મહા બદમાશ છે પણ કોઈ સારું કામ કરવાનો,
હવેનો  કોઈ  રાવણ  કોઈ  સારું  કામ કરવાનો !
બધા  ભેગા  મળીને માત્ર કરવાના અહીં ચોવટ,
અટૂલો  એકલો  જણ કોઈ સારું કામ કરવાનો !
તને  રંગોથી  નવડાવી  દીધાનું  યાદ  આવે  છે,
ફરી  આવીને  ફાગણ કોઈ  સારું કામ કરવાનો !
ન  માગ્યું  કંઈ  સુદામાએ  જઈને  કૃષ્ણની પાસે,
ગરીબ એકાદ બ્રાહ્મણ કોઈ સારું કામ કરવાનો !
પ્રથમ  પોતાને  આનંદિત  કરે  એવું  બજાવે  છે,
પછી  શ્રોતાને કારણ  કોઈ  સારું  કામ કરવાનો !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
 

