એક-બે દિવસ પર લખતો હોત તો શરૂઆત સ્વાભાવિક જ રાજ્ય વિધાનસભાઓના ચૂંટણીજંગથી, અને એમાં પણ ખાસ તો મહારાષ્ટ્રનાં મ્યુિનસિપલ કોર્પોરેશનનાં પરિણામોથી કરી હોત. ભાજપની અણથંભી આગેકૂચ અને કૉંગ્રેસ-એનસીપીના સંકોચનની તેમ ભાજપના વિચારધારાકીય ભિલ્લુ જેવી શિવસેના અને ભાજપ મળીને ખંડી લેવાતી મહારાષ્ટ્ર-રાજનીતિની જિકર પહેલપ્રથમ કરી હોત.
પણ આ ક્ષણે ચિત્તનો પહેલો પડાવ (અને ઉડ્ડાનભૂમિ) સુદૂર અમેરિકા સ્થિત કેન્સાસ ખાતે છે. ટ્રમ્પની ચૂંટણીઝુંબેશે અને વિજયકૂચે જે માનસિકતા જન્માવી છે એ કલ્પનાને વટી જઈ દુર્દૈવ વાસ્તવમાં પરિણમી શકે છે તે ત્યાં કાર્યરત બે ભારતીય ઇજનેરો શ્રીનિવાસ અને આલોક પર ‘ટેરરિસ્ટ’ એવી ત્રાડ સાથે ત્રાટકેલા પૂર્વનૌકાસૈનિક ઍડમે દર્શાવી આપ્યું છે. શ્રીનિવાસ હવે સ્મૃિતશેષ છે.
‘ધ અધર’નું રાજકારણ, ચિરમુગ્ધ રાજનાથસિંહના કહેવા પ્રમાણે નમોને અનુસરતા ટ્રમ્પનું રાજકારણ, શ્રીનિવાસને હણી શકે છે. પણ લિંકન-કેનેડી-કાર્ટર-ક્લિન્ટન-ઓબામાનું અમેરિકા એમ ઓછું કોઈ ઍડમમાં સમેટાઈ જાય? આ ઘટનાક્રમમાં જો એક સ્મૃિતશેષ છે તો એક સ્મૃિતવિશેષ પણ છે. ૨૪ વરસના અમેરિકી યુવજન ઈયાને, હું એક અમેરિકી નાગરિક, આમાં કેવી રીતે સહભાગી થઈ શકું એવી ચેતનાવશ શ્રીનિવાસની બચાવકોશિશમાં ઍડમની ગોળી પંડે વહોરી લીધી છે.
ધોરણસર તો, એમ તો, એ કલાકોમાં ભારતસ્થિત અમેરિકી એલચી કચેરી પણ પેશ આવી છે. એણે હત્યાને વખોડવા સાથે ખાસ કહ્યું છે કે અમેરિકા તો સ્થળાંતરિતોનો મુલક છે. દુનિયા આખીમાંથી અમે સૌને આવકારીએ છીએ. વળી કહ્યું છે કે તપાસ અને નસિયત થશે જ. અલબત્ત, અમે કબૂલીએ છીએ કે જેણે ગુમાવ્યું છે એને સારુ ન્યાય તો સાવ નહીં જેવો દિલાસો છે.
સભ્ય જગત અને નવી દુનિયાનો આ આશારવ ‘ઇન્ડિયા ફર્સ્ટ’ની સંકીર્ણ રાજનીતિને પકડાશે? અહીં વાહવાહી રળતી તસલિમાએ બાંગલાદેશમાં હિંદુ લઘુમતીની દાઝ જાણી હતી એ સમસંવેદનાનો પાવક એટલો જ પારસ સ્પર્શ ‘નેશન ફર્સ્ટ’ માનસિકતાને થયો જાણ્યો નથી. મહારાષ્ટ્રની રાજનીતિ (ભલે દેખીતા સ્પર્ધી તરીકે પણ) એક જ વિચારધારાકીય અખાડાના બે પક્ષો હસ્તક જ બહુધા કેન્દ્રિત થતી હોય તો એનો અર્થ એ છે કે નાગરિકની વિકલ્પખોજ ઊલચૂલગત છે.
બિહારમાં નીતીશકુમાર અને કૉંગ્રેસે ભાજપને રોક લગાવી અગર તો આજે ઉત્તર પ્રદેશમાં ભાજપની વિજયાકાંક્ષા સામે અખિલેશ-કૉંગ્રેસ કંઈક રોક લગાવી શકવાનાં હોય તો પણ, એક વિકલ્પ તરીકે ભાજપ વિ. શિવસેનાને બદલે, એમાં વિકલ્પનું તત્ત્વ છતાં ઘણીબધી નીતિરીતિમાં તો પાછાં એક જ પીંછાનાં પંખી જેવું વરતાય છે. કમાલ તો તાજેતરના વરસોમાં આ સૌને, રિપીટ, સૌનૈ પ્રશાન્ત કિશોર જેવાઓની વ્યાવસાયિક સલાહસુવિધા લગભગ નિર્વિકલ્પ ધોરણે મળી રહે છે તે છે.
ભાજપ-શિવસેનાને હમણાં જ એક વૈચારિક અખાડાનાં કહ્યાં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના ત્રીજા તબક્કા સાથે ભાજપની શીર્ષ પ્રચારઝુંબેશે કબ્રસ્તાન-સ્મશાન પેરિટી અને સામેવાળા ‘કસાબ’ એ તરેહની જે તુલ પકડી છે તે વિકાસના વરખ તળેના અસુખનો એક સંકેત નથી તો કશું નથી. અહીં ગુજરાતના ગધેડાઓની જાહેરાત સબબ થયેલ ઊહાપોહ અલબત્ત ખયાલ બહાર નથી, પણ ‘કસાબ’ની તરજ પર વાત કરવા સાથે ગંધારું કોમીકરણ અને ‘ધ અધર’ની ખોજ એકદમ ખુલ્લાણમાં આવી જાય છે.
નાગરિકની વિકલ્પખોજે જે રીતે ભીંત સાથે માથું પછાડવાની નિયતિ રહી છે તે આ દિવસોમાં એક બીજે છેડેથી વળી અનુભવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના સર્વ પક્ષોના ઉમેદવારો પૈકી આપરાધિક છબી ધરાવતા ઉમેદવારોની સરેરાશ પાંત્રીસ ટકા છે.
નોટબંધી નજરબંધીની વાતે નૈતિકતાના પુરસ્કર્તારૂપે ઉભરેલું નમો નેતૃત્વ આ બધી બાબતોમાં સરળતાથી નામકર જતું માલૂમ પડે છે. અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી કાલિખો પુલે આત્મહત્યા પૂર્વે સાઠેક પાનાંની જે લાંબી નોંધ લખી છે એમાં એમણે જાહેર તિજોરીનું દોહન કરીને તગડમસ્ત બનેલા રાજનેતાઓની અને તે પૈકી હાલ રાજ્ય ભાજપમાં ને સરકારમાં આરૂઢ પૂર્વ કૉંગ્રેસમેનોની ખાસી તપસીલ આપી છે. કાલિખો પક્ષમાં (કૉંગ્રેસમાં) આ મુદ્દે જેમની સામે લડતા હતા, તે હવે ભાજપના કવચે સજ્જ થઈ કેન્દ્રપુરસ્કૃત અભય માણી રહ્યા છે. સદ્ગત નેતાએ શીર્ષસ્તરે રજૂઆત કરી હતી, પણ નમો-અમિત વ્યૂહરચનાની કાર્યસૂચિમાં એ અગ્રસ્થાને કે ક્યાં ય પણ હોય તો તે આપણે જાણતા નથી.
