
રમેશ ઓઝા
હવે ગામના ઉતાર જેવા નેતાઓ જગતનું નેતૃત્વ કરશે. ચીને આ મહિનાના પ્રારંભમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ચીને સમજૂતી કરાવી અને બન્ને દેશોએ રાજદ્વારી સંબંધો ફરી વાર સ્થાપવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના રાજા અને વડા પ્રધાન સલમાને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસને સાઉદી આવવાનું નિમંત્રણ પણ આપી દીધું છે, અને રઇસે તેનો સ્વીકાર કર્યો છે. બન્ને દેશો શિખર મંત્રણા માટે સ્થાનની પસંદગી કરી રહ્યા છે. સાઉદી અરેબિયા સુન્ની દેશ છે અને ઈરાન શિયા. સદીઓ જૂનું સુન્ની-શિયા વેર બે દેશોને નજીક નહીં આવવા દેવાનું મુખ્ય કારણ છે, પણ બદલતા વૈશ્વિક સંદર્ભોમાં નજીક આવવું જરૂરી પણ છે. ચીને સમજૂતી કરાવી આપી અને અમેરિકાએ સમજૂતીનું સ્વાગત કરવું પડ્યું છે.
હવે ચીનના વડા શી ઝિંગપીંગ મોસ્કો ગયા છે, રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી કરાવવા. યુક્રેનમાં રશિયાનો પગ એવી બૂરી રીતે ફસાઈ ગયો છે કે રશિયાને સમજૂતી કરવી પડે એમ છે. દેખાવ માત્ર એવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા ચીનની વિનંતીને માન આપી રહ્યું છે અને સમજૂતીની દિશામાં રચનાત્મક અભિગમ અપનાવી રહ્યું છે. રશિયન અખબારોમાં રશિયાના તાનાશાહ વ્લાદિમીર પુતીને એક લેખ લખીને પોતાના શી ઝિંગપીંગ સાથેના સંબંધો કેટલા સૌહાર્દપૂર્ણ છે તેનો ચિતાર આપ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે ૨૦૧૨માં ઝિંગપીંગ ચીનના પ્રમુખ બન્યા એ પછી તેમની વચ્ચે ૪૦ કરતાં પણ વધુ મુલાકાતો થઈ છે. દોસ્તીના બીજા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, પણ નોંધનીય છે બાર વરસમાં ૪૦ મુલાકાતો. કદાચ જગતના રાજદ્વારી ઇતિહાસમાં આ એક વિક્રમ હશે.
એની વચ્ચે પહેલાં ભારતની વાત કરી લઈએ. ગલ્ફના દેશોમાં આરબ-ઈરાન સમીકરણો બદલાય એ ભારતનાં હિતમાં નથી, પણ એ બદલાઈ રહ્યાં છે અને વળી એ ચીન દ્વારા બદલાઈ રહ્યાં છે. ચીને અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં પડતા પાકિસ્તાનના ગ્વાડર બંદર દત્તક લીધું છે. ગ્વાડરથી સીધો બીજિંગ સુધીનો મહામાર્ગ બાંધવામાં આવી રહ્યો છે. ગ્વાડર દ્વારા ચીન અખાતનાં મુસ્લિમ દેશોનાં આગણે પહોંચી ગયું હતું. ભારતે ચીનના પ્રભાવને ખાળવા એ જ ભૌગોલિક સ્થળે ગ્વાડરથી અંદાજે સોએક કિલોમીટર પશ્ચિમે ઈરાનનું ચાબહાર બંદર ભારતે દત્તક લઈને વિકસાવવાની ઈરાન સાથે સમજૂતી કરી હતી. હવે નવી સ્થિતિમાં એ સમજૂતી સાકાર થશે એવી કોઈ શક્યતા નજરે પડતી નથી. ચીને અખાતના દેશોમાં પણ પગપેસારો કર્યો છે.
રશિયાએ વરસ પહેલાં યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે ભારતે રશિયાની નિંદા નહીં કરીને રશિયાને આડકતરી રીતે મદદ કરી હતી. ભારતની ગણતરી એવી હતી કે જો આવતીકાલે ભારત અને ચીન વચ્ચે સીમા પર તંગદીલી પેદા થાય તો રશિયા ભારતને મદદ કરી શકે. કમ સે કમ રશિયા ચીન ઉપરની પોતાની વગનો ઉપયોગ કરી શકે. આ સિવાય રશિયા પાસેથી બળતણ મેળવવાની પણ ભારતની ગણતરી હતી. માટે અમેરિકા અને પશ્ચિમના લોકશાહી દેશોની નારાજગી વહોરી લઈને પણ ભારતે રશિયાની નિંદા નહોતી કરી. યુનોની સલામતી સમિતિમાં ગેરહાજર રહ્યું હતું. અને ચીન? ચીને રશિયાને ખુલ્લો ટેકો આપ્યો હતો અને સલામતી સમિતિમાં એક વાર રશિયાની તરફેણમાં અને એક વાર ગેરહાજર રહીને રશિયાને ટેકો આપ્યો હતો. રશિયા ઉપર પશ્ચિમના દેશોએ નાકાબંધીનાં પ્રતિબંધાત્મક પગલાં લીધાં તેનો પણ ચીને વિરોધ કર્યો હતો. ભારતે માત્ર એટલું જ કહ્યું હતું કે “આ યુદ્ધ કરવાનો સમય નથી.”
એક સમયે એમ કહેવામાં આવતું હતું કે ભારત રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરશે. ગોદી મીડિયાએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચુક્યા છે અને યુદ્ધ રોકીને દુનિયામાં શાંતિ સ્થાપનારા શાંતિદૂત બની ચુક્યા છે, એવી આરતી પણ ઉતારવા માંડી હતી. પણ આજે પરિણામ આપણી સામે છે. યુદ્ધખોર દેશનું ઊઘાડું સમર્થન કરનાર ચીન મધ્યસ્થી કરવાનું છે. કારણ બહુ સરળ છે. રશિયા થાક્યું છે. જગતમાં નાક કપાઈ ગયું છે. રશિયા યુદ્ધ જીતી શકે એમ નથી તેની રશિયનોને પણ ખાતરી થઈ ગઈ છે. ઓછામાં પૂરું પશ્ચિમના દેશોએ લાદેલી આર્થિક નાકાબંધીના કારણે રશિયાનાં અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનને એવી રીતે મદદ કરી રહ્યા છે કે યુક્રેન રશિયાની સામે હારે પણ નહીં અને આર્થિક સહાયના પરિણામે ભૂખે મરે પણ નહીં. એ દેશો રશિયા સામે સીધા યુદ્ધમાં નથી ઉતરતા અને ઉતર્યા વિના વરસો સુધી લડી શકાય એવી વ્યવસ્થા પણ કરી આપી છે.
પણ રશિયાએ બહાર નીકળવા માટે ભારતની જગ્યાએ ચીનની પસંદગી કરી છે. ચીને યુદ્ધમાં તટસ્થ ભૂમિકા ભજવી ન હોવા છતાં. રશિયાને ખાતરી છે કે ચીન યુક્રેનને તેની વિરુદ્ધ ભૂમિકા લીધી હોવા છતાં પણ સમજાવી લેશે અને બન્ને દેશ આબરૂ બચાવીને યુદ્ધમાંથી બહાર આવે તેવી સમજૂતી કરી આપશે. કારણ બહુ સ્પષ્ટ છે. એક તો એ કે રશિયાને ખબર છે કે ચીન ભારતની જેમ દહીંદૂધમાં પગ નથી રાખતું. ચીનને અમેરિકાની પડી નથી, જ્યારે ભારતને અમેરિકાનો અને અમેરિકાને ભારતનો ખપ છે. બીજું, લોકતંત્ર અને સભ્ય દેશના વાઘા ચીન પહેરતું નથી જે ભારત પહેરે છે. આ બાબતે વિશ્વમાં નથી ચીનની આબરૂ કે નથી રશિયાની આબરૂ. “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા” જેવી સ્થિતિ છે. ત્રીજું, ભારત કરતાં ચીન રશિયાને આર્થિક મદદ કરી શકે એમ છે. ચીનની આર્થિક સ્થિતિ બગડતી જાય છે એ છતાં. અને ચોથું અને સૌથી મોટું કારણ એ છે કે બન્ને દેશો સ્પષ્ટપણે અમેરિકા અને પશ્ચિમના દેશોની વિરુદ્ધ છે અને તે અમેરિકા અને પશ્ચિમ વિરુદ્ધ ધરી રચવા માગે છે. ભારતની હાલત કફોડી છે. ભારત ખુલ્લી રીતે અમેરિકાની ધરીનો હિસ્સો બની શકતું નથી કારણ કે ચીન પડોશમાં માથે છે.
કાલે ભારત અને ચીન વચ્ચે સરહદે અથડામણ થાય તો હવે નવા સંજોગોમાં રશિયાની મદદ મળી શકે? શંકા છે. નઠારાઓની ધરી રચાઈ રહી છે જેમાં ભારત ગોઠવાઈ શકે એમ નથી. રશિયા કેવળ પોતાનો સ્વાર્થ જોશે અને તેનો મોટો સ્વાર્થ ચીન સાથે છે. એમાં ચીને હવે અખાતી દેશોમાં પણ વગ વિસ્તારી છે.
તો પછી ભારત પાસે કયો માર્ગ બચે છે? સભ્ય દેશોની સાથે બેસવાનો. પણ એ માટે ઘર આંગણે સભ્ય રાજકારણ કરવું જરૂરી છે. વિશ્વમાં સભ્યતાનો ઢોંગ કરવો અને ઘર આંગણે લોકતંત્રનું ખૂન કરવું એ બન્ને માર્ગે ચાલવાથી કોઈ લાભ નથી. દુનિયા બધું જ જાણે છે. ભારતમાં શું ચાલી રહ્યું છે એની દુનિયાને જાણ કરવા રાહુલ ગાંધીની જરૂર નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2023
![]()




અહીં રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ અને એ જ નામની સત્યજિત રાયની ફિલ્મ યાદ આવે છે. બંગાળના એક પરગણામાં સંદીપ નામનો એક ક્રાંતિકારી આવે છે અને એ પરગણાના નિખિલેશ નામના જમીનદારનો મહેમાન બને છે. સંદીપ હિંદુ ધર્મની, ભારતવર્ષની અને આર્યાવર્તની મહાનતાની મોટી વાતો કરે છે અને પ્રજાને હાથમાં હથિયાર લેવા અને આઝાદી માટે ક્રાંતિ કરવા ઉશ્કેરે છે. એ પણ કહેતો હતો કે કાઁગ્રેસના કેટલાક નેતાઓ ડરપોક છે, સ્થાપિત હિતોનું રક્ષણ કરે છે, તેઓ આઝાદી અપાવી શકે એમ નથી વગેરે. વક્તા તો એવો કે રુવાડાં ઊભા કરી દે. હવે બીજો પક્ષ જુઓ જે જમીનદારનો છે. બેફામ બોલનારો ક્રાંતિકારી જમીનદારનો પરોણો છે અને જમીનદાર દેખીતી રીતે પોતાનું હિત જોખમાતું હોવા છતાં ય તે પેલા ક્રાંતિકારીને કહેતો નથી કે મારે ઘરેથી અન્યત્ર ચાલ્યો જા. તારી રાજકીય પ્રવૃત્તિ મને નુકસાન પહોંચાડી શકે છે. એ જમીનદારની પત્ની બિમલા આ ક્રાંતિકારીની ભાષા અને ૫૬ ઈંચની છાતી જોઇને આકર્ષાય છે, પણ જમીનદાર પોતાની પત્નીને પણ રોકતો નથી. તે અત્યંત શાલીનતાપૂર્વક, કોઈના અવાજને વાચા આપવાનો ઠેકેદાર બન્યા વિના પોતાની પત્નીના અવાજનો આદર કરે છે. પત્નીની સ્વતંત્રતાની વચ્ચે પુરુષ (અને તેમાં પણ પતિ) બનીને બાધા નથી નાખતો. કદાચ પોતાનું ઘર તૂટે એવી સ્થિતિ સર્જાય છે. પણ એની વચ્ચે બન્યું એવું કે આ ક્રાંતિકારકની જલદ ભાષાથી ઉશ્કેરાયેલા લોકો કાયદો હાથમાં લે છે અને તોફાનો થાય છે. જોતજોતામાં તોફાનો ફેલાય છે, અંગ્રેજ પોલીસ આવે છે અને પેલો ક્રાંતિકારી સંદીપ પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાગી જાય છે. તોફાનોની અગનજ્વાળામાં વચ્ચે જવાનું કામ અને લોકોને શાંત પાડવાનું કામ પેલો “સ્થાપિત હિત ધરાવનારો, ડરપોક અને અંગ્રેજોનો વહાલો થઈને” રહેનારો નિખિલેશ નામનો જમીનદાર કરે છે.

