એક રીતે જુઓ તો કૉન્ગ્રેસને બેઠી કરવા માટે આ સુવર્ણ અવસર છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પક્ષની ધુરાનું હસ્તાંતરણ ખાસ કોઈ વિરોધ વિના જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલટ જેવા યુવાનોની તરફેણમાં કરી શકે છે. સિંધિયા અને પાઇલટ કૉન્ગ્રેસને ફરી ધબકતી કરવાની ક્ષમતા ધરાવે છે
જે માર કૉન્ગ્રેસને પડ્યો છે એમાંથી એ બેઠી થઈ શકશે? રાહુલ ગાંધી કૉન્ગ્રેસને બેઠી કરી શકશે? રાહુલની જગ્યાએ પ્રિયંકાને લાવવામાં આવશે? કે પછી ગાંધી પરિવાર સામેથી કૉન્ગ્રેસને એના નસીબે છોડીને રાજકારણમાંથી હટી જશે? રાહુલ ગાંધી સામે ચાલીને ન હટે તો કૉન્ગ્રેસમાં બળવો થાય અને ગાંધી પરિવારે હટવું પડે એવી શક્યતા ખરી? અને છેલ્લે ધીરે-ધીરે વિભાજિત થતાં-થતાં કૉન્ગ્રેસનો અસ્ત થાય એવી શક્યતા ખરી?
૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૦૬ બેઠક મેળવનાર કૉન્ગ્રેસ કેવળ ૪૪ બેઠક સુધી નીચે ઊતરી જાય એવું કોઈએ ધાર્યું નહોતું. કૉન્ગ્રેસના ઇતિહાસમાં કૉન્ગ્રેસને મળેલી આ સૌથી ઓછી બેઠકો છે. કૉન્ગ્રેસને જેટલી બેઠકો મળી છે એનાથી વધુ તો BJPના સહયોગી પક્ષોને મળી છે. કૉન્ગ્રેસ માટે આ કારમો ઘા છે, પણ આશ્ચર્યની વાત એ છે કે કૉન્ગ્રેસના એક પણ નેતાએ આત્મનિરીક્ષણ કરનારી કે ભૂલ કબૂલ કરનારી ટિપ્પણી કરી નથી. ઔપચારિકતાના ભાગરૂપે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ આવીને ટૂંકું નિવેદન વાંચ્યું હતું જેમાં પરાજય માટે જવાબદારીનો સ્વીકાર કર્યો હતો અને પત્રકારો પ્રશ્નો પૂછે એ પહેલાં ત્યાંથી જતાં રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ પરાજયનાં કારણોની છણાવટ કરવી જોઈતી હતી.
પરાજયની છણાવટ અઘરી નથી, પણ ન પરવડનારી છે. કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી એવી સ્થિતિ ગાંધી પરિવાર અને ડૉ. મનમોહન સિંહ વચ્ચે, કૉન્ગ્રેસ અને સરકાર વચ્ચે, રાષ્ટ્રીય સલાહકાર સમિતિ અને સરકાર વચ્ચે અને સરકારની અંદર સુધ્ધાં હતી. ત્રણ વર્ષ સુધી આ વિરોધાભાસનો અંત આવ્યો નહોતો જેને પરિણામે સરકાર કામ કરતી અટકી ગઈ હતી. બીજું, રાહુલ ગાંધી હંમેશાં જવાબદારીથી દૂર ભાગતા રહ્યા છે. તેમને સત્તાના રાજકારણમાં રસ નથી એ એકથી વધુ વખત સાબિત થઈ ગયું છે એટલે જ તો સલમાન ખુરશીદે એક વાર રાહુલને ફિલ્મોમાં થોડા સમય માટે દેખાતા અને પછી ગાયબ થઈ જતા કૅમિયો સાથે સરખાવ્યા હતા. ત્રીજું, રાહુલ ગાંધીની કથની અને કરણીમાં વિસંગતિ હતી. જે કહેતા હતા એને સાકાર કરવા જદ્દોજહદ કરતા રાહુલને કોઈએ જોયા નથી. આમ રાહુલ ગાંધી વાસ્તવિકતાનો સામનો કરવાની સ્થિતિમાં નથી એટલે તેઓ એક વાક્યનું નિવેદન કરીને હટી ગયા હતા.
