બન્નેનો દિલી કાર્યધક્કો અને વૈચારિક ગતિમતિ ‘ખાસ’માં બધ્ધ નહીં રહેતાં, ‘આમ’ ભણીની હતી
ચાલુ ચૂંટણીમાહોલે ચિત્ત વર્તમાનની ઘેરાબંદી વટી જઈ સો વરસ પાછળ જવા કરે છે. બરાબર સો વરસ થયાં, રશિયાની ક્રાંતિને અને ગોધરામાં ગુજરાતની જે પહેલી રાજકીય પરિષદ મળી હતી, એને! લેનિન દેશવટો મેલી રશિયામાં પાછા ફર્યા એ વરસ, અને ક્રાંતિનું વરસ 1917નું હતું. આમ તો એ ઑક્ટોબર ક્રાંતિ કહેવાય છે, પણ કેલેન્ડર ફેરે હવે તે નવેમ્બરમાં પડે છે. જગતતખતે એ ગાળામાં કેમ જાણે એક સાથે બે નેતા ઉભરવા કરે છે – ગાંધી અને લેનિન.
દક્ષિણ આફ્રિકામાં, એક અર્થમાં સિક્કો પાડી ગાંધી 1915માં ભારત પહોંચ્યા. ગોખલેની સલાહ પ્રમાણે વરસેકના અભ્યાસ પ્રવાસ પછી એમણે આમ જનતાના સવાલો સાથે સંડોવાઈ લડત ઉપાડી. એમાં 1917નું વરસ ચંપારણની લડત, ખેડાની લડત અને એવા જ બીજા ઉપક્રમોથી નોંધપાત્ર બની રહ્યું. આગળ ચાલતાં જે બધા કાર્યક્રમો રાષ્ટ્રીય ચળવળમાં ગાંધી હસ્તક ઉપડી વિરાટ સ્વરૂપ ધારણ કરવાના હતા, એની નાંદી જેવું આ વરસ ગોધરાની રાજકીય પરિષદને કારણે ગુજરાતના જાહેર જીવનમાં નવજીવનના છડીદાર શું લેખાશે.
ગુજરાતમાં ત્યારે કાર્યરત સંસ્થાઓમાં ગુજરાત સભા જાહેર જીવનના પ્રશ્નો વિશે વાર્ષિક મિલનની જેમ સક્રિય હશે, પણ વ્યાપક ચર્ચવિચારણા પૂર્વક નાના મોટા પ્રશ્નો પરત્વે રાજકીય પરિણામ સાથેનું પરિપ્રેક્ષ્ય (અને રોડ મેપ) તૈયાર કરવાનો નવયુગીન ઉપક્રમ આ કદાચ પહેલો હતો. નાતજાતના મેળાવડા કે સોશિયલ ગેધરિંગ અગર વ્યાવસાયિક ક્લબથી હટીને આર્થિક – સામાજિક – શૈક્ષણિક અને શાસન સંબંધી સમગ્ર વિચારનો નાગરિક અભિગમ અને અભિક્રમ ગુજરાતમાં ગોધરાની રાજકીય પરિષદ રૂપે કદાચ પહેલી જ વાર ઊપસ્યો હતો. સમાજસુધારાની પ્રવૃત્તિઓ, સાક્ષરી પ્રવૃત્તિઓ, લિબરલ રાજકીય ધારા બધું એક મંચ જેવું થયું અને એમાં એક ઉદ્દામ પરિમાણ પણ ભળ્યું. નમૂના દાખલ, નેકનામદાર અંગ્રેજ સરકાર માબાપ માટે વફાદારી અને ઓશિંગણનો ભાવ વ્યક્ત કરતો શ્રીગણેશ રાબેતો ગોધરાની પરિષદમાં ગાંધીએ રદ કીધો હતો.
જે પ્રશ્નો પહેલી રાજકીય પરિષદે હાથ ધર્યા એમાં એક છેડે જો હિંદુ-મુસ્લિમ એકતાનો ભાવ હતો તો બીજે છેડે પોતાના જ એક અંગને અસ્પૃશ્યતાનો જનમવટો દેનાર હિંદુ સમાજને સમાનતા ભણી ઝકઝોરવાનો અને હા, વેઠપ્રથાની નાબૂદી તેમ ખેડૂતને થતા અન્યાયના પ્રશ્નો પણ હતા. રૂસી ક્રાંતિએ સર્વહારા(પ્રોલિટેરિયટ)ની વાત કરી, માર્ક્સના ચિંતનમાં જે શહેરી કામદાર વર્ગ હતો, એની વાત કરી : બહુજન ભારત, એના દલિત ને કિસાનની આગેકૂચ વિના કિયું પરિવર્તન સાધી શકે. ગમે તેમ પણ, તમે એને ડિક્લાસ (વિવર્ગ) કહો કે ડિકાસ્ટ (વિવર્ણ) કહો, લેનિન ને ગાંધીનો દિલી કાર્યધક્કો અને વૈચારિક ગતિમતિ ‘ખાસ’માં બધ્ધ નહીં રહેતા આમ ભણીની હતી.
