથી વિશેષ કૈં નથી ને શિક્ષણ પણ હવે તેના ઉપયોગની રીતો પૂરી પાડતું હોવાનો વહેમ પડે છે.