પ્રશ્ન એ છે કે કૉન્ગ્રેસનું હવે પછી શું થશે? એક રીતે જુઓ તો કૉન્ગ્રેસને બેઠી કરવા માટે આ સુવર્ણ અવસર છે. સત્તાવાંછુઓ ધીરે-ધીરે કૉન્ગ્રેસને છોડીને જતા રહેશે. કૉન્ગ્રેસને વફાદાર વૃદ્ધો હવે પછી એક દાયકો રાહ જોઈ શકે એમ નથી એટલે તેઓ કાં નિવૃત્ત થઈ જશે અને કાં નિષ્ક્રિય થઈ જશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પક્ષની ધુરાનું હસ્તાંતરણ ખાસ કોઈ વિરોધ વિના જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાઇલટ જેવા યુવાનોની તરફેણમાં કરી શકે છે. સિંધિયા અને પાઇલટ કૉન્ગ્રેસને ફરી ધબકતી કરવાની ક્ષમતા ધરાવે છે.
કૉન્ગ્રેસ અને BJP માટે ૧૯૮૪ અને ૨૦૧૪નાં વર્ષ યાદગાર રહેવાનાં. ૧૯૮૪માં BJPને લોકસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક મળી હતી અને કૉન્ગ્રેસને એના તેમ જ દેશના ઇતિહાસમાં સૌથી વધુ ૪૧૪ બેઠકો મળી હતી. બે બેઠક મળ્યા પછી BJPએ નિરાશ થયા વિના સફર જાળવી રાખી હતી અને આજે ૨૮૪ બેઠક સુધી પહોંચી શકી છે. કૉન્ગ્રેસ ૪૧૪ બેઠકો પરથી ૪૪ બેઠકો પર નીચે આવી છે. આમ છતાં ૪૪ બેઠકો BJPની બે બેઠકો કરતાં ઘણી વધુ છે. બીજી એક રાહતરૂપ હકીકત એ છે કે કુલ મતદાનમાં કૉન્ગ્રેસનો હિસ્સો આજે પણ માર પડ્યા પછી સુધ્ધાં ૨૩.૪ ટકા છે જે ૨૦૦૯ની તુલનામાં માત્ર પાંચ ટકા ઓછો છે. ૧૯૮૪માં કૉન્ગ્રેસના પૉપ્યુલર વોટ ૪૯.૦૧ ટકા અને BJPના પૉપ્યુલર વોટ માત્ર ૭.૭૪ ટકા હતા. આ ચૂંટણીમાં BJPને ૩૯.૯ ટકા પૉપ્યુલર વોટ મળ્યા છે. બે બેઠકથી ૨૭૨ બેઠક સુધી અને સાત ટકા વોટથી ૩૯ ટકા વોટ સુધી પહોંચતાં BJPને જેટલો સમય લાગ્યો અને જેટલી મહેનત કરવી પડી એટલી મહેનત કૉન્ગ્રેસને ૪૪ બેઠકથી ૨૭૨ બેઠક સુધી અને ૨૩ ટકાથી ૩૯ ટકા સુધી પહોંચતાં નહીં કરવી પડે. બીજું, અત્યારનો સમાજ એટલો અસ્વસ્થ છે કે એકના એક પક્ષ અને એકના એક શાસકો દાયકાઓ સુધી શાસન કરે એ દિવસો પૂરા થઈ ગયા છે.
પણ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કૉન્ગ્રેસ પરિવારમુક્ત બનશે. કૉન્ગ્રેસ પરિવારમુક્ત થઈ શકશે કે કેમ એ લાખ રૂપિયાનો સવાલ છે. પરિવાર સામે ચાલીને કૉન્ગ્રેસને પરિવારમુક્ત કરશે કે બળવા દ્વારા પરિવારમુક્ત થઈ શકે છે કે પછી ક્યારે ય નહીં થઈ શકે એ આવતાં એકાદ-બે વર્ષમાં સ્પક્ટ થઈ જશે. એટલું નક્કી છે કે જો કૉન્ગ્રેસ પરિવારમુક્ત નહીં થાય તો એ ફરી બેઠી થઈ શકે એવી શક્યતા ઓછી છે. ઊલટું, કૉન્ગ્રેસ વિભાજિત થતાં-થતાં સમાપ્ત થઈને ઇતિહાસ બની જશે.
મોદી પાસે બે રોલમૉડલ : રોનાલ્ડ રેગન અને ફ્રૅન્કલિન રુઝવેલ્ટ
ગયા વર્ષે ૨૩ જૂનના “મિડ-ડે”ના અંકમાં મેં મારી કૉલમમાં લખ્યું હતું : શું નરેન્દ્ર મોદી બે દાયકા વહેલા જન્મેલા કમનસીબ મધ્યમવર્ગીય હીરો છે કે પછી આવનારા યુગનો સંકેત આપનાર છડીદાર છે? જવાબ માટે એક વર્ષ રાહ જુઓ. એ પછી ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જ્યારે નરેન્દ્ર મોદીને BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે મેં ૧૫ સપ્ટેમ્બરના અંકમાં લખ્યું હતું : ૨૦૧૪માં જો નરેન્દ્ર મોદી પક્ષને ૧૮૦ બેઠક અપાવી શકે તો એને મોદીનો ભવ્ય વિજય કહેવો જોઈએ અને જો તેઓ BJPને સ્પષ્ટ બહુમતી અપાવી શકે તો નરેન્દ્ર મોદીને ગાંધીજી અને નેહરુ પછીના ત્રીજા મહાન લોકપ્રિય નેતા તરીકે સ્વીકારવામાં વાંધો ન હોવો જોઈએ.
મારા જ લેખોમાંથી આ બે અવતરણો અહીં સહેતુક ટાંક્યાં છે. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી ભારતીય સમાજ બદલાઈ રહ્યો છે એના સંકેતો મળવા લાગ્યા હતા. એક એવો નવમધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે જેને ઝડપી વિકાસ જોઈએ છે અને એને હવે પ્રાદેશિક, જ્ઞાતિકીય, વાંશિક, ભાષાકીય જેવી અસ્મિતાઓમાં રસ રહ્યો નથી. એક એવો મધ્યમવર્ગ જે હિન્દુત્વવાદી નથી તો હિન્દુત્વવિરોધી પણ નથી. એને હવે કોઈ જૂની વિચારધારાઓમાં અને વાદોમાં રસ રહ્યો નથી. એક એવો મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે જેને સામાજિક રીતે ઇન્ક્લુઝિવ (કોઈને પણ લાભ મળે એની સામે વાંધો નહીં ધરાવનાર) અને આર્થિક રીતે એક્સક્લુઝિવ (લાભમાં કોઈ વંચિત રહી જાય તો એની ચિંતા નહીં કરનાર) સમાજ સામે વાંધો નથી. આ વર્ગની સર્વસમાવેશકતાની વ્યાખ્યા રૂઢ સમજ કરતાં અલગ છે. કોઈ પ્રવેશી જાય તો વાંધો નથી, પણ પ્રવેશ નહીં પામી શકનારને ખાસ પ્રવેશ અપાવવામાં એને કોઈ રસ નથી. ટૂંકમાં, નવમધ્યમવર્ગ ઉદારમતવાદી સહિષ્ણુતા નથી ધરાવતો પણ સંઘર્ષ ટાળવા વ્યવહારવાદી વલણ ધરાવે છે.
પ્રશ્ન એ હતો કે આ ૧૯૯૧ પછી અસ્તિત્વમાં આવેલા નવમધ્યમવર્ગનું કદ કેટલું? એટલું તો ભળાતું હતું કે કેવળ આર્થિક વિકાસની ચિંતા કરનાર અને વિચારધારાઓ તેમ જ આદર્શોની બાબતમાં ઉદાસીન આ વર્ગ ખાસ્સો પ્રભાવી બની રહ્યો છે અને એક દિવસ એના ટેકાથી કેન્દ્રમાં જમણેરી અને બહુમતી કોમ આધારિત (રાઇટિસ્ટ ઍન્ડ મેજોરિટેરિયન) સરકાર રચાશે. સવાલ અત્યારે આવો સમય પાકી ગયો છે કે કેમ એનો જ હતો. મારી ધારણા આવી સ્થિતિ સર્જાવાને હજી બે દાયકાની વાર છે એવી હતી. માટે જ ગયા વર્ષના લેખમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો : શું નરેન્દ્ર મોદી બે દાયકા વહેલા જન્મેલા કમનસીબ મધ્યમવર્ગીય હીરો છે કે પછી આવનારા યુગનો સંકેત આપનાર છડીદાર છે? જવાબ માટે એક વર્ષ રાહ જુઓ. આજે જવાબ મળી ગયો છે. નરેન્દ્ર મોદી બદલાઈ રહેલા ભારતનો સંકેત આપનાર છડીદાર છે. કેન્દ્રમાં પહેલી વાર જમણેરી અને બહુમતી કોમ આધારિત સરકાર રચાઈ છે. નરેન્દ્ર મોદી નવા યુગના છડીદાર છે એટલે ભલે જુદી ધારાના પણ ગાંધીજી અને નેહરુ પછીના ત્રીજા લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થયા છે. લોકપ્રિયતામાં ઇન્દિરા ગાંધી પણ નરેન્દ્ર મોદીની બરાબરી ન કરી શકે. ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુનાં પુત્રી હતાં અને તેમને વારસામાં જે કૉન્ગ્રેસ મળી હતી એ મોદીને મળેલી BJP કરતાં મજબૂત હતી. નરેન્દ્ર મોદી સાથે ભારતીય રાજકારણમાં યુગપરિવર્તન થયું છે.
