રોગચાળામાં લોકશાહી જોખમમાં મુકવી જોઇએ? ચૂંટણી અગત્યની કે મતદાતાનું હિત?
ભારતમાં વાઇરસ ફરી વકર્યો છે, સ્ટેડિયમ અને સબર્બન ટ્રેન્સ અને બીજું ઘણું ય છે જ્યાં આપણે લોકોનાં ટોળે ટોળાં જોઇએ છીએ. હવે ફરી કેસિઝ વધશે તો શું કરશું, નાઇટ કર્ફ્યુ, ૧૪૪ની કલમ લાગુ કરવાની કવાયતો અને બીજું ઘણું બધું પણ આપણે સતત સાંભળીએ છીએ. હવે ફરી લૉકડાઉન લાગુ પડશે તો શું કરીશુંની ચિંતાની કરચલીઓ ભલભલાના ચહેરા પર દિવસમાં એકાદવાર ડોકાઇ આવે છે.
આ બધાની વચ્ચે એક બીજી બાબત એની ગતિએ ચાલી રહી છે. આ બીજી બાબત છે વિધાનસભાની ચૂંટણીઓ. દેશમાં આસામ, કેરળ, પોંડીચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માથે આવીને ઊભી છે. આ રોગચાળાને કાબૂમાં નથી લેવાઇ રહ્યો, હજી વેક્સિનેશનની પ્રક્રિયાઓ તો માંડ શરૂ થઇ છે એવામાં આ ચૂંટણીઓ યોજવી કેટલી યોગ્ય છે? રાજકારણીઓ પોતાના સ્વાર્થને અગ્રિમતા આપે છે તે ચલાવી લેવું જોઇએ? રોગચાળામાં જાહેર કરાયેલી ચૂંટણીમાં આમ જનતા એટલે કે મતદાતાઓનો કેટલો વિચાર કરવામાં આવ્યો હશે તેવો સવાલ ચોક્કસ થાય. ચૂંટણી જ્યાં થઇ ત્યાં પણ વાઇરસના સંક્રમણના કેસિઝ વધ્યા છે. આપણે એમ નથી કહી રહ્યા કે ચૂંટણીને કારણે કેસિઝ વધ્યા પણ ચૂંટણી એક રીતે એક પ્રકારનું સામાજિક સંમિલન – સોશ્યલ ગેધરિંગ તો થયું જ વળી. આ બાબતને તો નકારી શકાય તેમ છે જ નહીં. એક તરફ સરકાર લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરેની સલાહ તો આપ્યા જ કરે છે, વળી નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરી દેવાય છે. મુંબઇમાં પણ કોવિડ-૧૯ને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે, એ વાત જૂદી છે કે જે પ્રાઇવેટ ઑફિસિઝ કર્મચારીઓને ઑફિસ આવવાની ફરજ પાડે છે તેમનો કાંઠલો કોઇ નથી ઝાલતું. આ બધામાં સરકાર જ જ્યારે ચૂંટણીનું પ્લાનિંગ યથાવત્ રાખે ત્યારે વાડ જ ચીભડાં ગળાવશે એવી લાગણી થાય.
રોગચાળાની સ્થિતિમાં ચૂંટણી યોજવી એ બહુ મોટું જોખમ છે એ સ્વીકારનાર કોઇ હશે ખરું? આ તરફ વડા પ્રધાના જ્યારે રાજ્યોના વડાને એટલે કે મુખ્ય મંત્રીઓને સંબોધે છે ત્યારે એમ કહે છે કે આપણે રોગચાળાની બીજી લહેરને પ્રસરતા રોકવી જ પડશે કારણ કે તે સારા વહીવટની કસોટી કરનાર સંજોગો ખડા કરે તેમ છે ત્યારે પણ ચૂંટણીને આ સમીકરણમાં મુકવામાં નથી આવતી. વહીવટી તંત્રોએ પ્રો-એક્ટિવ થવું તેવી વાત તો થાય છે પણ મતદારોના સ્વાસ્થ્યની કેટલી પરવા કરાય છે? બ્રાઝીલ અને યુનાટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા પછી સૌથી વધે ઇન્ફેક્શનનીનો આંકડો ભારતમાં છે અને ગયા અઠવાડિયે મંગળવાર એવો છઠ્ઠો દિવસ હતો જ્યારે ૨૦ હજારથી વધુ લોકોને ચેપ લાગ્યા હોવાનું નોંધાયું હતું.
ભારત જેવી મોટીમસ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું મહત્ત્વ હોય જ અને હોવું જ જોઇએ પણ અત્યારના સંજોગો ચૂંટણીની પ્રક્રિયાને છે તેના કરતાં કંઇકગણી વધારે પડકારરૂપ બનાવે છે. ચૂંટણીમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જ જળવાય એવું નથી પણ એ કહેવામાં જેટલું સરળ લાગે છે તેટલું સરળ છે નહીં. સ્વાભાવિક છે કે ચૂંટણી એ માનવીય સંવાદો અને કોઇ પણ પ્રકારના વ્યક્તિગત આદાન-પ્રદાનના આધારે જ ચાલતી વ્યવસ્થા છે. આવા સંજોગોમાં આપણને જરૂર છે કે વૈકલ્પિક વ્યવસ્થાની, તે પ્રચાર માટે હોય કે કોઇ બીજી સવલત માટે પણ જે છે તેનાથી ચલાવી લેવામાં જોખમ પણ ઘણાં છે.
