પહેલો કિલ્લો, પહેલી કોર્ટ, પહેલી પોલીસ, પહેલી ફાંસી
લવજી વાડિયા સુરતથી મુંબઈ આયા અને મોટાં મોટાં બારકસ બનાવવાનો ધંધો શરૂ કીધો તે આપણે અગાઉ જોઈ ગયા છીએ. પણ લવજીભાઈ મુંબઈ આવનારા કાંઈ એક માત્ર ગુજરાતી નહોતા. સુરતથી, દીવથી, ઘોઘાથી, ભરૂચથી, એમ ગુજરાતનાં જુદાં જુદાં બંદરોથી ધીમે ધીમે વેપારી લોકો મુંબઈ તરફ આવવા લાગ્યા. એ વખતે હજુ રેલવે તો શરૂ થઈ જ નહોતી અને આસપાસના પ્રદેશ સાથે મુંબઈ સારા રસ્તાઓથી પણ જોડાયેલું નહોતું એટલે બહારથી મુંબઈ આવવું હોય તો દરિયા વાટે આવવું એ એક જ રસ્તો હતો. મુંબઈના પહેલા વસાહતીઓ જુદાં જુદાં બંદરેથી મુંબઈ આવ્યા તેની પાછળનું કારણ આ છે.
લવજીભાઈ પછી ઘણા બધા ગુજરાતી વેપારીઓ મુંબઈ આવવા લાગ્યા અને આમ થવા પાછળનું કારણ ખરું જોતાં તો એક જ વ્યક્તિ અને તેની ઉદાર વિચારણા હતી. આજે એ વ્યક્તિ વિશે વાત કરવી છે. આવડા મોટા મુંબઈ શહેરમાં એ વ્યક્તિના નામનો એક પણ રસ્તો નથી. આખા શહેરમાં ફરી વળો પણ તમને ક્યાં ય એનું એકાદું નાનકડું પૂતળું પણ જોવા મળશે નહીં. અરે એનું એકાદું ચિત્ર કે એકાદો ફોટો પણ ક્યાં ય શોધ્યો જડતો નથી. એટલે તેઓ દેખાવે કેવા હતા એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પણ તેમનાં અનેક જુદાં જુદાં કામો વિશે આજે આપણે ધારીએ તો જાણી શકીએ તેમ છીએ. અને એ રીતે જો થોડી વાતો જાણીએ તો આપણે ચોક્કસ એ વ્યક્તિને બ્રિટિશ બોમ્બેના પિતાનું માન અને સ્થાન આપ્યા વગર રહી શકીએ નહીં.
એમનું નામ ગેરાલ્ડ ઓન્ગીઆર. જન્મ ચોક્કસ કઈ તારીખે થયો એ તો જાણવા મળતું નથી પણ ૧૬૪૦માં તેમનો જન્મ થયો હતો અને ૧૬૭૭ના જૂન મહિનાની ૩૦મી તારીખે સુરતમાં તેમનું અવસાન થયું હતું. તેમણે સુરતમાં આવેલ કંપની સરકારની ફેક્ટરી(ઓફિસ)નાં ગોદામના રખેવાળ તરીકે નોકરીની શરૂઆત કરી હતી, અને વખત જતાં એ ફેક્ટરીના પ્રેસિડન્ટ અને મુંબઈના ગવર્નર બન્યા હતા. આ ગેરાલ્ડ ઓન્ગીઆરે મુંબઈની ધરતી પર પહેલી વાર પગ મૂક્યો તે ૧૬૬૨ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે. એ દિવસે તેઓ અર્લ ઓફ માલબરો સાથે સુરતથી મુંબઈ આવ્યા હતા. શા માટે આવ્યા હતા? તે દિવસે પોર્ટુગીઝ સરકાર મુંબઇનો કબજો અંગ્રેજોને સોંપવાની હતી, અને અને અર્લ ઓફ માલબરોની સાથે ઓન્ગીઆરે અંગ્રેજો વતી મુંબઇનો કબજો તે દિવસે લીધો. આ માટે કોઈ બહુ મોટો સમારંભ યોજાયો ન હતો.
