આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વડા પ્રધાન યોગાસનો કરવાનું નેતૃત્વ કરે અને રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તેમને આસન કરવામાં અનુસરે એ કલ્પના જ બહુ બેહૂદી લાગશે. રામ માધવે જો એ સીનની કલ્પના કરી હોત તો તેમણે ટ્વીટ કરવામાં ઉતાવળ ન કરી હોત
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને અમદાવાદમાં કોચરબ ખાતે સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી એનું આ શતાબ્દી વર્ષ છે. આશ્રમમાં બનેલો એક કિસ્સો જાણીતો છે. આશ્રમમાં સવાર-સાંજની પ્રાર્થનામાં આશ્રમવાસીઓએ ઉપસ્થિત રહેવું એવો ગાંધીજીએ નિયમ કર્યો હતો. પ્રાર્થનામાં કોણ હાજર રહ્યા હતા અને કોણ નહોતા રહ્યા એના પર નજર રાખવાનું કામ મહાદેવભાઈ દેસાઈને સોંપવામાં આવ્યું હતું. મહાદેવભાઈ રોજ પ્રાર્થનામાં ઉપસ્થિતોની મનોમન હાજરી લેતા હતા અને ગાંધીજીને રિપોર્ટ કરતા હતા. રોજની જેમ એક દિવસ ગાંધીજીએ ઉપસ્થિતોની મહાદેવભાઈને સંખ્યા પૂછી. મહાદેવભાઈએ કહ્યું ૪૫. વિનોબા ભાવે ત્યાં બાજુમાં બેઠા હતા. તેમણે કહ્યું કે નહીં બાપુ, પ્રાર્થના ૪૪ જણે કરી હતી. ગાંધીજીએ મહાદેવભાઈ સામે જોયું તો મહાદેવભાઈએ ખાતરી કરાવતાં કહ્યું કે તેમણે પાકી ગણતરી કરી છે, વારંવાર ગણતરી કરી છે, આડી-ઊભી પંક્તિવાર ગણતરી કરી હતી, પ્રાર્થનામાં ૪૫ જણની હાજરી હતી. ગાંધીજીએ જ્યારે વિનોબા સામે જોયું ત્યારે વિનોબાએ ખુલાસો કર્યો કે હાજરી ૪૫ જણની હતી, પરંતુ પ્રાર્થના ૪૪ જણે કરી હતી. મહાદેવભાઈ તો બિચારા માથાં ગણતા હતા. ગાંધીજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બીજા દિવસથી માથાં ગણવાનું અને કોણ પ્રાર્થના કરે છે અને કોણ નથી કરતું એની ચિંતા કરવાનું પડતું મૂકવામાં આવ્યું. કોઈને ફરજિયાત ઈશ્વરપરાયણ બનાવી શકાતું નથી, એવી કોઈ જરૂર પણ નથી તો પછી મહાદેવભાઈને શા માટે પ્રાર્થનાથી વંચિત રાખવા?
વડા પ્રધાનની આગેવાનીમાં રવિવારે સવારે હજારો લોકોએ દિલ્હીમાં રાજપથ ખાતે યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવ્યો હતો. એમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના સભ્યો, ભા.જ.પ.ના નેતાઓ, સાથી પક્ષોના નેતાઓ અને બીજા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભા.જ.પ.ના નેતા રામ માધવ પણ ત્યાં હતા, પરંતુ તેઓ યોગાસન નહોતા કરતા પણ કોણ હાજર છે અને કોણ નથી એની ગણતરી કરતા હતા. ખાસ કરીને વિધર્મીઓની, નાસ્તિકોની, સેક્યુલરિસ્ટોની યાદી બનાવીને તેઓ આવ્યા હતા અને તેઓ યોગાસન કરવા આવે છે કે કેમ, આવે છે તો કરે છે કે કેમ અને કરે છે તો આવડે છે કે કેમ એના પર નજર રાખતા હતા. આખરે હિન્દુ યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી અને આર.આર.એસ.ના હિન્દુ રાષ્ટ્રના સિદ્ધાંત મુજબ હિન્દુત્વ એ જ ભારતીયત્વ છે.
જે લોકો હિન્દુ પરંપરા, સિદ્ધાંત, માન્યતા, સંસ્કૃિતને સ્વીકારતા નથી એ ભારતીય નથી પરંતુ ભારતમાં રહેનારા દેશદ્રોહી છે. આવા દેશદ્રોહી પર નજર રાખવાનું અને તેમને ઉઘાડા પાડવાનું કામ સંઘે પોતાના માથે લઈ લીધું છે. તમારે જો તમારી જાતને સાચા દેશપ્રેમી તરીકે સિદ્ધ કરવી હોય તો આજકાલ તમારી પાસે આર.આર.એસ.્નું સર્ટિફિકેટ જરૂરી છે. ભા.જ.પ.માં આર.આર.એસ.ના એક પ્રતિનિધિને પક્ષના મહામંત્રી તરીકે લેવાનો શિરસ્તો છે. એ પક્ષની હિન્દુત્વની નાડ ધબકતી ઓછી તો નથી થતીને એનું ધ્યાન રાખે છે. અત્યારે રામ માધવ સંઘના પ્રતિનિધિ તરીકે ભા.જ.પ.માં છે અને સંઘમાં તેમ જ પક્ષમાં ખાસું વજન ધરાવે છે. રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે તેમણે શોધી કાઢ્યું હતું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી યોગાસનો કરવા હાજર નથી રહ્યા. ઉપરાષ્ટ્રપતિ જો કોઈ હિન્દુ હોત તો રામ માધવે સંઘની દેશપ્રેમની એરણે ચકાસ્યા ન હોત. અહીં તો તેઓ વિધર્મીઓના દેશપ્રેમની ચકાસણી કરવા વિધર્મીઓની એક યાદી લઈને આવ્યા હતા.
