વર્ગ–વર્ણ
નવ –સીમાંકન અને જાતિગત જનગણના
મહિલા આરક્ષણથી માંડીને ઉત્તર–દક્ષિણ સંતુલન તેમ જ નાતજાતકોમની રાજનીતિને વિષમતા નિર્મૂલનપૂર્વક નાગરિક ભૂમિકાએ ચડાવી આગળ વધવાનો સ્વરાજસંકલ્પ સાદ દે છે.

પ્રકાશ ન. શાહ
છેક અંગ્રેજ વારાથી, 1881થી આપણે ત્યાં જનગણના(સેન્સસ)ની પ્રણાલિકા રહી છે. વચમાં થોડો વખત એ સ્થગિત રહી હતી. 2002માં વાજપેયી સરકારે 84મા બંધારણીય સુધારાને સહારે એમાં મુદ્દત પાડી હતી. હવે આવતા વરસથી એ પ્રક્રિયા ફેર હાથ ધરાય એવા આધારભૂત સંકેત સાંપડે છે.
આપણે ત્યાં લોકસભાની બેઠકો માટેની સીમાંકન પ્રક્રિયા એકાધિક ચૂંટણીઓ સારુ જે બાબતો લક્ષમાં લેવાય છે તેમાંથી એક મહત્ત્વની બાબત સ્વાભાવિક જ વસ્તીની પ્રમાણ હોય છે. દેખીતી વાત છે કે નિયમિત જનગણના વગર સીમાંકન પ્રક્રિયામાંયે સ્થગિતતા તો આવી જ જાય.
આ વખતે જનગણના સંદર્ભે કેટલાંક તકાજા કહો તો તકાજા અને પડકાર કહો તો પડકાર બરાબરના સામે આવી ઊભા છે. એક પ્રશ્ન, જેમ કે, મહિલા આરક્ષણનો છે. રાજ્યની વિધાનસભાઓમાં અને દેશની લોકસભામાં તેત્રીસ ટકાને ધોરણે મહિલા આરક્ષણનો અમલ હવેથી કરવાનો છે. એક વાર નવેસર જનગણના થઈ જાય અન નવસીમાંકન હાથ ધરાય તે પછી તેત્રીસ ટકા મહિલા આરક્ષણની જોગવાઈને અમલી ન જામો પહોંરાવવામાં આવી શકે તે દેખીતું છે.
આ કામ સાવ સહેલું નથી તો છેક અઘરું પણ નથી. પરંતુ, ખરેખર તો બે મોટા કોઠા ભેદવાના છે. એક કોઠો બેઠક સંખ્યાને ધોરણે સીમાંકન નિર્ધારિત કરવાનો છે. દક્ષિણનાં રાજ્યમાંથી જે અવાજો ઊઠ્યા છે તે આ સંદર્ભમાં સવિશેષ ચિંત્ય છે. તામિલનાડુના સ્તાલિન કે બીજા વસ્તી વધારવાની ઝુંબેશ સારુ હાકલ કરતા સંભળાય છે તે નોંધ્યું તમે? વસ્તીવર્ધન ઝુંબેશમાં જરૂર એક નાટ્યાત્મક અપીલ રહેલી છે. એની પાછળ તર્ક (બલકે મનોવિજ્ઞાન) એ છે કે વસ્તીને ધોરણે મતવિસ્તારો નિર્ધારિત થાય છે એ સંજોગોમાં ઉત્તર ભારતની સંભવિત બેઠક સંખ્યા સામે દક્ષિણ ભારતની સંભવિત બેઠક સંખ્યા સ્વાભાવિક જ ઓછી થઈ જાય. કુટુંબકલ્યાણ કાર્યક્રમ ઉત્તરને મુકાબલે દક્ષિણનાં રાજ્યોએ અસરકારક રીતે હાથ ધર્યો અને સફળતા મેળવી, એ જાણે કે કોઈ દંડ લાયક પ્રવૃત્તિ ન હોય!
જેમ વસ્તીનો કોઠો ભેદવાનો છે તેમ બીજો જે એક કોઠો ભેદવો રહે છે તે જાતીય જનગણનાનો છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં આ મુદ્દો, જેમ એકંદર બંધારણનો પણ, ખાસો ઉછળેલ છે. વિષમતા નિર્મૂલનની બાબત આપણા પ્રજાસત્તાક સ્વરાજ સારુ એક મહત્ત્વની બાબત નિઃશંક છે. વધતાં અબજોપતિઓ સામે એ એક દુર્દૈવ વાસ્તવરૂપે આપણાં અમૃત વર્ષોને ડારે પડકારે છે. બને કે કોઈને કદાચ કૂડ પણ લાગે એ રીતે કઈ નાતજાતના પ્રમાણમાં કેટલા અધિકારીઓ અગર ધનિકો કે બીજા લાભાર્થી છે એવા પ્રશ્નો ઊઠતા રહ્યા છે. ઉદ્યોગીકરણ પછીની દુનિયાનું વર્ગવાસ્તવ એક વાત છે અને આપણું પરંપરાગત વર્ણવાસ્તવ વળી બીજી વાત છે. જેમ વર્ગીય વિપન્નતા તેમ વર્ણગત વિષમતા પણ એક વાસ્તવિકતા છે. જાતીય જનગણનાનો આશય આ વાસ્તવિકતા પકડી વિકાસ તે ધોરણે ઝમે એવી આયોજનાનો છે.
જેમ ઓછીવત્તી વસ્તીને ધોરણે સીમાંકનના સવાલમાં ઉત્તર વિ. દક્ષિણની રાજનીતિનો ભય છુપાયેલો છે તેમ જાતિગત જનગણનાના સવાલ સાથે આપણી નાતજાતની રાજનીતિનાંયે લટિયાજટિયા ગુંથાયેલા ગુંચવાયેલ છે. આ એક એવી ભરીબંદૂક વાત છે જે અત્યાર સુધીની રાજનીતિની સિકલ વળી એક વાર ફેરવી શકે. હિંદુત્વ રાજનીતિ સામે સામાજિક રાજનીતિનો એક દોર હતો. મંદિર અને મંડલ સામસામાં મુકાયાં એનો ઉત્તર ભા.જ.પે. મંદિરમંડલ સાયુજ્યની રાજનીતિથી આપ્યો. લાલુ, મુલાયત, માયાવતી ઝળક્યાં તે પછીની આ ઘટના હતી. હવે આજે મંદિરમંડલવિકાસ વ્યૂહે કેવળ સર્વસામાન્ય અભિગમે નહીં અટકતાં જાતિગત જનગણનાને ધોરણે વિકાસથી વંચિત વર્ગ-વર્ણનો હિસાબ આપવો રહે અને એનું સમાધાન શોધવું રહે.
લોકસભાના પરિણામ સાથે કાઁગ્રેસને નવજીવન અનુભવતું હશે પણ સ્વરાજયાત્રામાં અને પ્રજાસત્તાક વર્ષોમાં આપણા નાતજાતગ્રસ્ત ને કોમવિભક્ત સમાજને નાગરિકતાની સીડી ચડાવવામાં જે ન્યૂનતા રહી એની ક્ષતિપૂર્તિનો એક પડકાર લઈને જનગણનાનો નવો તબક્કો આવે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑક્ટોબર 2024