તો આ આજની વાત નથી. સો વરસનો આવો ઇતિહાસ છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગભંગનાં આંદોલન વખતે કેટલાક કહેવાતા ક્રાંતિકારીઓની અર્થાત્ રાષ્ટ્રવાદીઓની બુઝ્દીલી પોતાની સગી આંખે જોઈ અને અનુભવી હતી. આ એ લોકો હતા જેઓ રવીન્દ્રનાથને ડરપોક, સ્થાપિત હિતો ધરાવનારા જમીનદાર, અંગ્રેજોના ગુલામ, પાશ્ચાત્ય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા પશ્ચિમપરસ્ત ભારતવિરોધી કહેતા હતા. કારણ? કારણ કે રવીન્દ્રનાથે પશ્ચિમમાં ઊગેલા, ઉછરેલા, વિકસેલા અને ભારતમાં પ્રવેશવા ઈચ્છતા રાષ્ટ્રવાદને એક અભિશાપ એક જોખમ તરીકે ઓળખાવ્યો હતો જેને કેટલાક લોકો ભારતમાં દાખલ કરવા ઈચ્છતા હતા. આમ સો વરસ કરતાં પણ વધુ વખતથી વખતો વખત દેશમાં ક્રાંતિકારીઓ પેદા થતા રહે છે જે પોતાને અસલી અને કાઁગ્રેસને નકલી કહેતા આવ્યા છે. આમાં મુખ્યત્વે હિન્દુત્વવાદીઓ, સામ્યવાદીઓ અને સામાજિક ન્યાયના મશાલચીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ આઝાદી માટેની એકેય લડતમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને તેનાં સંકટમાં મદદ કરી હતી. એ લોકોએ માફી માગી છે, બાંયધરીઓ આપી છે; પણ હા કાઁગ્રેસને ડરપોક, સ્થાપિત હિતોની એજન્ટ, જૈસે થે વાદી તરીકે ઓળખાવવાનું ચુક્યા નહોતા.
પણ કાઁગ્રેસ બોલે છે. રાહુલ ગાંધી ડર્યા વિના બોલે છે. રાહુલ ગાંધી એ લોકો માટે પણ બોલે છે જેનાં હિતમાં બોલવા સારુ કેટલાક લોકોએ ખાસ પક્ષો રચ્યા હતા. દલિતની કન્યા માટે માયાવતી નથી બોલતાં રાહુલ ગાંધી બોલે છે. ખેડૂતોના હિત માટે જે તે પક્ષોના કિસાન સંગઠન નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ઘરે બાહિરીમાં જોવા મળ્યું હતું એમ ક્રાંતિકારીઓ ભાગી ગયા છે અને પેલો “બુઝદિલ, સ્થાપિત હિત ધરાવનારો, જૈસેથે વાદી” નિખિલેશ અર્થાત્ રાહુલ ગાંધી બોલે છે.