
રમેશ ઓઝા
બધા જ દેશપ્રેમીઓ છે. તેમની રગરગમાં દેશપ્રેમ છલકે છે. દેશની પ્રજા (બીજી નહીં હોં, માત્ર હિંદુ), દેશની સંસ્કૃતિ, દેશનો ભવ્ય વારસો, સોનેરી શબ્દોમાં લખાયેલો હિંદુઓનાં પરાક્રમોનો, શહીદીનો તેમ જ ત્યાગનો ઇતિહાસ વગેરે જોઇને તેઓ પોરસાય છે. ગદગદિત થઈ જાય છે અને આપણને ગદગદિત કરે છે. આપણે એટલા બધા રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનાં કેફમાં, નહીં ટ્રાન્સમાં જતા રહીએ છીએ કે આપણને તેમનાં ગોરખધંધા નજરે નથી પડતા. હકીકતમાં આ બધું ગોરખધંધા કરવા માટે જ કરવામાં આવે છે. પ્રજા કેફમાં રહેવી જોઈએ અને આપણે સીટી વગાડીએ ત્યારે પોતાનું અને દેશનું હિત ભૂલીને ગેલમાં આવીને સાથે સાથે સીટી વગાડે. દેશપ્રેમનો એવો કેફ ચડાવો કે પોતાનું નુકસાન કરીને આપણી સાથે સીટી વગાડે! આવું સર્વહારાને પ્રેમ તેમ જ ન્યાયને નામે સામ્યવાદી દેશોમાં બન્યું હતું અને આવું જ ઇસ્લામના દુ:શ્મનોથી ઘેરાયેલા રાંક બિચારા મુસલમાનને બચાવવા મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે. આપણે મહાન છીએ, પણ દુ:શ્મન આપણને સુખે જીવવા દેતા નથી! માટે અમારે સંન્યાસ છોડીને સંસારી પ્રપંચમાં પડવું પડે છે. બાકી અમે તો વૈરાગી છીએ.
લોકોને મૂરખ બનાવવામાં સૌથી પ્રબળ અને હાથવગો દેશપ્રેમ છે એમ ૧૮મી સદીમાં થયેલા બ્રિટિશ રાજકારણી અને વિચારક સેમ્યુઅલ જોહ્નસને કહ્યું છે. તેમણે ૧૭૭૫માં એક ભાષણમાં કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. તેમણે કહ્યું હતું કે દેશપ્રેમ કોઈ ખરાબ ચીજ નથી, પરંતુ જો કોઈ છાપરે ચડીને દેશપ્રેમના બરાડા પાડતો હોય તો સાવધાન થઈ જવું જોઈએ. એ જરૂર ગોરખધંધા કરવા માટે અને ગોરખધંધા છૂપાવવા માટે દેશપ્રેમનો ઉપયોગ કરી રહ્યો છે. પ્રેમ એ કરવાની ચીજ છે, બતાવવાની નથી.
બાબા રામદેવ આવો એક દેશપ્રેમી માણસ છે. આર્ય સંસ્કૃતિ, ભારતની પ્રાચીન પરંપરા, ભારતની ભૂમિમાં અને પરંપરામાં વિકસેલાં અને નજરે નહીં પડતાં અમૂલ્ય રત્નો તે શોધી શોધીને દેશપ્રેમી જનતા સમક્ષ મૂકે છે. દેશપ્રેમી જનતા ગદગદ છે. તે લીમડાનું દાતણ કરવાની જગ્યાએ પતંજલિનાં ટૂથબ્રશ વાપરે છે, કારણ કે દેશપ્રેમી ઋષિએ તે બનાવ્યાં છે અને વેચે છે. ઋષિ ભગવાં કપડાં પહેરે છે, કારણ કે ભગવો રંગ પૂજાય છે, બાકી ઋષિ માત્ર દસ વરસમાં અબજો રૂપિયા કમાયા છે. દેશમાં જેટલી દૂઝણી ગાયો છે અને કૂલ મળીને જેટલું દૂધ આપે છે એના કરતાં વધુ તે ગાયનું સ્વાસ્થ્યવર્ધક ઘી વેચે છે. માત્ર ભારત નહીં, ભારતીય ઉપખંડમાં જેટલી ગાયો છે અને જેટલું દૂધ આપે છે એનાં કરતાં પણ વધુ માત્રામાં બાબા ગાયનું ઘી વેચે છે. આર્યાવર્ત ગાયો ખરી ને!
