સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સર્વોચ્ચ અદાલતના નહીં, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અર્થાત્ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા તરીકે ઓળખાવવામાં આવે છે, એના પરથી ખ્યાલ આવશે એ હોદ્દો કેટલો મોટો છે અને એનાથી પણ વધુ એનું ગૌરવ કેટલું મોટું છે. પ્રોટોકોલની યાદીમાં મુખ્ય ન્યાયમૂર્તિ અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (જો હયાત હોય તો) પછી પાંચમાં ક્રમે આવે છે. આમાં નિવૃત્ત રાષ્ટ્રપતિને અપાયેલો ચોથો ક્રમ એક આદર માત્ર છે એટલે સત્તા ધરાવનારાઓમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ વડા પ્રધાન પછી તરત જ ચોથા ક્રમે આવે છે.
તમને યાદ હશે કે ૨૫મી એપ્રિલ ૨૦૧૬ના રોજ દેશના ચોથા ક્રમના હોદ્દેદાર, મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર દેશના ત્રીજા ક્રમના હોદ્દેદાર વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદાર મોદીની હાજરીમાં જાહેરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ રીત સર હીબકા ભરતા ભરતા વડા પ્રધાનને કહી રહ્યા હતા કે હવે દેશનું ન્યાયતંત્ર પડી ભાંગ્યું છે. એને બચાવો. સરકાર જ એને બચાવી શકે એમ છે. પ્લીઝ ન્યાયતંત્રને ચુસ્ત-દુરુસ્ત કરો. ન્યાયતંત્ર નહીં બચે તો દેશમાં કાયદાનું રાજ્ય પડી ભાંગશે.
કાયદાનું રાજ્ય. સામાન્ય જનોનું કાયદાના રાજ્યમાં કેટલું હિત જળવાયેલું છે એનું લોકોને અને ખાસ કરીને ભક્તોને ભાન નથી. ધોળે દિવસે દીકરીનું અપહરણ થશે ત્યારે રડતાં માં-બાપને ક્યાંયથી ન્યાય મળવાનો નથી. જે ન્યાય આપનાર છે એ જ શાસક પાસે કરગરે છે કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવો.
તમને કદાચ જાણ નહીં હોય કે ૧૮૧૮માં પેશ્વાઓના રાજનો અંત આવ્યો અને તેની જગ્યાએ અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે પેશ્વાઓની રૈયતે ઘરને ટોડલે દીવાઓ પ્રગટાવીને દિવાળી ઉજવી હતી. શા માટે? કારણ કે કાયદાનું રાજ નહોતું. ઘાસીરામ કોટવાલો પેશ્વાઓના શ્રીમંત સરદારો માટે કે તેના લંપટ સગાંઓ માટે ગમે તેની મા-બહેનોને ઉઠાવી જતા હતા. ફરિયાદ ક્યાં કરો અને કોને કરો? વિજય તેંડુલકરે ‘ઘાસીરામ કોટવાલ’ નાટક લખ્યું અને ભજવાયું ત્યારે મહારાષ્ટ્રના દેશપ્રેમી સંસ્કૃતિ-રક્ષક બ્રાહ્મણોને મરચાં લાગ્યાં હતાં અને નાટક ન ભજવાય એ માટે ધમપછાડા કર્યા હતા. ખેર, એ વાત જવા દઈએ. પેશ્વાઓની રૈયતે દીવા કરીને દીવાળી ઉજવી હતી એ વાત તમને ગળે ન ઉતરે એવું બને.
મને ખાતરી છે કે તમે આપણા કવિ દલપતરામની પેલી જાણીતી કવિતા ‘હરખ હવે તું હિન્દુસ્તાન’! તો સાંભળી જ હશે. હરખ કઈ વાતનો હતો એ તો મનહર છંદમાં લખાયેલી કવિતા વાંચશો એટલે ખબર પડી જશે. કવિતા આ મુજબ છે :
ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
કવિતા ઘણી લાંબી છે એટલે આખી ઉતારતો નથી (આખી કવિતા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે), પણ હજુ વચ્ચેથી બે પંક્તિ ટાંકુ છું :
ઈગ્લીશ નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
આ કવિતા પરથી ખ્યાલ આવશે કે કાયદાના રાજ માટે પ્રજા કેટલી વલખાં મારતી હતી. દલપતરામ તો શિક્ષિત બ્રાહ્મણ હતા અને છતાં અંગ્રેજોના રાજનું સ્વાગત કરતા હતા તો કલ્પના કરો કે દેશી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કેવી હશે! લગભગ દરેક રાજ્યમાં ઘાસીરામ કોટવાલો જ રાજ કરતા હતા. દલપતરામની કવિતા વાંચીને કદાચ તમને ખાતરી થશે કે મહારાષ્ટ્રમાં પ્રજાએ પેશ્વાઓના રાજના અંતનો અને અંગ્રેજોના રાજના આરંભનો કેવો ઉત્સવ મનાવ્યો હશે.
હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે દરેક કુકર્મોનો બચાવ કરનારાઓને એક સવાલ પૂછવાનું મન થાય છે. દલપતરામ ડાહ્યાભાઈ આપણી ભાષાના આધુનિક યુગના આદ્યકવિ છે. નર્મદ કરતાં ઉંમરમાં મોટા હતા અને નર્મદ જેટલા જ આધુનિક હતા એટલે હું તેમને આધુનિક યુગના આદ્યકવિ કહું છું. વળી નર્મદ તો પાછલાં વર્ષોમાં બદલાયો હતો, જ્યારે દલપતરામ જેટલા આધુનિક હતા એટલા જીવનભર રહ્યા હતા. એક છેડેથી બીજે છેડે નહોતા ગયા. આ દલપતરામ ૧૯મી સદીમાં ભારતીય શાસકોને અને તેમના આંગળિયાતોને કાળા કેર કરનારાઓ તરીકે ઓળખાવે છે. બકરી અહીં દીકરી-વહુ તેમ જ ગરીબ લાચાર પ્રજાના પ્રતિકરૂપે છે. પાછું દેશીરાજ્યોથી મુક્તિને તેઓ આવકારે છે અને અંગ્રેજ રાજ્યનું સ્વાગત કરીને પ્રજાને હરખાવાની સલાહ આપે છે.
તમને નથી લાગતું કે કવિ દલપતરામ આધુનિક ગુજરાતના આદ્યકવિ ભલે હોય, સૌ પહેલા તો તેઓ આધુનિક ગુજરાતના આદ્યદેશદ્રોહી હતા? આવું કહેવાતું હશે, હરખ હવે તું હિન્દુસ્તાન! આ લખનાર જેવા તો દલપતરામના દેશદ્રોહી નાનાં છોરું કહેવાય. મહારાષ્ટ્રમાં આપણા પોતાના, પાછા હિંદુ અને હિન્દુમાં પણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ એવા પેશ્વાઓનું રાજ જાય તો હરખાવાનું હોય! કોઈ દેશપ્રેમ અને હિંદુગૌરવ જેવી ચીજ ખરી કે નહીં? ૧૮૧૮માં જે જે ઘરોમાં ટોડલે દીવા પ્રગટ્યા હતા એને પાછલી મુદ્દતથી દેશદ્રોહી જાહેર કરવા જોઈએ.
હિંદુરાષ્ટ્ર અને દેશપ્રેમના નામે કુકર્મોનો બચાવ કરનારાઓને એ પણ જણાવી દઉં કે અફઘાન પ્રજાને જ્યારે તાલેબાનોથી મુક્તિ મળી ત્યારે ત્યાં પણ પ્રજાએ હરખ મનાવ્યો હતો અને ત્યાં પણ કોઈ દલપતરામે હરખ હવે તું અફઘાનિસ્તાન કવિતા લખી હશે. તમને ખબર નથી કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. હિંસા તમારે ઉંબરે આવશે, બહેન-દીકરીને સાંજ પડ્યા પછી ઘરની બહાર નીકળતા ડર લાગશે અને ગાયબ થઈ ગયેલો દીકરો ક્યારે ય ઘરે પાછો નહીં ફરે કે નહીં તેની લાશ મળે ત્યારે ભાન થશે કે કાયદો અને વ્યવસ્થા શું ચીજ છે. છેલ્લાં સો વરસમાં આ ધરતી ઉપર સોએક જેટલા દેશોએ કમકમાં આવે એવી અરાજકતા વેઠી છે. એને જઈને પૂછો કે ધર્મ, વંશ અને ભાષાની અસ્મિતાઓ કરતાં કાયદો કેટલો મહાન છે અને કેટલો જીવનાવશ્યક છે. જીવનાવશ્યક દવા તો માત્ર આપણી જિંદગી બચાવે છે; જ્યારે કાયદો અને કાયદા આધારિત રાજ્ય તમારી, તમારા પરિવારની અને તમારા વહાલાં સંતાનોની જિંદગી બચાવે છે. એના થકી તમે રાતના ઊંઘી શકો છો.
માટે ૨૦૧૬માં દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરનાં જાહેરમાં, કેમેરાની સામે બધાં બંધનો તૂટી પડ્યા હતાં અને હીબકા ભરતાં ભરતાં દેશના વડા પ્રધાનને કહ્યું હતું કે ન્યાયતંત્રને ઉગારો. તેનો નાભીશ્વાસ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર નહીં ઊગરે તો દેશ અરાજકતા તરફ ધકેલાઈ જશે. જગતનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે. આ વાતને ચાર વર્ષ થઈ ગયાં છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બની હતી. તેમણે ન્યાયતંત્રને ઉગારવા શું કર્યું? કાંઈ જ નહીં. ઊલટું, એક ધક્કા ઔર દોની નીતિ અપનાવી છે.
પણ એ પહેલાં દેશના ન્યાયતંત્રની આવી અવસ્થા થઈ શેના કારણે એનું વિવેચન કરીશું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 સપ્ટેમ્બર 2020