૧૯૩૭માં પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી થઈ, ત્યારે આજે જ્યાં પાકિસ્તાન છે એ પ્રાન્તોમાં અને બંગલાદેશમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો. ૧૯૪૬માં અલબત્ત એ પ્રદેશોમાં મુસ્લિમ લીગનો વિજય થયો હતો, એનું કારણ કોમવાદનો ઝેરી પ્રચાર હતો. એ સમયે મુસલમાનોનું મન એ રીતે ભ્રમિત થયેલું હતું જે રીતે અત્યારે કેટલાક હિંદુઓનું જોવા મળે છે. આમ છતાં ય તેમને પાકિસ્તાનમાં રસ હતો એમ ન કહી શકાય. એ સમયે પણ વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો પરાજય થયો હતો અને બલુચિસ્તાને પાકિસ્તાનમાં જોડાવાની ના પાડી દીધી હતી.
રહી વાત આજના બંગલાદેશની તો ત્યાનાં મુસલમાનોને પણ સ્વતંત્ર થવા મળતું હોય તો તેમને પાકિસ્તાનમાં રસ નહોતો. બંગાળના દિગ્ગજ નેતાઓ ફઝલુલ હક્ક, શહીદ સુહરાવર્દી, સુભાષચન્દ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને હિંદુ મહાસભાના કેટલાક નેતાઓ મળીને ગાંધીજી પાસે પ્રસ્તાવ લઈને ગયા હતા કે પૂર્વ બંગાળના મુસલમાનો પાકિસ્તાનમાં જોડાવા રાજી નથી, પણ તેઓ સ્વતંત્ર બંગાળમાં હિંદુઓ સાથે સંપીને રહેવા તૈયાર છે. માટે જેમ મુસલમાનો માટે પાકિસ્તાન બની રહ્યું છે એમ બંગાળીઓ માટે મજિયારું બંગાળ આપવામાં આવે. કહેવાની જરૂર નથી કે તેમને ગાંધીજીનો ઠપકો સાંભળવો પડ્યો હતો. જો ભેગા રહેવામાં વાંધો નથી તો પાકિસ્તાનની માગણી કરતા મુસ્લિમ લીગને ટેકો આપ્યો શા માટે અને હવે જો ભેગા રહેવું છે તો ભારતમાં રહેવામાં વાંધો શું છે?
ગાંધીજીના આ પ્રશ્નનો જવાબ બંગાળના નેતાઓ આપી શકે એમ નહોતા. પણ છતાં ય આવી બેહૂદી માગણી કરવાનું સાહસ બંગાળના હિંદુ અને મુસલાન એમ બન્ને કોમના દિગ્ગજ નેતાઓએ કરી હતી. મેં મારા લેખોમાં અનેક વાર લખ્યું છે કે આ દેશમાં પ્રત્યેક ભારતીય એક કરતાં વધુ ઓળખો (અસ્મિતાઓ) લઈને જીવે છે જેમાં ભારતીય હોવાની ઓળખ છેલ્લે આવે છે. એમાં વળી બંગાળીઓની બંગાળી તરીકેની ઓળખ પ્રબળ છે. બંગાળી મુસલમાનોમાં પણ બંગાળી હોવાની ઓળખ પ્રબળ હતી અને છે. પાકિસ્તાન બન્યું ત્યારે પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓ સાથે તેમને પાકિસ્તાનવાદીઓને માફક આવે એવો ઇસ્લામ પકડાવવાની અને બંગાળી અસ્મિતા છોડાવવાની રમત શરૂ થઈ. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ ૨૧મી માર્ચ ૧૯૪૮ના રોજ ઢાકાની મુલાકાત લીધી અને તેમણે ઉર્દૂ ભાષાને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા જાહેર કરી. પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસલમાનોએ તેનો વિરોધ કર્યો અને ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષા વિરોધી તોફાનો કર્યા. ભવિષ્યમાં રચાનારા બંગલાદેશના શ્રીગણેશ એ જ દિવસે, પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર સાત મહિનામાં મહમદઅલી ઝીણાની હયાતીમાં જ મંડાઈ ગયા હતા. વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ વિદ્યાર્થી નેતા શેખ મુજીબુર રહેમાને કર્યું હતું જે આગળ જતા પાકિસ્તાનનું વિભાજન કરીને બંગલાદેશની સ્થાપના કરવાના હતા.
એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. પૂર્વ પાકિસ્તાનમાં ખાસ પ્રકારના પાકિસ્તાનને માફક આવે એવી ઇસ્લામિક અસ્મિતા અને બંગાળી અસ્મિતા વચ્ચે સંઘર્ષ શરૂ થયો. બંગાળનો ઇસ્લામ અને બંગાળના મુસલમાનો પણ પાકિસ્તાનના ઇસ્લામ અને પાકિસ્તાનના મુસલમાનો કરતાં અલગ હતા. ઇસ્લામ ધર્મ પાકિસ્તાનની બે પ્રજાને જોડી રાખવામાં નિષ્ફળ નીવડ્યો. લગભગ આવી જ સ્થિતિ પશ્ચિમ પાકિસ્તાનમાં પણ હતી. ત્યાં પણ બલુચીઓ, પઠાણો અને સિંધીઓ પોતાની અસ્મિતાને પકડી રાખવા માંગતા હતા. સિંધમાં પણ ઉર્દૂ વિરોધી તોફાનો થયાં હતાં. પાકિસ્તાનના આ ત્રણ પ્રાંતોની પ્રજાએ આજે પણ પાકિસ્તાનનો તેના સંસ્કૃતિક રસાયણ સાથે પૂરેપૂરો સ્વીકાર કર્યો છે એવું નથી.
પાકિસ્તાનની બન્ને પાંખના મુસલમાનોએ પાકિસ્તાનનું ખાસ પ્રકારનું વિકસાવવામાં આવેલું રસાયણ સ્વીકારવાનો પ્રતિકાર કર્યો તેનો લાભ પંજાબી મુસલમાનોએ લેવાનું શરૂ કર્યું. એક તો પંજાબી અસ્મિતા ખાસ પ્રબળ નહોતી. બીજું પંજાબીઓ પ્રમાણમાં સમૃદ્ધ હોવાથી ત્યાં બોલકો મધ્યમવર્ગ વિશાળ હતો અને તેમનું પાકિસ્તાનમાં સ્થાપિત હિત હતું. માત્ર પંજાબી મુસલમાનોએ પાકિસ્તાનને તેના રસાયણ સાથે સ્વીકાર્યું હતું. તેમણે પાકિસ્તાનની શાસન સંસ્થાઓ કબજે કરી હતી. લશ્કરમાં મોટા પ્રમાણમાં પંજાબીઓ હતા. દાયકાઓથી એક વાયકા પ્રચલિત છે કે પાકિસ્તાનના તારણહાર ત્રણ ‘એ’ છે; અલ્લાહ, આર્મી અને અમેરિકા. પંજાબીઓએ અને પંજાબી જનરલોએ પાકિસ્તાનના સામેના વાસ્તવિક, સંભવિત અને ઉપજાવી કાઢેલા સંકટનો ભરપૂર લાભ લીધો છે અને આજે પણ લે છે.
આપણે ત્યાં જેમ આજકાલ મુસલમાનો અને પાકિસ્તાનનો ડર બતાવવામાં આવે છે એમ પાકિસ્તાનમાં ૧૯૪૭થી હિંદુઓનો અને ભારતનો ડર બતાવવામાં આવે છે. આપણે ત્યાં હિંદુઓને ડરાવવામાં જેમ હિન્દુત્વવાદીઓનો રાજકીય સ્વાર્થ છે એમ પાકિસ્તાનમાં મુસલમાનોને ડરાવવામાં પંજાબી શાસકો અને લશ્કરનો સ્વાર્થ છે. આ બાજુ પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી ભૌગોલિક રીતે ઘણું દૂર હતું અને બંગાળી મુસલમાનો અને પંજાબી મુસલમાનો વચ્ચે કશું જ સમાન નહોતું. પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ ગુલામ સંસ્થાન (કોલોની) બનાવીને રાખ્યું હતું અને બંગાળીઓના વિદ્રોહને ખાળવા માટે પૂર્વ પાકિસ્તાનને લશ્કરી છાવણીમાં ફેરવી નાખ્યું હતું જે રીતે આત્યારે કાશ્મીરને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે.
પાકિસ્તાનના ઇતિહાસ અને ભારતના વર્તમાન વચ્ચે જે સમાનતા નજરે પડે છે જોઇને સુજ્ઞ વાચકે ચેતવું જોઈએ. ખરું કે નહીં?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જાન્યુઆરી 2021
![]()


ગાંધીજીએ એકલાએ ભારતને આઝાદી અપાવી, સરદાર પટેલે એકલાએ ભારતનું એકીકરણ કર્યું અને ડૉ. બી. આર. આંબેડકરે એકલાએ ભારતનું બંધારણ ઘડ્યું એ ત્રણેય કથન લગભગ અસત્યની કક્ષાનાં અતિશયોક્તિવાળાં છે. ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત, સરદાર ન હોત તો પણ ભારતનું એકીકરણ થયું હોત અને ડૉ. આંબેડકર ન હોત તો પણ ભારતનું બંધારણ એ જ સ્વરૂપનું ઘડાયું હોત જે સ્વરૂપનું આજે છે. આપણે જ્યારે આવાં માત્ર આપણને ગમે અથવા માફક આવે એવાં અતિશયોક્તિભર્યાં નિવેદનો કરીએ છીએ ત્યારે આપણે બીજાને અન્યાય કરીએ છીએ એનું ભાન નથી રહેતું. એકને મોટા બનાવવા માટે બીજાની ઉપેક્ષા કરવી કે નાના ચીતરવા અથવા બદનામ કરવા એ અપરાધ છે.
મારી વાચકોને ભલામણ છે કે તેમણે સુભાષચંદ્ર બોઝ દ્વારા લિખિત ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ-૧૯૨૦-૧૯૪૨’ નામનું પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક તેમણે એ દિવસોમાં લખ્યું છે જ્યારે આઝાદીની લડતો ચાલતી હતી અને વિરમતી હતી. ગાંધીજી લડતમાં ઢીલ છોડે અને સુભાષબાબુ અકળાઈ જાય. ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ, ચરખો, ખેતી, દારુની દુકાનો સામે મહિલાઓના પીકેટીંગ, ખેતીના પ્રયોગ, ખોરાકના પ્રયોગ, કુદરતી ઉપચારના પ્રયોગ, અહિંસાચિંતન, અહિંસક સમાજની રચના માટે આશ્રમજીવનના પ્રયોગો, એકાદશવ્રતના પ્રયોગો વગેરે ભાતભાતનાં ‘અવાંતર’ કામ કરે એ જોઇને સુભાષબાબુ અધીરા થઈ જાય. પાછાં આવાં ‘અવાંતર’ કામ તેઓ એટલી જ તીવ્રતાથી અને ચીવટથી કરે જેટલી ચીવટથી મીઠાનો સત્યાગ્રહ કરે. સુભાષબાબુને વારંવાર એવું લાગે કે આવો વેવલો માણસ ભારતને શું આઝાદી અપાવવાનો હતો અને જ્યારે નમક સત્યાગ્રહનો પ્રભાવ જુએ ત્યારે અભિભૂત થઈ જાય અને ફરિયાદ કરવા લાગે કે આ માણસ સઘળાં અવાંતર કામ છોડીને રાજકીય લડત પર ધ્યાન કેમ નથી આપતો?
આવી જ મનોદશા ડૉ. આંબેડકરની પણ હતી. તેમને પણ ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણ માટેની પ્રામાણિકતા અને તીવ્રતા જોઇને એમ લાગતું કે ગાંધીજીએ સઘળાં કામ પડતાં મુકીને દલીતોદ્ધારનું કામ હાથ ધરવું જોઈએ. તેમણે ગાંધીજીને એકથી વધુ વખત કહ્યું પણ હતું કે, ‘મહાત્માજી ભારતને આઝાદી આજ નહીં તો કાલે મળી જ જશે, પણ દલિતોને ન્યાય અપાવવાનું કામ તમારા સિવાય કોણ કરી શકશે? તમારો હિંદુઓ ઉપર પ્રભાવ છે.’ આમ સુભાષચન્દ્ર બોઝ માટે રાજકીય આઝાદી સિવાયનાં બીજાં કામ ‘અવાંતર’ હતાં અને ડૉ. આંબેડકર માટે અસ્પૃશ્યતાનિવારણ સિવાયનાં બીજાં કામ અવાંતર હતાં.
હવે પછી અહીં ભારતના બંધારણની રચનાની વાત કરવામાં આવશે પણ એ પહેલાં ભારતને આઝાદી અપાવવામાં ક્રાંતિકારીઓના યોગદાન અને તેની મર્યાદા વિષે સત્ય હકીકત જાણી લેવી જરૂરી છે.