તડકો તો ખૂબ છે ..
ખૂબ એટલે ખૂબ ..
ધરતી ના એક છેડેથી બીજા
લગી,
ખેતરો જ ખેતરો ભરી
તડકો જ તડકો ..
બારીઓ તો બધી ય ખુલ્લી.
બારણાં બંધ છે.
તડકો આવી આવી ને
એકલો એકલો રમીને
ચાલ્યો જાય છે.
તડકો તો ખૂબ છે.
(17 જાન્યુઆરી 2021)
તડકો તો ખૂબ છે ..
ખૂબ એટલે ખૂબ ..
ધરતી ના એક છેડેથી બીજા
લગી,
ખેતરો જ ખેતરો ભરી
તડકો જ તડકો ..
બારીઓ તો બધી ય ખુલ્લી.
બારણાં બંધ છે.
તડકો આવી આવી ને
એકલો એકલો રમીને
ચાલ્યો જાય છે.
તડકો તો ખૂબ છે.
(17 જાન્યુઆરી 2021)
આજની તારીખે
'ચાલો,
જીવનમાંથી એક વર્ષ
ઓછું થયું !'
એવી વાત કરવી
એ
તદ્દન બોગસ વાત છે.
જિંદગી એ કંઈ
બજાર ને વેપારની
જમા-ઉધારની
રૂપિયાબાજી છે ?
જ્યાં જમા જ નથી
ત્યાં ઉધારની કેવી તે
વાત ?
એનો એવો પણ
અર્થ નથી જ
કે
ભૂતકાળને જનાવરની
જેમ વાગોળ્યા કરવો.
"અમે નાનાં હતાં ત્યારે આમ હતું ને તેમ ન હતું ..
અમારાં જમાનામાં તો એવું હતું ને તેવું ન હતું ..
અમે જ્યારે જવાન હતા ત્યારે તો …"
આવો ભૂતકાળનો બકવાસ
એટલે પતી ગયાની, ખુદ ખતમ થઈ ગયાની વાત,
જાણે
પોતાની જ શોકસભામાં
માઈક ખેંચી
પોતે જ લાંબું ભાષણ
ઠોકવા જેવી વાત !
ખરેખર તો
બારી ખોલીને,
બહાર જોઈને,
પોતાની જાતને
એકાદ સવાલ પૂછવો ના જોઈએ કે
ગયા વર્ષે તેં શું કર્યું ?
પોતે જ પોતાની જાતને,
ખુદને સવાલ પૂછવો
એ મને મુશ્કેલ, અઘરી વાત લાગે છે
પણ
જન્મદિનની કેક
કાપવાથી ય
વિશેષ
આનંદ
ખુદને સવાલ પૂછવાથી
કદાચ મળી શકે,
એવું ખરું કે નહીં ?
08 ડિસેમ્બર 2018
આજકાલ
ક્યારેક એવું લાગે છે કે
હું માણસ છું, છું જ.
ક્યારેક એવું લાગે છે કે
મારે પાંખો છે.
ચીં ચીં કરતાં ચકલાં જેવી
બે જ નહીં, ઘણી બધી.
ગગન ગજવે એવી ઘણી બધી પાંખો.
ક્યારેક એવું લાગે છે કે
મારી પાંખો કોઈક કાતરી રહ્યું છે,
મારી આંખોમાં એકાએક મરચું છાંટી ને
કે
બે-ચાર ધોલધાપટ કરીને
કોઈ મારી પાંખો હળવે રહીને
કાતરી રહ્યું છે.
ક્યારેક એવું લાગે છે કે
હું જ મારી આંખો પર પટ્ટા બાંધીને,
હું જ મારી પાંખો ધીમે ધીમે કાપી રહ્યો છું.
કપાતી પાંખોની કતરણ હવામાં ઊડી રહી છે,
અને હું ચૂપચાપ જોયાં કરું છું.
ક્યારેક એવું થાય છે કે
બૂમો પાડું, ચીસો પાડું, બેફામ ગાળોનો વરસાદ વરસાવું.
ક્યારેક એવું થાય છે કે
મારી જીભને પાંખો ફૂટે,
ફડ ફડ કરતી ખૂલે …
આજકાલ ક્યારેક એવું થાય છે કે ….
(26 જૂન 2020)