આપણે જાણીએ જ છીએ કે કોઈ એક ફિલ્મનું નિર્માણ કરવું એ એક વ્યક્તિ માત્રનું કામ નથી. ફિલ્મમેકિંગની પ્રક્રિયાનાં વિવિધ પાસાં છે. તેમાં સૌથી મહત્ત્વનું અને પડદા પાછળનું જો કોઈ કાર્ય હોય તો તે ફિલ્મ એડિટિંગ છે. કોઈ એક ફિલ્મ એડિટર ફિલ્મને કેવી રીતે એડિટ (સંપાદન) કરે છે તેના પરથી નક્કી થાય છે કે ફિલ્મ સારી બની છે કે નહીં. વિવિધ ભાગોમાં શૂટ થયેલી ફિલ્મને એક લાઈન અથવા તો એક વાર્તામાં જોડવાનું કામ ફિલ્મ એડિટર કરે છે. આજે આપણે બોલિવૂડના બેસ્ટ ફિલ્મ એડિટર રહી ચૂકેલાં રેણુ સલુજા વિશે વાત કરીશું. રેણુ સલુજાને બેસ્ટ ફિલ્મ એડિટર તરીકે કુલ ચાર વખત નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે.

બોલિવૂડ ફિલ્મ એડિટર રેણુ સલુજાનો જન્મ તારીખ 5 જુલાઈ, 1952ના રોજ દિલ્હીમાં થયો હતો અને તારીખ 16 ઓગસ્ટ, 2000ના રોજ માત્ર 48 વર્ષની વયે બીમારીના કારણે તેમનું મુંબઈ ખાતે નિધન થયું. તેમણે પુણેની પ્રખ્યાત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ફિલ્મ એડિટિંગનો અભ્યાસ કર્યો હતો. રેણુ સલુજા બોલિવૂડના કોમર્શિયલ અને આર્ટ હાઉસ ફિલ્મમેકર્સ જેવા કે ગોવિંદ નિહાલાની, વિધુ વિનોદ ચોપરા, સુધીર મિશ્રા, શેખર કપૂર અને મહેશ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યાં છે. રેણુ સલુજાને કુલ ચાર ફિલ્મો માટે બેસ્ટ એડિટિંગનો નેશનલ એવોર્ડ મળ્યો તે ફિલ્મોમાં 'પરિંદા', 'ધારાવી', 'સરદાર', 'ગોડમધર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.



પંજાબી પરિવારમાં જન્મેલાં રેણુ સલુજાએ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં સૌ પ્રથમ ફિલ્મ ડિરેક્શનના કોર્સ માટે અરજી કરી હતી પણ તેમાં તેઓને પ્રવેશ મળ્યો નહીં, માટે તેમની પાસે ફિલ્મ એડિટિંગનો એક માત્ર વિકલ્પ બચ્યો હતો. બાદમાં રેણુ સલુજાએ જણાવ્યું હતું કે સારું થયું કે મને ફિલ્મ ડિરેક્શનમાં પ્રવેશ મળ્યો નહીં કારણ કે ફિલ્મ એડિટિંગની પ્રક્રિયામાં હું સંપૂર્ણરીતે સમાઈ ગઈ છું. રેણુ સલુજા જ્યારે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ફિલ્મ એડિટિંગનો અભ્યાસ કરતાં હતાં, ત્યારે તેમના સહપાઠીઓ વિધુ વિનોદ ચોપરા, સઈદ અખ્તર મિર્ઝા, કુંદન શાહ જેવા સમાંતર સિનેમાના પ્રખ્યાત ડિરેક્ટર્સ હતા. રેણુ સલુજાએ તેમના ફિલ્મ એડિટિંગના અભ્યાસક્રમ દરમિયાન ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ડિપ્લોમા ફિલ્મ 'મર્ડર એટ મન્કી હીલ' એડિટ કરી હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1976માં રેણુ સલુજાએ ફિલ્મ એડિટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બોલિવૂડમાં ફિલ્મ એડિટર તરીકે પ્રવેશ કર્યો.
એક ઈન્ટરવ્યૂમાં રેણુ સલુજા જણાવે છે કે મેં જ્યારે ફિલ્મ એડિટિંગનો અભ્યાસ પૂર્ણ ,કર્યો ત્યારે બોલિવૂડમાં ફિલ્મ એડિટરના ક્ષેત્રમાં પુરુષોનો દબદબો હતો, જ્યારે આખા વિશ્વના સિનેમામાં ફિલ્મ એડિટર તરીકે મહિલાઓનું નામ હતું. બોલિવૂડમાં ફિલ્મ એડિટર કોઈ એક મહિલા હોઈ શકે તે વિચાર જ તે વખતે નવો હતો. મને શરૂઆતમાં અઢળક કામ મળ્યું કારણ કે મને ફિલ્મ એડિટિંગનું કાર્ય કરવાની મજા આવતી હતી. બીજું, હું જ્યારે બોલિવૂડમાં આવી ત્યારે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મારા સહપાઠીઓ પણ ફિલ્મ બનાવી રહ્યા હતા અને હું તેમની ફિલ્મો એડિટ કરી રહી હતી. અમે તમામ સાથે જ ફિલ્મમેકિંગની પ્રક્રિયામાં આવ્યા હતા, અમે ભૂલો પણ કરતા અને તેમાંથી શીખતા પણ હતા. પણ, જ્યારે રેણુ સલુજાએ વર્ષ 1983માં આવેલી ગોવિંદ નિહાલાનીની ફિલ્મ 'અર્ધસત્ય' એડિટ કરી ત્યારે રેણુ સલુજાને ફિલ્મ એડિટર તરીકેની ખ્યાતિ મળી. 'અર્ધસત્ય' પહેલાં રેણુ સલુજા સઈદ મિર્ઝાની 'આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હે' અને કુંદન શાહની 'જાને ભી દો યારો' જેવી આર્ટ ફિલ્મો એડિટ કરી ચૂક્યા હતાં.

રેણુ સલુજાએ એડિટ કરેલી પહેલી કોમર્શિયલ હીટ ફિલ્મ 'પરિંદા' હતી. આ પહેલાં રેણુ સલુજાએ નાના બજેટની અને ઓછા સમયગાળામાં શૂટ થયેલી બોલિવૂડ ફિલ્મો એડિટ કરી હતી. પરંતુ, ફિલ્મ 'પરિંદા' પૂર્ણ થતાં લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ ફિલ્મ એડિટ કરતાં પણ રેણુ સલુજાને લાંબો સમય લાગ્યો હતો. રેણુ સલુજાએ જે કોઈ ફિલ્મો એડિટ કરી તે પૈકી ઘણી ફિલ્મોમાં તેઓ શૂટિંગ સમયે હાજર રહ્યાં હતાં અને ઘણીવખત તેઓ ફિલ્મ ડિરેક્ટર – કેમેરામેનને સલાહસૂચનો પણ આપતાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ 'પરિંદા'ના શૂટિંગ દરમિયાન રેણુ સલુજા ત્યાં શૂટિંગ લોકેશન પર હાજર હતાં અને તે દરમિયાન ફિલ્મમાં અનિલ કપૂર જ્યારે કમલ ચોપરાને મારી નાખે છે તે દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. 'પરિંદા'ના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ આ દ્રશ્ય સિંગલ શોટમાં શૂટ કરવાનું વિચાર્યું હતું, પણ ત્યાં હાજર રેણુ સલુજાએ ફિલ્મના કેમેરામેન બિનોદ પ્રધાનને કહ્યું કે તેઓ આ દ્રશ્ય વિવિધ રીતે શૂટ કરે. ત્યાં લોકેશન પર ભારે મશીનો હતા અને તે આધારિત આ દ્રશ્યને શૂટ કરવામાં આવ્યું, ત્યારબાદ રેણુ સલુજાએ આ શોટને નવા પરિમાણથી જ એડિટ કર્યો અને જે બાદમાં ખૂબ જ વખણાયો હતો.
જો રેણુ સલુજાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે રેણુ સલુજા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ફિલ્મ એડિટિંગનો અભ્યાસ કરતાં હતાં, ત્યારે વિધુ વિનોદ ચોપરા પણ ત્યાં જ ફિલ્મ ડિરેક્શનનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બંને ફિલ્મ 'જાને ભી દો યારો'માં સાથે જોડાયા હતા. આ ફિલ્મમાં વિધુ વિનોદ ચોપરા પ્રોડક્શન મેનેજર હતા, જ્યારે રેણુ સલુજા આ ફિલ્મના એડિટર હતાં. રેણુ સલુજાએ બાદમાં વિધુ વિનોદ ચોપરાની ફિલ્મો એડિટ કરી કે જેમાં સઝા-એ-મોત, પરિંદા, 1942 અ લવ સ્ટોરી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વિધુ વિનોદ ચોપરાથી અલગ થયા બાદ રેણુ સલુજા ડિરેક્ટર સુધીર મિશ્રાની નજીક આવ્યાં હતાં. રેણુ સલુજા, સુધીર મિશ્રાની પણ અનેક ફિલ્મો એડિટ કરી ચૂક્યાં છે કે જેમાં ધારાવી, ઈસ રાત કી સુભહ નહીં અને કલકત્તા મેલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રેણુ સલુજાનાં બહેન રાધા સલુજા પણ ફિલ્મ એક્ટ્રેસ હતાં અને તેઓ હિન્દી, પંજાબી અને પ્રાદેશિક ભાષાની અન્ય ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે. રેણુ સલુજાને બેસ્ટ એડિટિંગ માટે કુલ ચાર નેશનલ એવોર્ડ, બે ફિલ્મફેર એવોર્ડ અને એક સ્ટાર સ્ક્રીન એવોર્ડ મળી ચૂક્યો છે. તારીખ 16 ઓગસ્ટ, 2000ના રોજ પેટના કેન્સરના કારણે રેણુ સલુજાનું માત્ર 48 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આ સિવાય વર્ષ 2006માં Invisible: the art of Renu Saluja નામનું રેણુ સલુજાના જીવન અને કાર્ય આધારિત એક પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.


