
રમેશ ઓઝા
ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે. બીજી વાત મેં એ કહી હતી કે કાઁગ્રેસને બેઠી કરવાનો શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ જાય છે.
કાઁગ્રેસને દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલી દેવી હોય તો બે વિકલ્પ હતા. એક, સંઘ પરિવારને અભિપ્રેત હિંદુ ભારતની કલ્પના પ્રજા પાસે સ્વીકૃત કરાવવી જે રીતે ન્યાય અને સમાનતા આધારિત સહિયારા ભારતની કલ્પના મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નેહરુએ અને બીજા ભારતીય નેતાઓએ સ્વીકૃત કરાવી હતી. એ વ્યાપક સ્વીકૃતિને કારણે કાઁગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું હતું. અને બીજો વિકલ્પ હતો પ્રજાને કાઁગ્રેસ પાસેથી જેવા શાસનની અપેક્ષા હતી અને કાઁગ્રેસનાં શાસકો નહોતા આપી શક્યા એવું શાસન આપવું. અપેક્ષાની પૂર્તિ કરવી. જો દૂરંદેશી ધરાવનારા હિન્દુત્વવાદી શાસકો હોય તો આ બન્ને કરે. પ્રજાલક્ષી ઉત્તમ શાસન પણ આપે અને પોતાની કલ્પનાના ભારતને સ્વીકૃત પણ કરાવે. આ સિવાય સાદગી, પારદર્શકતા અને પ્રામાણિકતાનો પરિચય કરાવે. એવું પણ બન્યું હોત કે ઉત્તમ શાસન દ્વારા અને શાસકોનાં આચરણ દ્વારા હિંદુ ભારતની કલ્પના સ્વીકૃત કરાવવામાં સહાયતા મળી હોત.
સંઘ પરિવારને ૨૦૧૪માં સુવર્ણ અવસર મળ્યો હતો જેની તેઓ દાયકાઓથી રાહ જોતા હતા. પણ ૧૮મી સદીમાં જેમ હિંદુ પેશ્વાઓ દેશ પર રાજ કરવાનો સુવર્ણ અવસર ચૂકી ગયા તેમ ૨૧મી સદીમાં હિંદુતવવાદીઓ ચૂકી ગયા. તેની જગ્યાએ તેમણે કાઁગ્રેસ સામેની નારાજગીને નફરતમાં ફેરવવાનો, કાઁગ્રેસી નેતાઓને બદનામ કરવાનો, ગોદી મીડિયા અને ગોદીવૂડ દ્વારા ખોટો પ્રચાર કરવાનો, કાઁગ્રેસને નિર્બળ કરવાનો, રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવાનો, લોકતાંત્રિક વિકલ્પોને રૂંધવાનો, પોતે કેવા ઐશ્વર્યવાન છે તેના દેખાડા કરવાનો, લોકોને આંજી દેવાની ચેષ્ટા કરવાનો માર્ગ અપનાવ્યો. ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો કે ન વૈકલ્પિક ભારતની કોઈ કલ્પના રાખી. આ જ એકમાત્ર માર્ગ હતો કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર રાખવાનો, જે અપનાવવામાં ન આવ્યો.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ જે માર્ગ અપનાવ્યો એ જોઇને મને જરા ય આશ્ચર્ય નથી થતું. ગુજરાતમાં પણ તેમણે થોડેઘણે અંશે આ જ માર્ગ અપનાવ્યો હતો. આશ્ચર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે થાય છે. તેના નેતાઓ માટે થાય છે. કોઈએ ઉંહકારો નથી કર્યો કે આપણે ખોટે માર્ગે જઈ રહ્યા છીએ. આપણે તક ગુમાવી રહ્યા છીએ. આપણે નરવા હિંદુ રાષ્ટ્ર (જો એ શક્ય હોય તો) લોકોમાં સ્વીકૃત કરાવવા પ્રયત્નો કરવા જોઈએ. ચર્ચા યોજવી જોઈએ. શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવું જોઈએ. શાસકોએ તેમના આચરણ દ્વારા આદર્શ હિંદુ નેતા કેવો હોય તેનો દાખલો બેસાડવો જોઈએ. ગરીબોનું કલ્યાણ કરવું જોઈએ કારણ કે ગરીબોમાં ૮૦ ટકા હિંદુઓ છે. મને હવે ખાતરી થઈ ગઈ છે કે તેમની પાસે નરવા હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના જ નથી. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુ રાષ્ટ્ર છે જેનો અનુભવ થઈ રહ્યો છે.
આ બાજુ રાહુલ ગાંધી ઝંઝાવાતની વચ્ચે કશાકની શોધમાં હતા. તેમને બદનામ કરવામાં આવ્યા હતા, ઠેકડી ઉડાડવામાં આવતી હતી, લોકોએ રાજકીય વિકલ્પ તરીકે તેમના નામનું નાહી નાખ્યું હતું, કાઁગ્રેસનો સર્વત્ર પરાજય થઈ રહ્યો હતો, કાઁગ્રેસીઓ પક્ષ છોડીને બી.જે.પી.માં જતા હતા, રાજ્ય સરકારોને તોડવામાં આવતી હતી, લોકસભાનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું, પક્ષને મળતાં નાણાંના સ્રોત બંધ કરી દેવામાં આવ્યા હતા, વગેરે વગેરે. દુ:શ્મનને પણ આવા દિવસો જોવા ન પડે એમ આપણે કોઈનું દુઃખ જોઇને કહીએ છીએ એવા દિવસો રાહુલ કાઢતા હતા.

