પગ-પછાડ ઘુરઘુરાટ ને છીંકોટ છીંક,
આંખ ઝીણી, પુચ્છ ઊંચું, ધારદાર ઢીંક.
ભૂત-પ્રેત, ચંડ-મુંડ ઊંધ-મૂંધ ઝીંક,
ત્રાડ પાડ ને ભગાડ બાર ગાઉ બીક.
ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક?
કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!
ડગેડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ,
પંડને ચડાવી કાંધ ચાલતો પથિક!
માર્ચ/એપ્રિલ ૨૦૦૯
છંદોવિધાનઃ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ
ગઝલ – પંચમ શુક્લ
નથી તારું એ તારા હાથમાં કઈ રીતથી આવે?
પવન, પાણી ને પાવક બાથમાં કઈ રીતથી આવે?
રહીને સ્થિર, કરતો માર્ગદર્શન હર પ્રવાસીનું,
અચળ ધ્રુવ તારલો સંગાથમાં કઈ રીતથી આવે?
બને છે બીજમાંથી વૃક્ષ, પાછું વૃક્ષમાંથી બીજ,
ગૂંથાયેલું ગહન આ ગાથમાં કઈ રીતથી આવે?
બીજા પાંચેય ષડ્-રસના રસોની આગવી મુદ્રા,
લવણ-રસની પ્રતીતિ ક્વાથમાં કઈ રીતથી આવે?
શિખર-કૈલાસ, શય્યા-શેષ, પદ્માસન-ની શીતળતા,
જગતનો દાહ દીનાનાથમાં કઈ રીતથી આવે?
31/7/2014
પાવક : અગ્નિ
ગાથ : ગાથા, કથા
ષડ્-રસ : ખાટા, ગળ્યા, તીખા, કડવા, તૂરા અને ખારા એ છ રસોમાંથી ખારા રસ સિવાય બધા રસના કાઢા કરી શકાય એવું જાણ્યું છે.
https://www.facebook.com/notes/pancham-shukla/કઈ-રીતથી-આવે/929867390364029