એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે.
આપણે જોયું કે આઝાદી પછી કૉન્ગ્રેસને ગાંધીજીએ વિકસાવેલી ઇન્દ્રધનુષી એકતાનો લાભ મળ્યો હતો, અને પાંચ પાંચ દાયકા સુધી એકચક્રી શાસન કર્યું હતું. બીજી બાજુ ગાંધીજીને કારણે જમીનદોસ્ત થઈ ગયેલાઓએ ધીરે-ધીરે પોતાની જગ્યા બનાવવાની હતી. કૉન્ગ્રેસ ગાંધીજીના ખભા પર બેઠી હતી એટલે એની ગુસ્તાખીનો કોઈ પાર નહોતો તો બીજી બાજુ ગાંધીજીના અનાગ્રહી એકત્વનો વિરોધ કરનારા પક્ષો ગાંધીજીના પગ નીચે કચડાયેલા હતા, એટલે તેમની ગાંધીજી પરત્વેની અસૂયાનો પણ પાર નહોતો. આઝાદી પછી બે અંતિમેથી સ્પેસ મેળવવાની બે યાત્રા શરૂ થાય છે.
આઝાદી પછી ત્રીજા પક્ષકાર તરીકે અંગ્રેજોએ વિદાય લીધી અને ત્રીજા પક્ષકારની જગ્યા સંસદભવને (રાજ્યોમાં વિધાનભવનોએ) લીધી. અંગ્રેજોથી ઊલટું આ ત્રીજો પક્ષકાર સ્વયંસંચાલિત છે. એ પોતે કાંઈ જ કરતું નથી. એ માત્ર એટલું કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે અને બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે જે ચૂંટાઈ શકે એ આવે. કોઈ પક્ષપાત નહીં, કોઈ સમજૂતી નહીં, કોઈ કોટા નહીં, કોઈ કરાર નહીં. સંખ્યા બતાવો અને જગ્યા મેળવો. જેને અહીં પ્રવેશ મળશે એને જ સત્તા મળશે એ દેખીતી વાત છે. અંગ્રેજો આપનારા હતા એટલે ભારતીય પ્રજાને આપસમાં લડાવતા હતા અને સંસદભવન માત્ર ૫૪૩ લોકપ્રતિનિધિઓને સમાવે છે એટલે પ્રવેશ મેળવવા ઈચ્છનારાઓ વગર કહ્યે આપસમાં ઝઘડે છે.
આઝાદ ભરતના સ્વરૂપ (આઈડિયા ઓફ ઇન્ડિયા) વિષે જે લોકોએ કલ્પના કરી હતી તેમને જાણ હતી કે આવું બનશે. આમાં ભારતે વળી સંસદીય લોકતંત્રનો ઢાંચો અપનાવ્યો એટલે આવું બનવાની શક્યતા વધી ગઈ હતી. એક તો અભણ ગરીબ પ્રજા, નાગરિકધર્મનું ભાન નહીં, એમાં પાછી સેંકડો ઓળખોમાં આપસમાં વહેંચાયેલી, આપસમાં ઝઘડનારી અને એકબીજાના ઈરાદા વિષે શંકા કરનારી, એક ભાષા અને એક ધર્મ વિનાની, કહો કે પરચૂરણની થેલી. એક બાધો રૂપિયો ન મળે, પરચૂરણ જ પરચૂરણ. ૧૯૫૨માં પહેલીવાર લોકસભાની અને પ્રાંતોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે પશ્ચિમના દેશોને એમ લાગતું હતું કે આ ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી હશે. કમસેકમ પ્રમુખશાહી અપનાવી હોત તો પણ વાંધો નહોતો, આ તો રગટાંટિયાએ સંસદીય લોકતંત્રની પહેલવાની બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે ધૂળ ચાટતો થઈ જશે.
પશ્ચિમના લોકો અને વિદ્વાનો આવું એટલા માટે મનાતા હતા કે તેમની રાષ્ટ્રની કલ્પના અને રાષ્ટ્રનિર્માણનો અનુભવ એમ કહેતો હતો કે સાવ પરચૂરણથી લોકતંત્ર ન ચાલે. કમસેકમ બે-ચાર બાધા રૂપિયા તો જોઈએ જ અને જો એક જ બાધો રૂપિયો હોય તો એના જેવું કાંઈ જ નહીં. પશ્ચિમી રાષ્ટ્રવાદથી પ્રભાવિત કેટલાક લોકો આપણે ત્યાં પણ હતા અને તેમને પણ એમ લાગતું હતું કે સાવ પરચૂરણથી નહીં ચાલે, એક બાધો રૂપિયો તો જોઈએ જ અને એ રૂપિયો ભારતમાં હિન્દુ ધર્મ જ બની શકે. કેટલાક દેશોમાં ભાષાને પણ રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે જોવામાં આવે છે. બંગલાદેશ આનું ઉદાહરણ છે. બંગાળી રાષ્ટ્રવાદના નામે તે પાકિસ્તાનથી અલગ થયું હતું અને અત્યારે ત્યાં બંગાળી રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ઝઘડો ચાલે છે. આને પરિણામે બંગાળી રાષ્ટ્રવાદીઓ બિહારી મુસલમાનોને સતાવે છે, કારણ કે તેઓ બંગાળી નથી અને ઇસ્લામિક રાષ્ટ્રવાદીઓ હિન્દુ અને બૌદ્ધ ચક્માઓને સતાવે છે, કારણ કે તેઓ મુસલમાન નથી.
ટૂંકી ઓળખો બાજુએ મૂકીને માણસ બનવું એ બહુ મોટો તકાદો છે અને આધુનિક સભ્ય ભારતની કલ્પના કરનારાઓએ એ જોખમ ખેડ્યું હતું. એક તો પરચૂરણની થેલી અને એમાં સંસદીય લોકતંત્ર. ક્યાંથી આવ્યો આ આત્મવિશ્વાસ? કોણે આપ્યો આવો આત્મવિશ્વાસ? ઉત્તર માત્ર અને માત્ર એક જ છે : મોહનદાસ કરમચંદ ગાંધી. વિશ્વવંદ્ય મહાત્મા. તેમણે ભારતની પ્રજાને શીખવાડ્યું કે તાકાત બાધા રૂપિયામાં છે એ કલ્પના જ ખોટી છે, પરચૂરણ પોતે એક તાકાત છે જો આત્મવિશ્વાસ અને અનાગ્રહ હોય તો. આપણે પરચૂરણ છીએ એટલે શરમાવાની કોઈ જરૂર નથી અને એમાંથી બાધો રૂપિયો પેદા કરવાની પણ કોઈ જરૂર નથી. દિમાગમાં જે લઘુતાગ્રંથિ છે એને ફગાવી દો.
એટલે તો ભારતનું વિભાજન થયું હતું અને હિંદુઓ અને મુસલમાનો એકબીજાનું લોહી વહાવી રહ્યા હતા ત્યારે ભારતની બંધારણસભાએ જરા પણ વિચલિત થયા વિના માનવસભ્યતાને એક અનોખા ગ્રન્થની નવાજેશ કરી જેનું નામ હતું : ભારતનું બંધારણ. એને બાયબલ અને કુરાનની જેમ ‘ધ બૂક’ કહી શકાય. એ માનવીય સમાજની રચના કરવાનો માનવતાવાદી દસ્તાવેજ છે, જે ભારતે વિશ્વસમાજને ભેટ આપ્યો છે. એ દિવસો અને એ સ્થિતિની કલ્પના કરો તો કબૂલ કરવું પડે કે આવું માત્ર અને માત્ર ભારતમાં જ બની શકે. અસ્મિતાઓના ઉદધિ (સમુદ્ર) સમાન ભારતમાં જ બની શકે. ગાંધીના ભારતમાં આવું બની શકે જેમણે પરચૂરણ હોવાની લઘુતાગ્રંથિ દૂર કરી હતી, બલકે ગૌરવભાન વિકસાવ્યું હતું. ભારતની પ્રજામાં તેમણે ભારતીય હોવાપણાનો ક્યારે ય જોવા નહોતો મળ્યો એટલો આત્મવિશ્વાસ પેદા કરી આપ્યો હતો.
એવું નથી કે ભારત બાધો રૂપિયો હતો અને પરચૂરણમાં ફેરવાઈ ગયો, ભારત પરચૂરણની થેલી જેવો જ દેશ પહેલેથી હતો અને છતાં હજારો વરસથી ટકી રહ્યો છે. જગતની અનેક સભ્યતાઓ આથમી ગઈ છે; પરંતુ ભારતીય સભ્યતા કાયમ છે, પરચૂરણ હોવા છતાં. સ્વાભાવિકપણે હિન્દુ રાષ્ટ્રવાદીઓએ બીજા અંતિમે જઇને ભારતના ઇતિહાસમાં શીર્ષાસન કરવું પડે છે. તેઓ એમ કહે છે કે ભારત બાધો રૂપિયો જ હતો, પરંતુ વિદેશી આક્રમણકારોએ બાધા રૂપિયાને તોડીને પરચૂરણમાં ફેરવી નાખ્યો. તેમણે પશ્ચિમમાંથી રાષ્ટ્રવાદ ઉછીનો લીધો છે એટલે હિન્દુ ધર્મને ભારતીય રાષ્ટ્રવાદના પાયાના પથ્થર તરીકે કે બાધા રૂપિયા તરીકે પ્રતિષ્ઠિત કરવો જરૂરી છે. હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે તેઓ શા માટે ઇતિહાસના વિદ્યાર્થી પર નિર્મમપણે બળાત્કાર કરી રહ્યા છે?
તો ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે બે અંતિમો હતા. ભારત એક પરચૂરણ અસ્મિતાઓનો દેશ છે એ વાસ્તવિકતાનો સ્વીકાર. માત્ર સ્વીકાર નહીં એ વાતનું ગૌરવ. પરચૂરણનો દરેક દોકડો અનાગ્રહી હોય તો ચિંતા કરવાની જરૂર જ નથી. વળી ભારતનું બંધારણ જ એવું ઘડવામાં આવ્યું હતું જેમાં પરચૂરણના દરેક દોકડા સંતુલન જાળવવાનું કામ કરતા હોય. બીજા અંતિમે હિન્દુ રાષ્ટ્રવાદીઓ હતા જેઓ હિન્દુ ધર્મને બાધા રૂપિયા તરીકે સ્થાપિત કરવા માગતા હતા. ગાંધીજીનો રાષ્ટ્રવાદ અનાગ્રહી છે, જ્યારે હિન્દુત્વવાદીઓનો રાષ્ટ્રવાદ આગ્રહી છે. તેમને એક વાત સમજાઈ ગઈ હતી કે જ્યાં સુધી ગાંધી અને ગાંધીવિચારનો કાંટો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ભારતમાં ફાવવાના નથી. ભારતમાં હિન્દુઓ સર્વોપરિ હોવા જોઈએ એવી તેમની શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરતી નથી અને ગાંધીજીની હિન્દુની જગ્યાએ માનવી બનવાની દલીલ સરેરાશ હિન્દુને ગળે ઊતરે છે.