હદ તો ત્યારે જેવા મળી જ્યારે ૨૦૨૧માં કોવીડના બીજા અને ખતરનાક જુવાળ વખતે જ્યારે ઉત્તર ભારતમાં શબો નદીઓમાં વહેતાં હતાં અને સ્મશાનોમાં દહનક્રિયા માટે જગ્યા અને લાકડાં નહોતાં, ત્યારે બાબાએ દાવો કર્યો હતો કે તેમણે કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો છે. પત્રકાર પરિષદ બોલાવીને કેમેરાની સામે તેમણે દવા બતાવી હતી અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. પાછા એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાન પોતે એક એલોપથીની પ્રેક્ટીસ કરી ચૂકેલા તબીબ છે. બાબાએ તેમની હાજરીમાં પોતે પ્રાચીન આયુર્વિજ્ઞાનના આધારે દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો અને ઉપરથી પાશ્ચાત્ય ઉપચાર પદ્ધતિ (એલોપથી) પર અને ડોકટરો પર આકરા પ્રહાર કર્યા હતા. આરોગ્ય પ્રધાને ઈલાજ શોધી કાઢ્યો હોવાના બાબાના દાવા વિષે અને તેઓ જે ભણ્યા (એલોપથી) એની ઉપયોગિતા વિષે બાબાએ કરેલા પ્રહારો વિષે એક શબ્દ પણ બોલ્યા નહોતા.
કેમ કેન્દ્રના આરોગ્ય પ્રધાન બુદ્ધુ હતા? ના બુદ્ધુ નહોતા. બન્ને દેશપ્રેમી છે એટલા માટે. દેશપ્રેમીઓ એકબીજાના દેશપ્રેમના ખમીસની સફેદી વિષે પ્રશ્ન નથી ઊઠાવતા. જાહેરમાં જો એમ કરે તો દેશપ્રેમી પ્રજાના ઘેનમાં ખલેલ પડે. પાછળથી કદાચ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાને કહ્યું પણ હશે કે બાબા થોડા કમ ફેંકો તો અચ્છા હૈ! અને બાબાએ ફેંકવા વિષે વળતો જવાબ શું આપ્યો હશે? કલ્પના કરી જુઓ! દેશમાં લોકો મરી રહ્યા છે ત્યારે આરોગ્ય જેવી ગંભીર અને સંવેદનશીલ બાબતે દેશ સાથે અને પ્રજા સાથે છેતરપિંડી? પ્રાચીન વિદ્યા સાથે છેતરપિંડી? પતંજલિ, સુશ્રુત અને ચરકને બજારમાં વેચવા માટે ઊભા રાખી દીધા? અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં જે પોતે એક તબીબ છે? પૈસાની આવી ભૂખ? માટે સેમ્યુઅલ જોહન્સને કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. ધૂતારાઓ માટે દેશપ્રેમ ભાવતી વસ્તુ છે.
સર્વોચ્ચ અદાલત ત્રણ વરસથી બાબાની પાછળ છે અને બાબા હમસફર દેશપ્રેમઓની સહાયથી ક્યાં ય આગળ છે. છેવટે કંટાળીને મંગળવારે અદાલતે કહેવું પડ્યું કે હો ક્યા રહા રહા હૈ? સરકારને પૂછ્યું કે આ માણસ કોઇને ગાંઠતો કેમ નથી? એની આટલી બધી ગુસ્તાખી?
વાત એમ છે કે બાબા રામદેવ જેનો એલોપથી પાસે ઈલાજ નથી એવી બીમારીઓની દવાઓ ખોટા દાવાઓ કરીને વેચે છે. અખબારોમાં અને ટી.વી. પર જાહેરાત કરે છે. આની સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને અદાલતમાં કેસ કર્યૉં છે. માગણી એવી છે કે છે કે કાં દાવાને સિદ્ધ કરવામાં આવે અથવા પ્રજાને ગેરમાર્ગે દોરતી જાહેર ખબર આપવાનું બંધ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે વારંવાર બાબાને કહ્યું છે કે કાં દાવાને સિદ્ધ કરો કાં જાહેર ખબર બંધ કરો. બાબા બેમાંથી કાંઈ કરતા નથી. શું બગાડી લેવાની છે સર્વોચ્ચ અદાલત જ્યારે આપણું રાજ છે! અને હવે તો સર્વોચ્ચ અદાલતમાં પણ દેશપ્રેમીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું છે. ન રહે બાંસ ન રહે બાંસુરી.