ગમે તેમ પણ, નીતીશ-કૉંગ્રેસ કે અખિલેશ-કૉંગ્રેસ કંઈક વિકલ્પવત્ ટક્કર આપી રહ્યાં હોય તો પણ, ભલે ખૂણામાં અને નાને પાયે પણ વિકલ્પની લડાઈ તો મણિપુરમાં આ દિવસોમાં આપણી એકની એક ઇરોમ શર્મિલા અને એની સહયોગી નજીમા બીબી આપી રહ્યાં છે. ઇરોમ શર્મિલાએ આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) ઍક્ટ – આફ્સ્પા સામેની એમની એકલવીર જેવી લોકલડતને અનશનના એકાન્તિક ચોકાની બહાર ખુદ મુખ્યમંત્રી સામેની ઉમેદવારીથી ચૂંટણીના ચાચર ચોકમાં આણી છે. કૉંગ્રેસ-ભાજપનાં વારાફરતી નેતૃત્વનાં સત્તાપ્રતિષ્ઠાનો આ માટે તૈયાર નથી. સીપીએમના માણિક સરકારે ત્રિપુરામાં આ માટેની ભોં ભાંગી એ હજુ તો એકનો એક અપવાદ છે. નજીમા બીબી ઈરોમ શર્મિલાના સહયોગીરૂપે ઉભરી છે. મણિપુરમાં કોઈ મુસ્લિમ મહિલા ધારાસભા માટે મેદાનમાં ઊતરી હોય એવું સિત્તેર વરસમાં પહેલી વાર બની રહ્યું છે. ચાલુ રાજનીતિમાં પૂર્વે કામ પાડતા રહેલા બનાતવાલા કે હાલ ખેલ પાડતા રહેલા ઓવેસી કરતાં આ એક ગુણાત્મક પ્રવેશ છે, તે નક્કી.
એમ તો, પંજાબમાં કૉંગ્રેસ ભાજપ-અકાલી જેવી પરંપરાગત છાવણીઓથી ઉફરાટે ‘આપ’ પરિબળે જે ગજું કાઢ્યું લાગે છે તે પણ એક મોટી વાત છે. અલબત્ત, ઇરોમ શર્મિલા તરેહની એકલવીર ધાટીએ નહીં પણ દિલ્હી કબજે કરી શકનાર કદ ને કાઠીના પક્ષ તરીકે એનામાં ‘સ્થાપિત’ પક્ષોની મર્યાદા ઉઘાડી છે. પણ એ ચાલુ પક્ષોથી જુદો જરૂર પડે છે, અને એ રીતે વિકલ્પ તરીકેનો એક કેસ હમણાં તો બને છે. કાશ, પ્રશાન્ત ભૂષણ અને યોગેન્દ્ર યાદવના ‘સ્વરાજ અભિયાન’ને ભલે સલામત અંતરેથી પણ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વગેરે જરી અંતરખોજભેર પ્રીછી શકે!
નાગરિક સમાજના ખયાલને સભાનપણે વરેલા રચનાત્મક કાર્યકરો, નાનાવિધ કર્મશીલો સ્વતંત્ર ગતિમતિના શિક્ષકો ને પત્રકારો, સૌએ આ આખી ગતિવિધિ અને ઘટનાક્રમ પરત્વે પરંપરાગત વિકલ્પખોજ તેમ જ ઢાંચા બહારની મથામણો બાબતે સહયોગી ચોંપ દાખવવાપણું રહે છે. ૨૦૧૪ અને ૨૦૧૯ના લગભગ વચગાળામાં ૧૧ માર્ચ ૨૦૧૭ની પરિણામી સાંજે નવા સૂરજની નાગરિક તલાશ ને કોશિશની આવી એક વિચારસંધિ ભલે આવી મળો.
૨૫-૨-૨૦૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 01-02
![]()


અંક છપાવા જઈ રહ્યો છે ત્યારે પત્રકાર મિત્ર કમલ ઠાકરના નિધનના સમાચાર મળે છે. આંતરડાના, સંભવતઃ અસાધ્ય જેવા કૅન્સરવશ એમણે આત્મહત્યા વહાલી કર્યાનું સમજાય છે.