આ માણસે આઝાદીની લડતને પ્રભાવિત કરી, ભારતીય પ્રજાનું માનસ બદલી નાખ્યું, કૉન્ગ્રેસનું કલેવર બદલી નાખ્યું, ભારતીય રાજકારણનો ચહેરો બદલી નાખ્યો, તેમની કલ્પનાનું ભારત બંધારણમાં દસ્તાવેજ થયું, તેમની કલ્પનાનું ભારત એક રાજ્ય તરીકે આકાર પામ્યું, ભારત કોમી વિભાજનનો આઘાત પચાવી ગયું, કૉન્ગ્રેસને ઇન્દ્રધનુષી એકતા(રેઈનબો કોએલિશન)નો લાભ અપાવ્યો આ બધું માત્ર અને માત્ર એક માણસને કારણે થયું છે, એટલે તેનો કાંટો કાઢવો જરૂરી છે. ૧૯૪૮માં તેમની હત્યા કરવામાં આવી અને ૧૯૨૫થી ચારિત્ર્યહનન કરવામાં આવી રહ્યું છે. તેમના વિષે જેટલા જૂઠાણાંઓ પેદા કરવામાં આવ્યાં છે અને વહેતાં કરવામાં આવ્યાં છે એટલા આ સંસારમાં બીજા કોઈ માણસ વિષે કરવામાં આવ્યાં નથી. ટાર્ગેટ ગાંધી છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનું ભારત છે. ટાર્ગેટ ગાંધીની કલ્પનાનો દસ્તાવેજ અર્થાત્ બંધારણ છે અને ટાર્ગેટ હિન્દુની જગ્યાએ ભારતીય અસ્મિતાનો સ્વીકાર કરનારી ભારતની પરચૂરણ અસ્મિતાઓ છે. જ્યાં સુધી ગાંધીને મારવામાં નહીં આવે ત્યાં સુધી હિન્દુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી એ તેઓ જાણે છે.
પ્રારંભમાં ઉપસ્થિત કરેલો સવાલ હજુ અનુત્તરિત છે. શા માટે ભારતે સંસદીય લોકશાહી અપનાવવાનું જોખમ લીધું? એક પણ બાધો રૂપિયો ન હોય એવું પરચૂરણ લોકશાહી અપનાવે અને એ પણ સંસદીય લોકશાહી? સંસદ કહે છે કે મારી પાસે ૫૪૩ બેઠકો છે, બહાર ૫૪૩ મતદારક્ષેત્રો છે, જાવ ચૂંટાઈ આવો અને સંખ્યા બતાવીને પ્રવેશ મેળવો. સંસદીય લોકશાહીમાં સત્તાનો રસ્તો સંસદથી જાય છે એટલે લોકસભામાં પ્રવેશવા માટે હરીફાઇ થાય એ સ્વાભાવિક છે. હરીફાઈ વિભાજનો પેદા કરે છે અને ભારત જેવા પચરંગી સમાજમાં સામાજિક વિભાજનો પેદા કરવા તો વળી વધુ સહેલું છે. એવું નથી કે બંધારણ ઘડનારાઓને આ બધી વાતની જાણ નહોતી. જોખમોની તેમને કલ્પના હતી અને એ છતાં સંસદીય લોકશાહી પસંદ કરવામાં આવી હતી.
ભારતીય સમાજ અનેક પ્રકારના તાણાવાણાઓનો બનેલો છે. એ સમાજમાંથી જો ભારતીય રાષ્ટ્ર વિકસાવવું હોય તો એ તાણાવાણાઓ એકબીજાના સંપર્કમાં અને એકબીજાની નજીક આવે એ જરૂરી છે. તેમની વચ્ચે ક્વચિત હરીફાઈ થશે, સંઘર્ષ થશે, મારામારી થશે પણ એ છતાં તેઓ જોડાયેલા રહે એ જરૂરી છે. તેઓ પોતે જ લડી આખડીને સહઅસ્તિત્વ માટેની ભૂમિકા રચી કાઢશે. એટલે તો ગાંધીજીએ ૧૯૩૨માં હરિજનો માટેના અલગ મતદારસંઘનો વિરોધ કર્યો હતો. મજિયારા મતદાર ક્ષેત્રમાં હરિજનો અને સવર્ણો નાગરિક તરીકે એક સાથે મતદાન કરશે અને એક જ ઉમેદવારને ચૂંટશે ત્યારે ભારતીય રાષ્ટ્ર આકાર પામશે. જો ડૉ. આંબેડકરની માગણી માન્ય રાખવામાં આવી હોત, તો ભારતના સૌથી મોટા રાજ્યમાં દલિત સ્ત્રી (માયાવતી) મુખ્ય પ્રધાન ન બની શકી હોત. ટૂંકમાં દરેક તાણાવાણાને હરીફાઈ અને સ્વાર્થજન્ય લડાઈ ઝઘડા છતાં નજીક-નજીક રાખવાનો આ રાષ્ટ્રીય યજ્ઞ છે. પ્રમુખશાહી કરતાં સંસદીય લોકશાહીમાં તાણાવાણા નજીક આવે અને પોત રચાય એવી સંભવના વધુ છે. બીજું, પચરંગી સમાજમાં સંસદીય લોકશાહી વધુ સંતુલન પેદા કરે છે.
એ જોખમ હતું અને ગણતરીપૂર્વક ઉઠાવવામાં આવેલું જોખમ હતું. આપણે અત્યારે સંસદીય લોકશાહીની હંગામી કિંમત ચૂકવી રહ્યા છીએ. એ હંગામી હશે એની મને શ્રદ્ધા છે. દરેક પજા ઓળખના આધારે સંગઠિત થઈ રહી છે અને રાજકીય-આર્થિક વર્ચસ સ્થાપિત કરવા આપસમાં ઝઘડી રહી છે. હિન્દુત્વવાદીઓની જેમ તેમને પણ ગાંધીજી નડે છે કારણ કે તેઓ પટેલને પટેલ બનવા નથી દેતા અને મરાઠાને મરાઠા બનવા નથી દેતા. પરચૂરણનો દરેક દોકડો પોતાને બાંધેલા રૂપિયા તરીકે પ્રસ્થાપિત કરવા મથે છે અને ગાંધીજી કહે છે કે પરચૂરણની આખી થેલી સાથે ન હોય તો દોકડાની કિંમત દોકડાની પણ નથી. આમ ગાંધીજીને ગાળો આપવામાં તે પણ અગ્રેસર છે. ગાંધીજીએ અમારા માટે શું કર્યું અથવા તો અમને તો અન્યાય કર્યો વગેરે. આને કારણે તેઓ હિન્દુત્વવાદીઓનું ગાંધીજી સામેનું ઝેર સાચું માનીને અપનાવી લે છે.
આ સંસદીય લોકશાહીની હંગામી કિંમત છે. જો કૉન્ગ્રેસે વિવિધ સમાજની અંદર પેદા થવા લાગેલી અસ્મિતાઓની સભાનતા અને તેમની વચ્ચેની હરીફાઈઓને રાષ્ટ્રીય હિતમાં દૂરંદેશી વાપરીને હાથ ધરી હોત, તો આજે ભારતનો અને કૉન્ગ્રેસનો ઇતિહાસ જુદો હોત. કૉન્ગ્રેસે સત્તાના રાજકારણમાં અસ્મિતાકીય સંઘર્ષોનો ઉપયોગ કર્યો હોત. સંખ્યાની ગણતરીઓ માંડીને કૉન્ગ્રેસે સમાજ વિભાજક રાજકારણ કરવા માંડ્યું હતું. ગાંધીજી જે શીખવાડીને ગયા હતા એનાથી તદ્દન બીજા અંતિમે. પરિણામ એ આવ્યું કે ત્યારે કૉન્ગ્રેસ બધાની હતી અને આજે કૉન્ગ્રેસ કોઈની નથી.
બીજી ભૂલ શિક્ષણના ક્ષેત્રે થઈ છે. શિક્ષણના વિસ્તારની સાથે જે તે સમાજના લોકોમાં પોતાના વિશેની ઓળખ અને અસ્મિતાભાન વિકસ્યું છે. એની સાથે સંસદીય લોકશાહીના કારણે તેમને તેમની સંખ્યાની તાકાત સમજાઈ છે. આ તો થવાનું જ હતું, પરંતુ તેની સાથે નાગરિકભાન પણ વિકસવું જોઈતું હતું. આપણે પહેલાં માણસ છીએ, એ પછી ભારતના નાગરિક છીએ અને એ પછી બીજા જે કોઈ હોઈએ તે છીએ. આપણું શિક્ષણ આ મૂલ્યભાન વિકસાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.
છેક ૧૯૫૫માં વોટ બેંક નામનો શબ્દ પ્રયોગ જાણીતા સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે ઉપયોગમાં લીધો હતો. વોટ બેંક શબ્દપ્રયોગના જનક એમ.એન. શ્રીનિવાસ છે. માયસોરમાં જન્મેલા શ્રીનિવાસે માયસોર યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા માટે ૧૯૪૦માં કર્ણાટકના કૂર્ગ પ્રદેશના વસતી કોડાવા નામની જાતિ-પ્રજાતિનો અભ્યાસ કર્યો હતો. એ પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીની પી.એચડી.ની ડિગ્રી મેળવવા તેમણે એ જ પ્રદેશના કોડાવા પ્રજાનો ફરી એકવાર સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. ૧૯૪૦ અને ૧૯૫૫માં પડેલા ફરક વિષે શ્રીનિવાસ લખે છે કે એ ગ્રામીણ પ્રજા વોટ બેંકમાં ફેરવાઈ રહી છે. કોડાવા હોવાપણાનું, સંખ્યાનું અને વટાવી શકાય એવી વોટ બેંકની સભાનતા તેમનામાં વિકસવા લાગી છે. આ ૧૯૫૫નું નિરીક્ષણ છે, પહેલી સામાન્ય ચૂંટણી પછી તરતનું.
બીજો અભ્યાસ ૧૯૬૧માં જાણીતા સમાજશાસ્ત્રી રજની કોઠારીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંસદીય લોકશાહી સમાજમાં વિભાજનો પેદા કરી રહી છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. ૧૯૬૪માં તેમણે એક સમાજને બીજા સામે વાપરનારા સંખ્યાના સોગઠા બેસાડવાના કૉન્ગ્રેસના રાજકારણને ‘કૉન્ગ્રેસ સિસ્ટમ’ તરીકે ઓળખાવ્યું હતું. ત્યાં સુધીમાં ત્રણ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી હતી અને કૉન્ગ્રેસ સિસ્ટમ રાષ્ટ્રીય સિસ્ટમ બની ગઈ હતી.
ગાંધીજીનું પુણ્ય કૉન્ગ્રેસની સાથે હતું, એટલે પાંચ દાયકા એકચક્રી શાસન કર્યું. પાંચ દાયકામાં એ પુણ્ય ખર્ચાઈ ગયું અને સત્તા ખાતર સમાજવિભાજનોનું પાપ બાંધતી ગઈ એનું પરિણામ આજે કૉન્ગ્રેસ ભોગવી રહી છે. હિન્દુત્વવાદીઓએ આજે જે જગ્યા મેળવી છે એમાં જૂઠાણાંઓ અને કુપ્રચારનો જેટલો ફાળો છે એના કરતાં કૉન્ગ્રેસના પાપનો ફાળો મોટો છે.
એક હકીકત ગાંઠે બાંધી લો: બહુમતી હિન્દુ રાષ્ટ્ર એટલે ફાસીવાદી રાષ્ટ્ર. ભારતની પાંચ કે દસ હજાર વરસની સહઅસ્તિત્વની પરંપરાનો અસ્વીકાર. શુદ્ધ ભારતીયતાનો અસ્વીકાર અને આયાતી રાષ્ટ્રવાદનો સ્વીકાર. જો આજે આ વાત નહીં સમજાય તો આવતીકાલે કિમંત ચૂકવ્યા પછી એ સમજાશે. સમજાશે તો ખરું જ.
(સમાપ્ત)
સૌજન્ય : ‘નો નોનસેન્સ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 સપ્ટેમ્બર 2018