ફિલ્મ 'જાને ભી દો યારો'ના ડિરેક્ટર કુંદન શાહ એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે અમે આ ફિલ્મ શૂટ કરી, ત્યારબાદ તેનું ફાઈનલ વર્ઝન લગભગ સાડા ત્રણ કલાકનું હતું પણ આ ફિલ્મને રેણુ સલુજાએ જે રીતે એડિટ કરી કે હું આજ સુધી તેનું આ અદ્ભુત કામ ભૂલી શક્યો નથી. હું રેણુ સલુજાનો આભારી છું અને આ ફિલ્મ મારી નહીં પણ રેણુ સલુજાની છે તેવું મારું માનવું છે. રેણુ સલુજાએ એડિટ કરેલી અન્ય મહત્ત્વની ફિલ્મોમાં શેખર કપૂરની 'બેન્ડિટ ક્વીન', સુભાષ ઘાઈની 'પરદેસ', કમલ હસનની 'હે રામ', નાગેશ કૂકનુરની 'હૈદરાબાદ બ્લુઝ', સલમાન ખાન સ્ટારર 'જબ પ્યાર કિસિ સે હોતા હે' વગેરેનો સમાવેશ થાય છે.
e.mail : nbhavsarsafri@gmail.com
![]()


તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડી.એમ.કે. પાર્ટીના અધ્યક્ષ એમ. કરુણાનિધિનું તારીખ ૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું, તેઓ ૯૪ વર્ષના હતા.
તમિલ રાષ્ટ્રવાદી રાજકારણની વાર્તામાં દ્રવિડ મુન્નેત્ર કઝાગમ કેન્દ્રસ્થાને રહેલ છે. વર્ષ ૧૯૪૯માં સી.એન. અન્નાદુરાઈ, એમ. કરુણાનિધિ તથા અન્ય બૌદ્ધિકો-કાર્યકરો દ્વારા DMK (દ્રવિડ મુન્નેત્ર કઝાગમ) પાર્ટીની શરૂઆત કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ DK (દ્રવિડ કઝાગમ) નામની પાર્ટી સાથે જોડાયેલા હતા, કે જેના નેતા ઈ.વી. રામાસ્વામી ઉર્ફે પેરિયાર હતા. પેરિયાર એક સમયે કોંગ્રેસી હતા અને મહાત્મા ગાંધીના અનુયાયી હતા, અને જ્યારે પેરિયારને લાગ્યું કે સુધારાનાં કાર્ય કરવામાં સ્થાનિક નેતાગીરી અડચણરૂપ બની રહી છે, ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પેરિયારે પાર્ટીના પ્રમુખ તરીકે એક અલગ તમિલ રાષ્ટ્ર માટેની ઝુંબેશ પણ ચલાવી હતી, અને વર્ષ ૧૯૪૪માં તેમણે સ્વતંત્ર પાર્ટી DK(દ્રવિડ કઝાગમ)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ તમિલનાડુમાં મોટાપાયે સામાજિક સુધારા માટેની ચળવળ ચલાવી હતી. DK પાર્ટીની સ્થાપનામાં પેરિયારના સૌથી નજીકના સહાયક સભ્ય અને લેખક એવાં અન્નાદુરાઈએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, અને બાદમાં તેઓ DMK પાર્ટી તરફથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ભારતીય લેખિકા (કથા, પટકથા અને સંવાદ), કોસ્ચ્યુમ (પોશાક) ડિઝાઇનર, આર્ટ ડિરેક્ટર, કળા વિવેચક, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, સંશોધક તેમ જ રંગભૂમિનાં ક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપનાર એવાં બહુમુખી પ્રતિભા ધરાવતાં શમા ઝૈદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશના રામપુરમાં થયો હતો. તેઓ દેશના એક સમયના જાણીતા રાજકારણી અને શિક્ષણવિદ બશીર હુસૈન ઝૈદીનાં પુત્રી છે. શમા ઝૈદીનાં માતા નાટ્યકાર હબીબ તન્વીરની સાથે દિલ્હીમાં નાટકોમાં કામ કરતાં હતાં, એટલે શમા ઝૈદી બાળપણથી જ ઉર્દૂ ભાષા સાથે સંકળાયેલાં છે અને ભાષા પ્રત્યેનો આ પ્રેમ તેઓને માતા તરફથી વારસામાં પ્રાપ્ત થયો છે. શમા ઝૈદીનાં માતાપિતા દેશમાં જે-તે સમયે શરૂ થયેલી સામ્યવાદી વિચારધારાની ચળવળ સાથે જોડાયેલાં હતાં અને તેમનો ઉછેર પણ ડાબેરી વિચારધારા ધરાવતાં વાતાવરણમાં થયો છે.