દેશ-દુનિયાના મિત્રો જેમને અચ્યુત યાજ્ઞિક તરીકે ઓળખે છે તે અમારા પરિવારના જયેન્દ્રભાઈ. 4થી ઓગસ્ટે તેમની વિદાયને બે વર્ષ થયાં. ઘણું ઘણું યાદ આવે છે. છેલ્લે મારે 2જી ઓગસ્ટે (2023) વાત થઈ હતી. મારી તબિયતના સમાચાર પૂછવા મને ફોન કર્યો હતો.
અમને સૌ પરિવારજનોને માહિતી અને જ્ઞાનનાં બારી-બારણાં ઉઘાડવામાં વિશેષ આપ્યું છે.
પણ તે ઉપરાંત આજે યાદ કરવા બેસું છું તો કેટકેટલી વ્યક્તિઓનાં જીવનને સમૃદ્ધ કરવા તેમણે ઉદ્દિપક જેવું કામ કર્યું છે તે નજર સામે દેખાવા માંડે છે ….
કંઈ કેટલા ય પત્રકારો, અમદાવાદના તો ખરા જ પણ દેશ વિદેશના ‘સેતુ’ની ઓફિસમાં તેમની કેબિનમાં અડ્ડો જમાવીને બેસતાં અને ગુજરાતના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક પ્રવાહો વિશેની ચર્ચા-વિમર્શ કરી કશુંક મેળવતા.
વ્યક્તિઓની વાત કરીએ તો પ્રા. શાલિની રાંદેરિયાની.એચ.ડી. કરતાં ત્યારથી જાણે કે સેતુ એમનું અમદાવાદમાં બીજું ઘર હતું … સાબરકાંઠામાં તેમણે ઘનિષ્ઠ સંશોધનકાર્ય કર્યું. આજે જીનીવા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરના હોદ્દા સુધી પહોંચ્યાં. પ્રા. સુજાતા પટેલે પણ અમદાવાદમાં સેતુમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ-કામદારો વિશે નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું. બેલા ભાટિયા … આજે જાનના જોખમે દેશના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ સાથે એકાકાર થઈ રહેતાં અને તેમનાં અધિકારો માટે સતત સંઘર્ષશીલ, ટીસમાં તેજસ્વી વિદ્યાર્થી રહેલાં સૌથી પહેલાં સેતુમાં રહી સાબરકાંઠાની બહેનો સાથે ઘણું બધું જાગૃતિનું કાર્ય કર્યું હતું. દેશ પરદેશમાં રહી પી.એચ.ડી કરતાં કે રિસર્ચ કરતા અને અચ્યુતભાઈ સાથે માર્ગદર્શન મેળવતાઓની યાદી ઘણી લાંબી છે …. ગુજરાતનાં આંદોલનો વિશે પુસ્તક લખનાર ડો. વર્ષા ભગત ગાંગુલીએ પણ વર્ષો લગી કામ કર્યું.
ખાસ વાત એ છે કે અચ્યુતભાઈના મહારાષ્ટ્રના સમાજવાદી મિત્ર માધવ સાઠેને કારણે મેધા પાટકર અમદાવાદમાં સેતુમાં સામાજિકકાર્ય કરવા જોડાયાં … અને અમારા પરિવારના સદસ્ય જેવાં બની રહ્યાં. 1981 પછી અમારા જેવા મિત્રો નર્મદા ડેમને કારણે વિસ્થાપિત થનારા આદિવાસીઓની જમીનના બદલામાં જમીન લડત જે આર્ચ વાહિની સંગઠને કર્મશીલ ફાધર જોસેફની સાથે રહી શરૂ કરી હતી તેમાં જોડાયા … એ પછી સેતુ સંસ્થાએ પણ 1984માં નક્કી કર્યું કે આ લડત મહારાષ્ટ્રમાં પણ શરૂ કરવી જોઈએ અને સેતુમાંથી એ કામ મેધાને સોંપાયું.
નર્મદાની પેલે પાર મેધા ગામડાં ખૂંદતા રહ્યાં … લોકોને સંગઠિત કર્યાં .. અને નર્મદા બચાવો આંદોલનનો એક ઇતિહાસ રચ્યો, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ….
અચ્યુતભાઈ 1981પૂર્વે પત્રકાર હતા ને પ્રેસ કામદારોના યુનિયનના સક્રિય આગેવાન તરીકે ય ઘણા બધાને મદદરૂપ બનતા રહ્યા હતા. મને યાદ છે 1975 બાદ તેમના યુવાસાથી પત્રકાર ધીરેન અવાશિયાએ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું ત્યારે દિલ્હીના તેમના જૂના મિત્ર અને ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ(પીજ ટી.વી.)ના કાર્યક્રમ નિર્માતાની મદદથી કાર્યક્રમ સહાયક તરીકેની કામગીરી અપાવડાવી અને પ્રિન્ટ માધ્યમમાંથી ધીરેનભાઈ ટી.વી. માધ્યમમાં પહોંચ્યા .. ને આગળ જતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો અનુસ્નાતક કક્ષાનો મહત્ત્વનો કોર્સ ઊભો કરવામાં પાયાનું કામ કર્યું.
આ જ કોર્સમાં અભ્યાસ અને અચ્યુતભાઈના માર્ગદર્શન માં સંશોધનકાર્ય પૂર્ણ કરનારા ધીમંત પુરોહિતનું નામ ‘આજ તક’ ટી.વી. ચેનલ આરંભ કરનાર તેમના પરમમિત્ર એસ.પી. સીંગને સૂચવ્યું હતું એ પણ મને યાદ આવે છે …
પરિવારજનો વચ્ચે અચ્યુતભાઈ .. જૂન 2023 .. તસવીર સૌજન્ય : સમીર પાઠક
સૌથી મહત્ત્વની વાત એ છે કે અચ્યુતભાઈ જે માનતા એવું જ જીવતા .. કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટમાં પરિવાદવાદ નહીં જ ચાલવો જોઈએ, એવું તેઓ દૃઢ પણે માનતા … સેતુ સંસ્થામાં ક્યારે ય કોઈ ટ્રસ્ટીના દીકરા, દીકરી કે ભાઈ ભત્રીજાઓને રખાયાં નથી. સેતુ સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે દલિત પેન્થર્સના અધ્યક્ષ ડો. રમેશચંન્દ્ર પરમાર અને આદિવાસી એકતા પરિષદના અશોક ચૌધરી રહી ચૂક્યા છે …
અને સૌથી ગૌરવની વાત એ છે કે એસ.એ.સી. પાસ કરીને ભિલોડાથી આચાર્ય ભાનુભાઇ અધ્વર્યુની આંગળી પકડીને અમદાવાદ આવેલા અશોક શ્રીમાળી વર્ષોથી સેતુમાં કાર્યરત છે … અને સેતુનો તમામ ભાર સંસ્થાના મંત્રી તરીકે ઘણાં વર્ષોથી તેમણે ઉપાડી લીધો છે … દેશ વિદેશમાં અનેકાનેક પ્રવૃત્તિઓ, સેમિનારોમાં ભાગ લઈ સાવ છેવાડાના લોકોનું જીવન કેવી રીતે બહેતર બને અને તેમના અધિકારો માટેના સંઘર્ષો માં મદદરૂપ બનવાની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે … અચ્યુતભાઈએ ઊભી કરેલી પરંપરાઓને આગળ ધપાવી રહ્યા છે એ વિશેષ આનંદની વાત છે …
આ ક્ષણે જેટલું સ્મૃતિમાં છલકાયું એ અહીં નોંધ્યું છે … લખવાનું તો ઘણું બધું …!
અચ્યુતભાઈને સ્મૃતિ સલામ!
સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર