બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એ પછી, ખાસ કરીને ૧૯૪૦ પછી, ભારતીય નેતાઓને સમજાઈ ગયું હતું કે હવે ભારતની આઝાદી દૂર નથી. માત્ર એ લોકોને નહીં જેમણે આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો, પણ એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેમણે ભારતને બને એટલો સમય અથવા તો ક્યારે ય આઝાદી ન મળે એમાં સક્રિય રસ લીધો હતો. એ લોકોને પણ સમજાઈ ગયું હતું જેઓ કાંઠે ઊભા રહીને ‘જો તમે કાંઈક મેળવવાના હો તો અમારો આટલો ભાગ હોવો જોઈએ’ એવી શરતો કરતા હતા. એ ભદ્ર વર્ગને પણ સમજાઈ ગયું હતું જે અંગ્રેજો નહીં તો અંગ્રેજી શાસન એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમ ઈચ્છતા હતા. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનારા, સરકારી તંત્રમાં ઈજારાશાહી ધરાવનારા અને એ રીતે સમાજમાં વર્ચસ્ ધરાવનારા લોકોનું અંગ્રેજી ઢાંચો એના એ સ્વરૂપમાં જળવાઈ રહે એમાં સ્થાપિત હિત હતું. રાજા-મહારાજાઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને આઝાદી મળવાની છે અને તેમાં તેમના ભવિષ્યનો સવાલ ઉપસ્થિત થવાનો છે.
જે લોકો પ્રાચીન ભારતમાં રામરાજ્ય હતું તેમ જ દૂધની નદીઓ વહેતી હતી એવાં સુંવાળા સપનાં જોતા હતા અને ભારતનું (હિંદુઓનું) પતન મ્લેછોના કારણે થયું એવું માનતા હતા એ લોકોને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેમને એ વાતની પણ ખબર હતી કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવાને કારણે શાસનમાં હિંદુઓનો હાથ ઉપર હશે, પણ તેમને એ વાતનો અંદેશો હતો કે હિંદુઓ સંખ્યાનો લાભ લઈને હિંદુ હોવાની સરસાઈ સ્થાપિત નહીં કરે. આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે તેઓ રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના શ્રમિકો-શોષિતોની કોઈ જાત નથી હોતી, ઓળખ નથી હોતી; ઓળખ માત્ર શોષિત-સર્વહારાની જ હોય છે અને માટે દુનિયા ભરના શ્રમિકોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને વૈશ્વિક બિરાદરી(કૉમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ)નો ભાવ કેળવવો જોઈએ એમ માનનારા સામ્યવાદીઓને પણ સમજાઈ ગયું હતું કે ભારતને કમ સે કમ રાજકીય આઝાદી તો મળવાની જ છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા. દુનિયાભરના મુસલમાનોની કોઈ જાત નથી હોતી, કોઈ બીજી ઓળખ નથી હોતી, કોઈ રાષ્ટ્રીયતા નથી હોતી; હોય છે માત્ર ઇસ્લામની અર્થાત્ મુસ્લિમ હોવાની ઓળખ અને માટે દુનિયાભરના મુસલમાનોએ રાજ્ય-રાષ્ટ્રના સીમાડાઓની ઉપેક્ષા કરીને મુસ્લિમ વૈશ્વિક બંધુત્વભાવ (પૅન – ઇસ્લામિઝમ) કેળવવો જોઈએ, એમ માનનારા મુસ્લિમ નેતાઓને પણ ખાતરી થઈ ગઈ હતી કે ભારતને આઝાદી મળવાની છે. તેઓ પણ આઝાદીનો ઊઘાડ નજરે પડ્યો ત્યારે રાજી હોવાની જગ્યાએ દુ:ખી હતા.
