બ્રાહ્મણ પરંપરામાં જ્યારે યાચનાઓનો અતિરેક થવા લાગ્યો, દેવતાઓને પ્રસન્ન કરવા કે તેમની નારાજગીથી બચવા કર્મકાંડનો અતિરેક થવા લાગ્યો, યજ્ઞ-યાગ અને તેમાં પશુહિંસા થવા લાગી, કોણ શું કરવાને લાયક અને કોણ ના-લાયક એવા અધિકારભેદ થવા માંડ્યા અને તેને કારણે સામાજિક ભેદભાવ વધવા માંડ્યા, ત્યારે તેની સામે બૌદ્ધિક વિદ્રોહ થયો હતો, જેને શ્રમણ પરંપરા તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે સંક્ષેપમાં મહાવીર અને બુદ્ધનાં વિચાર અને વલણ તપાસી ગયા છીએ એટલે તેની પુનરોક્તિ કરવાની જરૂર નથી.
સવાલ એ છે કે જો એ વિદ્રોહ હતો તો તેનું સ્વરૂપ કેવું હતું અને વૈદિકોએ તેમ જ સ્થાપિત હિતોએ તેનો મુકાબલો કઈ રીતે કર્યો હતો? દરબારની દીકરી જ્ઞાતિનાં બંધન તોડીને હરિજન સાથે લગ્ન કરે, એને સાંખી નહીં શકનારો અને હરિજન યુવકની હત્યા કરનારો સમાજ આજે જ્યારે જોઈએ છીએ, ત્યારે વિસ્મય થાય કે પ્રાચીન ભારતમાં તો શ્રમણોએ વેદોના પ્રમાણને જ નકારવાનું સાહસ કર્યું હતું! માત્ર વેદોના પ્રમાણની વાત નહોતી, તેમણે તો દેવતાઓની પ્રસન્નતા રળી આપનારા અને નારાજગીથી બચાવનારા બ્રાહ્મણોને નારાજ કર્યા હતા. તેમણે વચ્ચેથી દેવતાઓના દ્વારપાળોને હટાવીને પુરુષાર્થ પર ભાર મુક્યો હતો. અધિકારભેદ નકાર્યા હતા અને બુદ્ધે તો હજુ આગળ વધીને સામાજિક સમાનતા પર ભાર મુક્યો હતો. મહાવીર અને બુદ્ધે સ્થાનિક લોકભાષામાં ઉપદેશ આપીને બ્રાહ્મણોની જ્ઞાન પરની ઈજારાશાહીને પણ પડકારી હતી.
એમાં કોઈ શંકા નથી કે વિદ્રોહ પ્રચંડ હતો, પણ તો પછી તેનો બ્રાહ્મણો(બ્રાહ્મણ જાતિ અને પરંપરા એમ બન્ને અર્થમાં)એ પ્રતિકાર કર્યો કેવી રીતે અને જો પ્રતિકાર નહોતો કર્યો તો પચાવ્યો કઈ રીતે? આજના યુગ માટે આ પ્રાસંગિક પ્રશ્ન છે. વિચારવાનું એ પણ બને કે માત્ર પ્રતિકાર કરવામાં જ મોટાઈ છે કે પછી પચાવવામાં પણ મોટાઈ છે.
એવું નથી કે પ્રાચીન ભારતમાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે સંઘર્ષ નહોતો થયો. એ યુગના લગભગ દરેક ગ્રંથમાં શ્રમણ-બ્રાહ્મણ સંઘર્ષના ઉલ્લેખ મળે છે. પાણિનિના વ્યાકરણના ગ્રંથમાં સુદ્ધાં શ્રમણ-બ્રાહ્મણ સંઘર્ષના ઉલ્લેખો મળે છે. બન્નેએ એકબીજાની નિંદા તો ઠીક, ઠઠ્ઠા કરી હોય એવા પણ પ્રસંગ મળે છે. ફરક એ છે કે જેવો સંઘર્ષ યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે થયો હતો, ખ્રિસ્તીઓમાં કેથલિક અને પ્રોટેસ્ટંન્ટ વચ્ચે થયો હતો, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે થયો હતો, મુસલમાનોમાં શિયા અને સુન્નીઓ વચ્ચે થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે, સુન્નીઓના વિવિધ ફિરકાઓ વચ્ચે થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે, ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાનોનો મૂર્તિપૂજકો તેમ જ તેમને અભિપ્રેત એવા ચોક્કસ પ્રકારના ધર્મમાં નહીં માનનારા આદિવાસીઓ કે બીજા અનેકોશ્વરવાદીઓ સાથે થયો હતો, મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે થયો છે અને આજે પણ થઈ રહ્યો છે એવો સંઘર્ષ ભારતમાં જોવા મળ્યો નથી. ધાર્મિક યુદ્ધોનો લાંબો અને લોહિયાળ ઇતિહાસ છે, પણ ભારતે એવો સંઘર્ષ જોયો નથી.
