સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા?
ભારત સરકારના ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી હતી કે રાષ્ટ્રગીત ગાવાની બાબતે સ્પષ્ટ અને કડક આદેશ આપવો જોઈએ અને એની શરૂઆત સ્કૂલોથી થવી જોઈએ, કારણ કે ભારતના પ્રત્યેક નાગરિકને દેશપ્રેમના સંસ્કાર આપવા જરૂરી છે. તેમણે એવી પણ માગણી કરી હતી કે કેરળની સ્કૂલમાં ભણતી યહૂદી બાળાઓએ ચાર દાયકા પહેલાં રાષ્ટ્રગીતના ફરજિયાતપણાને પડકાર્યો હતો અને સર્વોચ્ચ અદાલતે એ સમયે એ વિદ્યાર્થિનીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો એ પણ રિવ્યુ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ઇમૅન્યુઅલ સિસ્ટર્સની પિટિશન સર્વોચ્ચ અદાલતમાં બે જજોની બેન્ચે સાંભળી હતી અને ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાને રિવ્યુ કરવો હોય તો ત્રણ જજોની બેન્ચ રચવી પડે. આ બાબતે શું કરવું એ હવે પછીની સુનાવણી વખતે વિચારવામાં આવશે. ઇમૅન્યુઅલ સિસ્ટર્સની શું દલીલ હતી અને સર્વોચ્ચ અદાલતે શું ચુકાદો આપ્યો હતો એ વિશે હું આ કૉલમમાં લખી ચૂક્યો છે એટલે એની ફરી વાત કરવાની જરૂર નથી.
સારી વાત છે, દેશપ્રેમના સંસ્કાર તો બાળપણથી આપવા જોઈએ; પરંતુ સવાલ એ છે કે એ શું કાયદાથી થશે? નરવી રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં આપણે એટલા બધા નિષ્ફળ નીવડ્યા છીએ કે હવે આપણને કાયદાની જરૂર પડવા લાગી છે? કુટુંબભાવના પેદા કરવા માટે માતૃપ્રેમ કે ભાતૃપ્રેમ નિતાંત આવશ્યક છે એટલે શું એના માટે પણ કાયદા ઘડીશું? ઍટર્ની જનરલ કક્ષાની વ્યક્તિ કાયદાની ભૂમિકા, પ્રાસંગિકતા અને મર્યાદા ન જાણતી હોય એ તો કમાલ જ કહેવાય. સરકારની નોકરી છે એટલે સરકારને ગમે એવી દલીલો કરવી પડે. બાકી મામૂલી વકીલ પણ જાણે છે કે કાયદાઓથી દેશ કે સમાજ બદલતો નથી. જો કાયદાઓથી સમાજ બદલતો હોત તો દેશ આજે ભ્રષ્ટાચારમુક્ત હોવો જોઈતો હતો.
માનવીય સમાજમાં જે ન કરવાનું હોય એ કરવામાં આવે એને રોકવા માટે કાયદા હોય, જે કરવાનું અપેક્ષિત છે એ કરવા માટે કાયદાઓ ઘડવામાં આવતા નથી. આ સાદી સમજ ધરાવનાર પણ જાણે છે. કોઈ પ્રત્યે અસ્પૃશ્યતાનો વહેવાર કરવો એ માનવીય સમાજમાં ન કરવા જેવું કામ છે એટલે એને રોકવા માટે કાયદો છે, જોઈ ન શકતો કોઈ માણસ રસ્તો ક્રૉસ કરતો હોય તો તેનું બાવડું પકડવું પડશે એવો આદેશ આપનારો કાયદો ન હોય.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, ભારત સરકારની, ભારત સરકારના ઍટર્ની જનરલની અને બાકીના તમામ દેશભક્તોનું મારે એક હકીકત તરફ ધ્યાન ખેંચવું છે. આઝાદી પહેલાં ૧૯મી અને ૨૦મી સદીમાં બાળકો પારણામાં જ ડરતાં શીખીને મોટા થતાં હતાં. એ પછી સ્કૂલોમાં લૉન્ગ લિવ ધ કિંગનું ગાન કરીને બ્રિટિશ સામþાજ્ય પરત્વે વફાદારી વ્યક્ત કરીને એ પેઢી મોટી થઈ હતી. પારણાથી લઈને મૃત્યુ સુધી સ્વદેશપ્રેમનો પાઠ ભણાવે એવો ભાગ્યે જ કોઈ અવસર તેમના જીવનમાં આવતો હતો અને એ છતાં આપણા કરતાં સવાયા અને સાચા દેશભક્તો એ યુગે પેદા કર્યા હતા. સ્કૂલોમાં રાષ્ટ્રગીત ગાયા વિના, સિનેમાઘરોમાં ઊભા થઈને રાષ્ટ્રગીતને આદર આપ્યા વિના, ધ્વજને સલામી આપ્યા વિના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગયા વિના આટલી મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ક્યાંથી પેદા થયા હતા? સ્કૂલોમાં તો લૉન્ગ લિવ ધ કિંગનું ગીત ગાવું ફરજિયાત હતું.