માત્ર ભારતીય નેતાઓને જ નહીં, આખા જગતને સમજાઈ ગયું હતું કે હવે ગુલામ દેશો આઝાદ થવાના છે. આનું કારણ એ હતું કે વિશ્વયુદ્ધ પછીનું જગત અલગ હોવાનું છે એ બધા જાણતા હતા. વિજેતા દેશો વિજેતા થઈને પણ હારવાના છે અને હવે ગુલામ દેશો ઉપર કબજો જમાવી રાખી શકવાના નથી એની તેમને જાણ હતી. વીસમી સદીના બરાબર મધ્યાહ્ને (૧૯૫૦ની આસપાસ) એશિયા અને આફ્રિકાના દેશો એક એક કરીને આઝાદ થવાના હતા જેનો અર્થ એ થયો કે અડધા કરતાં વધારે મોટું વિશ્વ આઝાદ 
થવાનું હતું જેનું અત્યાર સુધી શોષણ કરવામાં આવતું હતું. માત્ર શોષણ નહીં, તેમના ઉપર પશ્ચિમના માલિક દેશોએ તેમને માફક આવે એવો ખાસ પ્રકારનો શાસનનો અને અર્થતંત્રનો ઢાંચો લાગુ કર્યો હતો. તેમના મનમાં કુતૂહલ હતું અને ચિંતા પણ હતી કે આ દેશો આઝાદ થયા પછી કયો માર્ગ કંડારશે! તેઓ ગુલામ થયા એ પહેલાંનો તેમનો પોતીકો પરંપરાગત ઢાંચો પાછો સજીવન કરશે કે પછી માલિક દેશોએ લાગુ કરેલો ઢાંચો જાળવી રાખશે. તેમનું જીવનધોરણ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોના શોષણ ઉપર આધારિત હતું.
તેમની ચિંતા માટે કારણો પણ હતાં. જે વાચકો ગંભીર વાંચન કરવાની ક્ષમતા ધરાવે છે (અને મારા વાચકો એવી ક્ષમતા ધરાવે છે એની મને ખાતરી છે) તેમને હું પંકજ મિશ્રાનું એક પુસ્તક વાંચવાની આગ્રહપૂર્વક ભલામણ કરું છું. ‘From The Ruins Of Empire: The Revolt Against The West And The Remaking of Asia’ નામના પુસ્તકમાં પંકજ મિશ્રા લખે છે કે ૧૯૦૫માં જ્યારે ત્સુશિમાની લડાઈમાં બચુકલા જપાન સામે વિરાટ કાય રશિયાનો પરાજય થયો ત્યારે એ પરાજયને એશિયન દેશોએ એશિયાના પશ્ચિમ પરના વિજય તરીકે ઉજવ્યો હતો. ચીની નેતા સુન યાત સેન ત્યારે લંડનમાં હતા અને યુદ્ધ પછી તેઓ જ્યારે સ્ટીમરમાં ચીનનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે સુએઝની નહેરમાં એક આરબ મજૂરે (ધ્યાન આપવામાં આવે, મજૂરે) તેમને જપાની સમજીને રશિયાને હરાવવા માટે અભિનંદન આપ્યા હતા. જે દિવસે રશિયાના પરાજયના અને જપાનના વિજયના સમાચાર રવીન્દ્રનાથ ટાગોરને મળ્યા, ત્યારે તેમણે વિદ્યાર્થીઓને એ દિવસે ભણાવવાનું છોડીને ગામમાં વિદ્યાર્થીઓની વિજયફેરી કાઢી હતી. પંકજ મિશ્રા લખે છે કે એ યુગમાં એશિયાના દેશોમાં માબાપો પોતાના પુત્રનું નામ ટોગો રાખતા હતા જેણે જપાનને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.