યોગાસનો કરવાનો કાર્યક્રમ પૂરો થતાંની સાથે જ તેમણે ટ્વીટ કર્યું કે ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી યોગાસનો કરવા હાજર નહોતા રહ્યા. એ પછી જ્યારે તેમને કોઈકે કહ્યું કે હામિદ અન્સારી બીમાર હોવાથી હાજર નહોતા રહ્યા ત્યારે રામ માધવે ટ્વીટ હટાવી દીધી હતી અને હામિદ અન્સારીની માફી માગી લીધી હતી. હામિદ અન્સારીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયે ખુલાસો કર્યો હતો કે ઉપરાષ્ટ્રપતિ બીમાર નથી, પરંતુ આમંત્રણ નહોતું માટે ઉપસ્થિત નહોતા રહ્યા. પ્રોટોકૉલ મુજબ વડા પ્રધાનના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિને આમંત્રણ હોવું જરૂરી છે. હવે રામ માધવ મીડિયાને વિનંતી કરી રહ્યા છે કે મહેરબાની કરીને આ વિવાદનો અંત લાવો. વિવાદ પર પડદો પાડવાની વિનંતી કરવાનું કારણ શરમ નથી. ઉપરાષ્ટ્રપતિને દુ:ખી કર્યા એનું દુ:ખ પણ નથી. વિનંતી કરવાનું કારણ એ છે કે બીજાના ઘરમાં ડોકિયાં કરવાની, બીજાના દેશપ્રેમની ચકાસણી કરવાની, દેશપ્રેમનાં સર્ટિફિકેટ આપવાની RSSની ૯૦ વર્ષ જૂની પ્રવૃત્તિ સર્વોચ્ચ સ્તરે છેક ઉપરાષ્ટ્રપતિના હોદા સુધી લાગુ કરવાની ભૂલ થઈ ગઈ.
હિન્દુત્વના ગજથી ઉપરાષ્ટ્રપતિને ન મપાય એ વાતનો વિવેક પણ તેમને હેરાન નથી કરતો. આપમેળે સર્ટિફિકેટ આપવાની સંઘની ડોકિયાબાજી ઉઘાડી પડી ગઈ અને હવે એ નિમિત્તે સંઘના આવા અધિકાર વિશે પ્રશ્નો પુછાશે એ તેમને હેરાન કરે છે. એટલે તો તેઓ બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહેરબાની કરીને આ વિવાદનો અંત લાવો. ઉપરાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને એ યોગ્ય જ હતું. સંસદીય લોકશાહીમાં સત્તા વડા પ્રધાન પાસે વધુ છે; પરંતુ પ્રોટોકૉલ મુજબ પહેલા ક્રમે રાષ્ટ્રપતિ, બીજા ક્રમે ઉપરાષ્ટ્રપતિ અને એ પછી વડા પ્રધાન આવે છે. રાષ્ટ્રપતિભવનમાં કોઈ સત્તાવાર કાર્યક્રમ હોય તો ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને શિરસ્તાના ભાગરૂપે આપમેળે ઉપસ્થિત રહેવાનું હોય છે, પરંતુ જો વડા પ્રધાનનો કોઈ કાર્યક્રમ હોય તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને ખાસ આમંત્રણ આપવું પડતું હોય છે.
અહીં ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું હોત તો એ અનુચિત થાત. વડા પ્રધાન યોગાસનો કરવાનું નેતૃત્વ કરે અને રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ તેમને આસન કરવામાં અનુસરે એ કલ્પના જ બેહૂદી લાગશે. રામ માધવે એ સીનની કલ્પના કરી હોત તો પણ તેમણે ટ્વીટ કરવામાં ઉતાવળ ન કરી હોત.
ગાંધીજીએ તો મહાદેવભાઈને માથાં ગણવામાંથી મુક્તિ આપી દીધી હતી. સ્વયંસેવકોને ડોકિયાં કરવાથી મુક્તિ કોણ અપાવશે? એ દિવસ ક્યારે આવશે?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-23-6-2015-5
![]()


નવું એ છે કે આ ધરતી પર કોઈ રાજાએ ઇતિહાસમાં પહેલી વાર કબૂલ કર્યું હતું કે શાસન ઠરાવવામાં આવેલા કાયદા મુજબ ચાલશે અને રાજા પોતે એ કાયદાને આધીન રહેશે. અત્યાર સુધી તો રાજા કહે એ કાયદો ગણાતો હતો અને રાજા જે ન્યાય કરે એ અંતિમ ગણાતો હતો. ન રાજાના કાયદાને પડકારી શકાય કે ન રાજાના ન્યાયને પડકારી શકાય. રૈયત રાજાને આધીન હતી. પહેલી વાર એવું બન્યું કે રાજા નહીં પરંતુ રાજ ચલાવવાના કાયદા સર્વોપરી બન્યા અને અને રાજા એને આધીન થયો. અંગ્રેજીમાં આને રૂલ ઑફ લૉ કહે છે. મૅગ્ના કાર્ટાએ જગતના ઇતિહાસમાં પહેલી વાર કાયદાના શાસન માટે એટલે કે રૂલ ઑફ લૉ માટે માર્ગ ખોલી આપ્યો.