હવે આગળ શું? એક, તેઓ માર્ગરેટ થૅચર કે રોનાલ્ડ રેગન જેવું જમણેરી મેજોરિટેરિયન શાસન આપી શકે છે અને બીજું, જો તેઓ ધારે તો અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન રુઝવેલ્ટ જેવું નવયુગીન, ઉદારમતવાદી, બધાને સાથે લઈને ચાલનાર, ન્યાયી શાસન આપી શકે છે. ૧૯૩૨માં ફ્રૅન્કલિન રુઝવેલ્ટ અમેરિકાના ૩૨મા પ્રમુખ થયા ત્યારે અમેરિકન અર્થતંત્રની હાલત ભારતના અત્યારના અર્થતંત્ર કરતાં ય ખરાબ હતી. રુઝવેલ્ટે કોઈને અન્યાય કર્યા વિના અને કોઈનો પક્ષપાત કર્યા વિના અમેરિકાને બેઠું કર્યું હતું અને બીજા વિશ્વયુદ્ધમાં પણ માત્ર અમેરિકાને જ નહીં, મિત્રરાષ્ટ્રોને વિજય અપાવ્યો હતો. રુઝવેલ્ટ મંદી પછીના અને બીજા વિશ્વયુદ્ધ પછીના તાકાતવાન અમેરિકાના જનક છે અને એ જાદુ તેમણે ન્યુ ડીલ દ્વારા કર્યો હતો. નરેન્દ્ર મોદી ૨૧મી સદીના ભારત માટે ન્યુ ડીલ આપી શકે છે. બીજું, નરેન્દ્ર મોદી આ કરી શકે છે. તેઓ સંભાવનાઓના માણસ છે. તેમણે જે રીતે અને જે પ્રમાણમાં પોતાની ઇમેજ બદલી છે અને સ્વીકાર્યતા મેળવી છે એ જોતાં તેઓ આ દેશને ન્યુ ડીલ પણ આપી શકે છે. તેમની શક્તિ અને લક્ષપ્રાપ્તિ માટેની ઉત્કટતા અદ્ભુત છે.
છેલ્લે એક ચેતવણી આપવી જરૂરી છે. જે નવમધ્યમવર્ગે નરેન્દ્ર મોદીને દિલ્હી પહોંચાડ્યા એ વર્ગ પર ભરોસો મૂકવા જેવું નથી. આ અધીરો અને અજંપાગ્રસ્ત મધ્યમવર્ગ ૨૦૦૯માં કૉન્ગ્રેસ સાથે હતો, ૨૦૧૧માં અણ્ણા હઝારે સાથે હતો, ૨૦૧૩માં નરેન્દ્ર મોદી સાથે થઈ ગયો; પણ વળી દિલ્હીની ચૂંટણીનાં પરિણામો પછી થોડો સમય અરવિંદ કેજરીવાલ સાથે પણ ફ્લર્ટ કર્યું હતું અને હવે નરેન્દ્ર મોદી સાથે છે. આનું કારણ એ નથી કે એ બેવફા છે. આનું કારણ એ છે કે એને હવે નક્કર અને ઝડપી પરિવર્તન જોઈએ છે. તેઓ ઠાલાં વચનોથી છેતરવા માગતા નથી.
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-18052014-19
સૌજન્ય : લેખકની ‘નો નૉન્સેન્સ’ કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 મે 2014