સંસ્થાનવાદનો ઇતિહાસ શોષણનો, લૂંટનો અને પાશ્ચાત્ય સાંસ્કૃતિક સરસાઈનો હતો અને એની સામે બાકીના જગતમાં, ખાસ કરીને એશિયામાં અસંતોષ છે એની પશ્ચિમને જાણ હતી. અંગ્રેજીમાં જેને ઓરિયેન્ટલિઝમ કહેવામાં આવે છે તે પૌર્વાત્યવાદ પાશ્ચાત્યવાદ (ઓક્સીડેંટલિઝમ)ની સામે બીજે છેડે વિકસી ચુક્યો હતો. મુક્તિ પછી એશિયા કેટલું પશ્ચિમનું જાળવી રાખશે, કેટલું છોડશે, કેટલો વિવેક કરશે, કેટલી પ્રતિક્રિયા હશે, કેટલી આક્રમકતા (retaliation) હશે એનું ઉપર કહ્યું એમ કુતૂહલ હતું અને ચિંતા પણ હતી. વિકસિત પશ્ચિમનો વિકાસનો દર, તેની રફતાર અને તેની સ્થિરતા કે શાશ્વતી (sustainability) એશિયા શું માર્ગ અપનાવે છે એના ઉપર નિર્ભર હતાં.
એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એ પહેલાં, ૧૯૪૨માં ચીનના નેતા ચ્યાંગ કાઈ શેક ભારતની મુલાકાતે આવી ગયા હતા. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતને આઝાદી મળી એના ચાર મહિના પહેલાં ભારતમાં પૂરા કદની એશિયાઈ પરિષદ મળી ચૂકી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું અને પ્રમુખ રુઝવેલ્ટે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને સલાહ આપી હતી કે યુદ્ધ પછી ભારતને આઝાદી આપવાનું વચન બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓને આપીને યુદ્ધમાં ભારતનો સહયોગ મેળવવો જોઈએ. આનું કારણ અમેરિકાનો સ્વાર્થ હતો. અમેરિકાને ખાતરી થઈ ગઈ હતી કે યુદ્ધ પછીના ગેર-સામ્યવાદી જગતનું નેતૃત્વ અમેરિકા કરવાનું છે અને અમેરિકાને એ વાતની પણ ખાતરી હતી કે નવા ઊઘાડ પછી આઝાદ થયેલા એશિયા અને આફ્રિકાના દેશોનું નેતૃત્વ ભારત કરવાનું છે. ભારત તેની ગરીબી અને બીજા પ્રશ્નોને કારણે નેતૃત્વ ન પણ કરી શકે તો પણ નવો માર્ગ કંડારવામાં ભારત મહાજન બનવાનું છે.
ટૂંકમાં આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે કે હોવું જોઈએ એ વિષે ભારતમાં અને જગત આખામાં કુતૂહલ હતું. દરેકની પોતપોતાની ભૂમિકા હતી અને સ્વાર્થ હતા. દરેકના પોતાના આગ્રહો હતા અને પૂર્વગ્રહો હતા. સનાતની બ્રાહ્મણો, હિન્દુત્વવાદી હિંદુઓ, ઇસ્લામવાદી મુસલમાનો, સવર્ણો તરફ શંકાની નજરે જોનારા દલિતો, અગ્રેજિયતમાં પોતાનો સ્વાર્થ જોનારા ભદ્રજનો, રિયાસતો ટકાવી રાખવા ઈચ્છનારા રાજવીઓ, રિયાસતોની નોકરી કરનારા રાવ બહાદુરો, શ્રમિકોનું રાજ્ય સ્થાપવા માગતા સામ્યવાદીઓ, અન્ય લઘુમતી કોમના નેતાઓ, દક્ષિણ ભારતના દ્રવિડીઓ, ભાષાકીય અને પ્રાંતીય અસ્મિતાવાદીઓ એમ કંઈ કેટલા ય લોકો આઝાદ ભારતના સ્વરૂપ વિષે કુતૂહલ ધરાવતા હતા, અભિપ્રાય ધરાવતા હતા, આગ્રહો ધરાવતા હતા અને ભય પણ ધરાવતા હતા. આ સિવાય આખા જગતની પણ ભારત ઉપર નજર હતી. ભારત પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અને આધુનિકતા અને પરંપરા વચ્ચે કેવો વિવેક કરે છે એનું કુતૂહલ અને ચિંતા બન્ને હતાં.
