મહાદેવની પ્રવૃત્તિઓનો, તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી થોડા જ સમયમાં, શંકરની જટામાંથી છૂટેલી ગંગાની જેમ વિસ્તાર થવા લાગેલો. ગાંધીજીનાં વ્યક્તિગત કામો તો હતાં જ. તે ઉપરાંત એમનાં ભાષણોની નોંધો રાખવી શરૂ થઈ. ગાંધીજીનું તે કાળે જે મુખ્ય કાર્ય હોય તેને પત્રો દ્વારા, ચર્ચાઓ દ્વારા અને કોઈ કોઈ વાર નાનીમોટી બેઠકોમાં વાર્તાલાપ દ્વારા સમજાવવાનું પણ શરૂ થયું. પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છતાં મહાદેવ પોતાનો સ્વાધ્યાય નહીં છોડતા. તેઓ નિયમિત રીતે કાંઈક ને કાંઈક વાંચતા, અને તેમાં યે પોતાના કામને અંગે જરૂરી હોય એવું વાચન તો શોધી કાઢીને વાંચતા. એક સ્થળના સ્વાગતનો ભારી ભભકો જોઈ મહાદેવ ડાયરીમાં નોંધે છે, ‘આવા ભારે ભભકાનું વર્ણન તો વૉલ્ટર સ્કોટ જ કરી શકે. સ્કોટ વાંચવો પડશે.’

સાહિત્યની વાત આવી છે તો સાથે સાથે એટલું પણ કહી દઈએ કે મહાદેવભાઈએ જ નહીં, પણ ગાંધીજીએ પણ આ કાળ દરમિયાન ઠીક ઠીક ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું. અવારનવાર ગુરુશિષ્ય વચ્ચે સાહિત્યચર્ચા ચાલતી. સૈનિકભરતીના કામ દરમિયાન ગાંધીજીએ ભોગવેલી મરડાની ગંભીર માંદગી વખતે રોજ સવારે મહાદેવ ગાંધીજીને આનંદશંકર ધ્રુવની हिंदु धर्मनी बाळपोथी વાંચી સંભળાવતા. ‘એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું.’ એમ ગાંધીજી કહેતા. મહાદેવભાઈ વાંચતા જાય અને ગાંધીજી ‘હદ વાળી છે, અદ્દભુત ભંડાર ઠલવ્યો છે’ એવા એવા ઉદ્દગારો કાઢે. પોતાના પરમ મિત્ર સી.એફ. ઍન્ડ્રૂઝને લખ્યું :
‘આ નિબંધો શુદ્ધ કાંચન છે. આ પ્રાંતમાં મોટામાં મોટા વિદ્વાન પૈકીના એ છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે. આત્માના મિલનનો અર્થ વધારે સારી રીતે સમજવામાં તેણે મને મદદ કરી છે.’
મણિલાલ નભુભાઈના कांता નાટક વિશે અભિપ્રાય મિશ્ર હતો :
‘સારું નાટક છે. કલાત્મકતા છે, પણ અંગ્રેજી ભાવો ઘણા જ છે. જ્યાંત્યાં અંગ્રેજી ભણકારા વાગે છે. તરલાનું પાત્ર અંગ્રેજી નાટકોના પાત્ર જેવું છે. વાંચીને रिचर्ड ध थर्ड અથવા मेकबेथ યાદ આવે. रिचर्ड ध थर्ड વધારે.’
राईनो पर्वत વિશે કહે, ‘વીણાવતીને દાખલ કરીને રમણભાઈએ નાટકની કિંમત ઓછી કીધી છે. પાછલા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હોય તેવું થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી. પણ આ ખામી તો છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈને પડ્યા.’
દોલતરામ પંડ્યાના अमरसत्र નાટક વિશેની ચર્ચા એ બંનેને ‘ક્લિષ્ટ’ શબ્દ અંગેની ચર્ચામાં ઉતારી ગઈ :
‘મહાદેવ, ‘अमरसत्र’ તો સારું છે, પાછળથી શ્લોકો પણ સારા આવે છે; પ્લૉટ તો ધૂળ જેવું છે, પણ લખાણ સારું છે અને દોલતરામ પંડ્યા કુદરતી લખતા હોય એવું લાગે છે.’
મેં કહ્યું : મેં વાંચ્યું નથી એટલે શું કહું ? પણ ક્લિષ્ટ શૈલી તો હોવી જોઈએ.
બાપુ કહે : તમે ક્લિષ્ટ કોને કહો ?
મેં કહ્યું : જે વિચાર વધારે સહેલી ભાષામાં મૂકી શકાતો હોય છતાં જે કઠણ ભાષામાં બતાવવાની ખાતર બતાવ્યો હોય, જેમાં કઠણતા એ ભૂષણ નહીં હોય પણ ભારરૂપ હોય તે ક્લિષ્ટ. અને એવી શૈલી દોલતરામ પંડ્યાની ગણાય છે.
બાપુ કહે : ના, સમજવું કઠણ પડે તેને ક્લિષ્ટ નહીં કહેવાય.
મેં કહ્યું : રમણભાઈનો જે સરળતાનો ગુણ છે, તે ગુણ દોલતરામ પંડ્યામાં છે જ નહીં.
તો કહે : તે ખરું, પણ એની કઠણ ભાષાને હું ક્લિષ્ટ નહીં કહું, કારણ, સમજતાં વાર લાગે તેથી આપણે કોઈ ભાષાને ક્લિષ્ટ નથી કહી શકતા.
મેં કહ્યું : જાણી જોઈને ક્લિષ્ટ કરી હોય, વિના કારણ કઠણ કરી હોય તે ક્લિષ્ટ કહેવાય. વિચાર ન સમજાવાને લીધે મણિલાલની ભાષા કઠણ લાગે પણ તે ક્લિષ્ટ નહીં. અલંકારોને લીધે કઠણ લાગે એવી ગોવર્ધનભાઈની ભાષા ક્લિષ્ટ નહીં, પણ શ્લિષ્ટ જ કહેવાઈ છે.
તો કહે કે : હશે. પણ મણિલાલની ભાષા ઘણે ઠેકાણે એવી નથી કે જેને સાદી રીતે બતાવાય છતાં કઠણ રીતે બતાવી હોય ?
મેં કહ્યું : ના.
વાત ત્યાં અટકી. પછી મેં પૂછ્યું :
અંગ્રેજી લેખકોમાં ક્લિષ્ટ ભાષા કોની ?
જરા વિચાર કરીને કહે : આપણને ક્લિષ્ટ લેખકો શીખવાતા નથી, એટલે શું કહેવાય ?
મેં કહ્યું : જોન્સન તો ન કહેવાય.
તો કહે : ના, નહીં જ.
મેં જરા હસતાં હસતાં કહ્યું : ઓસ્ટિનની જ્યુરિસ્પ્રુડન્સ ક્લિષ્ટ કહેવાય.
બાપુ : મને તો નથી લાગી. એની એક પ્રકારની રીત હતી, પણ મને તે તેમાં બહુ રસ પડતો.
મેં કહ્યું : ડાઈસીના જેટલો પ્રસાદ એમાં ખરો કે ?
તો કહે : ના. એ વાત સાચી, પ્રસાદ તો નથી જ. પછી કહે : તમે स्टीवन्स डिजेस्ट ऑफ एविडन्स વાંચેલો ? એના ઉપર હું તો ફિદા છું. આપણે કાયદાનાં પુસ્તકો પણ આપણી ભાષામાં લાવવાં જોઈએ. પણ આપણા વકીલોને ક્યાં ગુજરાતીમાં બોલવું જ છે ? એ લોકોને ભાન ક્યાં છે કે ગુજરાતીમાં એ પુસ્તકો મૂકી દેવાથી પ્રજાને કેટલી ચડાવાય ? અને આપણા સાક્ષરોને તો જાણે સાચી પ્રવૃત્તિ હાથ લાગી જ નથી. રેઢિયાળ પુસ્તકોનું ભાષાંતર કરે, પણ આવું કાંઈ સૂઝે છે ?
મેં કહ્યું : મારે દોલતરામ પંડ્યા વાંચવા જોઈશે. તમે વાંચશો એ મને ખાતરી હતી એટલે જ મેં તમારે માટે કઢાવેલી.
તો કહે : હું તો વાંચવાનો જ. મારે તો ગુજરાતીમાં રેઢિયાળમાં રેઢિયાળ પુસ્તક હોય તે વાંચ્યે જ છૂટકો છે. હા, મને લાગે છે કે, ગુજરાતી બાઇબલ મારાથી ન વંચાય. એનું કારણ એ છે કે અમુક વરસો સુધી એક વસ્તુ અદ્દભુત ભાષામાં વાંચેલી તેની તે જ વસ્તુ બીજી ખરાબ ભાષામાં વાંચવી કઠણ પડે. બાઇબલનું ભાષાંતર કરાવવાનું તો મિશનરીઓને માથે પડ્યું. એટલે ભવ્યમાં ભવ્ય પુસ્તકનું અને અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નમૂનાનું ભાષાંતર તે તદ્દન રદ્દી થયું. આપણા સાક્ષરોને એ કરવાનું પણ સૂઝ્યું નથી. ક્યારે સૂઝશે ?
ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય મહાદેવે ગાંધીજી કરતાં ઘણું વધારે વાચ્યું હતું એટલે કોઈક વાર ગાંધીજીને કોઈ લેખકને વાંચીને હરખાતા જુએ તો મહાદેવ માત્ર એટલું જ કહે કે, ‘પહેલી વારના વાચનનો હરખ છે.’
(નારાયણ દેસાઈ લિખિત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 154-156)
![]()


એક મહિનાની અંદર આ બીજી એવી સભા છે જેમાં મેં સામેથી બોલવાનું માગી લીધું હોય. જુગતરામકાકાના જન્મદિવસ ‘સેવાદિન’ પર પણ મેં સામેથી કહ્યું હતું કે હું બોલીશ અને આ ‘જયપ્રકાશ વ્યાખ્યાનમાળા’ માટે પણ ઉમાને કહ્યું કે, આ વખતે હું બોલીશ. ઉમાએ મને પૂછ્યું, શેના પર બોલશો ? તો મેં તરત જ કહી દીધું કે ‘જયપ્રકાશ’ પર. મેં સામેથી બોલવાનું શા માટે માગી લીધું ? થોડા સમય પહેલાં – ખાસું ભણેલી – ગણેલી, વિદેશથી આવેલી અને સંભ્રાત વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું કે, આ જયપ્રકાશ એટલે કોણ ? આ સવાલ મારા માટે ખૂબ આઘાતજનક હતો. એટલે મને લાગ્યું કે – જયપ્રકાશને – જેમને અંધારામાં દાટી લેવામાં આવ્યા છે તેમને બહાર પ્રકાશમાં લાવવા છે અને આ મારું કર્તવ્ય છે.


એ વખતે જે અધ્યાપકો જયપ્રકાશજીની નિકટ હતા તેમાં કેટલાક કોમ્યુિનસ્ટો પણ હતા. તેમની સાથી દ્વંદ્વાત્મક ભૌતિકવાદની ચર્ચા ચાલતી. અમેરિકા ગયા એ પહેલાં પ્રભાવતીજી સાથે તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. અમેરિકા જતી વખતે પ્રભાવતીજીએ જયપ્રકાશજીને ભેટ તરીકે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ આપી અને જયપ્રકાશજીએ પ્રભાવતીજીને ‘રામચરિત માનસ’ આપ્યું. અમેરિકામાં જયપ્રકાશજીએ અઠવાડિયામાં તો ‘ભગવદ્ ગીતા’ વાંચી નાખી અને પ્રભાવતીજીને પત્ર લખ્યો કે “પહેલાં તો મેં એ વાંચી હતી પણ તેં આપી હતી એટલે બીજી વાર વાંચી ગયો. પણ એ પુસ્તકમાં કોઈ દમ નથી.” આ જ જયપ્રકાશજીને પાછળથી કહેતા સાંભળ્યા છે કે એમ લખીને મેં પ્રભાને કેટલું દુ:ખ આપ્યું હશે ? અને આ જ જયપ્રકાશજીએ પ્રભાવતીજીના મૃત્યુ પછી સ્મશાનેથી ઘેર આવ્યા પછી (પુત્રીવત) જાનકીને કહ્યું કે, “દીદી વાંચતી હતી તે ‘રામચરિત માનસ’ આપ. એ તો હવે નથી, એની આપેલી ગીતાની તો કોઈ કિંમત ન કરી પણ હવે ‘રામ ચરિત માનસ’ રોજ વાંચીશ.” આ એક ગુણ હતો આ માણસનો.
આપણા દેશના ઇતિહાસમાં આવું બન્યું નથી. પુરુષે પ્રતિજ્ઞા લીધી હોય તો સ્ત્રી એને અનુસરી છે પણ સ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી હોય અને પુરુષ અનુસર્યો હોય એવો આ કદાચ પહેલો જ બનાવ છે. સ્ત્રી સ્વતંત્ર છે, અને તેણે પ્રતિજ્ઞા લીધી છે તો સ્ત્રીના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. અને તેમણે આજીવન પ્રતિજ્ઞાનું પાલન માત્ર પત્નીની પ્રતિજ્ઞાને માન આપવા માટે જ કર્યું. આ હતું જયપ્રકાશનું સંતત્વ.
બિહારના આંદોલનમાં પણ માંદગીને કારણે સામેલ નહોતા થયા પણ પોલીસ ગોળીબારમાં એક મૃત્યુ થયું અને ‘આ મૃત્યુ માટે તપાસ થવી જોઈએ’ એટલી માંગ સરકારે પૂરી ન કરી, સરકારે તપાસ ન આપી – એટલે કહ્યું કે, હું આ યુવાનોની સાથે છું. બીમારી તે વખતે છૂ થઈ ગઈ. જયપ્રકાશજીનું બ્યુગલ વાગ્યું ને દેશની તરુણાઈ જાગી ઊઠી હતી. બાકીનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ.
અને તે પછીનું પરિણામ તો આપણે જોયું. ચૂંટણી પછી જનતા પાર્ટીનું રાજ થયું. એટલ જેલમાં જયપ્રકાશજી સાથે જે વ્યવહાર થયો તે શંકાસ્પદ હતો કે નહિ તે માટે એક વ્યક્તિની કમિટિ રચાઈ. કર્ણાટકના ડૉ. આલ્વાની એ કમિટિ હતી. એ વખતે જયપ્રકાશજી ડાયાલીસીસ પર હતા. આંતરે દિવસે થતા ડાયાલીસીસ પછી બીજે દિવસે એ સ્ફૂિર્તમાં રહેતા. ડૉ. આલ્વા એમના પરિચિત હતા. તેઓ જયપ્રકાશજીને બીજા કેટલાકની જેમ જે.પી. કહેતા. તેમણે પૂછ્યું, ‘જે.પી., તમારી છાતી પર હાથ મૂકીને કહો કે તમારી સાથે જે વ્યવહાર થયો તેને માટે તમને સંદેહ છે કે નહિં ?’ ત્યારે જયપ્રકાશજીએ કહ્યું કે, “ડૉ. આલ્વા તમે ઘણો અટપટો પ્રશ્ન પૂછ્યો છે. કેમ ? કારણ કે તમે જે છાતી પર હાથ મૂકીને કહેવાનું કહો છો તો મારે કબૂલ કરવું પડશે કે મને સંદેહ છે. કારણ કે જેલમાં ગયો ત્યારે મને કિડનીમાં કોઈ રોગ નહોતો. બ્લડપ્રેશર અને ડાયાબીટીસ હતાં. એ માટેની દવાઓ લઈને ફરતો હતો. મારી ધરપકડ થઈ એ જ દિવસે મારી બધી દવાઓ લઈ લેવામાં આવી અને મને કંઈક બીજી જ દવાઓ આપવામાં આવી હતી. અને એક દિવસ મને કહેવામાં આવ્યું કે તમારી બંને કિડની ફેલ છે. એટલે મને સંદેહ છે.” તો ડૉ. આલ્વાએ કહ્યું કે હું મારા રિપોર્ટમાં આ લખી શકું ? ‘No, Please, Please એ ન લખો.’ ‘શા માટે ન લખું ? સત્યની શોધ માટે તો મેં આ કામ લીધું છે ? તમે સત્યની શોધ થઈ છે એની ના પાડશો !’ ‘ના, ડૉ. આલ્વા, હું તમને વારંવાર કહું છું કે આ ન લખશો.’ પછી એમણે જે જવાબ આપ્યો તે સમજવા જેવો છે. ‘ડૉ. આલ્વા, કાલે તમે મારી પાસે આવ્યા ત્યારે હું ડાયાલિસીસના ટેબલ ઉપર હતો. કાલે તમને નહોતો મળી શક્યો, આજે મળી શક્યો. કાલે પાછો એ જ ટેબલ ઉપર જઈશ. મારો એક પગ આ દુનિયામાં છે, બીજો પગ પેલી દુનિયામાં છે. મારો કોઈ ભરોસો નથી. અને ઇંદુ (ઇંદિરાને તેઓ ઇંદુ કહેતા હતા) તો યુવાન છે. એને હજુ ઘણું જીવવાનું છે. મરતાં પહેલાં એને કલંકિત કરીને મરવા ઇચ્છતો નથી.’ આ સંતત્વ છે. આ મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ છે. કયો મહાપુરુષ પોતાની જિંદગીમાં સફળ થયો છે ? ગાંધીને દેશના વિભાજનના સાક્ષી બનવું પડ્યું, પોતાના નિકટના સાથીઓ પણ તેમની સાથે ના રહ્યા. ભૂદાન આંદોલન જોરશોરથી ચાલતું હતું ત્યારે સ્વાસ્થ્યને કારણે વિનોબાજીને આંદોલન છોડીને, સૂક્ષ્મમાં પ્રવેશ કરવો પડ્યો. આંદોલન સફળ થયું કે નિષ્ફળ એ કસોટી નથી. માણસ પોતાના પ્રત્યે કેટલો ઇમાનદાર છે એ કસોટી છે.
લોકસભાના પરિણામો જોયા પછી આ લખવા બેઠો છું. મને એવી સલાહ મળી છે કે હમણાં રોકાઈ જાઓ, પરિસ્થિતિ જુઓ, પછી લખો. મને લાગે છે કે આ પત્ર પણ થોડું વિચારવાની તક આપવાનો પ્રસંગ છે. તેથી બહુ મોડું ન કરતાં, થોડા વિચારો પ્રગટ તો કરવા જ જોઈએ.