કાળચક્રની ફેરીએ
“ગણિત એટલે અંક સંખ્યા ગણવાની વિદ્યા છે અને શિક્ષાનો તે જ ભાગ છે જે, તેમાં અંકની જાતીયો તથા ગુણ દેખાડ્યા છે. જેમાં પૂર્ણાંકનો વિષય છે તેને પૂર્ણાંક ગણિત કેહે છે, અને જેમાં અપૂર્ણાંકના અંકોનો વિષય છે તેને અપૂર્ણાંક ગણિત કેહે છે.
એક એટલે સર્વ વસ્તૂનું એક પણું જણાવે અને સંખ્યાનો આદ્ય, જેમ એક મનિષ, એક ગોળો, એક તોપ.
સંખ્યા કેવળ એક છે, અથવા કેટલાએક એકોનો યોગ છે, જેમ એક, ત્રણ, દસ. અપૂર્ણાંક સંખ્યાથકી નોખું જણાવવાસારુ એને પૂર્ણાંક સંખ્યા કેહે છે. અપૂર્ણાંક સંખ્યા એટલે એકના અનેક કડકા, જેમ, એક પા, એક અર્ધો, બે ત્રીજા હિસા, ત્રણ ચોથા હિસા.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)
આવું વાંચતા આજે આપણને બહુ નવાઈ ન લાગે, કારણ પાઠ્ય પુસ્તકોની ગુજરાતી ભાષાથી આપણે ટેવાઈ ગયા છીએ. કોઈ પણ વિષયની પરિભાષા માટે આજે પણ આપણે સંસ્કૃત ભાષા પર ઘણો મદાર રાખીએ છીએ. પણ ઉપરનું અવતરણ લીધું છે ઈ.સ. ૧૮૨૮માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે મુખપૃષ્ઠ છે: પહેલું અંગ્રેજીમાં, બીજું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુસ્તકનું નામ આ પ્રમાણે છાપ્યું છે: ‘ગણિત વેવ્હારની ચોપડી અને નાણાઓની તપાસણીનું વર્તમાન.’ અલબત્ત, આ ‘મૌલિક’ પુસ્તક નથી, પણ અંગ્રેજીનો અનુવાદ છે. મૂળ લેખકો ડોક્ટર ચાર્લ્સ હટ્ટન અને બોનીકાસલ. ગુજરાતી અનુવાદ કર્યો છે કેપ્ટન જ્યોર્જ જર્વિસે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આવા અનુવાદ હકીકતમાં કરતા અહીંના કોઈ સ્થાનિક જાણકાર, પણ પુસ્તક પર નામ છપાતું જર્વિસ જેવા કોઈ અંગ્રેજનું. પણ આ પુસ્તકના ગુજરાતી મુખપૃષ્ઠ પર જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી આ અનુવાદ તૈયાર થયો છે એવો સ્પષ્ટ ઋણસ્વીકાર કરવામાં આવ્યો છે. પુસ્તક દેવનાગરી લિપિમાં, શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. છાપખાનાનું નામ ગુજરાતી મુખપૃષ્ઠ પર જણાવ્યું નથી, પણ અંગ્રેજી મુખપૃષ્ઠ પર મુદ્રકનું નામ જણાવ્યું છે: એફ.ડી. રામોસ. અને તેમણે આ પુસ્તક મુંબઈમાં છાપ્યું છે તેમ પણ જણાવ્યું છે. ૪૬૫ પાનાંના આ પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.