ભારતે વિવેક કર્યો હતો અને દુનિયા વિસ્ફારિત નેત્રે જોઈ રહે એવો અદ્ભુત વિવેક કર્યો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2021
 ![]()


આઝાદી પછી ભારતના વિકાસનો એક ચતુષ્કોણ રચવામાં આવ્યો હતો. એક ખૂણો ઉદ્યોગપતિઓનો હતો જેણે ભારતનું ઔદ્યોગિકરણ કરવાનું હતું અને એ રીતે રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની હતી તેમ જ લોકો માટે રોજગારીની તક પેદા કરવાની હતી. બીજો ખૂણો ખેડૂતોનો હતો જેણે તાત્કાલિક ધોરણે ભૂખનો મોરચો સંભાળવાનો હતો અને લાંબે ગાળે ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર કરવાનું હતું. ત્રીજો ખૂણો કેન્દ્ર સરકારનો હતો જેણે ભારતના ઔદ્યોગિકરણનું પોષણ થાય અને વેગ મળે એ રીતના મોટાં રોકાણવાળા ઉદ્યોગો (હેવી ઇન્ડસ્ટ્રીઝ) સ્થાપવાના હતા. એમ કહી શકાય કે ઉદ્યોગોના ઉદ્યોગો. એમાં વીજળી, પોલાદ, રેલવે, માર્ગો, ખાણ, રિફાઇનરી, ટેલિકમ્યુનિકેશન્સ વગેરેનો સમાવેશ થતો હતો. આ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધનનો મોરચો પણ સંભાળવાનો હતો. ચોથો ખૂણો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સંયુક્ત હતો જેમાં તેમણે ખેડૂતોને મદદ, માર્ગદર્શન, સબસિડી, ટેકાના ભાવ, ગોદામ, અન્ન વિતરણ વ્યવસ્થા, માર્કેટ અને કૃષિસંશોધન કરવાનાં હતાં.
બોમ્બે પ્લાનમાં ઉદ્યોગપતિઓએ માગણી કરી હતી કે ધીમી ગતિએ વિકસતા ભારતીય ઉદ્યોગને ભારત સરકાર મદદ કરે. જો સરકાર મદદ કરશે તો ઔદ્યોગિક વિકાસની ગતી વધશે જેની દેશને જરૂર છે. કઈ રીતે સરકાર મદદ કરી શકે? એક તો સંરક્ષણ આપીને. જે ચીજ ભારતમાં બનતી હોય અથવા ભારતીય ઉદ્યોગો બનાવવા સક્ષમ હોય તો એ ચીજની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. ઉદ્યોગો માટેની મશીનરી અને જરૂરી કાચા માલની આયાત કરવી પડે તો એના પરની કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવે. આબકારી જકાતમાં રાહત આપવામાં આવે કે જેથી ભારતીય ઉદ્યોગને બહોળું માર્કેટ મળે. ઉદ્યોગો સ્થાપવામાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સરકાર સબસિડી આપે અને અમુક વરસ કરવેરામાં રાહત આપે. સરકાર કારખાનાં સ્થાપવા માટે જમીન પ્રાપ્ત કરી આપે. અને સૌથી મોટી વાત; રોડ, રેલવે, અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધા, પોર્ટ, જેવી માળખાકીય સુવિધાઓ અને ખૂબ રોકાણ માગી લેતા ઉદ્યોગો સ્થાપવાની જવાબદારી સરકારની. એ સમયના ઉદ્યોગપતિઓને જાણ હતી તેઓ રેલવે ચલાવવા જેટલી કે રિફાઇનરી ચલાવવા જેટલી કે પોલાદનું ઉત્પાદન કરવા જેટલી નાણાકીય ક્ષમતા નથી ધરાવતા.