આફ્રિકાથી આવેલા ગાંધી ત્યાંના પ્રત્યક્ષ કાર્યાનુભવે વેઠિયા મજદૂરી બાબતે સ-ભાન હતા. ચંપારણમાં ગળીનાં ખેતરોવાળા કિસાનોની હાલત એમને ‘ગુલામોથી પણ બદતર’ લાગી હતી. પ્રે, પિટિશન, પ્રોટેસ્ટના મવાળ મહોલમાં અને શહેરી સફેદ કાંઠલાઓના મુલકમાં એ આમ આદમીની નાગરિક ભૂમિકાએ કોળવા કરતા હતા. લેનિન અને ગાંધી, સીમિત સમયસંદર્ભમાં, બિલકુલ સમકાલીન, જાહેર જીવનમાં અને રાજકારણમાં એમણે ‘માસ’ની પ્રતિષ્ઠા કરી. ગોધરાની પરિષદનો આ એક નાગરિક સંદેશ હતો.
પણ ક્રાંતિ અને હિંસાનું જે જાડું સમીકરણ, ગાંધીને અગરાજ હતું. હિંસા અને શોષણની એમની વ્યાખ્યામાં, જેમ કે વેઠ પ્રથા અગર તો અસ્પૃશ્યતા બેઉનો, સમાવેશ થતો હતો. ગોધરામાં રાજકીય પરિષદની હારોહાર અંત્યજવાસમાં (તે પણ સ્મશાન ભાગોળે) સભા ભરવી એવુંયે એમને આયોજકોને સૂઝી રહ્યું હતું. ગાંધીએ ઉજળિયાતોને કહ્યું કે આમને અપનાવી ન શકીએ તો આપણે સ્વરાજલાયક ક્યાંથી બની શકીએ.
સ્વરાજ માટેની લાયકાતની એમની પૂર્વશરતમાં, એમ તો, હિંદુ મુસ્લિમ એકતા પણ એક હતી. નવેમ્બર 1917ની એ ઐતિહાસિક ઘટના હતી જ્યારે તિલક, ગાંધી અને ઝીણા ત્રણે એકમંચ પર હતા. માંડલેના ‘ગીતા-રહસ્ય’ ખ્યાત કારાવાસ પછી પાછા ફરેલા તિલક હિંદુ-મુસ્લિમ એકતા વાસ્તે કંઈક વિશેષ જ પ્રતિબદ્ધ હતા. એમને જામીન મળે તે માટેનો કેસ ઝીણા લડ્યા હતા અને 1916નો ‘લખનૌ પૅક્ટ’ તો તિલક-ઝીણા વચ્ચેની જાણે કે એક દોસ્તાના ઘટના હતી. આફ્રિકાથી ગાંધી તો ‘હિંદી’ કોમ આખીની ભૂમિકાએ આવ્યા હતા. ‘જય જય ગરવી ગુજરાત’ સાથે પરિષદમાં ‘યથાપ્રસંગ’ ગુજેલાં સ્વાગત-ગીતોમાં ‘હાં રે ભાઈ જિન્ના, પધારો પ્રિય જિન્ના’ હતું, તો ‘ભારત ભુવનના તિલક સમાન, લોકમાન્યનું કરીએ સન્માન’ પણ હતું.
પ્રજાપુરુષ ગાંધીએ જેન્ટલમેન ઝીણાને ગુજરાતીમાં બોલવા આગ્રહ કર્યો ત્યારથી એક અંતર પડ્યું કહેવાય છે. પણ તમે જ્યારે લોકશાહી રાહે આગળ વધવા ઇચ્છો છો ત્યારે પ્રજાની પોતાની ભાષાનો ઉપયોગ એક સ્વાભાવિક જરૂરત બની રહે છે.
