હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
બળાત્કાર પર પણ બળાત્કાર થાય છે!
તેથી હવે બળાત્કાર એક રાજનૈતિક કાર્યક્રમ છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
પણ હાંસલ કરવાનો એક રેકોર્ડ છે!
અચ્છે દિન ને વિકાસનો દૌર છે,
તેથી સંખ્યા થોડી ઔર છે!
બળાત્કારમાં દુનિયામાં છે…ક ચોથા નંબરે છીએ!
તેથી હવે બળાત્કાર પહેલે નંબરે પહોંચવાની
એક રાષ્ટ્રીય યોજના છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
ઇન્દ્રે અહલ્યા, વપુષ્ટમાંથી માંડી કંઈક પર કર્યા
વિશ્વામિત્રે માધવી પર
બ્રહ્માએ સગ્ગી છોડીનેય ન છોડી!
તોય એ દેવાધિદેવ!
તેથી હવે બળાત્કાર એક સાંસ્કૃતિક જતનનો મહિમા છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
કોના પર થયો એ છોડોને બબાલ
માત્ર કોણે કર્યો એ કહો
લિંગ પર ધર્મ છે, યોનિ પર ધર્મ છે.
જો વિધર્મી હો કે હો પરપ્રાંતી, તો દો પતાવી!
જો હો રામરહીમ કે આશારામ તો કરો આરામ!
તેથી હવે બળાત્કાર એક ધાર્મિક અનુષ્ઠાન છે!
હવે બળાત્કાર માત્ર બળાત્કાર નથી …
મજદૂર, આદિવાસી, દલિત, કાશ્મીરી મફફતમાં મળશે
જામીન પણ આપી દઈશું જાવ
કઠુઆ ઉન્નાવ કે હો કચ્છ, તમે સહુ મુકત છો વત્સ!
નાઉ હરી અપ એન્ડ સ્ટાર્ટ અપ ઈન્ડિયા
તેથી હવે બળાત્કાર એક વિવિધ છૂટછાટવાળી
પેકેજપ્રાપ્ત યોજના છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
કોઈ એકલદોકલ, કોઈ એકલદોકલ પર નથી કરતું
તેથી હવે બળાત્કાર સામૂહિક એવમ્ લશ્કરી ધોરણે યોજાતો ઉત્સવ છે!
હવે બળાત્કાર
માત્ર બળાત્કાર નથી
એ એક અનુઆધુનિક ઘટના છે.
તેથી હવે બળાત્કાર સત્યના મામલે સર્વથા સાપેક્ષ છે!
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 05 ઑક્ટોબર 2020; પૃ. 16