
નેહા શાહ
મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતુ ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ સેક્ટરના વેપાર માત્ર એક વ્યક્તિ કે કુટુંબ પૂરતા સીમિત નથી રહ્યા, એમાં સામાન્ય લોકોના પૈસાનું રોકાણ હોય છે. નાણાંકીય સંસ્થા જે ધિરાણ આપે છે તે પૈસા પણ સામાન્ય માણસોએ બેંક મુકેલી થાપણમાંથી આવે છે. એટલે જ્યારે ગેરવહીવટના પરિણામે કોઈ કંપની ખોટ કરે ત્યારે એના ભેગા લાખો લોકોની મૂડી ધોવાઈ જાય છે. સાથે કંપનીમાં કામ કરતાં કર્મચારી તેમ જ કંપનીને પુરવઠો પૂરો પાડતા અનેક નાના વેપારીઓને પણ ઊંડી અસર થાય છે. આ ઉપરાંત, જ્યારે કરોડોનાં ધિરાણની ચુકવણી ન થાય ત્યારે બેંક માટે નવું ધિરાણ કરવું કપરું બને છે, જેની સૌથી માઠી અસર નાણાં ઉદ્યોગ – વેપારી પર પડે છે. આમ, કોર્પોરેટ વેપારના નફા-નુકસાનની ઘણી વ્યાપક અસર થતી હોય છે.
મોટા વેપારની પડતીના ઘણા કિસ્સામાં વ્યક્તિગત લોભ કારણ હોવાનું જણાયું છે. આવો જ એક કિસ્સો કિંગફિશર એરલાઈન્સ છે જેને ભારતના નાગરિકો કઈ રીતે ભૂલે? માર્ચ ૨૦૧૬માં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પાછળ મૂકી વિજય માલ્યા દેશ છોડીને ગયા પછી પાછા આવ્યા જ નહિ, તે હાલમાં – જૂન ૨૦૨૫માં નવ વર્ષની ચુપ્પી પછી ફરી સપાટી પર આવ્યા છે. રાજ સમાની નામના યુવાન પોડકાસ્ટર સાથેના ચાર કલાક લાંબા પોડકાસ્ટ દ્વારા માલ્યા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આખો પોડકાસ્ટ સાંભળો તો એવું જ લાગે કે જાણે માલ્યા ભારતના વહીવટનો ભોગ બન્યા છે. પાછલા દાયકામાં વિશ્વસનીયતા માટે વગોવાયેલા મીડિયા તેમ જ ઈ.ડી. અને સી.બી.આઈ. સામેની ટીકાનો પણ માલ્યા પોતાના બચાવમાં બખૂબી ઉપયોગ કરી લે છે. તાત્કાલીન નાણાં મંત્રી પ્રણવ મુકરજીએ આપેલી એરલાઈન્સના વેપારનો વ્યાપ નહિ ઘટાડવાની સલાહને માનવાનો અફસોસ વ્યક્ત કરે છે જેની સ્પષ્ટતા આજે કોઈ કરી શકે એમ નથી.
માલ્યાના પોડકાસ્ટમાંથી કરોડપતિઓ અને કોર્પોરેટ ગવર્નન્સ અંગેના તેમના વલણનો ચિતાર ઊભો થાય છે. માલ્યા કહે છે એમ ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી એમને નડી ગઈ એ વાત સાચી છે. આ સમય દરમ્યાન પેટ્રોલની કિંમત એક બેરલના ૧૪૦ ડોલર સુધી પહોંચી હતી જેનાથી વિમાન ઉડાડવાનો ખર્ચ ખૂબ વધી ગયો. તે સમયે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્યું ન હતું એટલે ઇતીદાહ જેવી એરલાઈન્સની તૈયારી હોવા છતાં કિંગફિશરમાં રોકાણ કરવાની મંજૂરી મળી નહિ. લોન, એની ઉપર ચડતું વ્યાજ અને પેનલ્ટી એ સાથે નહિ ચુક્વલી ટેક્સની રકમ બધું ગણો તો રકમ ૯,૦૦૦ કરોડથી પણ વધી ગઈ હતી. બેન્કોએ વ્યાજ ઘટાડ્યું, મુદ્દત વધારી તેમ છતાં વધતા દેવાને પહોંચી વળવું અઘરું હતું. માલ્યા તરફથી સેટલમેન્ટની જે દરખાસ્ત આવી હતી એ ૪,૦૦૦ કરોડ રૂપિયાની હતી – કુલ લેણાની અડધી રકમ પણ નહિ! બેન્કે આ દરખાસ્ત સ્વીકારી નહીં. આ ૨૦૧૫-૧૬ના અરસાની વાત છે જ્યારે મોટા મોટા હેરકટ સાથે લોનનું સેટલમેન્ટ કરવાની પ્રથા શરૂ થઇ ન હતી. આ નીતિ-વિષયક માહોલ કિંગફીશરની વિરુદ્ધ ગયો એ વાત સાચી.
