આંબેડકર એકસો પચીસીનો ખાસો શોર મચાવતી સરકારને આંબેડકરને સાઠમી નિર્વાણ તિથિ ખાસ સાંભરી નહીં
વાત આજે તો બેલાશક માનવ અધિકાર દિવસની કરીશું, અને યુનાઇટેડ નેશન્સે ચાલુ વર્ષે આ દિવસ માટે વસ્તુ વિશેષરૂપે સૂચવી છે તે પણ મજાની : ચાલો, આપણે એકમેકના અધિકારોનો આદર કરતાં શીખીએ. દેશ અને સમાજના નાનામોટા વર્ગો, સીમાપારથી કામધંધા અંગે આવતા કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજીરોટીને નસીબ અજમાવવા આવતા, નાતજાતગત વંચિત સમુદાયો, આદિવાસી ને લઘુમતી સમુદાયો, દેશાન્તરિત-સ્થળાન્તરિત સૌનો આદર, એ આ વરસનું વસ્તુ છે. વસ્તુને મજાનું (કે મજાની) કેમ કહું છું? એનું રહસ્ય ખાસ છાનું ન હોવું જોઈએ. જે જોગાનુજોગ છે, અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પની ફતેહનો – અને વળી ‘ટાઇમ’ સામયિકમાં પર્સન ઑફ ધ ઇયર (સંવતપુરુષ) તરીકે ઉભરવાનો, તે જોતાં સર્વ સમુદાયોના અધિકારો પરત્વે સમાદરનો સંદેશ વિપળવાર પણ વહેલો નથી.
ટ્રમ્પે અમેરિકાના ગોરા ભાઈબહેનો બાદ કરતાં બાકી બધા સમુદાયો સામે ચૂંટણી ઝુંબેશમાં થૂંક ઉરાડવામાં કોઈ કસર છોડી નહોતી. અમેરિકાની તો એક વરભૂમિ (પ્રોમિસ્ડ લૅન્ડ) તરીકે આબરૂ જ એ વાતે રહી છે કે પ્રમુખ કેનેડીના યાદગાર શબ્દોમાં ‘આ તો પરદેશી નાગરિકોનો દેશ છે.’ લિંકનના નેતૃત્વમાં ગોરી ફોજ બીજી એક ગોરી ફોજ સામે કાળી પ્રજા(આફ્રિકન-અમેરિકન)ની મુક્તિ માટે લડી હતી, એવી અનેરી અમેરિકિયતની એ દાસ્તાં છે. ટ્રમ્પે જે ઝુંબેશ કીધી તે આ અમેરિકિયતને છાંડીને કીધી હતી. અણિયાળા ધ્રુવીકરણે (ત્યાંની વિશિષ્ટ ચૂંટણી પ્રથા મુજબ) ટ્રમ્પને વિજય પણ અપાવ્યો. આ વિજય કેવો હતો તે ‘ટાઇમ’ સપ્તાહિકે એમને સંવતપુરુષ જાહેર કરતાં નોંધ્યું પણ ખરું કે આ તો ભૈ ડિવાઇડેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વરાયેલા પ્રમુખ છે. નોંધ્યું તમે? યુનાઇટેડ સ્ટેટ્સ નહીં પણ ડિવાઇડેડ સ્ટેટ્સ. વરવી રીતે ધ્રુવીકૃત ફતેહનો ઘરઆંગણનો દાખલો મે 2014નો છે.
