નહેરુ જયંતી
જુગલબંદી : જવાહર ને સરદારની પરસ્પર પૂરક, ઉપકારક જોડી
સુવાંગ શાસનનાં દસ વરસ પછી અને છતાં બદ્ધેબધ્ધો ગરબડયશ સ્વરાજના સ્થાપક–પિતાઓને જ ધરાર દીધે રાખવાની બચકાના હરકત ધોરણસરની તપાસ માંગે છે : બહુ થયા ઇતિહાસના ‘જો‘ અને ‘તો‘.
લેપિયર – કોલિન્સની, આપણા સ્વરાજસંગ્રામને લગતી લોકપ્રિય કિતાબ ‘ફ્રીડમ એટ મિડ નાઇટ’ પર આધારિત સિરિયલ તરતમાં વહેતી મૂકવાની છે ત્યારે એની આગોતરી ખાટીમીઠી, કહો કે ટીઝર, સોશ્યલ મીડિયા પર જોઈ તમે? કાઁગ્રેસ કારોબારીના વરિષ્ઠ સદસ્યો એકત્ર થયા છે. મૌલાના આઝાદ છ વરસ પછી પ્રમુખપદેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમનું (કાઁગ્રેસ પ્રમુખનું) સ્થાન કોણ લેશે એ વિમર્શમુદ્દો છે. સંખ્યાબંધ પ્રાન્તિક સમિતિઓ સરદાર તરફે છે. ટીઝરમાં દર્શાવ્યા મુજબ, ચાલુ વિમર્શે ગાંધી પ્રવેશે છે. દેશને પટેલની જરૂર છે એવો મુદ્દો એ લગભગ અધોરેખિત શૈલીએ કરે છે, અને જવાહરલાલના પ્રમુખપદની ભલામણ કરે છે.

પ્રકાશ ન. શાહ
લ-ગ-ભ-ગ ઇતિ સિધ્ધમ ઢબે આ ખટમીઠું પડદાઊંચક આપણી સામે આવે છે. પણ દેશની તવારીખનો આ તબક્કો કોઈ એકાએક આવી પડેલ કે ઉપરથી ટપકી પડેલ નેતૃત્વનો વાસ્તવમાં નથી. સ્વરાજયાત્રા દરમિયાન 1929ની લાહોર કાઁગ્રેસના વારાથી નવા નેતૃત્વનું સહજ એલાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મુકમ્મલ આઝાદીના ઠરાવ સાથે થઈ જ ચૂક્યું છે. પછીનાં વરસો સંગઠનના માણસ તરીકે પટેલ અને લોકમોઝાર નેતૃત્વના અનેરી જુગલબંદીના છે. એમાં સમવિષમ ચડાવઉતાર હોઈ શકે, પણ જુગલબંદી તે જુગલબંદી.
જવાહર-સુભાષ પૈકી ભગતસિંહને આર્થિક સામાજિક કાર્યક્રમને ધોરણે જવાહર સારુ પક્ષપાત છે. હવે જુઓ 1931ની કરાચી કાઁગ્રેસમાં જવાહરના બે પ્રિય મુદ્દા – મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વાધીનતા – ઠરાવરૂપે પસાર થઈ પ્રતિમાન સરજે છે ત્યારે પ્રમુખપદે વલ્લભભાઈ છે. 1935ના બંધારણ પ્રમાણે ચૂંટણી લડાય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટણીજંગમાં ચાવીરૂપ સંકલન દાયિત્વ સંગઠન છેડે પટેલ હસ્તક છે અને દેશ આખામાં ધૂમી વળી જનમતને જીતવો એની જવાબદારી જવાહર બખૂબી પાર પાડે છે. એ દિવસોમાં વલ્લભભાઈએ બાપુને લખેલો પત્ર વાંચો. જવાહરે કેવું ભગીરથ કામ કેટલાં ભોગ સાથે પાર પાડ્યું, એ પ્રશંસાભાવ સાથેના વત્સલ શબ્દોમાં નાનો ભાઈ (સરદાર) મોટા ભાઇ(ગાંધી)ને રિપોર્ટ કરે છે. પોતાનાથી 14 વરસ મોટા વલ્લભભાઈ અને 20 વરસ મોટા ગાંધી સાથે મતભેદ સમેતનો સૌહાર્દ સમ્બન્ધ, કોણ સમજે.
વિભાજનની વિભીષિકા વચ્ચે મોટી વાત દેશજનતાને બાંધતા ઊર્મિવત્સલ એવા અલબત્ત ખરી હૂંટીના અવાજની છે, એવી જ વળી રાજકીય એકમ તરીકેના દૃઢબંધની જરૂર છે. જવાહર ને સરદાર પરસ્પ પૂરક, ઉપકારક, સંસ્કાર (કરેક્ટિવ) એવી દુર્મિળ જોડી તરીકે બોજનું વહન કરે છે. બંનેને એકબીજા વિશે ખબર પણ છે, અને કદર પણ છે. મુંબઈની વિરાટ સભાને નેહરુ-પટેલ સંબોધે છે. પત્રકાર વિન્સેટ શીન આફરીન પોકાર્યાનો ભાવ પટેલ સમક્ષ વ્યક્ત કરે છે. પટેલ સહજભાવે કહે છેઃ મિ. શીન, આ બધું લોક જવાહર સારુ ઊમટ્યું છે.
વિદેશ મંત્રીની નેહરુગાદીએ હાલ બેસતા એસ. જયશંકર વચ્ચે ગતકડું લઈને આવ્યા હતા કે નેહરુની કેબિનેટ યાદીમાં વલ્લભભાઈનું મૂળે નામ જ નહોતું! ભાઈ, નેહરુનો પટેલ પરનો કાગળ ઇતિહાસદર્જ ને ફાઈલબદ્ધ છે. એ લખે છે, મારે તમને ઔપચારિકતા સર નિમંત્રણ આપવું પડે છે, પણ (તમને એની જરૂર નથી, કેમ કે બધા જાણે છે કે) તમે આ નવી રચનાનો આધારસ્થંભ છો. 19 જુલાઈ 1947ના રોજ સત્તાવાર યાદી નેહરુએ લૉર્ડ માઉન્ટબેટન પર મોકલી એમાં ગણેશનામ શું પહેલું જ સરદાર રિપીટ, સરદાર વલ્લભભાઈ પટેલનું છે.
‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં મૌલાના આઝાદે લખ્યું છે કે જો નેહરુનું નામ મૂક્યું એને બદલે પટેલનું મૂકવા જેવું હતું એમ મને લાગે છે. પાછળથી મેં પટેલને પૂછ્યું હતું કે તમે કેમ તમારે માટે આગ્રહ ન રાખ્યો. એમણે કહ્યું કે, 1945માં જેલમાંથી આવ્યો તે પછી શરીર સાવ કોરાઈ ગયેલું છે. ગમે ત્યારે ઢબી પડે એવું છે. (મતભેદો છતાં) અટ્ઠાવનના જવાહર ને બોત્તેરના વલ્લભ વચ્ચે, જે પણ વર્ષો ને સ્વાસ્થ્ય છે તે જવાહર પાસે સ્તો છે.
કેળવવા જોગ પરિપ્રેક્ષ્યનું આ તો એકદશાંશમું ટોચકું માત્ર છે. દસ વરસના સુવાંગ શાસન પછી અગિયારમે પણ નહીં પકડાય તો ક્યારે પકડાશે ? રામ જાણે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024