અંગ્રેજ શાસન અને અંગ્રેજી ભાષાના વિરોધીઓ દ્વારા આપણા મનમાં એક વાત એવી ઠસાવી દેવામાં આવી છે કે અંગ્રેજી ભાષા ભણાવીને અને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને અંગ્રેજોએ આપણને ગુલામ બનાવી દીધા. પણ કંઈ નહિ તો મુંબઈ ઇલાકામાં (આજના ગુજરાત અને મહારાષ્ટ્રમાં) તો બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની શરૂઆત ‘દેશી’ ભાષાઓને શિક્ષણનું માધ્યમ બનાવીને જ થઇ હતી. આ માટે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનો માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનો આગ્રહ મુખ્યત્ત્વે જવાબદાર હતો. બીજા અંગ્રેજ ઉપરી-અધિકારીઓના વિરોધ અને દબાણ સામે ટક્કર ઝીલીને પણ તેઓ પોતાની માન્યતાને વળગી રહ્યા. માતૃભાષા દ્વારા શિક્ષણ આપી શકાય તે માટે તેમણે જૂદા જૂદા વિષયોનાં પાઠ્ય પુસ્તકો ગુજરાતી, મરાઠી, કાનડી, વગેરે ‘દેશી’ ભાષાઓમાં તૈયાર કરાવ્યાં. પશ્ચિમ ભારતમાં અંગ્રેજી ભાષા અને અંગ્રેજી માધ્યમ માટેનો મોહ હકીકતમાં ૧૯૬૦ પછી વધતો રહ્યો છે. અંગ્રેજી શાસનને તે માટે ભાગ્યે જ જવાબદાર ગણી શકાય.
આ પુસ્તક ગણિતનું પાઠ્ય પુસ્તક છે. પણ આટલું મોટું પુસ્તક એક વર્ષમાં ભણાવી શકાય નહિ. એટલે, એક કરતાં વધારે ધોરણોમાં વાપરવા માટે તે તૈયાર થયું હશે. એ વખતે ભણાવનારી નિશાળો અને ભણનારા છોકરાઓની સંખ્યા ઘણી મર્યાદિત હતી, અને ‘દેશી’ ભાષાઓમાં પુસ્તકો તૈયાર કરવાનું કામ અઘરું અને ખર્ચાળ હતું, એટલે એક પુસ્તક એક કરતાં વધુ ધોરણોમાં ભણાવી શકાય એ રીતે કેટલાંક પાઠ્ય પુસ્તકો તૈયાર થતાં. ક્રમિક પાઠ્ય પુસ્તકોનું માળખું પછીથી ઊભું થયું.
આ પુસ્તક કુલ ૫૦ પ્રકરણમાં વહેંચાયેલું છે. તેમાં જે વિષયો આવરી લીધા છે તેમાંના કેટલાક: પૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ભાંજણી. વ્યવહારી અપૂર્ણાંક અને તેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વગેરે; વર્ગમૂળ તથા ઘનમૂળ, એકવડું અને બેવડું પન્ત્યાળું, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, વગેરે. ગણિતનું પુસ્તક હોય એટલે તેમાં દાખલા તો હોવાના જ. અહીં પણ છે. પણ અહીં આપેલા દાખલા અંગે એક વાત ધ્યાન ખેંચે છે. દરેક પ્રકરણમાં પહેલાં બે-ત્રણ દાખલા ગણીને જવાબ મૂકીને છાપ્યા છે. જ્યારે પછી આપેલા કેટલાક દાખલા જવાબ વગર છાપ્યા છે. આ પુસ્તક તૈયાર થયું ત્યારે હજી નિશાળોમાં નોટબુકનો ઉપયોગ ચલણી બન્યો નહોતો, અને એટલે વિદ્યાર્થીએ છાપેલા પુસ્તકમાં જ દાખલા ગણવાના રહેતા. આ લખનારે જોયેલી નકલમાં કોઈએ બધા દાખલા ગણીને જવાબ લખેલા છે, એટલે કે એ વખતના કોઈ વિદ્યાર્થીએ વાપરેલી આ નકલ છે. આ નકલનાં કેટલાંક પાનાં જરા જાડા અને આછા ભૂરા રંગના કાગળ પર છપાયેલાં છે, પણ તેમ કરવા પાછળ શું કારણ હશે તે સમજાતું નથી.
કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો જન્મ ૬ ઓક્ટોબર ૧૭૯૪, અવસાન ૧૪ ઓક્ટોબર ૧૮૫૧. કુલ ત્રણ ભાઈઓ. તેમાંના બે, જ્યોર્જ અને થોમસ મુંબઈ ઇલાકામાં રહ્યા. થોમસનું કામ મુખ્યત્ત્વે કોંકણ વિસ્તારમાં. જ્યોર્જની ચાર વર્ષની વયે કંપની સરકારનું કામ મદ્રાસમાં રહીને કરતા પિતાનું અવસાન. માતાએ તરત બીજાં લગ્ન કર્યાં અને જર્વિસ તથા તેના બે ભાઈઓને મદ્રાસથી ઈંગ્લન્ડ ધકેલી દીધા, અને પછી ક્યારે ય તેમની સામે જોયું પણ નહીં. ઇંગ્લન્ડમાં કાકા પાસે રહી ત્રણે ભાઈ ઉછર્યા, ભણ્યા. જરૂરી શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી બોમ્બે મિલીટરી એન્જિિનયર કોર્પ્સમાં સેકંડ લેફ્ટનન્ટની નોકરી મળતાં જ્યોર્જ જર્વિસ ૧૮૧૧ના સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યા. એન્જિનિયર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રસ્તાઓ બાંધવા અંગેનું ઘણું કામ કર્યું અને આપમેળે ગુજરાતી અને મરાઠી ભાષાના સારા જાણકાર બની ગયા. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન હોદ્દાની રૂએ ધ નેટીવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે સ્થાનિક ભાષાઓની જર્વિસની જાણકારીને કારણે તેમને ૧૮૨૨માં સોસાયટીના સેક્રેટરી બનાવ્યા. એ પદે રહીને જર્વિસે ગુજરાતી અને મરાઠીમાં ઘણાં પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. ‘ઇનામ’ આપવાની જાહેરાતો કરીને પુસ્તકો લખાવવાનો ચાલ પણ જર્વિસે શરૂ કર્યો. એલ્ફિન્સ્ટને તેમના ઉપર પસંદગી ઉતારી તેનું બીજું મુખ્ય કારણ એ કે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે અહીંના લોકોને શિક્ષણ તો તેમની માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. ૧૮૪૦માં ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ સ્થાપીને મુંબઈ સરકારે શિક્ષણનું કામ પોતાના હાથમાં લઇ લીધું. તેના સાત સભ્યોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. ૧૮૪૩માં મુંબઈ હાઈકોર્ટના એક જજ સર અર્સકીન પેરી આ બોર્ડના અધ્યક્ષ બન્યા. લોર્ડ મેકોલેની જેમ તેઓ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના તરફદાર હતા. તેમણે બોર્ડમાં ઠરાવ મૂક્યો કે કલકત્તા ઈલાકાની જેમ મુંબઈ ઇલાકામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોવું જોઈએ, મરાઠી, ગુજરાતી વગેરે સ્થાનિક ભાષાઓ નહિ. બોર્ડના ત્રણ ‘દેશી’ સભ્યો જગન્નાથ શંકરશેઠ, ફ્રામજી કાવસજી અને મહંમદ ઈબ્રાહીમ મકબાની સાથે જ્યોર્જ જર્વિસે પણ આ ઠરાવનો જોરદાર વિરોધ કર્યો એટલું જ નહિ, અધ્યક્ષ તેમ જ બીજા ત્રણ અંગ્રેજ સભ્યોની સામે પડીને ઠરાવની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત તેમણે સરકારી લિથોગ્રાફ છાપખાનાના વડા તરીકે અને ‘એન્જિનિયર ઇન્સ્ટીટ્યૂશન’ના વડા તરીકે પણ કામ કર્યું. ૧૮૩૦માં પૂના બદલી થઇ. કારકિર્દીનાં છેલ્લાં કેટલાંક વર્ષ તેઓ મુંબઈના ચીફ એન્જિનિયર રહ્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની માતૃ સંસ્થા લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની ૧૮૦૪માં સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. નોકરીમાંથી રાજીનામું આપીને ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે ફિરોઝ નામની સ્ટીમરમાં સ્વદેશ જવા નીકળ્યા. પણ રસ્તામાં જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે અણધાર્યું અવસાન થયું. ત્યારે ઉંમર ૫૭ વર્ષની.
અને છેલ્લી એક વાત: અહીં જેની વાત કરી છે તે તો પુસ્તકનો પહેલો ભાગ છે. પહેલા ભાગને અંતે જણાવ્યું છે કે બીજા ભાગમાં બીજ ગણિત અને ભૂમિતિ આવરી લીધાં છે. એ ભાગ હજી જોવા મળ્યો નથી. પણ આશા છોડી દીધી નથી.
XXX XXX XXX
ફ્લેટ ન. ૨, ફૂલરાણી, સાહિત્ય સહવાસ, મધુસૂદન કાલેલકર રોડ, કલાનગર, બાંદ્રા (ઇસ્ટ), મુંબઈ ૪૦૦ ૦૫૧
ઇમેલ: deepakbmehta@gmail.com
![]()


સેલ્ફ હેલ્પનાં પુસ્તકો આજે તો ઢગલાબંધ છપાય છે અને વેચાય છે. પણ છેક ૧૮૪૧માં સેલ્ફ હેલ્પનું પુસ્તક? અને તે ય પૂરાં ૪૬૪ પાનાંનું! એનું નામ ‘શરીર શાંનતી’ (એટલે કે શરીર શાંતિ. અવતરણ ચિહ્નો વચ્ચે બધે જોડણી મૂળ પ્રમાણે). મુંબઈ કે સુરતમાં નહોતું છપાયું. તે કિતાબ તો “શ્રી દમણ મધે કાવશજી ફરદુનજીએ છાપી છે.” પૂરાં ૪૪ પાનાંના દીબાચામાં આ પુસ્તકને ‘નાંધલી શરીખી વૈદકની કિતાબ’ તરીકે ઓળખાવીને લેખક તેની પાછળનો હેતુ સમજાવતાં કહે છે: “હરેક વેલાએ પરવીણ વઇદની ગેર હાજરીએ હરેક કુંટમબ પરીવાર વાલાને તુરત હરેક બીમારીની દવા કરવાને બની આવે કે તેથી કરીને લોકોને ફાઇદો પોંહોંચે.” સ્વાસ્થ્ય અને સારવાર અંગેના પુસ્તકની આજે આપણને નવાઈ ન લાગે. જાણકાર, ઓછા જાણકાર અને અ-જાણકાર લોકો આજે એવાં પુસ્તકો બનાવતા રહે છે. પણ આ પુસ્તક પ્રગટ થયું તેની સાલ છે ૧૮૪૧. આખા હિન્દુસ્તાનની પહેલવહેલી મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ મુંબઈમાં ૧૮૪૫માં શરૂ થઈ. તે પહેલાં ચાર વર્ષે આ પુસ્તક પ્રગટ થયું હતું.
જ્ઞાની કવિ અખાની એક જાણીતી પંક્તિ છે: ‘છીંડું ખોળતાં લાધી પોળ, અખા હવે કર ઝાકમઝોળ.’ “બુદ્ધિપ્રકાશ”ના ઓગસ્ટ ૨૦૧૭ના અંકમાં ‘બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો’ લેખ પ્રગટ થયો તે પછી કંઈક આવો જ અનુભવ થયો. એ લેખમાં લખ્યું હતું: “૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે: ‘અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.’ પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી.” આ વાંચીને અમરેલીથી શ્રી કિશોરભાઈ મહેતાએ લાંબો પત્ર લખી હંસરાજભાઈ અંગેની કેટલીક વિગતો મોકલી. ૨૦૧૦માં પ્રગટ થયેલ કાલિન્દી પરીખ સંપાદિત પુસ્તક ‘હંસ-માનસ’ની નકલ પણ મોકલી. તેમાંથી બીજી કેટલીક માહિતી મળી. પછી તો ખાંખાખોળાં શરૂ કર્યાં. હંસરાજભાઈનાં ત્રણ પુસ્તકો જોવા મળ્યાં: