વડાપ્રધાનશ્રી છેલ્લાં પાંચ વર્ષ થી જુદા-જુદા તબક્કે ‘વન નેશન વન ઇલેક્શન’ની વાત કરી રહ્યા છે. છેલ્લે બંધારણદિવસ ૨૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કેવડિયા ખાતે રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની બેઠકને સંબોધતા તેમણે ભારપૂર્વક વન નેશન વન ઇલેક્શનની વાત રજૂ કરી. વ્યૂહાત્મક રીતે જ ગોદીમીડિયાએ આ વાત પકડી લીધી. અગાઉ સ્વ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પણ બે વખત વન નેશન વન ઇલેક્શન બોલાવવામાં વડાપ્રધાન સફળ રહ્યા હતા.
સવાલ એ થાય કે વડાપ્રધાન ઉતાવળા કેમ થયા છે ? જાહેરાતો, સ્વ-પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયા ખર્ચ કરનાર વડાપ્રધાનને લોકશાહી પદ્ધતિમાં યોજાતી ચૂંટણીઓનો ખર્ચ ભારે લાગે છે. સૌથી વધુ અપારદર્શક ઇલેક્ટ્રૉ બોન્ડ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે. બિહાર ચૂંટણીમાં ઑનલાઇન સભાઓ માટે એલ.ઈ.ડી. ટી.વી.નો અધધ ખર્ચો વડાપ્રધાનની પાર્ટીએ કરેલો. રાજ્યસભાની ચૂંટણી વખતે પેટાચૂંટણીઓ પણ વડાપ્રધાનશ્રી, આપની પાર્ટી જ કરાવે છે, ત્યારે આપને મોઢે ચૂંટણીનો ખર્ચો બચાવવા વન નેશન વન ઇલેક્શનની વાત ગળે ઊતરે તેવી નથી. પરંતુ, ગોદી મીડિયા જરૂર તમારી વાત લોકોને સમજાવવામાં સફળ રહશે, તેમાં કોઈ બે મત નથી.
વડાપ્રધાન કહે છે કે, વન નેશન વન ઇલેક્શનથી ખર્ચો ઘટી જશે, જે વિકાસ ને વેગ આપશે. ઉપરાંત વારંવાર ચૂંટણીઓને લીધે આચરસંહિતાને લીધે વિકાસનાં કામો અટકી પડે છે. તેમની દલીલ કઈ નાખી દીધા જેવી તો નથી જ. ઉપરાંત, ગોદીમીડિયા અને ભક્તોને સમજાવવા માટેની પ્રધાનમંત્રીની આ દલીલ ચોક્કસ અસરકારક છે. વારંવાર આવી પડતી ચૂંટણીઓથી લોકો ત્રાસી ગયા છે, ત્યારે વડાપ્રધાનની ‘વન નેશન વન ઇલેક્શન’ની વાત લોકોને ચોક્કસ ગમે જ. પહેલી નજરે તો આ આદર્શ પદ્ધતિ છે, પરંતુ આ શક્ય છે ખરું?
ભારતની લોકશાહી અદ્ભુત છે. એટલે જ હજુ સુધી આ દેશની અખંડિતતા અકબંધ રહી છે. લોકશાહીને કમજોર કરવાના પ્રયત્નો થયા પણ તે નાકામિયાબ રહ્યા. ત્રણ તબક્કે ચૂંટણીઓ યોજાય છે. સ્થાનિક સ્વરાજ (ગ્રામ તાલુકા અને જિલ્લાપંચાયત તથા નગરપાલિકાઓ), રાજ્યો વિધાનસભા અને સંસદની ચૂંટણી. રાજ્ય વિધાનપરિષદો અને રાજ્ય-સભાની ચૂંટણીઓ પરોક્ષ થાય છે. તેમાં સીધી રીતે નાગરિક મત નથી આપતો, પરંતુ, ચૂંટાયેલા ધારાસભ્યો મત આપે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણીપંચ કરાવે છે. જ્યારે વિધાનસભા અને લોકસભા/રાજ્યસભાની ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણીપંચ કરાવે છે.
‘વન નેશન વન ઇલેક્શન’માં વડાપ્રધાન માત્ર વિધાનસભા/સંસદની ચૂંટણીની જ વાત કરે છે કે બધી જ ચૂંટણીઓની તે હજુ નક્કી થતું નથી. પરંતુ માહોલ બનાવીને અર્ધસત્યને જોરે લોકમત પોતાની તરફેણમાંઊભો કરવાની આવડત ભારતીય જનતા પક્ષ સારી રીતે કરી શકે છે. હજુ સુધી ભારતીય જનતા પક્ષના કોઈ વિદ્વાન દ્વારા આ અંગે જાણીજોઈને કોઈ લેખ લખવામાં નથી આવતો. માત્ર સમય, શક્તિ અને પૈસા તથા આચાર-સંહિતાની ચુંગાલમાંથી દેશને માટે બચાવવા ‘વન નેશન વન ઇલેક્શન’ની વાત હાલ પૂરતી વહેતી થઈ છે. વડાપ્રધાનની ચૂંટણીપ્રચાર સભાઓમાં બે વાતો વારંવાર સાંભળવા મળીઃ (૧) વિપક્ષને નાનો કરો (કૉંગ્રેસમુક્ત ભારત) (૨) કેન્દ્ર અને રાજ્ય એક જ પક્ષના હોય તો જ વિકાસ થઇ શકે. આ બાબતોને નજરઅંદાજ ના જ કરી શકાય. આ પરિપ્રેક્ષ્યમાં ‘વન નેશન વન ઇલેક્શન’ને જોવાની અને સમજવાની જરૂર છે.
માની લઇએ કે ‘વન નેશન વન ઇલેક્શન’ આદર્શ પદ્ધતિ છે, તો કેટલાક પ્રશ્નોનું સમાધાન કેવા સ્વરૂપમાં હશે?
૧. પેટા ચૂંટણીઓ : જો કોઈ સભ્ય રાજીનામું આપે કે અવસાન થાય, તો શું પેટા ચૂંટણીઓ પાંચ વર્ષ (જ્યારે સામાન્ય ચૂંટણીની અવધિ સુધી) સુધી નહિ યોજાય?
૨. ગેરલાયક : કોઈ સભ્ય ચૂંટણીપંચ કે ન્યાયપાલિકા દ્વારા ગેરલાયક ઠરે, તો શું પેટા ચૂંટણીઓ પાંચ વર્ષ (જ્યારે સામાન્ય ચૂંટણીની અવધિ સુધી) સુધી નહિ યોજાય?
૩. અવિશ્વાસની દરખાસ્ત : જો વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય, તો વિધાનસભાને પાંચ વર્ષ (જ્યારે સામાન્ય ચૂંટણીની અવધિ સુધી) સુધી સુસુપ્ત અવસ્થામાં મૂકીને રાષ્ટ્રપતિશાસન આવશે?
૪. ધારો કે, ૨૦૨૪માં જ લોકસભાની સાથે જ ‘વન નેશન વન ઇલેક્શન’ થાય તો, (અ) છેલ્લા એક વર્ષમાં જ જુદાં-જુદાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઇ ગઈ હોય, તેમાં પણ નવેસરથી ચૂંટણીઓ યોજવામાં આવશે કે પછી કેટલીક વિધાનસભાઓ લંબાવવામાં આવશે કે જેથી લોકસભાની સાથે જ ચૂંટણીઓ યોજાય. (બ) અથવા લોકસભા લંબાવવામાં આવે અને મોટાં ભાગનાં રાજ્યોની ચૂંટણીઓ સાથે થાય તે રીતે ‘વન નેશન વન ઇલેક્શન’ થાય.
૫. ખંડિત જનાદેશ : ધારો કે ‘વન નેશન વન ઇલેક્શન’ થઈ ગયું, પરંતુ લોકસભાને ખંડિત જનાદેશ મળે તો શું ફરી વખત ચૂંટણી નહિ યોજવામાં આવે કે પછી બહુમતી હોય કે ના હોય મોટા પક્ષને સત્તા મળે? તેવી જ રીતે રાજ્યોને સ્પષ્ટ જનાદેશ ના મળે તો શું થાય?
૬. રાષ્ટ્રપતિશાસન : જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ પડે તો પણ ત્યાં ચૂંટણીઓ નહિ યોજાય?
૭. રાજ્યસભામાં છ વર્ષની સભ્યપદ મર્યાદા હોય છે. જો ‘વન નેશન વન ઇલેક્શન’ના ગાળામાં ચૂંટણીઓ લંબાઈ જાય તો રાજ્યસભામાં પણ ચૂંટણીઓ નહિ યોજાય?
ફેડરલ સિસ્ટમવાળા લોકશાહી દેશમાં ‘વન નેશન વન ઇલેક્શન’નો વિચાર જરૂર આદર્શ લાગે, પણ અમલી કરવો સહેલો નથી અને જો બંધારણમાં સુધારા કરીને ઉપર્યુક્ત પ્રશ્નોને બાજુ પર મૂકી દેવાશે, તો લોકશાહી ખોખલી બની જશે.
‘વન નેશન વન ઇલેક્શન’ કરતા પહેલાં કેટલાક સુધારા કરવા જેવા છે. જેમ કે
(૧) એક નાગરિક એક જ વિધાનસભા કે લોકસભા પર ઉમેદવારી કરી શકશે.
(૨) એક વખત લોકસભા ચૂંટાયા પછી તે બેઠક પરથી રાજીનામું આપીને તે વિધાનસભા ના લડી શકે અથવા એક વખત વિધાનસભામાં ચૂંટાયા પછી રાજીનામું આપીને લોકસભામાં ના લડી શકે.
(૩) વિધાનસભા કે લોકસભાનો ચાલુ સભ્ય રાજીનામું આપે, તો સામાન્ય ચૂંટણી સુધી તે કોઈ પણ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ના કરી શકે.
(૪) કોઈ સભ્યની ચૂંટણી રદ્દ થાય, તો બીજા ક્રમે મત મેળવનારને ચૂંટાયેલો જાહેર કરવો જોઈએ.
‘વન નેશન વન ઇલેક્શન’ અંગે વડાપ્રધાન પોતાનો પ્લાન જાહેર જનતા સમક્ષ મૂકે અને તેમણે જ આપેલું સૂત્ર ‘સૌનો વિકાસ, સૌનો સાથ અને સૌનો વિશ્વાસ’ સાર્થક કરે.
ગુજરાત સોશિયલ વૉચ.
e.mail : maheshrpandya@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ.13
![]()


૨૦૧૪નાં રોજ સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાને લાલ કિલ્લાની રાંગેથી “મેઇક ઇન ઈન્ડિયા, મેઈડ ઇન ઇન્ડિયા”નું સૂત્ર આપ્યું હતું. તેની સાથેસાથે “ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઈફેક્ટ“ પણ કહેવાયું હતું. વિદેશોને કહેવામાં આવ્યું કે, “ભારતમાં આવો, મૂડીરોકાણ કરો, તમને અમારા કોઈ કાયદા (ખાસ કરીને પર્યાવરણ અને કામદાર કાયદા) નહીં નડે અને પ્રવર્તમાન કાયદાઓની અડચણ દૂર કરીશું.”