ધંધામાં ખોટ જવી એ ગુનો નથી. સંજોગો બદલાય તો ગણતરી અવળી પડી શકે છે. પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે કંપનીનાં નાણાંનો ઉપયોગ કંપનીના કર્તા-હર્તા પોતાના વ્યક્તિગત હિતને સર્વોપરી ગણી કરે છે. કિંગફીશરની કટોકટી દરમ્યાન વિજય માલ્યાના જીવન ધોરણમાં તો કોઈ ખાસ ફર્ક દેખાયો નહિ. આ સમય દરમ્યાન અતિશય ઝાકમઝોળ સાથે વિજય માલ્યાએ પોતાની સાઠમી વર્ષગાંઠ ઉજવી. ફોર્મ્યુલા-૧ અને આઈ.પી.એલ. ટીમ ખરીદવા જેવા ખર્ચ થયા. કંપની જ્યારે દેવામાં હોય, જ્યારે કર્મચારીઓના પગાર ચુકવવા પૈસા ન હોય, જ્યારે સાથે સંકળાયેલા નાના વેપારીની ચુકવણી અટકી હોય, જ્યારે ટેક્સના પૈસા ઉઘરાવ્યા છતાં ચુકવાયા ના હોય, ત્યારે કંપનીનો માલિક પોતાની ‘વ્યક્તિગત મિલકત’માંથી પણ ઐયાશ કહી શકાય એવા ખર્ચ કરે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય ગણાય? આ બધા ઉપરાંત માલ્યા સામે નાણાંનો દુરુપયોગના જે આરોપ છે એ તો ઊભા રહે જ છે. ઈ.ડી.એ કરેલી ચાર્જશીટ પ્રમાણે કિંગફિશર એરલાઈન્સને મળેલ લોનમાંથી ઓછામાં ઓછા રૂ. ૩,૫૪૭ કરોડ રૂપિયાનો ઉપયોગ ખાનગી જેટ વિમાન ખરીદવામાં (જેનો ઉપયોગ માત્ર વિજય માલ્યા કરતા હતા) તેમ જ ફોર્મ્યુલા વન અને આઈ.પી.એલ. ટીમની ખરીદી માટે વપરાયા છે. આ સાથે વિમાન માટે ઊંચા ભાડાના બિલ બનાવવા જેવા ગોટાળાના પણ આરોપ છે. આ ઉપરાંત પણ કેગ, આવક વેરા વિભાગ તેમ જ બેન્કના અહેવાલો પણ બતાવે છે કે યુ.બી. ગ્રુપના આંતરિક નાણાંકીય વહીવટોમાં ‘વ્યક્તિગત નાણાં’ અને કંપનીનાં નાણાં વચ્ચે ભેદ ધૂંધળો જ હતો.
સરકારે ટાંચમાં લીધેલી માલ્યાની સંપત્તિમાંથી લહેણાણી વસૂલી થઇ ચુકી છે. આજે બદલાયેલી પરિસ્થિતિમાં માલ્યા ખૂલીને કહે છે કે તેમને બલિનો બકરો બનાવાયો છે. એમના ટેકામાં દેશના અન્ય ઉદ્યોગપતિઓ પણ ખૂલીને બોલી રહ્યા છે. ત્યારે કોર્પોરેટ સેક્ટરના કામ કરવાનાં માહોલની, સરકારી નીતિની તેમ જ ‘વ્યક્તિગત’ અને ‘કંપની’ વચ્ચેના તફાવત કરતા ગવર્નન્સ અંગે ચર્ચા ફરી એકવાર જરૂરી બને છે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે, જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રત્યાઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચુક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મુકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો. પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામો આજે ઘણી મહિલાઓને મસ્જીદ પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે. વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે.