મેં તબલીગી જમાત વિશેના લેખમાં લખ્યું હતું કે તબલીગી જમાત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક જ સમયે અને એક જ સરખા સંજોગોમાં આગળ-પાછળ થઈ છે એ યોગાનુયોગ નથી. એ શું સંજોગો હતા એ સ્પષ્ટ કરવાનું એક વાચકે મને કહ્યું હતું. અહીં થોડી વાત એના વિશે કરીએ.
તબલીગી જમાતની સ્થાપના ૧૯૨૬માં થઈ હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના એક વરસ પહેલાં ૧૯૨૫માં થઈ હતી. બન્નેનો ઉદ્દેશ અનુક્રમે મુસલમાનોને પાક્કા મુસલમાન અને હિંદુઓને પાક્કા હિંદુ બનાવવાનો હતો. આમ તો આ પ્રક્રિયા ભારતીય મુસલમાનોમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસથી અને હિંદુઓમાં ઈ. સ. ૧૮૭૫ની આસપાસથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ એવું શું હતું કે ઓગણીસમી સદીના ત્રીજા દાયકામાં હિંદુઓના અને મુસલમાનોના ખાસ પ્રકારના ઘાટ ઘડવા માટે સંગઠનની સ્થાપના કરવાની જરૂર પડી?
એ માટેનું તાત્કાલિક કારણ હતું મહાત્મા ગાંધી. ગાંધીજી હિંદુઓ અને મુસલમાનોને તેમની સંકુચિત કોમી ઓળખ બાજુએ મૂકીને ભારતીય તરીકેની અને એનાથી પણ આગળ જઇને માનવીય ઓળખ વિકસાવવાનું કહેતા હતા. તેઓ માત્ર ભૂતકાળમાં થઈ ગયેલા સંતોની જેમ ઉપદેશ નહોતા આપતા, તેમણે એ દિશામાં સફળ રાજકીય હસ્તક્ષેપ કર્યો હતો અને એક અનોખો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગમાં ભારતીય પ્રજાએ રસ દાખવ્યો હતો, તેમાં ભાગ લીધો હતો, ક્યારે ય જોઈ અને અનુભવી નહોતી એવી એકતાએ આકાર લીધો હતો અને સરવાળે ગાંધીજી ભારતનાં સર્વોચ્ચ નેતા તેમ જ પરમ આદરણીય મહાત્મા તરીકે સ્થાપિત થયા હતા. આ જોઇને ધાર્મિક કોમી ઓળખને માણસની એકમેવ અને સર્વોચ્ચ ઓળખ તરીકે જોનારાઓ અને તેનું રાજકારણ કરનારાઓ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું.
ગાંધીજી કહેતા હતા કે સોળે કળાએ ખીલેલો સાચો માનવી જ સાચો હિંદુ હોવાનો દાવો કરી શકે. આ જ રીતે સોળે કળાએ ખીલેલો સાચો માનવી જ સાચો મુસલમાન હોવાનો દાવો કરી શકે. માણસ હોવાપણાની એરણે જ હિંદુને અને મુસલમાનને પારખી શકાય. હિંદુ હોવા માત્રથી કે મુસલમાન હોવા માત્રથી સાચો માનવી બની શકતો નથી. માનવ બનવાની ઉપાસના એ જ સાચી ધર્મોપાસના. સાચો માનવી એ છે જે પૂર્વગ્રહોથી મુક્ત હોય. સાચો માનવી એ છે જે નીર્વૈરભાવ રાખતો હોય. સાચો માનવી એ છે જે કરુણાથી છલકાતો હોય. સાચો માનવી એ છે જે ન્યાયભાવના ધરાવતો હોય. સાચો માનવી એ છે જે પોતાની સાથે બીજા દ્વારા જેવા વ્યવહારની અપેક્ષા રાખતો હોય તેવો વહેવાર પોતે બીજા સાથે કરતો હોય. સાચો માનવી ‘સ્વ’થી શરૂઆત કરતો હોય છે, ‘પર’થી નહીં. હિંદુ મા-બાપને ખોળે જન્મ લીધેલો હિંદુ ત્યાં સુધી હિંદુ કહેવાને લાયક નથી જ્યાં સુધી તે સાચો માનવી ન બને. માનવપણામાં હિંદુપણું નિહિત છે હિંદુપણામાં માનવપણું નિહિત નથી. આ જ વાત મુસલમાન માટે પણ લાગુ પડે અને બીજાઓ માટે પણ લાગુ પડે. ભારતીય હોવાપણા માટે પણ આ વાત લાગુ પડે. સાચો માનવી જ સાચો ભારતીય હોઈ શકે. ગાંધીજીનો રાષ્ટ્રવાદ પણ આ રીતે નરવો નિર્વિરોધી રાષ્ટ્રવાદ હતો. ગાંધીજીએ સત્યની વ્યાખ્યા પણ આ જ રીતે ઉલટાવી હતી. ઈશ્વર સત્ય છે એમ નહીં, પણ સત્ય એ જ ઈશ્વર છે.
જો માનવી હોવાપણામાં ભારતીય હોવાપણું આવી જાય, હિંદુ હોવાપણું આવી જાય, મુસલમાન હોવાપણું આવી જાય, દ્રવિડ હોવાપણું આવી જાય, ગુજરાતી હોવાપણું આવી જાય, પટેલ મરાઠા કે બ્રાહ્મણ હોવાપણું આવી જાય, પુરુષ હોવાપણું આવી જાય તો ઓળખોના સાંકડા સંકુચિત રાજકારણ માટે જગ્યા જ ન બચે. વળી આ મહાત્મા કેવળ ઉપદેશ નથી આપતો; લોકોને જોડે છે, દરેક પ્રજાને એક સરખાં વાત્સલ્ય સાથે બાથમાં લે છે, લોકોને આંદોલિત કરે છે અને સંસારમાં ક્યારે ય જોવાં નહોતું મળ્યું એ રીતે પ્રચંડ રાજકીય હસ્તક્ષેપ કરી શકે છે. પ્રજા તેમને સાંભળે છે અને તેમની સાથે ચાલે છે.
હિંદુઓમાં હિંદુ માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે, મુસલમાનોમાં મુસ્લિમ માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે અને બહુજન સમાજમાં બ્રાહ્મણવિરોધી માનસ ઘડવા ઈચ્છનારાઓ સામે પડકાર પેદા થયો હતો. આ મહાત્માનું કરવું શું? પહેલાં તો તેમણે પ્રજાનો મૂડ જોઇને ગાંધીજીને સાથ આપ્યો હતો, પણ પોતપોતાની શરતો સાથે. હિંદુ હોવા માટે ગર્વ ધરાવનારા હિંદુઓ કહેતા હતા કે મહાત્માજી તમારે મુસલમાનોને કહેવું જોઈએ કે આ દેશ સંખ્યાની દૃષ્ટિએ હિંદુઓનો છે એ વાત માન્ય રાખે અને ગાયની હત્યા ન કરે. મુસલમાન હોવા માટે ગર્વ ધરાવનારા મુસલમાનો કહેતા હતા કે મહાત્માજી તમારે હિંદુઓને કહેવું જોઈએ કે ઇસ્લામની શ્રેષ્ઠતા અને મુસલમાનની અલાયદી ઓળખનો હિંદુઓ સ્વીકાર કરે. બહુજન સમાજના હિતોનું રાજકારણ કરનારા નેતાઓ કહેતા હતા કે મહાત્માજી તમારે સવર્ણ હિંદુઓને કહેવું જોઈએ કે તેઓ તેમના પાપોનો સ્વીકાર કરે અન્યાયને માન્યતા આપનારાં ધર્મગ્રંથોની અથવા તેમાં કહેવામાં આવેલી કેટલીક બાબતોની નિંદા કરીને તેનો અસ્વીકાર કરે, એટલું જ નહીં એ દ્વારા તેમની પ્રામાણિકતા સિદ્ધ કરે. યુ કેન ડુ, મહાત્માજી, યુ કેન સર્ટનલી ડુ. તમને તો લોકો ભગવાનની જેમ પૂજે છે. લગભગ આવી ભાષામાં ગાંધીજી સમક્ષ શરતો રાખવામાં આવતી હતી.