આનું શું કારણ? શું આપણે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતાં વધારે સમજદાર અને સહિષ્ણુ હતા એટલા માટે? વિચારીને જવાબ આપજો. પોતાની પીઠ થાબડી લીધા પછી પીછેહઠ કરવા નહીં મળે. જો એ સમજદારી અને સહિષ્ણુતા હતી, તો તેનો વારસો જાળવી રાખવો પડશે. હા, તમે આ યુગમાં હાથ ખંખેરી નાખવા માંગતા હો તો જુદી વાત છે. તમે એમ કહી શકો કે મારા પૂર્વજો મહાન હતા, પણ આ યુગમાં એવી મહાનતા મને પરવડતી નથી અથવા તમે એમ પણ કહી શકો કે આપણા પૂર્વજો મૂર્ખ હતા. તેઓ જગતની ભૂંડી વાસ્તવિકતાથી અજાણ હતા. તેમના અવ્યવહારુ આદર્શવાદને કારણે હિંદુઓ સતત પરાજિત થતા આવ્યા છે. આવું કહેનારા હિન્દુત્વવાદીઓ છે જેની વાત આગળ કરવામાં આવશે. વિવેક નહોતો પરવડતો એટલે તો ગાંધીજીની હત્યા કરવી પડી હતી!
આપણે ‘આપણે’ છીએ એટલે મહાન અને બીજા ‘બીજા’ છે માટે દુષ્ટ એવું સાધારણીકરણ બેવકૂફી છે. દરેક વ્યક્તિમાં સારા-નરસાપણું રહેલું હોય છે એટલે દરેક સમાજનો સારો-નરસો ઇતિહાસ હોય છે. આપણે પક્ષે કેટલુંક ગૌરવ લેવા જેવું છે તો શરમાવાપણું પણ છે અને બીજાઓના પક્ષે જો કેટલુંક શરમાવાપણું છે તો ગૌરવ લેવા જેવું પણ છે. આપણે જ્યારે માનવસભ્યતાઓનો ઇતિહાસ તપાસીએ ત્યારે તેને વિવેકપૂર્વક તપાસવો જોઈએ. જો વિવેક જાગૃત હશે તો અપનાવવા જેવું અપનાવવાની અને છોડવા જેવાને છોડવાની શક્તિ વિકસશે. પરાણે પકડી રાખવું અને પરાણે નકારવું એ મૂર્ખતા છે. અહીં કોઈ દલીલ કરી શકે કે શ્રમણ પરંપરા એ બ્રાહ્મણ પરંપરામાં થયેલો આંતરિક સુધારો છે અને આવો સુધારો વેદોના પ્રામાણ્યને નહીં નકારનારા ઉપનિષદોના ઋષિઓએ, પતંજલિએ, ભગવદ્ ગીતા લખનારા વેદ વ્યાસે પણ પોતાની રીતે કર્યા છે.
આ વાત બિલકુલ સાચી છે, પણ સાચી વાત તો એ પણ છે કે ઈસુએ સુધ્ધાં મુસાએ પ્રસ્થાપિત કરેલા ધર્મમાં સુધારા જ સૂચવ્યા હતા. એ સુધારાઓનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો તે ત્યાં સુધી કે ઈસુને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા. એક રીતે મહમ્મદના સંદેશ પણ જૂની પરંપરામાં સુધારારૂપે જ હતા. ખેતરમાં ઘાસ ઊગે ત્યારે નિંદામણ કરવાનું હોય. અમારું ખેતર અમારું છે માટે એમાં ઘાસ ઊગી જ ન શકે અને તમે તેમાં ઘાસ જોનારાઓ ધર્મદ્રોહી છો એવી દલીલ કરી શકાય છે. આમ પશ્ચિમમાં નિંદામણને નકારનારો પ્રતિકારનો રસ્તો અપનાવવામાં આવ્યો અને આપણે ત્યાં પ્રારંભિક પ્રતિકાર પછી પચાવવાનો માર્ગ અપનાવવામાં આવ્યો. આ આપણી વિશેષતા છે. આને માટે ગર્વ અનુભવવો કે શરમાવું એ તમે નક્કી કરો. આગળ કહ્યું એમ એક વાર ગર્વ અનુભવ્યા પછી પાછા ફરવામાં મુશ્કેલી પડશે.