આજના ફોર્ટ વિસ્તારમાં જ્યાં ભારતીય નૌકા સૈન્યનું આઈ.એન.એસ. આંગ્રે આવેલ છે તે જગ્યાએ પોર્ટુગીઝોએ એક નાનકડો કિલ્લો બાંધ્યો હતો જેને પછીથી અંગ્રેજોએ ‘બોમ્બે કાસલ’ તરીકે ઓળખાવ્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં અંગ્રેજોએ ફોર્ટ કહેતાં કિલ્લો બાંધ્યો તે આ કિલ્લો નહિ. એ તેના કરતાં જુદો કિલ્લો. આ બોમ્બે કાસલ મૂળ તો એક ધનવાન પોર્તુંગાલી ગાર્સા દ ઓર્તાએ પોતાને માટે બાંધેલો બંગલો હતો જેનું નામ હતું મનોર હાઉસ. પછીથી તે પોર્ટુગાલી સરકારે લઇ લીધો. એ કિલ્લાની અંદરની જમીનમાંથી થોડીક માટી ખોદી કાઢી અને એ માટી પોર્ટુગીઝ અધિકારીએ અર્લ ઓફ માલબરોને આપી. એટલું જ નહીં, બોમ્બે કાસલના કિલ્લાની દીવાલમાંથી થોડાક પથ્થર કાઢીને એ પણ આ બંને અંગ્રેજોને આપવામાં આવ્યા. અને એ રીતે મુંબઈ ઉપર પોર્ટુગીઝોના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો અને બ્રિટિશ રાજવટની શરૂઆત થઈ. પછીથી વખત જતાં એ જગ્યા બ્રિટિશ નેવી પાસે આવી અને તેણે નામ બદલીને રાખ્યું એચ.એમ.એ.સ ડેલહાઉસી. આઝાદી પછી આપણા દેશના નૌકા સૈન્યે તેનું નામ રાખ્યું આઈ.એન.એસ. આંગ્રે. આજ સુધી મૂળ બોમ્બે કાસલનું ઘણું લાક્ષણિક બાંધકામ જાળવી રાખવામાં આવ્યું છે. અને જે નવું બાંધકામ થયું છે તે પણ મૂળ ઈમારત સાથે ભળી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અસલનું પ્રવેશદ્વાર અને આજનું પ્રવેશદ્વાર એ બેને સરખાવી જોતાં આ વાત તરત સમજાશે.
બોમ્બે કાસલ
બોમ્બે કાસલનો દરવાજો અને આઈ.એન.એસ. આંગ્રેનો આજનો દરવાજો
એ વખતે પશ્ચિમ ભારતમાં કંપની સરકારના રાજ્યનું વડું મથક સુરત હતું. એટલે પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લઈને ઓન્ગીઆર સુરત ગયા અને ત્યાં પોતાના ઉપરીઓને જાણ કરી કે મુંબઈ હવે આપણા તાબામાં આવી ગયું છે. પણ તે પછી છેક ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩ તારીખે જ્યોર્જ ઓક્સેનડેન નામના પોતાના અધિકારીની મુંબઈના ગવર્નર તરીકે કંપની સરકારે નિમણૂક કરી. પણ આ મહાશય મુંબઈમાં તો બહુ ઓછું રહ્યા હતા. મોટે ભાગે તો તેઓ સુરતમાં બેઠા બેઠા જ મુંબઈનો કારભાર ચલાવતા હતા, કારણ કે એ વખતે કારભાર ચલાવવા જેવું મુંબઈમાં ખાસ કશું હતું જ નહીં. પણ મુંબઈના આ પહેલા ગવર્નરનું શાસન બહુ લાંબુ ચાલ્યું નહીં, કારણ કે બીજે જ વર્ષે, ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને સુરતના અંગ્રેજો માટેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. તે જ દિવસે કંપની સરકારે સુરતની ફેક્ટરીના પ્રમુખ અને મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરની નિમણૂક કરી અને તેઓ ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખ સુધી મુંબઈના ગવર્નર રહ્યા.
મુંબઈના પહેલા ગવર્નર જ્યોર્જ ઓક્સેનડેન
હકીકતમાં એ વખતે એવો રિવાજ હતો કે સુરતની અંગ્રેજોની ફેક્ટરીનો જે પ્રેસિડન્ટ હોય તે જ મુંબઈનો ગવર્નર પણ બને. ત્યારબાદ ૧૬૭૦માં તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા. એ મુલાકાત વખતે જ તેમને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં જો ખરેખર કંપની સરકારની હકુમત સ્થાપવી હોય તો એ કામ સુરતમાં બેઠાં બેઠાં થઈ શકે તેમ નથી. એ માટે મુંબઈ આવીને રહેવું જોઈએ. એટલે ૧૬૭૨ના મે મહિનામાં તેઓ મુંબઈ આવ્યા અને ૧૬૭૫ સુધી મુંબઈમાં જ બોમ્બે કાસલમાં રહ્યા. મુંબઈના ગવર્નરનું આ પહેલું રહેઠાણ. પણ એ વખતે ઘણા અંગ્રેજોને મુંબઈની આબોહવા માફક આવતી નહોતી કારણ અહીં ઠેર ઠેર પુષ્કળ ગંદકી રહેતી અને તેથી જાતજાતના રોગો ફેલાતા. ઓન્ગીઆરને પણ મુંબઈની આબોહવા બહુ માફક ન આવી એટલે ૧૭૭૫માં તેઓ સુરત પાછા ગયા અને ત્યાંથી મુંબઈના ગવર્નર તરીકેની કામગીરી બજાવી. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને મુંબઈના પહેલા ગવર્નરની કબરની બાજુમાં જ દફનાવવામાં આવ્યા.
સુરતના બ્રિટિશ કબ્રસ્તાનમાંની ઓન્ગીઆરની કબર
મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરે કેટલાંક ખૂબ જ મહત્ત્વનાં કામો કર્યાં જેને લીધે એમ કહી શકાય કે બ્રિટિશ બોમ્બેનો પાયો તેમણે નાખ્યો અને અર્વાચીન મુંબઈના તેઓ જનક બન્યા. મુંબઈ રહેવા આવ્યા પછી તેમના ધ્યાનમાં પહેલી વાત એ આવી કે અહીં સ્થાનિક લોકોની વસ્તી ત્રણ મુખ્ય જૂથમાં વહેંચાયેલી છે : હિન્દુ, મુસ્લિમ, અને પારસી. હવે આ જુદાંજુદાં ધર્મ, ભાષા, રીત-રિવાજો ધરાવતી સ્થાનિક પ્રજા પર જો શાસન કરવું હોય તો તેમના ઉપર બ્રિટિશ કાયદો શરૂઆતથી જ લાદવાનું યોગ્ય ન ગણાય. આથી તેમણે ભારતની પરંપરાગત શાસનવ્યવસ્થામાંથી પંચાયતનો વિચાર અપનાવ્યો અને પાંચ પાંચ સભ્યોની બનેલી ત્રણ પંચાયતોનું તેમણે ગઠન કર્યું. આ પંચાયતો પોતપોતાના ધર્મના અનુયાયીઓના જીવનવ્યવહાર પર ધ્યાન આપતી, તેમની વચ્ચેના નાના મોટા ઝઘડાઓનો નીવેડો લાવતી, અને એકંદરે આ ત્રણ જૂથના લોકો એકબીજા સાથે સુલેહશાંતિથી, હળીમળીને રહે તે માટે પ્રયત્ન કરતી.
બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે દરિયા કિનારે પોર્ટુગીઝોએ જે નાનકડો કિલ્લો બાંધ્યો હતો તે મુંબઈના રક્ષણ માટે ઘણો નાનો અને ઓછાં સાધનસગવડવાળો હતો. એ વખતે મુંબઈ ઉપર મરાઠાઓના, સીદીઓના અને વિદેશના કેટલાક સાહસિક ચાંચિયાઓનાં આક્રમણ દરિયાઈ માર્ગે થવાનો મોટો ખતરો હતો. એટલે મુંબઈના કિલ્લાને વધુ મોટો, વધારે મજબૂત, વધારે સાધનસગવડવાવળો, વધારે શસ્ત્રસરંજામવાળો બનાવવાનું તેમણે શરૂ કર્યું.
પણ જે ત્રણ પંચાયતો સ્થાપી હતી તેનાથી કાંઈ કાયદો અને વ્યવસ્થાના બધા પ્રશ્નો ઉકેલી શકાય તેમ નહોતું. કારણ બે જુદા જુદા ધર્મ કે જાતિના લોકો વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? સ્થાનિક લોકો અને અંગ્રેજો કે બીજા પરદેશીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? એટલે ઓન્ગીઆરે મુંબઈમાં સૌથી પહેલીવાર બ્રિટિશ પદ્ધતિની કોર્ટની સ્થાપના કરી. ૧૬૭૨ના ઓગસ્ટ મહિનાની ૮મી તારીખે મુંબઈની આ અદાલતનું વિધિસર ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જ્યોર્જ વિલકોકસની પહેલા ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. પણ આ ન્યાયાધીશને ઓન્ગીઆરે જે સૂચના આપી તે આજ સુધી આપણા દેશની અદાલતો માટે આદર્શરૂપ બની રહે તેવી હતી. તેમણે કહ્યું કે અદાલતમાં ચુકાદો આપતી વખતે કોઈ પણ પક્ષના લોકોનાં જાતિ, ધર્મ, સામાજિક દરજ્જો, સંપત્તિ વગેરે ઉપર બિલકુલ ધ્યાન આપવું નહીં અને સૌને એક સરખી રીતે બ્રિટિશ કાયદો લાગુ પાડવો.
અને તેમણે બીજાને જે શિખામણ આપી હતી તેનો અમલ તે પોતે કરે છે કે નહીં તે માટેની પરીક્ષાના સંજોગો તરત જ ઊભા થયા. ૧૬૭૪માં મુંબઈના કેટલાક બ્રિટિશ સૈનિકોએ કંપની સરકાર સામે બળવો પોકાર્યો. મુંબઈના ગવર્નર તરીકે તેને દાબી દેવાની જવાબદારી ઓન્ગીઆર પર આવી. જે સૈનિકો પર લશ્કરી કાયદા હેઠળ કામ ચલાવવાનું હતું તે સૈનિકો પણ અંગ્રેજ હતા. છતાં કશા ભેદભાવ વગર તેમણે એ સૌનિકો પર કામ ચલાવ્યું અને તેમાંના એક સૈનિકને ફાંસીની સજા પણ અપાવી. ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે કંપની સરકારના શાસન હેઠળ અપાયેલી આ પહેલી ફાંસી. સૈનિકને બંદૂકની ગોળી મારીને ફાંસી આપવામાં આવી.
બહારથી વેપારીઓ આવીને મુંબઈમાં વસવાટ કરે અને અહીં વેપાર ધંધો વિકસાવે એ માટે ઓન્ગીઆરે ઘણા પ્રયત્નો કર્યા. આ રીતે બહારથી આવીને મુંબઈમાં વસનારા એક મોટા વેપારી હતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દીવ બંદરના નીમા પારેખ. પણ ઓન્ગીઆર સાથેની વાટાઘાટોમાં નીમા પારેખે કેટલીક શરતો મૂકી અને કહ્યું કે આ શરતો લેખિત રીતે કંપની સરકારના સહી સિક્કા સાથે સ્વીકારવામાં આવે તો જ હું અને મારા સાથીઓ મુંબઈ આવીને વસવાટ કરીએ. તેમની જે માગણીઓ હતી તેમાંની પહેલી માગણી એ હતી કે મુંબઈ આવ્યા પછી અમને અમારો ધર્મ પાળવાની પૂરેપૂરી છૂટ આપવી અને કંપની સરકારે કે બીજા કોઈ અંગ્રેજોએ અમારી ધાર્મિક બાબતમાં દખલ કરવી નહીં કે અમારી જાતિના લોકોને વટલાવવાનો પ્રયત્ન કરવો નહીં. મૃતદેહને અગ્નિદાહ આપવાની પરંપરા ચાલુ રાખવા માટે અમને બધી સગવડ આપવી અને મૃતદેહને દફનાવવા માટે આગ્રહ રાખવો નહીં. આ બધી શરતો માત્ર અમને જ નહિ, અમારા બધા જ વંશવારસોને પણ લાગુ પાડવી. નીમા પારેખની આ બધી શરતો ઓન્ગીઆરે સ્વીકારી અને ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ અંગેના દસ્તાવેજ પર તેમણે સહી-સિક્કા કર્યા.
તેમણે બીજું પણ એક મહત્ત્વનું કામ કર્યું, અને તે સ્થાનિક લોકોનું પોલીસ દળ શરૂ કરવાનું. તેમણે ભંડારી જાતિના ૬૦૦ યુવકોને એકઠા કરીને તેમની સરકારના સિપાઈઓ તરીકે નિમણૂક કરી અને એ રીતે મુંબઈમાં આધુનિક પોલીસ વ્યવસ્થાની શરૂઆત કરી. વળી તેમણે પહેલીવાર મુંબઈમાં સિક્કા પાડવા માટે ટંકશાળ(મિન્ટ)ની સ્થાપના કરી. અગાઉ આપણે જેની વાત કરી છે તે બોમ્બે કાસલની અંદર જ આ ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. આ ટંકશાળમાંથી પહેલી વાર રૂપિયાના સિક્કા ૧૬૭૨માં બહાર પાડવામાં આવ્યા. અલબત્ત, તે વખતે આ સિક્કા માત્ર મુંબઈમાં જ ચાલતા, મુંબઈની બહારના કંપની સરકારના પ્રદેશમાં પણ નહિ!
મુંબઈની ટંકશાળમાથી બહાર પડેલા પહેલવહેલા એક રૂપિયાના સિક્કા
ઓન્ગીઆરે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે મુંબઈની કુલ વસ્તી દસ હજારની હતી. તેમના અવસાન વખતે આ વસ્તી વધીને ૮૦ હજાર જેટલી થઇ હતી. તે ગવર્નર બન્યા ત્યારે મુંબઈમાંથી કંપની સરકારને થતી કુલ આવક ૨,૮૨૩ બ્રિટિશ પાઉન્ડ જેટલી હતી. તે વધીને ૯,૨૫૪ બ્રિટિશ પાઉન્ડ જેટલી થઈ. ઓન્ગીઆરે જ્યારે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જો પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હશે તો આ મુંબઈ શહેરનું નામ એક દિવસ આખા દેશમાં ગાજતું થશે. અને તેમણે આશા અપેક્ષા રાખ્યાં હતાં તેમ ખરેખર ઈશ્વરના આશીર્વાદ મુંબઈ ઉપર ઊતર્યા અને તેનું નામ માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં ગાજતું થયું. ૮૦ હજારની વસ્તીવાળું એ મુંબઈ શહેર ઓન્ગીઆરે પોતાની પાછળ છોડ્યું. આજે તેઓ મુંબઈમાં એક લટાર મારવા આવે તો? મહાકવિ પ્રેમાનંદના આખ્યાન કાવ્ય ‘સુદામાચરિત’ના સુદામાની જેમ તેમના મુખમાંથી પણ આજના મુંબઈને જોઈને આ શબ્દો કદાચ સરી પડે:
કનક કોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે.
શોભે હાટ, ચહુટાં ને ચોક, રાજે છજાં, ઝરૂખા, ગોખ;
જાળી, અટાળી, મેડી, માળ, જડિત્ર કઠેરા ઝાકઝમાળ.
ઝલકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી.
XXX XXX XXX
email : deepakbmehta@gmail.com
(પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 31 ઑગસ્ટ 2019)