મૂળમાં રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી એ મોદી સરકાર બજેટના ભાગરૂપે લોકસભામાં કરવાની હતી. એવું અનુમાન કરવામાં આવતું હતું અને તેના વિષે ઘણી ચર્ચા પણ ત્યારે ચાલી રહી હતી. ચૂંટણી જીતવા માટેની એ આર્થિક મોરચે સર્જીકલ સ્ટ્રાઈક હશે એમ પણ કહેવામાં આવતું હતું. પુલવામાં પ્લસ દરેકને અને દરેકને નહીં તો ગરીબીની રેખા નીચે જીવનારાઓને લઘુતમ આવકની ખાતરી આ બે મળીને બી.જે.પી.ને ત્રણસો બેઠકો અપાવશે.
બન્યું એવું કે બજેટના બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ દરેકને લઘુતમ આવકની જાહેરાત કરી દીધી. અંગ્રેજીમાં આને યુનિવર્સલ બેઝીક ઇન્કમ કહેવામાં આવે છે. તમને રોજગારી મળે કે ન મળે, જો માગશો તો આટલા રૂપિયા તો સરકાર પાસેથી મળશે જ. માગશો તો મળશે અને માગવું કે ન માગવું એ તમારી ખુદ્દારી પર નિર્ભર છે. જગતના અર્થશાસ્ત્રીઓ કહે છે કે હવે આને ખુદ્દારી સાથે સંબંધ નથી, આયખું વિતાવવાની અનિવાર્યતા સાથે સંબંધ છે. ગયા રવિવારે મેં મારી કોલમમાં કહ્યું હતું એમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ બેરોજગારી પેદા કરી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે. આ સ્થિતિએ જે હતાશા પેદા કરી છે તેનો લાભ જાદુગરી ધરાવતા નેતાઓ, પોઝિટિવ થિંકીંગ શીખવાડનારા બાવાઓ, સફળતાની ખાતરી આપનારા કોચિંગ ક્લાસના માલિકો, તાંત્રિકો, જ્યોતિષીઓ અને બીજા ઠગ લે છે.
તેઓ ઉપરથી નીચે પડે તો પણ યુવાનને રોજગારી આપી શકે એમ નથી એ આ યુગની વાસ્તવિકતા છે. આ ઉપરાંત ગીધડાં અને બાજ મળીને આકાશને આંચકી ગયા છે. શાસકો તેમની પાંખમાં છે અને તેમનાથી ડરેલા છે. આમ નવા અર્થતંત્રનો ઢાંચો રોજગારી પેદા કરતો નથી અને મલાઈ થોડા લોકો આંચકી ગયા છે. શાસકો તેમના કબજામાં છે એ સ્થિતિમાં શાસકો પાસે બાકીનાં પંખીડાંઓને ચણ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. આકાશ અમારું. પંખીડાંઓને અમે મરવા નહીં દઈએ, તેને માટે અમે ચણ કાઢતા રહીશું. તમારું એટલે કે શાસકોનું કામ ચણનું વિતરણ કરવાનું છે. પંખીડાંઓને કહી દો કે હવે તેમણે આકાશ તરફ જોવાનું નથી, અમે તેને મરવા નહીં દઈએ. ગેરંટી.
આ જે ગેરંટી આપવામાં આવી રહી છે એની પાછળની પ્રેરણા માનવતા નથી, જરૂરિયાત છે. જો ન આપે તો ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગે અને એ બધું ધ્વસ્ત કરી નાખે. ભૂખ્યાંજનો પણ મજબૂરીના કારણે વાયા સરકાર લૂંટારાઓ તરફથી મળનારી લઘુતમ આર્થિક સહાય સ્વીકારતા થઈ જશે. આ બધું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી નવસંસ્થાનવાદનાં સ્વરૂપનો અને સામાન્ય માણસની અંદર રહેલ ચેતનાની તાકાતનો પરિચય કરાવનારો ગાંધી પાછો નહીં આવે. જગત જે દિશામાં જઈ રહ્યું છે એ ઝડપથી ગાંધીને પ્રાસંગિક બનાવી રહ્યું છે, પણ ચર્ચાનો મુદ્દો ગાંધીની આવતીકાલની અનિવાર્ય પ્રાસંગિકતા નથી; આજની ઉપાધિ છે.
બેરોજગારી એ આજના યુગની વાસ્તવિકતા છે એટલે સાર્વત્રિક લઘુતમ આવક પણ આજના યુગની અનિવાર્યતા છે. જો નરેન્દ્ર મોદીએ સપનાંઓ વેચવાની જગ્યાએ અને રોજગારીનાં ખોટાં અને પરસ્પર વિરોધી આંકડા ફેંકવાની જગ્યાએ વાસ્તવિકતાને કબૂલી હોત અને તેમાં રાહત આપનારી યોજનાઓ હાથ ધરી હોત તો મેદાન મારી ગયા હોત. તમે ગમે એટલા આંકડા ફેંકો, યુવાનના ખિસ્સામાં ફદિયું નથી આવતું એ યુવાન નથી જાણતો? એક યુવાન બીજા યુવાનને પૂછે છે તો એ પણ ફદિયા વિનાનો બેકાર જ હોય છે. વડા પ્રધાનને ચાર વરસ સપનાં વેચ્યાં પછી, નોટબંધી જેવાં સાહસો કર્યાં પછી, દેશપ્રેમનો નશો પેદા કર્યા પછી ખાતરી થઈ ગઈ હતી કે આમ છતાં ય હતાશાનો અંત આવતો નથી એટલે કાંઈક તો નક્કર આપવું જ પડશે. તેમણે સાર્વત્રિક લઘુતમ આવકનું છેલ્લું રામબાણ પોતાના બાથમાં રાખ્યું હતું જે તેઓ બજેટમાં આપવાના હતા, પરંતુ એ પહેલાં રાહુલ ગાંધીએ તેની જાહેરાત કરી દીધી.
રાહુલ ગાંધીને ગમાર તરીકે ચિતરવાના મીડિયાને પૈસા મળે છે, બાકી એ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક હતો. જો કૉન્ગ્રેસ પક્ષ નેતાઓની રણનીતિનો લાભ લેવાની સ્થિતિમાં હોત તો બાજી પલટાઈ ગઈ હોત. રાહુલ ગાંધીને એટલું હવે સમજાઈ ગયું હશે કે સંસદીય રાજકારણમાં પક્ષ અને કાર્યકર્તા કેટલાં મહત્ત્વનાં છે, જેની અત્યાર સુધી ઉપેક્ષા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ બજેટના બે દિવસ પહેલાં સાર્વત્રિક લઘુતમ આવકનો ફૂગો ફોડી નાખ્યો એ પછી સરકારે છેલ્લી ઘડીએ નાના ખેડૂત પરિવારને વરસે છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. રકમ એટલી નાની હતી કે તેનાં વખાણ થવાની જગ્યાએ ઠેકડી ઉડાડવામાં આવી.
હવે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે કૉન્ગ્રેસ જો સત્તામાં આવશે તો છની જગ્યાએ વરસે ૭૨ હજાર રૂપિયા ગરીબીની રેખા નીચે જીવનારા પ્રત્યેક પરિવારની મહિલાના ખાતામાં જમા થશે. બી.જે.પી. આનો વિરોધ કરી શકે એમ નથી એટલે તમે શાસન કરતા હતા ત્યારે શું કામ નહોતું કર્યું એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી, કારણ કે ત્યારે આકાશ ગીધડાઓએ આંચકી નહોતું લીધું અને શાસકો ગીધડાંઓની પાંખમાં નહોતા. ત્યારે આકાશમાં જગ્યા બનાવવાની અને બનાવવામાં મદદ કરવાની આશાઓ અકબંધ હતી. આ આજના યુગની વાસ્તવિકતા છે એટલે અત્યારે જાહેરાત કરવામાં આવે એ પ્રસ્તુત છે.
રાહુલ ગાંધીએ જાહેરાત કરી એ પછી એ યોજનાની પ્રાસંગિકતા તેમ જ વ્યવહારુતા વિષે જે ચર્ચા કરવામાં આવી રહી છે તેના પર નજર રાખજો. રાજકીય લાભાલાભ ગૌણ છે, પ્રાસંગિકતા અને વ્યવહારુતા મુખ્ય છે. પ્રાસંગિકતા વિષે તો મારા મનમાં શંકા જ નથી. હું તો ત્યાં સુધી કહું છું કે માની લો કે કૉનગ્રેસ સત્તામાં આવે, ડૉ. મનમોહન સિંહ પાછા વડા પ્રધાન બને અને રીઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવે તો પણ રોજગારી પેદા થઈ શકે એમ નથી. આકાશ છીનવાઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં આકાશને ભેદી શકાય એવી કોઈ શક્યતા નથી. સવાલ બચે છે વ્યવહારુતાનો. એના ઉપાયો શોધવા પડશે, બાકી રાહત વિકાસની જગ્યા ન લઈ શકે એવી જૂની દલિલો અત્યારે અપ્રાસંગિક છે.
આમ નરેન્દ્ર મોદીએ વાસ્તવિકતાઓને હાથ ધરવાની જગ્યાએ સપનાંઓ વેચ્યાં એ દિવસના અંતે તેમની વિડંબના છે અને રાહુલ ગાંધી વાસ્તવિકતાઓને હાથ ધરતા હોવા છતાં તેઓ તેનો બહુ રાજકીય લાભ લેવાની સ્થિતિમાં નથી એ તેમની વિડંબના છે.
26 માર્ચ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 માર્ચ 2019