ગાંધીજીને આવી શરતો માન્ય નહોતી, કારણ કે ગાંધીજીને કોઈ પ્રકારની સાંકડી ઓળખ જ કબૂલ નહોતી. હિંદુ હોય કે મુસ્લિમ હોય કે બ્રાહ્મણ હોય કે બીજા કોઈ પણ હોય; એ જ્યારે સાચો માનવી બને તો સંખ્યાના આધારે સરસાઈ સ્થાપવાનો, ડરવાનો કે ડરાવવાનો, જન્મના આધારે સર્વોપરિતા સ્થાપવાનો, શોષણ કે અન્યાય કરવાનો પ્રશ્ન જ ન રહે. શરતો ત્યાં હોય જ્યાં સામાજિક દ્વૈત હોય અને ગાંધીજી માનવીય અદ્વૈત સ્થાપવા માગતા હતા.
લોકોને જોડવામાં ગાંધીજીને અભૂતપૂર્વ સફળતા મળી રહી હતી અને ગાંધીજી કોઈ પણ પ્રકારની શરતો નહોતા સ્વીકારતા એ જોઇને કોમી ઓળખ ધરાવનારા હિંદુઓ સામે પ્રશ્ન થયો કે આ માણસ હિંદુનું હિંદુ તરીકે ઘડતર કરવાના દયાનંદ સરસ્વતીએ શરૂ થયેલા ચાર દાયકા જૂનાં અભિયાનમાં ફાચર મારી રહ્યો છે. કોમી મુસલમાનો સામે પ્રશ્ન થયો કે આ માણસ મુસલમાનનું મુસલમાન તરીકે ઘડતર કરવાનાં ૧૭૫૦ પછી શરૂ થયેલા અભિયાનમાં ફાચર મારી રહ્યો છે. પરિણામે એ લોકોએ ગાંધીજીના માર્ગમાં રોડા નાખવાનું શરૂ કર્યું. લાહોરથી ‘રંગીલા રસૂલ’ નામનું પેગંબરની બદનામી કરનારું પુસ્તક છપાયું અને વાયવ્ય સરહદ પ્રાંતમાં આવેલા કોહાટ નામનાં શહેરમાં કોમી રમખાણો થયાં. દિલ્હીમાં આર્યસમાજી નેતા સ્વામી શ્રદ્ધાનંદજીની હત્યા થઈ. કેરળમાં મોપલાઓએ હિંદુઓની હત્યાઓ કરીને કાળો કેર વરસાવ્યો. નાગપુરમાં કોમી હુલ્લડો થયાં. દેશમાં અન્યત્ર પણ રમખાણો થયાં.
આ બધી ઘટનાઓ ૧૯૨૧ અને એ પછીનાં વર્ષોમાં ઘટી હતી જ્યારે અસહકારનું આંદોલન અને ગાંધીજીની લોકપ્રિયતા તેનાં ચરમસીમાએ હતાં. એ મહાત્મા અમને નથી ખપતો જે હિંદુ કે મુસલમાનમાંથી માણસ ઘડે અને માણસાઈને ત્રાજવે હિંદુ અને મુસલમાનને તોળે. હિંદુ હિંદુ બની રહેવો જોઈએ અને મુસલમાન મુસલમાન બની રહેવો જોઈએ પછી ભલે માણસ તરીકે એ છેલ્લી પંક્તિનો હોય. બન્ને કોમના કોમવાદી નેતાઓએ પાક્કા હિંદુ અને પાક્કા મુસલમાનને ઘડવા છીણી અને હથોડીવાળી પ્રતિબદ્ધ જમાત ઊભી કરવાનું ઠરાવ્યું અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અને ૧૯૨૬માં તબલીગી જમાતની સ્થાપના થઈ. બન્ને સંગઠનની સ્થાપના પાછળનો હેતુ ગાંધીજીના માણસને ઘડવાના મિશનને નિષ્ફળ બનાવવાનો હતો. હવે તમને સમજાયું હશે કે હિન્દુત્વવાદીઓને ગાંધીજી કેમ પરવડતા નથી અને તેમને શું કામ ગાળો આપે છે! જો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત તો કોમી મુસલમાનો પણ ગાંધીજીને ગાળો આપતા હોત. ભારતમાં મુસલમાનો લઘુમતીમાં છે એટલે ગાંધીજીનો તેમને ખપ છે, બાકી ગાંધીજીના વિચારો તેમને પણ પરવડે એવા નથી.
કોમવાદ અને માનવતાવાદનો સંબંધ અંધકાર અને પ્રકાશ જેવો છે. એ બન્ને ક્યારે ય સાથે ન રહી શકે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જાન્યુઆરી 2022
![]()


‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.