વળી લૉકડાઉન, સેમી-લૉકડાઉન, વર્ક ફ્રોમ હોમ વગેરે ચાલતું હોય ત્યારે લોકો સતત ઇન્ટરનેટનો ઉપયોગ તો કરતા જ હોય, માહિતીઓ લોકો પાસે ડિજીટલી જ પહોંચતી હોય છે અને ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ, બોગસ માહિતીઓથી ડિજીટલ સ્પેસ ઉભરાય છે ત્યારે સ્પષ્ટ વિચારવાને મામલે લોકો થાપ ખાઇ જાય તે પણ સ્વાભાવિક છે. મતદારો પૂરતી માહિતી મેળવે અને પછી પોતાની પસંદગી કરે અને મત આપે તે લોકશાહીનો મૂળભૂત ગુણધર્મ – લાક્ષણિકતા હોવી જોઇએ. પરંતુ અત્યારના સંજોગોમાં માહિતીનો ઓવરડોઝ સાચી માહિતીને ખોટી માહિતીથી અલગ તારવવામાં અવરોધરૂપ બને છે. આવી સ્થિતિ હોય ત્યારે ચૂંટણીનું આયોજન કરવું, પારદર્શી મતદાન મેળવવું કંઇ સરળ નથી.
એ સાવ સાચું છે કે કોઇ પણ સમસ્યાઓ વિના, ખલેલ વિના અને સરળતાથી ચૂંટણીનું આયોજન રોગચાળા દરમિયાન થઇ શકે તેવું હોવું જોઇએ, તો જ લોકશાહી સદ્ધર થઇ શકે છે, મજબૂત થઇ શકે છે તેવી આશા બંધાય. ચૂંટણી કેન્સલ થાય કે સસ્પેન્ડ થાય તો એકચક્રી શાસન કે પછી સરમુખત્યારશાહીની પકડ મજબૂત થવાનું જોખમ પણ રહે છે. સાચા મતદારો ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થાય તે માટે સરકારે તેમને આત્મવિશ્વાસ આપવાનો રહે કે રોગચાળાનું જોખમ તેમને નડશે નહીં. અત્યારે જે સંજોગો છે તે જોતાં એવી કોઇ પણ ખાતરી આપવી કોઇને ય માટે શક્ય નથી, કારણ કે કેસિઝ સતત વધી રહ્યા છે. જો કે હકીકત એ પણ છે કે બિહારમાં જ્યારે ચૂંટણી થઇ, ગયા વર્ષના અંતે, ત્યારે તે અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ સારી રીતે પાર પડી, પરંતુ શું બધે જ એ દ્રષ્ટાંત અનુસરાઇ શક્યું છે અથવા તો અનુસરાઇ શકાશે? એ અંગે કોઇ ગેરંટી નથી.
બાય ધી વેઃ
ચૂંટણી પ્રચારની રેલીઓ પણ થાય છે અને જે વિવાદો વિખવાદો થવા જોઇએ એ પણ થાય છે. નેધરલેન્ડ્ઝમાં પણ ચૂંટણી પાર પડાઇ છે અને અહીં પણ સરકાર મતદાતાઓને મથકો સુધી લાવવા તત્પર છે. છતાં ય મુદ્દો એ બને જ છે કે શું થોડો સમય ખમ્મા કરાય તેમ નથી? સમાજ કલ્યાણના વાયદા કરનારા રાજકારણીઓ મતની લાલચમાં મતદાતઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપશે તો કંઇ કાચું નહીં કપાય. હા સત્તાધીશોએ યાદ રાખવું પડે કે ચૂંટણી પાછી ઠેલાય તેનો અર્થ એમ નથી કે બસ હવે લોકશાહીને ધીરે ધીરે ધક્કો મારી અભેરાઇએ ચઢાવી શકાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2021
![]()


ડાર્વિને જે બે ભાગમાં જે પુસ્તક લખ્યું, ‘ડિસેન્ટ ઑફ અ મેન, એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ સેક્સ’ [The Descent of Man, and Selection in Relation to Sex] તેની પર ફરી નજર કરવાનો વખત આવ્યો છે. ડાર્વિનનું આ કામ 24 ફેબ્રુઆરીના 1871માં પ્રકાશિત થયું હતું. આ એ જ પુસ્તક છે જેમાં ડાર્વિને એ દાવો કર્યો હતો કે માણસ જાતના પૂર્વજ વાંદરા હતા
આમ તો ડાર્વિને આ પુસ્તક પહેલાં ‘ઓન ધી ઓરિજીન ઑફ સ્પિસિઝ’ લખ્યું. આ પુસ્તક 1859માં લખાયું હતું જેમાં એક નવી જ વૈજ્ઞાનિક થિયરી આપવામાં આવી. આ પુસ્તક વધારે પ્રચલિત રહ્યું પણ તેના પછી 1871માં લખાયેલું પુસ્તક પણ એટલું જ મહત્ત્વનું છે અને માટે જ તેની વાત કરવી જરૂરી છે.