
રમેશ ઓઝા
એક જમાનામાં ‘કૂપમંડૂક’ના નામે ખૂબ વંચાનારી કોલમ લખનારા હોમી દસ્તૂરનાં કાતરણો હું જોતો હતો તો એમાં એક કાતરણ હાથ લાગ્યું જેમાં તેમણે હાથ જોડીને કાકલુદી કરતાં લખ્યું છે કે પ્લીઝ, ન્યાયતંત્રને બચાવી લો. કોઈક તો કશુક કરો. જો ન્યાયતંત્ર નહીં બચે તો આ દેશમાં કાયદાનું રાજ, વ્યવસ્થા, શાંતિ, દરેકને મળવો જોઈતો અને તેના હકનો ન્યાય, અદના નાગરિકનો અવાજ કેવી રીતે બચશે! એ કાતરણ આજથી બરાબર ચાર દાયકા જૂનું હતું. ન્યાયતંત્રની બીમારીનું એ જ નિદાન જે આજે કરવામાં આવે છે. એ પછી ૩૨ વરસે એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે એક સભામાં, વડા પ્રધાનની હાજરીમાં અને વડા પ્રધાનને ઉદ્દેશીને, અક્ષરસઃ રડતાં રડતાં કહ્યું હતું કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવી લો. ૨૪મી એપ્રિલ ૧૯૧૬ના રોજની દેશના મુખ્ય ન્યાયમૂર્તિની રડીને કાકલુદી કરતી એ ભાષાણની ક્લીપ યુટ્યુબ પર જોવા મળશે. એ પછી ૪૦ વરસે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હાથ જોડીને કાકલુદી કરીને કોલકાતામાં એક સભામાં મંચ પર ઉપસ્થિત દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડને ઉદ્દેશીને કહ્યું હતું કે દેશનાં ન્યાયતંત્રને બચાવી લો. એની તટસ્થતા, ગરિમા, બંધારણીય મૂલ્યો માટેની નિસ્બત, પ્રાથમિકતા જળવાઈ રહેવી જરૂરી છે. અન્યથા દેશ લોકતંત્ર ગુમાવી બેસશે. અદાલત એ ન્યાયનું મંદિર છે. મંદિરમાં પવિત્રતા અને મર્યાદા નહીં જળવાય તો ક્યાં જળવાશે!

હોમી દસ્તૂર
ચાર દાયકા થયા અને ન્યાયતંત્રને બચાવી લેવાની ગુહાર તો તેનાંથી પણ જૂની છે. પાંચ દાયકા કરતાં પણ વધારે જૂની. ન્યાયતંત્રમાં સુધારા સૂચવતી કાયદાપંચની ભલામણો પાંચ દાયકા જૂની છે. પણ અહીં મેં ગુહારની જે ત્રણ ઘટનાઓ ટાંકી એમાં એક ફરક નજરમાં આવ્યો? પહેલી બે કાકલુદીમાં ન્યાયતંત્રને કેસોનો ભરાવો, જજોની નિમણૂકમાં કરવામાં આવતો વિલંબ, અપર્યાપ્ત અદાલતોની સંખ્યા, લાંબીલચક દલીલો અને તારીખ પછી તારીખ માગનારી સુનાવણીઓ વગેરે બાહ્ય પરિબળોથી બચાવી લેવાની માગણી કરવામાં આવી છે. મંદિરના સ્થપતિઓને કાકલુદી કરવામાં આવી છે કે આ પવિત્ર મંદિરને બચાવી લો. દેશના વ્યાપક હિત માટે આ જરૂરી છે. તેનાથી ઊલટું આ વખતે મમતા બેનર્જીએ મંદિરના મુખ્ય પૂજારીને કહ્યું છે કે તમારાં મંદિરને બચાવી લો. તેમાં પવિત્રતા, ગરિમા, મર્યાદા અને તટસ્થતા સાથે સમાધાનો થઈ રહ્યાં છે. સેવ કેપિટાલીઝમ ફ્રોમ કેપિટાલીસ્ટ એમ જે કહેવાય છે એમ મમતા બેનર્જીએ કહ્યું છે કે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ. શરૂઆત થઈ હતી સેવ જ્યુડિશિયરીથી અને વાત પહોંચી સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ સુધી.
આને પતન કહેવાય અને જો કોઈ પણ પ્રશ્નને સમયસર હાથ ધરવામાં ન આવે અને ઉપરથી તેને કાર્પેટ તળે ધકેલવામાં આવે તો આવું થાય. હવે શાસકોને કાકલુદી કરવાની વાત પાછળ રહી, હવે વડા પ્રધાન સમક્ષ રડવાની વાત વીતી ગઈ હવે મંદિરના મુખ્ય પૂજારીને કહેવું પડે છે કે કેટલાક પૂજારીઓને કારણે મંદિર અભડાઈ રહ્યું છે. પ્લીઝ કાંઈક કરો. મેં મારી તરુણાવસ્થામાં ન્યાયતંત્રને બચાવી લેવાની પહેલી ગુહાર સાંભળી છે અને અત્યારે ૭૦ વરસની ઉંમરે મમતા બેનર્જીની ગુહાર સાંભળી જેમાં ફરક એ છે તેમણે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસની વાત કહી છે.
આ સ્થિતિ માટે વર્તમાન શાસકો કરતાં માજી શાસકો, ખાસ કરીને કાઁગ્રેસના શાસકો વધારે જવાબદાર છે. શાસકો પોતાના લાભમાં વ્યવસ્થાને શિથીલ કરે છે અને શિથીલ થયેલી વ્યવસ્થા જ્યાં સુધી લાભ આપે ત્યાં સુધી તેમાં સુધારા કરતા નથી. સુધારાના અભાવમાં વ્યવસ્થા હજુ વધુ શિથીલ બને છે અને એક દિવસ તે હાથમાંથી સરકી જાય છે અને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારની વચ્ચે સમય કાઢીને બૌદ્ધિકોની એક સભામાં લખનૌ ગયા હતા અને ત્યાં તેમણે તેમની ભાષામાં લગભગ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે કાઁગ્રેસે સત્તાલક્ષી રાજકારણ કરવામાં ઘણી ભૂલો કરી છે. પણ ભૂલોમાંથી કોઈ શીખતું નથી, શાસકો તો જરા ય શીખતા નથી એટલે વર્તમાન શાસકો એ જ ભૂલ કરી રહ્યા છે જે આગળના શાસકોએ કરી હતી.
જે આજે તમારા માટે અનુકૂળ થઈ શકે એ આવતીકાલે કોઈ બીજા માટે અનુકૂળ થઈને તમારા માટે પ્રતિકૂળ પણ થઈ શકે છે. અનૈતિક માર્ગે અનુકૂળ કરવામાં છેવટે અનુકૂળ કરનારને નુકસાન તો કરે જ છે, પરંતુ લાલચમાં આવીને અનૈતિક બનીને અનુકૂળ થયેલાઓ એ સંસ્થાને, દેશને અને સમાજને જે નુકસાન પહોંચાડે છે તેની તો કોઈ સીમા જ નથી. મમતા બેનર્જીએ એ તરફ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ તેમના પિતા ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડની જેમ શબ્દોના સ્વામી છે. તેમણે મમતા બેનર્જીની આખી વાત જ ઉડાડી દીધી અને કહ્યું કે અદાલત એ મંદિર નથી. જો અદાલતને મંદિર બનાવી દઈશું તો જજ પોતાને ભગવાન સમજતા થઈ જશે અને એ દેશહિતમાં નહીં હોય. જજો તો સમાજના ન્યાય કરનારા સેવક છે અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે. તેમણે એટલે કે જજોને પોતાને જે મૂલ્યો અભિપ્રેત છે તે મુજબ ન્યાય કરવાનો નથી, બંધારણને જે મૂલ્યો અભિપ્રેત છે તે અનુસાર ન્યાય કરવાનો છે.
આ તો આદર્શ સ્થિતિની વાત થઈ જે નાગરિકશાસ્ત્રમાં ભણાવવામાં આવે છે. મમતા બેનર્જીએ ન્યાયતંત્રમાં આ આદર્શનો અંત આવી રહ્યો છે તેના તરફ ધ્યાન દોર્યું હતું. તેને મંદિર કહો, અદાલત ખંડ કહો, ન્યાયતંત્ર કહો, જે કહેવું હોય એ કહો, વાત એમ છે કે જ્યાં સડો ન પેસવો જોઈએ ત્યાંથી દુર્ગંધ આવી રહી છે. અને આની જાણ દેશના વિદ્વાન અને બાહોશ મુખ્ય ન્યાયમૂર્તિથી વધારે કોને હોય! ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે રડતા રડતા જે કહ્યું તેની વડા પ્રધાને પોતાના ભાષણમાં નોંધ સુધા નહોતી લીધી. મમતા બેનર્જીએ જે કહ્યું એ વાતને મુખ્ય ન્યાયમૂર્તિએ સિફતપૂર્વક ઉડાવી દીધી.
આંખ આડા કાન કરો અને જો એ થાય એમ ન હોય તો કાર્પેટ તળે છૂપાવી દો. હોમી દસ્તૂરે કરેલા ઊહાપોહ પછી ન્યાયતંત્ર ચાર દાયકા તો જેમ તેમ ટકી ગયું, પણ હવે આ અંતિમ પડાવ છે. કાર્પેટ પણ હવે છૂપાવી શકે એમ નથી. બધું ઉઘાડું છે અને બધાને બધી ખબર છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 જુલાઈ 2024