આમ શ્રમણ-બ્રાહ્મણ પરંપરા વચ્ચે થયેલો સમાગમ પહેલાં સંઘર્ષમાં અને એ પછી સમન્વયમાં પરિણમ્યો હોવો જોઈએ. ‘હોવો જોઈએ’ એમ એટલા માટે કહ્યું છે કે એ સમયે થયેલા વિચાર-વ્યાપારનાં સ્વરૂપની કોઈ સિલસિલાબંધ વિગતો મળતી નથી. દસ્તાવેજીકરણ અને ઇતિહાસ લેખનની આપણે ત્યાં પરંપરા નથી. એકંદરે એટલું સમજાય છે કે આપણા પૂર્વજોએ આપ-લે કરી હતી.
થોડાક દાખલાઓ જોઈએ:
શ્રમણોના યાચનાઓ સામેના આક્રમણને રોકવા માટે જૈમિનિ ઋષિએ વેદની યાચનાપરક સંહિતાઓનું મોક્ષપરક અર્થઘટન કર્યું હતું. ફરજિયાત કરવું પડ્યું હોય તો પણ તેમાં તેમની મહાનતા હતી. શ્રમણ પરંપરા સ્થાપિત થઈ એ પહેલાં ભગવાન્ શબ્દ ઈશ્વર માટે નહોતો વપરાતો. ભગવાન્ શબ્દ મહાવીર અને બુદ્ધ માટે વપરાતો હતો. પુલ્લિંગ ભગવાન્ અને સ્ત્રીલિંગ ભગવતીનો અર્થ થાય છે; યશસ્વી, પ્રસિદ્ધ, સમ્માનિત, શ્રદ્ધેય, પવિત્ર, પ્રતિષ્ઠિત, આદરણીય. આ બધા વ્યક્તિ માટે વાપરવામાં આવતાં વિશેષણો છે. બુદ્ધ અને મહાવીરે ત્યાગ, તપશ્ચર્યા અને વિચાર દ્વારા એટલી માનવીય ઊંચાઈ પ્રાપ્ત કરી હતી કે માનવ માટે વિશેષણ તરીકે વપરાતું જોઈતું ભગવાન્ વિશેષણ બુદ્ધ અને મહાવીર માટે વપરાવા લાગ્યું હતું અને સમય જતાં રૂઢ થઈ ગયું હતું.
માનવીની ઈશ્વરબરોબરી કરનારી મહાનતા જોઇને વૈદિકોએ ઈશ્વર માટે ભગવાન્ શબ્દ વાપરતા થયા હતા. બ્રાહ્મણ પરંપરાના દેવો આપસમાં લડતા હતા, વેર રાખતા હતા, એક બીજાને નીચા દેખાડતા હતા, જગતના બધા જ ભોગ ભોગવતા હતા જ્યારે અહીં તો એવા માનવ થયા જેની સામે દેવતાઓ ઝાંખા પડવા લાગ્યા. બુદ્ધે તો કહ્યું પણ છે કે તેમનો નિર્વાણ દેવતાઓ માટે પણ છે. વૈરાગસૂચક ભગવો રંગ પણ શ્રમણોની દેન છે જે બ્રાહ્મણોએ અપનાવી લીધો છે. સંન્યાસ પણ બ્રાહ્મણોએ શ્રમણો પાસેથી લીધો છે. એ પહેલાનાં આપણા બધા જ ઋષિઓ પરણેલા ગૃહસ્થ હતા. વૈદિક પરંપરા માટે સંન્યાસ લગભગ અજાણી ચીજ હતી. સ્ત્રીને સંન્યાસની અને મોક્ષની અધિકારી પણ શ્રમણોએ જ માની છે. અને એ તો જાણીતી હકીકત છે કે બ્રાહ્મણોએ ભગવાન બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે અપનાવી લીધા હતા.
શ્રમણ ધર્મને કારણે બ્રાહ્મણ ધર્મ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું અને માટે તેમણે શ્રમણ પરંપરાને પોતાના પેટમાં સમાવવાનો પ્રયાસ કર્યો હતો એમ કેટલાક લોકો કહે છે. આ કોઈ જાગૃતિપૂર્વકનો સમન્વય નહોતો, વિચારો વચ્ચેનો ચયાપચય નહોતો, પણ સનાતન ધર્મીઓની લબાડી હતી એવો પણ તેઓ આક્ષેપ કરે છે. આવું માનનારાઓમાં બહુજન સમાજના અને દલિત સમાજના કેટલાક વિચારકો છે. પ્રગતિશીલ સવર્ણો પણ છે.
સમન્વય હતો કે લબાડી એની ચર્ચા અત્યારે બાજુએ રાખીએ, વધારે મહત્ત્વની વાત એ છે કે આપણા પૂર્વજોએ પ્રતિકારનો માર્ગ અપનાવવાની જગ્યાએ પચાવવાનો માર્ગ અપનાવ્યો હતો. હું તો આપણા પૂર્વજો માટે ગર્વ અનુભવું છું, તમે?
24 જુલાઈ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 જુલાઈ 2019