એક રીતે, ટ્રમ્પની વિજયકૂચમાં નમો નીતિનું અનુસરણ (અને સમર્થન) જોતા રાજનાથસિંહ જેવાને સારુ આ ‘ટાઇમ’ટાણું એક સાથે રાજીપાનું ને રંજનું છે એમ જ કહેવું જોઈશે. નમો નીતિવ્યૂહને અનુસરતા જણની જીત છે એટલે રાજીપો અને ખુદ નમો સંવતપુરુષ તરીકે ઉભરતે ઉભરતે રનર્સ અપે પણ ન પહોંચ્યા એટલે રંજ. રક્તરંજિત કોમી ધ્રુવીકરણનો અનુભવ દેશને સ્વરાજ આવવામાં હતું ત્યારે કેવો ને કેટલો થયો હતો! ઝીણાએ અને મુસ્લિમ લીગે ‘ડાઇરેક્ટ એક્શન’નું એલાન કર્યું હતું અને દેશ આખાએ પોતાને રક્તનીંગળતો અનુભવ્યો હતો. મુસ્લિમ લીગના મતે હિદુંવાદી અને હિંદુ મહાસભાના મતે મુસ્લિમ તરફી એવી કૉંગ્રેસ માટે એ રોકવું મુશ્કેલ બની ગયું હતું. ભારત એક રાષ્ટ્ર નથી, એમાં ઓછામાં ઓછું બે રાષ્ટ્ર તો છે જ – હિંદુ અને મુસ્લિમ – એવી સાવરકરી ભૂમિકા અને મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ, આ બંને પછી બાજી કદાચ હાથમાં રહી જ નહોતી. વિધિવત્ પાકિસ્તાન માટેના ઠરાવ અને ‘ડાઇરેક્ટ એક્શન’નાયે પૂર્વે ઝીણા એક વિલક્ષણ દલીલ કરવા લાગ્યા હતા કે ભારતમાં હિંદુ બહુમતી છે એ જોતાં અમે કદાપિ સત્તામાં આવી શકવાના નથી.
ઇંગ્લંડમાં તો આજે કોન્ઝર્વેટિવ તો કાલે લેબર પાર્ટી એવો અવકાશ છે. અહીં તો આજે પણ હિંદુઓ અને કાલે પણ હિંદુઓ એવો ઘાટ છે. દેખીતી રીતે જ એમણે ધર્મ અને પક્ષ વચ્ચે સેળભેળની રીતે આખી ચર્ચાને ગોટવી નાખી હતી. આ ઝીણા ક્યારેક હિંદુમુસ્લિમ એક્તાના એલચી તરીકે ઓળખાતા હતા, મુસ્લિમ ગોખલેરૂપે એક લિબરલ ભૂમિકાએ ઠરવા કરતા હતા, કદીક લોકમાન્યનો કેસ પણ લડ્યા હતા, કોણ માનશે? છતાં, એક નવયુગી નાગરિક સંસ્કારનો એમને પાસ તો લાગેલો હતો. એટલે તો પાકિસ્તાનના બંધારણની ચર્ચા કરતી વખતે એમણે ગૃહમાં એ હદે કહી નાખ્યું હતું કે તે અમલમાં આવશે એ દિવસથી દેશમાં ન તો કોઈ મુસ્લિમ હશે, ન તો કોઈ હિંદુ હશે – સૌ પાકિસ્તાની હશે. મતલબ, ધર્મને ધોરણે તો તમે મુસ્લિમ કે શીખ કે હિંદુ હશો પણ નાગરિક તરીકે તો પાકિસ્તાની ને પાકિસ્તાની જ હશો. કમનસીબે, ડાઇરેક્ટ ઍક્શન પછીના ઝીણાને નવા મુલકમાં કોઈ ખરીદાર નસીબ ન હોતું.
આજે ટ્રમ્પ, પરિણામ પછી, કંઈક રાગ બદલવાની ફિરાકમાં માલૂમ પડે છે, જેમ તાજેતરનાં વરસોમાં તમે નમો બાબત પણ કહી શકો. ટ્રમ્પે ચોક્કસ ગોરી બહુમતીને ધોરણે ધ્રુવીકૃત પ્રચાર વંટોળ જગવ્યો હતો. ગુજરાતમાં 2002, 2007ની ચૂંટણી લગી હિંદુત્વ અને પ્રાદેશિક અસ્મિતાની કોકટેલથી રોડવવાનું વલણ હતું. જયલલિતાનું રાજકારણ તમે જુઓ તો એમાં સ્વતંત્ર રાષ્ટ્ર્ની હદે પ્રાદેશિક અને ભાષિક અસ્મિતાનો ગાજોવાજો ખાસો હતો. હવે મોદી એન.ડી.એ. એમના અનુગામી સાથે વિશેષ નાતો વિકસાવવા ઇચ્છે છે, કે કાશ્મીરમાં પી.ડી.પી. સાથે એણે ગોઠવ્યું છે, તે શું સૂચવે છે? એમાં જે સંદેશો પડેલો છે તે સીધોસાદો એ છે કે એકબીજાના સમાદર વગર આટલો મોટો ઉપખંડ શો દેશ ચલાવી શકાય તેમ નથી. દેખીતી રીતે જ નમોપંથી ટ્રમ્પ અગર તો એમના રનર્સ અપે પહોંચતે પહોંચતે રહી ગયેલા નમો ખુદ હવે પોતાની ધ્રુવીકૃત રાજનીતિને સમીનમી કર્યા વિના ચાલી શકે એમ નથી.
આ પૃષ્ઠભૂ પર જોઇએ તો યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે ચાલુ વર્ષે નિર્ધારેલું વિષયવસ્તુ અત્યંત નોંધપાત્ર બની રહે છે. રાષ્ટ્રવાદની સાંકડી, ઝનૂની, જીર્ણમતિ વ્યાખ્યાથી હટીને કોઈ ધર્મકોમ કે વર્ણમાં બંધાયા વગર સહજીવનની એક સહિયારી ભૂમિકા વિકસાવવાપણું છે. સગવડ ખાતર તમે એને ચાહો તો બંધારણીય રાષ્ટ્રવાદ કહી શકો, એક એવો રાષ્ટ્વાદ જેમાં કોઈ પણ સાંકડી ઓળખ ઉપર કે પછી એક જ ઓળખ ઉપર એવો બુલડોઝર અગર સ્ટીમ રોલર શો ભાર નથી કે બાકી સૌને આપોપું અળપાતું ને ઓઝપાતું લાગે. સન સુડતાલીસમાં સ્વરાજ સાથે કૉંગ્રેસે સુવાંગ પોતાની સરકાર નહીં રચતાં જે વ્યાપક અભિગમ ગાંધીનેહરુપટેલ એ સ્વરાજત્રિપુટી વાટે લીધો જેમાં કૉંગ્રેેસથી સામે અને ઉફારાટે રાજનીતિ કરનારા હિંદુવાદી શ્યામાપ્રસાદ મુખર્જી અને દલિત નેતા આંબડકર પણ હોઈ શકે એનો મરમ અને માયનો અપરિભાષિતપણે પણ આ પાયાની સમજમાં પડેલો હતો. આંબેડકરના યોજકત્વમાં જે બંધારણ શક્ય બન્યું એમાં રાષ્ટ્રવાદની આ નરવી સમજ પડેલી હતી.
આંબેડકર એકસો પચીસીનો ખાસો શોર મચાવતી સરકારને આંબેડકરને સાઠમી નિર્વાણ તિથિ ખાસ સાંભરી નહીં એમાં ધરબાયેલી વિગત એ છે કે છઠ્ઠી ડિસેમ્બરના કથિત શૌર્ય દિવસથી હટી સર્વસમાવેશી ને સર્વના અધિકારો પરત્વે સમાદરવાળી નવી રાજનીતિ હજુ હાડમાં પચી નથી. આ અંતર કાપવું કેવી રીતે? પ્રશ્ન આ છે – તમે સત્યની એસી કી તેસીનું રાજકરણ ખેલવાથી કિનારો કરી શકો છો? આજે તો જે પણ ગોપુચ્છ વૈતરણી પાર કરવા સારુ હાથવગું અને મોંવગું છે એ કેવળ ને કેવળ ‘પોસ્ટ ટ્રુથ’ છે … માનવ અધિકાર દિવસના સંદેશ પરનો ભાર, આ અનવસ્થાના વારણ અને નિવારણ વાસ્તે સ્તો છે!
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘વિચારવાજોગ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2016