રાહુલ ગાંધી
પહાડ જેવો પડકાર હોવા છતાં અને ઠેકડીનો વિષય હોવા છતાં રાહુલ ગાંધી તૂટ્યા નહીં એ માટે આપણે તેમને સલામ કરવી જોઈએ. બીજો હોય તો ભાંગી પડે. રાહુલ ગાંધી હાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. પહેલાં તેમણે રાજકીય નેતાઓ અપનાવે છે એવો પરંપરાગત માર્ગ અપનાવ્યો. બીજા પક્ષો સાથે સમજૂતી કરવાનો અને હિંદુઓ નારાજ ન થાય એનું ધ્યાન રાખવાનો. મંદિરોમાં જવાનો અને ટીલાટપકાં કરવાનો. તેઓ ભા.જ.પ.ની પીચ પર રમતા હતા અને તેમને સફળતા મળતી નહોતી.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી એન.આર.સી.(નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન)ની જોગવાઈ સામે લોકોએ કરેલું આંદોલન, એ પછી ખેડૂતોએ કરેલું આંદોલન અને બીજાં કેટલાંક આદોલન જોઇને તેમને બે વાત સમજાઈ ગઈ. એક તો એ કે તમામ હિંદુ હિંદુ રાષ્ટ્રના સમર્થક નથી. એન.આર.સી.નો વિરોધ મુસલમાનો કરતાં હિંદુઓએ વધારે કર્યો હતો. નરેન્દ્ર મોદીને સમર્થન કરનારા હિંદુઓ કરતાં તેમનો વિરોધ કરનારા હિંદુઓ ઘણી મોટી સંખ્યામાં છે. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે એ સહિયારા ભારતને બચાવવા માગે છે અને માટે વિરોધ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે સેક્યુલર ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા આ દેશમાં હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. આ બાજુ બી.જે.પી.નું જે હિન્દુત્વ છે એ માથાભારે છે. બીજી વાત તેમને એ સમજાઈ ગઈ કે નરેન્દ્ર મોદીનું શાસન અને શાસનનું સ્વરૂપ જેટલા પ્રશ્નો ઉકેલે છે એનાં કરતાં વધુ પેદા કરે છે. દેખાડો, ખોટા વાયદાઓ, જૂઠાણા, બીજાની જગ્યા આંચકી લેનારી અંચાઈ, પસંદગીના ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ઉઘાડી મદદ, અર્થતંત્ર તરફ દુર્લક્ષ, લોકતાંત્રિક મર્યાદાઓનું ઉલ્લંઘન અને ચીને કરેલું મર્દાનગીનું પંક્ચર વગેરેનો બચાવ હિન્દુત્વવાદી હિંદુઓ પણ નથી કરી શકતા. ગોદી મીડિયા પણ ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે, બચાવ નથી કરી શકતા.
રાહુલ ગાંધીએ હિંદુઓની સંભવિત નરાજગીની ચિંતા કર્યા વિના તીર સીધું સાવરકર-સંઘના હિંદુરાષ્ટ્રની કલ્પના સામે અને નરેન્દ્ર મોદીના માથાભારે શાસન સામે ઉગામ્યું. સાવરકર – સંઘ – નરેન્દ્ર મોદીના હૃદયકમળમાં જ તીર મારવાનું શરૂ કર્યું. તેમણે ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૃથકતાવાદી હિંદુ રાષ્ટ્રને જ ટાર્ગેટ બનાવ્યું. ભારતની એક કલ્પના ગાંધીજીની છે અને બીજી સાવરકરની. ગાંધીજીની કલ્પનાના ભારતના પાયામાં ન્યાય છે, સમાનતા છે, મર્યાદા છે, સંયમ છે અને બંધારણ છે. સાવરકરની કલ્પનાનાં ભારતમાં હિંદુઓનું (સવર્ણ હિંદુ પુરુષ વાંચો) સર્વોપરીપણું છે જે માર્ગ માથાભારે હિંદુ રાષ્ટ્ર સુધી લઈ જાય છે. આગળ કહ્યું એમ વિવેકી હિંદુઓ હિંદુ રાષ્ટ્રના વિરોધી છે અને તેમની સંખ્યા મોટી છે. જેમ જેમ લોકોનો નરેન્દ્ર મોદી વિષેનો ભ્રમ તુટવા માંડ્યો રાહુલ ગાંધીની લાઈન મોટી થવા લાગી.
કાઁગ્રેસ અને રાહુલ ગાંધીનું કોઈ અસ્તિત્વ જ નહીં બચ્યું હોય ત્યાં સહિયારા ભારતની વકીલાત કરશે કોણ એમ નરેન્દ્ર મોદી અને સંઘ માનતા હતા. તેઓ એ ભૂલી ગયા કે સહિયારા ભારતની દેશને જરૂર છે, તેની પ્રાસંગિકતા છે, બહુમતી હિંદુઓ તેને શોધે છે, બચાવી લેવા માગે છે, તેને માટે તેઓ લડે છે અને તેના પ્રવક્તા તરીકે તેનો સીધો લાભ રાહુલ ગાંધીને મળી રહ્યો છે. ઉદારમતવાદી હિંદુઓને રાહુલ ગાંધીનો ખપ છે. માટે પ્રારંભમાં કહ્યું એમ જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2024