તો આનો અર્થ એ થયો કે દેશપ્રેમને કાયદાકીય આદેશો સાથે કોઈ સંબંધ નથી. દેશપ્રેમ કાયદાકીય સર્જન હોઈ જ ન શકે. લૉન્ગ લિવ ધ કિંગ ગાવું એ કાયદાકીય આદેશ હતો અને એ છતાં આપણે પોતે અંગ્રેજો સામે લડીને આઝાદી મેળવી હતી. આનાથી ઊલટું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઇતિહાસ જુઓ. આઝાદીની એક પણ લડતમાં એના સ્વયંસેવકોએ ભાગ લીધો નહોતો કે સંઘે કોઈ લડત લડી નહોતી. સંઘ સાથે સંકળાયેલા એવા એક પણ સ્વયંસેવકનું નામ બતાવો જેણે આઝાદીની લડતમાં મર્દાનગીનું પ્રદર્શન કર્યું હોય. દેશભક્તિના પાઠ તો રોજ શાખાઓમાં ભણાવવામાં આવે છે, પરંતુ જ્યારે જાન ન્યોછાવર કરી દે એવા દેશભક્તોની દેશને જરૂર હતી ત્યારે સંઘનું ખાતું કોરું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં તૈયાર થયેલા સ્વયંસેવકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ સ્વચ્છ છે?
ટૂંકમાં, શાખાઓમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, સ્કૂલોમાં દેશપ્રેમીઓ પેદા થતા નથી, કાયદાથી તો મુદ્દલ થતા નથી તો પછી દેશપ્રેમના સંસ્કાર નાગરિકો સુધી પહોંચાડવા કઈ રીતે? મારો ઉત્તર એવો છે કે દેશપ્રેમ કરતાં પણ વધુ વ્યાપક માનવીય પ્રેમના સંસ્કાર જો આપવામાં આવે તો એવો નાગરિક દેશને પ્રેમ કરતાં શીખશે, માનવીને પ્રેમ કરતાં શીખશે, બીજાના ધર્મને આદર આપતાં શીખશે, સ્ત્રીનું સન્માન કરતાં શીખશે, બીજાની સ્વતંત્રતાનો આદર કરતાં શીખશે વગેરે એમાં ઑલ ઇન વન આવી જશે. માનવીય પ્રેમ ર્નિવિરોધી છે, જ્યારે દેશપ્રેમમાં તો હજીયે વિરોધ છે. એટલે વિનોબા ભાવેને અનુસરીને હું જય જગતમાં માનું છું.
૧૯મી અને ૨૦મી સદીમાં મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ કેમ પાક્યા હતા એ જાણો છો? કારણ કે સંસ્થાનવાદી શોષણ અને ગુલામીના એ યુગમાં જગતમાં જે ખોજ શરૂ થઈ હતી એ માનવીય ગરિમાપૂર્ણ ન્યાયી સમાજની ખોજ હતી. ૧૯મી સદીના વિમર્શનો મુખ્ય વિષય માનવીય મૂલ્યો અને ગરિમા હતો. ગુલામીથી મુક્તિ એનું આડ પરિણામ હતું. એટલે તો સવર્ણો જ્યારે રાજકીય આઝાદીને મહત્ત્વ આપતા હતા ત્યારે શૂદ્રોએ કાન આમળીને કહ્યું હતું કે તમારા સમાજની અંદર ગુલામીનાં બીજાં સ્વરૂપો પણ છે એટલે એક નજર એના તરફ પણ કરો. આ હકીકત જ સાબિત કરે છે કે ખોજ અને જદ્દોજહદની આખી પ્રક્રિયા માનવમુક્તિ માટેની હતી, દેશની મુક્તિ તો એનું આડપરિણામ હતું. એ યુગમાં દેશપ્રેમીઓ આવા નિર્વિરોધ વાતાવરણમાં પેદા થયા હતા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 ફેબ્રુઆરી 2017