લશ્કરની બેરેક્સ ગઈ, પણ બેરેક રોડ રહ્યો
સ્ટ્રેન્ડ : બુક સ્ટોલ, સિનેમા, રોડ
બે દાનવીર મહિલાઓ : રોઝ નેસબિટ અને મોટલીબાઈ વાડિયા
પંડિત જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ અબુલ કલામ, ડો. મનમોહન સિંહ, વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ, તેજાબી લેખક ખુશવંત સિંહ, — આ અને બીજા મહાનુભાવો જ્યારે મુંબઈ આવે ત્યારે ખાસ સમય કાઢીને એક દુકાનની મુલાકાત જરૂર લેતા. એ દુકાન કઈ? મહાનુભાવો અનેક, પણ જવાબ એક જ છે : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. આપણા સુરેશ દલાલનું, મરાઠીના પંડિત પત્રકાર ડો. અરુણ ટીકેકરનું તો એ જાણે બીજું ઘર. પણ એવું તે શું વેચાતું હતું, એ દુકાનમાં? તો કે ચોપડીઓ. ફક્ત અંગ્રેજી. પણ દેશ કે પરદેશમાં પ્રગટ થયેલું કોઈ પણ પુસ્તક જોઈતું હોય તો ત્યાંથી મળી જાય. હાજર સ્ટોકમાં ન હોય તો મગાવી આપે. એના સ્થાપક-માલિક ટી.એન. શાનબાગ જાતે ‘ભયંકર’ (મરાઠી અર્થમાં) પુસ્તકપ્રેમી. કાયમી મુલાકાતીઓની પસંદગી બરાબર જાણે. તેમને ગમે તેવું કોઈ નવું પુસ્તક આવ્યું હોય તો હોંશથી બતાવે. ખરીદવા માટે જરા ય આગ્રહ નહિ. ઘણી વાર એવું બને કે પુસ્તકની કિંમત ખરીદનારને પોસાય તેમ ન હોય. વાત પામી જઈને શાનબાગ સામેથી કહે : અત્યારે લઈ જાવ. વંચાઈ જાય એટલે પાછું આપી જજો. તમે ગમે તેટલી ચોપડી ખરીદો, દસ ટકા કરતાં વધુ ડિસ્કાઉન્ટ ન આપે તે ન જ આપે. હા, એમાં એક વાર અપવાદ કરેલો. સાંજે દુકાન બંધ કરીને શાનબાગ બેઠા બેઠા નવાં પુસ્તકો પર નજર ફેરવતા બેઠા હતા. એવામાં બેલ વાગી. બેલ સાંભળી શાનબાગ ઊભા થયા અને દરવાજો ખોલ્યો. જોયું તો સામે ઊભા હતા પંડિત જવાહરલાલ નેહરુ! કહે : આખો દિવસ બીજા કામોમાં એવો તો અટવાયેલો રહ્યો કે આવી ન શક્યો. પણ અહીં આવ્યા વગર તો જવાય જ કેમ? એટલે આવે કટાણે આવ્યો. તે દિવસે નેહરુએ જે પુસ્તકો ખરીદ્યાં – હા ખરીદ્યાં – તેના પર શાનબાગે સામે ચાલીને વીસ ટકા ડિસકાઉન્ટ આપ્યો!
સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં બેઠેલા તેના સ્થાપક શાનબાગ
૧૯૪૮માં શાનબાગે આ દુકાન શરૂ કરેલી. ના, ત્યારે તો એ દુકાન પણ નહોતી. એ જમાનાના પ્રખ્યાત સ્ટ્રેન્ડ સિનેમામાં એક બાંકડા જેટલી જગ્યા ભાડે લીધી, અને પાટિયું માર્યું : સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. થોડા વખતમાં તો પ્રતિષ્ઠા જામી. પણ જગ્યા નાની પડવા લાગી. એટલે ૧૯૫૩માં એ જગ્યા છોડી બજાર ગેટ સ્ટ્રીટમાં મોટી દુકાન લીધી. પણ નામ તો એ જ રાખ્યું સ્ટ્રેન્ડ બુક સ્ટોલ. પાછલાં વર્ષોમાં મુશ્કેલીઓ આવી, ગ્રાહકો ઓછા થતા ગયા. પણ જીવ્યા ત્યાં સુધી દુકાન ચલાવી. એમના અવસાન પછી દીકરી વિદ્યા વીરકરે નવેક વરસ ચલાવી. પણ છેવટે શાનબાગના અવસાન પછી કુલ ૭૦ વરસનું આયુષ્ય ભોગવી એ દુકાન વિલીન થઈ.
સ્ટ્રેન્ડ સિનેમા
જેના પરથી શાનબાગે પોતાની દુકાનનું નામ પાડ્યું તે ‘સ્ટ્રેન્ડ સિનેમા’ એટલે એક જમાનાનું મુંબઈનું જાજરમાન થિયેટર. ઉત્તમ અંગ્રેજી ફિલ્મો બતાવે. ખૂબસૂરત ઈમારત. હેં? ઈમારત, અને ખૂબસુરત? હા, કેમ? ‘ઈમારત’ શબ્દ પણ નારી જાતિનો જ છે ને! (નારીવાદી મિત્રો માફ કરે.) ૧૯૪૦ના દાયકામાં આ સિનેમા બંધાયું. લગભગ ૫૦ વરસ જીવ્યું. પછી થયું ધરાશાયી. આજે એ જગ્યાએ એક વરવી ઈમારત ઊભી છે. પણ આ થિયેટરનું નામ ‘સ્ટ્રેન્ડ’ કેમ પડ્યું? સાધારણ રીતે કોઈ રસ્તા પર બહુ જાણીતી ઈમારત આવી હોય તો તેના નામ પરથી રસ્તાનું નામ પડે. જેમ કે ચર્ચગેટ સ્ટ્રીટ. પણ અહીં જરા ઊંધી વાત છે. રસ્તાનું નામ સ્ટ્રેન્ડ રોડ. એ રસ્તા પર આવેલા થિયેટરનું નામ પડ્યું સ્ટ્રેન્ડ સિનેમા. કોલાબા વિસ્તારમાં એપોલો પિયરથી હેન્રી રોડ સુધીના રસ્તાનું નામ હતું સ્ટ્રેન્ડ રોડ. પણ કેમ? કારણ અંગ્રેજી ‘સ્ટ્રેન્ડ’ શબ્દનો એક અર્થ થાય છે દરિયા કિનારો. એ વખતની હાર્બરને અડીને આ રસ્તો આવેલો હતો એટલે બન્યો સ્ટ્રેન્ડ રોડ.
સ્ટ્રેન્ડ રોડ, ૧૯૩૫
તળ મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામને પણ દરિયા સાથે સંબંધ. મરીન ડ્રાઈવ, કોલાબા કોઝવે, ફોરશોર રોડ, વગેરે. આ બધામાં મરીન ડ્રાઈવ ઉંમરમાં સૌથી નાનો છે. ત્રણ કિલો મિટર લાંબા આ રસ્તાના બાંધકામની શરૂઆત તેના ચોપાટી છેડેથી ૧૯૧૫માં થઈ હતી. તેના બાંધકામનું શ્રેય પાલનજી મિસ્ત્રીને જાય છે. વખત જતાં આ રસ્તો મુંબઈનું એક મહામૂલું ઘરેણું બની ગયો. ક્વીન્સ નેકલેસ તરીકે ઓળખાતા આ રસ્તાની આજની હાલત તો મોતીની તૂટેલી, વેરવિખેર પડેલી માળા જેવી થઈ ગઈ છે – નવા કોસ્ટલ રોડના બાંધકામને કારણે.
મરીન ડ્રાઈવ કરતાં મરીન લાઈન્સ ઘણો વધુ જૂનો વિસ્તાર. અંગ્રેજોના જમાનામાં લશ્કરના બે ભાગ હતા : અંગ્રેજ અને ‘દેશી’. કિલ્લો હતો ત્યાં સુધી તો અંગ્રેજ સૈનિકો માટે ખાસ બેરેક બાંધવામાં આવેલી. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ ત્યાં જ. પણ ‘દેશી’ સૈનિકો માટે કિલ્લાની બહાર અલગ વ્યવસ્થા. આજના આઝાદ મેદાન પાસે તેમને માટે અલગ ‘કેમ્પ’ હતો. આથી ઘણા લોકો એ મેદાનને ‘કાંપ(કેમ્પ)નું મેદાન’ તરીકે ઓળખતા. પણ પછી કિલ્લો તોડી પાડ્યો ત્યારે મરીન બટાલિયન માટે જ્યાં બેરેકસ બાંધી તે વિસ્તાર મરીન લાઈન્સ તરીકે ઓળખાયો. તેની આસપાસની કેટલીક ગલ્લીઓ બેરેક રોડ, પહેલી, બીજી, ત્રીજી મરીન સ્ટ્રીટ તરીકે ઓળખાતી. એક જમાનામાં ત્રીજી મરીન સ્ટ્રીટને લોકો વાણિયાવાડી તરીકે ઓળખતા કારણ ત્યાં ગુજરાતી વાણિયાઓની ઘણી વસ્તી હતી. પણ વખત જતાં ત્યાં પારસીઓની વસ્તી વધી ગઈ. તો ચોથી મરીન સ્ટ્રીટ ‘ગવળી વાડી’ તરીકે ઓળખાતી કારણ ત્યાં ગોવાળોની ઝાઝી વસ્તી હતી. પણ પછી સત્તાવાળાઓએ ગાય-ભેંસના તબેલા ત્યાંથી હટાવ્યા. આમાંના બીજા બધા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે, પણ મેટ્રો સિનેમાની પાછળના એક રસ્તાનું નામ આજે ય બેરેક રોડ છે.
એક જમાનામાં આવું હતું મરીન ડ્રાઈવ
મરીનડ્રાઈવના દરિયા કિનારાથી હવે જઈએ વરળી. મુંબઈના અસલ સાત ટાપુઓમાંનો એક. પણ હવે તો ક્યાં સાંધો, ક્યાં રેણ એની ખબરે ન પડે. આ નામ કેવી રીતે પડ્યું? ત્રણ શક્યતા ચીંધી છે જાણકારોએ. એક માન્યતા એવી કે એક જમાનામાં આ ટાપુ પર વડનાં પુષ્કળ ઝાડ હતાં તેથી આ નામ પડ્યું. મૂળ નામ હતું વડાળી, એટલે કે વડનું ગામડું. પછી તેમાંથી થઈ ગયું વરળી. તો બીજો મત છે કે વર + આળી થયું વરળી. ‘વર’ એટલે કૃપા, આશીર્વાદ. નજીકમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરનાં દેવીના આશીર્વાદ મળેલા એટલે આ નામ. તો વળી બીજા કેટલાક કહે છે કે વાત સાવ સીધી સાદી છે. સાત ટાપુઓમાં જેનું સ્થાન ‘વર’ એટલે કે ઉપર છે તે વરળી. ભાષાના જાણકારો કહે છે કે જો ‘વડ’ સાથે સંબંધ હોય તો નામ વડળી થવું જોઈએ, વરળી નહિ. વડનાં પુષ્કળ ઝાડને લીધી મુંબઈમાં એક બીજું નામ છે જ, વડાળા. મહાલક્ષ્મી માતાના આશીર્વાદવાળી વાત લગભગ કોઈ સ્વીકારતું નથી. ઘણાખરા જાણકારો ત્રીજી શક્યતા સ્વીકારે છે.
થોડા વખત પહેલાં એક નારીવાદી મિત્રે પૂછેલું : તે આ મુંબઈ શહેરમાં રસ્તાઓ સાથે કોઈ સ્ત્રીઓનાં નામ જોડાયાં છે કે નહિ? નિખાલસ જવાબ આપવો હોય તો કહેવું પડે કે બહુ ઓછી સ્ત્રીઓનાં નામ આ રીતે જોડાયાં છે. એનું એક કારણ એ પણ ખરું કે આપણે જે જમાનાના મુંબઈની વાત કરીએ છીએ તે જમાનામાં બહુ ઓછી સ્ત્રીઓ જાહેર જીવનમાં, રાજકારણમાં, પડતી. છતાં, ક્યારેક સ્ત્રીઓનાં નામ કોઈ ને કોઈ રસ્તા સાથે જોડાતાં ખરાં. આવો એક રસ્તો તે મઝગાંવ રોડથી પરળ રોડ સુધી જતો નેસબિટ રોડ. આર્મેનિયન કુળની આ બાનુનું આખું નામ રોઝ નેસબિટ. પૈસે ટકે ખૂબ સમૃદ્ધ. મઝગાંવ વિસ્તારમાં ઘણી જમીન તેની માલિકીની. જેટલી ધનવાન એટલી જ આસ્થાવાન. એણે જ બંધાવ્યું મઝગાંવ વિસ્તારમાં સેન્ટ એન્સ ચર્ચ, ઈ.સ. ૧૭૮૭માં. જો કે આજે અહીં જે ઈમારત છે તે બંધાયેલી ૧૮૮૧માં. આ ચર્ચનું મકાન મુંબઈની બધી ચર્ચનાં મકાનોમાં સૌથી વધુ સુંદર હોવાનું મનાય છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ દરમ્યાન આ નેસબિટના પતિ કોમોડોર નેસબિટ હતા હાર્બર માસ્ટર ઓફ બોમ્બે, એટલે કે મુંબઈ બંદરના મુખિયા. આ નેસબિટબાઈએ પોતાને ખર્ચે ચર્ચ તો બંધાવ્યું, પણ તેના નિભાવ માટે પણ ઘણી મોટી રકમ મૂકતાં ગયાં. ૧૮૧૯માં તેમનું અવસાન થયું તે પહેલાં પોતાની બધી મિલકત તેમણે આ ચર્ચને દાનમાં આપી. તેમની દફન વિધિ આ ચર્ચના કમ્પાઉન્ડમાં કરવામાં આવેલી. પછીથી અહીં સેન્ટ મેરી હાઈ સ્કૂલ શરૂ કરવામાં આવી.
એવી જ રીતે એક પારસી દાનવીર મહિલાનું નામ પણ એક રસ્તા સાથે જોડાયેલું : મોટલીબાઈ સ્ટ્રીટ. મોટલીબાઈ નવરોજી વાડિયાનો જન્મ ૧૮૧૧માં, બેહસ્તનશીન થયાં ૧૮૯૭ના મે મહિનાની ૨૪મી તારીખે. જહાંગીર નસરવાનજી વાડિયાનાં એકમાત્ર દીકરી. મુંબઈમાં વહાણ બાંધકામના ઉદ્યોગનો પાયો નાખનાર લવજી વાડિયાનાં વંશજ. એ જમાનામાં એવણ પારસીઓમાં સૌથી વધુ પૈસાદાર બાનું ગણાતાં હતાં. માત્ર ૨૬ વરસની ઉંમરે ૧૮૩૭માં વિધવા થયાં. પોતાના કુટુંબની બધી જ મિલકત કુશળતાપૂર્વક સાચવી રાખી, એટલું જ નહિ, તેમાં વધારો કર્યો. મુંબઈના જરથોસ્તિઓને અવલમંજલ પહોંચાડવાના ફંડમાં ૧૮૬૨માં પંદર હજારની રકમ આપી હતી. જ્યારે એક તોલો સોનાનો ભાવ લગભગ ૧૯ રૂપિયા હતો ત્યારના ૧૫ હજાર! ૧૮૭૩માં જહાંગીર નસરવાનજી વાડિયાના નામના દવાખાના માટે દસ હજાર રૂપિયા અને પોતાનું એક મકાન ભેટ આપ્યાં હતાં. સ્ત્રીઓ અને બાળકો માટેની હોસ્પિટલ શરૂ કરવા માટે ૧૮૮૮માં દોઢ લાખ રૂપિયા, મઝગાંવમાં આવેલી પોતાની જમીન તથા તે પરની ઈમારત ભેટ આપ્યાં હતાં. ૧૮૯૨ના માર્ચની ૧૫મી તારીખે ‘મોટલીબાઈ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન થયું હતું. મોટલીબાઈના ઉઠમણાના દિવસે પારસીઓના ચાલ મુજબ જુદી જુદી સંસ્થાઓને કુલ રૂપિયા ૨,૧૪,૧૯૦ દાનમાં આપ્યા હતા
જેમ રસ્તાઓનો અંત નથી તેમ રસ્તા વિશેની વાતોનો પણ અંત નથી. અને છતાં ક્યારેક તો સ્થિર ઊભા રહેવાનું મન થાય. જેમ રસ્તાની ધારે પૂતળાં ઊભાં રહે છે તેમ.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 મે 2023