જે નવી હવા બની, એ કેવી હતી? પરિષદ ચાલુ હતી ને સરકાર તરફથી તાર આવ્યો કે ગાંધીની રજૂઆત મુજબ વીરમગામની જકાતબારી સંકેલી લેવાઈ છે. ગાંધીની સહજ ટિપ્પણી હતી કે આપણે સ્વરાજ્યરૂપી વસંતઋતુમાં પ્રવેશતા હોઈશું ત્યારે અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકો પોતાની શક્તિ રેડતા હશે. વીરમગામના સમાચારને અને ગોધરાના પ્રસંગને એમણે સ્વરાજ્યની વસંતના એક પૂર્વરંગરૂપે જોવાનું પસંદ કર્યું હતું.
જ્યારે ‘જય જય ગરવી ગુજરાત’ ગવાયું હશે, તે રંગ થકી સરસ રંગ સત્વરે થશે એવો ભાવ જરૂર જાગ્યો હશે. આ સરસ રંગ તે શું, એનો એક જવાબ 1917ના ગાંધી-લેનિન પેરેલલથી જે શરૂઆત કરી એમાં રહેલો છે. રૂસી રાજવટ આજે કમ્યુિનસ્ટ રાહ છોડી ચૂકી છે. સોવિયેત સામ્રાજ્યનું વિઘટન કે’દીનું થઈ ચૂક્યું છે. પુતિનને ક્રાંતિ પર્વંનું અભિમાન તો શું સ્મરણ પણ કદાચ જરૂરી નહીં લાગતું હોય. ન તો રૂસ લેનિનને વળગી રહ્યું, ન તો ભારતે ગાંધીમાર્ગ પસંદ કર્યો એવું તમે કહી શકો પણ રક્તરંજિત ક્રાંતિની ચમકદમકભભક વિના-દમન અને એકહથ્થું શાસન વિના – ભારતે લોકશાહી રાહે આગળ જવાની રીતે પોતાનું વજૂદ કંઈક તો બતાવ્યું છે. સોવિયેત ઘટનાક્રમથી નિરપેક્ષપણે માર્ક્સનું વજૂદ હોઈ શકે છે જેમ ગાંધીનું પણ છે. માત્ર, લોકશાહી ગુંજાશ મુજબ ગોધરા પરિષદ પ્રકારની વસંતકોકિલ પ્રક્રિયા ચાલુ રહે તો બસ.
– અને આ ચૂંટણી પાસે પણ આપણે બીજું શું ઇચ્છીએ, કહો જોઉં.
સૌજન્ય : ‘‘માસ’ પ્રતિષ્ઠા’, “દિવ્ય ભાસ્કર”, 18 નવેમ્બર 2017
![]()


પ્રાયોજિત સોશિયલ મીડિયાનો ઉદ્રેક અને ઉત્પાત, સેક્સ સીડીનો સંજય જોશી-ખ્યાત રાબેતો અને ગાંડા વિકાસનું ગુજરાત મોડેલ : જામતા ચૂંટણી માહોલમાં એટલું સારું છે કે મનમોહન અને ચિદમ્બરમ્ કે યશવંત સિંહાના અધિકૃત અવાજો વિપરીતપરિણામી નોટબંધી-જી.એસ.ટી. જેવા મુદ્દે સંભળાતા થયા છે. જો કે, આ અર્થનીતિ (વિકાસને નામે જૉબલેસ ગ્રોથ થકી મસમોટો રસોળો) ક્યાં લઈ જઈ રહી છે એની અરુણકુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આપેલી સંવેદનમંડિત સમજૂત કે તમે એ તો જુઓ કે વંચિતો વધવાનું ચાલુ છે, અને જેઓ છેવાડાના કહેતાં સીમાન્ત છે તે અતિસીમાન્ત અનવસ્થામાં મુકાઈ રહ્યા છે – હજુ આપણા વિમર્શના કેન્દ્રમાં નથી. હાર્દિક, અલ્પેશ, જિજ્ઞેશ ઉદ્રેકે આંદોલિત ને ઉદ્યુક્ત સમુદાયોથી કૉંગ્રેસ પોતાને કંઈક વાજીકૃત અનુભવે છે એ સાચું; અને ગુજરાતમાં ભા.જ.પ. બે દાયકાની જે જવાબદેહી માટે બંધાયેલ છે તે દૃષ્ટિએ એ ઠીક જ છે. માત્ર, આ પ્રક્રિયામાં જે હાંસલ થશે તેણે આગળ ચાલતાં સીમાન્ત તબકાનો પથ પ્રશસ્ત કરવો રહેશે.
ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે.
રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!