દરમિયાન દેશપ્રેમી મૂરખરાજ, થોડો સમય ખમી જા. જો કોઈ નવાજૂની નહીં થઈ તો તને દેશપ્રેમની મીઠી નિંદરમાં ખલેલ પાડનાર કોઈ નહીં બચ્યું હોય!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ફેબ્રુઆરી 2024
![]()




ભારત આઝાદ થયું એ પછીનાં તરતનાં વર્ષોમાં એમ કહેવામાં આવતું હતું કે કેન્દ્રના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બનવું એટલે પોતાની રાજકીય કારકિર્દીની ઘોર ખોદવી. કોઈ પ્રધાન બનવા રાજી નહોતા થતા, ત્યારે કનૈયાલાલ મુનશીએ એ જવાબદારી સ્વીકારી હતી અને ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે દેશ ૧૯૫૨ના અંત સુધીમાં અન્નની બાબતમાં આત્મનિર્ભર બનશે. ફ્રીડમ ફ્રોમ ધ ફોરેન બ્રેડ એ રાજકીય આઝાદી કરતાં જરા ય ઓછું મહત્ત્વ નથી ધરાવતું એમ મુનશીએ ત્યારે કહ્યું હતું. તેમણે કૃષિ સંશોધન માટે સંસ્થા સ્થાપી. તેમણે વિદેશમાં જઇને કૃષિ અધ્યયન કરવા માટે સ્કોલરશીપ આપી. એમ.એસ. સ્વામીનાથન્ને પણ સ્કોલરશીપ મળી હતી. તેમણે અને તેમના અનુગામી કૃષિ પ્રધાનોએ દેશભરમાં જમીનની ઉત્પાદકતા અને તે કઈ ચીનના કૃષિ ઉત્પાદન માટે લાયક છે એનું સર્વેક્ષણ શરૂ કરાવ્યું હતું. જ્યાં ખેતી કરવામાં આવતી નહોતી એવી ખરાબ જમીનને કઈ રીતે ઉત્પાદક બનાવી શકાય એના ઉપાય શોધવાના પ્રયાસ આદર્યા હતા. રેશનીંગ અને ખુલ્લા માર્કેટની બાબતે તેમણે (મુનશીએ) ખુલ્લી નીતિ અપનાવી હતી અને ખેડૂતો સહિત દરેક પાસેથી સૂચનો માગવામાં આવતા હતા અને એ મુજબ નીતિમાં ફેરફાર કરવામાં આવતો હતો. વધારે કૃષિ ઉપજ માટે બિયારણમાં સંકર સહિતના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતા.
કનૈયાલાલ મુનશીએ સંકલ્પ કર્યો હતો એમ ૧૯૫૨ની સાલમાં તો ભારત અન્ન સ્વાવલંબી નહોતું થયું, પરંતુ તેમના અનુગામી પ્રધાનોએ એ સંકલ્પને પોતાનો ગણ્યો હતો, કારણ કે એ ભારત સરકારનો સંકલ્પ હતો, ભારતની પ્રજાનો સંકલ્પ હતો. આગળ જતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, ઠેક ઠેકાણે અન્નના પુરવઠા માટે ગોદામો બાંધવામાં આવ્યા હતા, અન્નની યાતાયાત માટે રેલવે સાથે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી, ગામેગામ રેશનીંગની દુકાનો ખોલવા માટે પરવાનાઓ આપવામાં આવ્યા અને એ રીતે અન્નના જાહેર વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવી. અને છેવટે ૧૯૬૭-૬૮ની સાલ સુધીમાં ભારત અન્ન સ્વાવલંબી બની ગયું. એનો શ્રેય ભારતનાં તમામ કૃષિ પ્રધાનો, વડા પ્રધાનો અને એમ.એસ. સ્વામીનાથન્ જેવા કૃષિ વિજ્ઞાનીઓને જાય છે.