રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે
૨જી માર્ચે મિખાઇલ ગોર્બાચોવનો જન્મદિવસ ગયો. રશિયાના સમાચારોથી આપણા દિવસો ભરેલા હોય ત્યારે ગોર્બાચોવ, તેનું રાજકારણ, તેમના માથે પેલું મોટું નિશાન, યુ.એસ.એસ.આર.ને તોડનાર રાજકરાણી તરીકે બધું યાદ આવે તે સ્વાભાવિક છે. ગોર્બાચોવના શાસનકાળ પછી પહેલીવાર એક રાષ્ટ્ર તરીકે રશિયાએ આક્રમકતા દર્શાવી છે. રશિયાની આ આક્રમકતા માત્ર યુક્રેનને તાબામાં કરવા જેટલી હશે? રશિયાની બીજી શું મહત્ત્વાકાંક્ષા હોઇ શકે?
છેલ્લા ચાર દાયકામાં રશિયા આંતરરાષ્ટ્રિય સંબંધોને મામલે શાંતિપૂર્ણ બદલવાનું કેન્દ્ર રહ્યું છે. ગોર્બાચોવના સમાધાનકારી New Thinking (NT)ને કારણે શીત યુદ્ધના સંઘર્ષનો અંત આવ્યો સાથે યુ.એસ.એસ.આર.નું વિભાજન થયું – અનેક રશિયન દેશો અલગ થયા અને તે સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળનો પણ અંત આવ્યો. આધુનિક રશિયા અમેરિકન એકધ્રુવીયતાથી દૂર અને બહુધ્રુવીય તંત્રની દિશામાં આગળ વધી રહેલો દેશ છે. સમાંયતરે રશિયા ગોર્બાચોવના NTના આદર્શવાદથી અંતર કરતો આવ્યો છે અને વધુ સંઘર્ષાત્મક – સાદી ભાષામાં સામો થવાનો અભિગમ અપનાવતો આવ્યો છે. બધું શાંતિથી ધીમે ગતિએ બદલાય તે આધુનિક રશિયાને બહુ પચતું નથી, પણ આ પહેલાં રશિયાએ આક્રમક થવાનું ટાળ્યું. રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વાના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે. યુ.એસ.એ. અને રશિયા વચ્ચે મહાસત્તા બનવાની રેસ ક્યારે ય અટકી નથી, એ ઘેલછાને કારણે યુદ્ધો પણ થતાં રહ્યાં છે.
રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો, જાહેર કરેલું આ યુદ્ધ લાંબુ ચાલશે તો શું થઇ શકે છે? પુતિને જે કર્યું તે શા માટે કર્યું? આ સવાલોના જવાબને સમજતા પહેલાં ગોર્બાચોવના સમય પર નજર નાખીએ. ગોર્બાચોવનો મુખ્ય ઉદ્દેશ હતો આર્થિક દૃષ્ટિએ રશિયાને પશ્ચિમી દેશોની સમાંતરે મુકવો. અર્થતંત્ર પણ પૂરેપૂરું નહીં પણ અમુક અંશે ઉદારમતવાદી થયું – આ મિશ્ર અર્થતંત્રની ખીચડીને કારણે અરાજકતા ફેલાઇ જેને કારણે ગોર્બાચોવની નાલેશી થઇ. કમાન્ડ ઇકોનોમી – એટલે કે ઉત્પાદન જાહેર માલિકીની હોય પણ ઉત્પાદનનું લક્ષ્ય, રોકાણ, વેચાણ વગેરે બધું પણ કેન્દ્રિય સત્તાના હાથમાં હોય – માંથી મિશ્ર અર્થતંત્રનો ફેરફાર ગોર્બાચોવ ન લાવી શક્યા. રાજકારણમાં લોકશાહી લાવવા માટે ગોર્બાચોવે ગ્લાન્સ્નોત નીતિ લૉન્ચ કરી. આ નિર્ણય ગોર્બોચેવ માટે પગે કૂહાડી મારવા જેવો થયો કારણ કે સરકારની અસક્ષમતાની વાતો જોરશોરથી થવા માંડી. આ સંજોગોમાં પોતાની સત્તા મજબૂત કરવા મથતા ગોર્બોચોવ બંધારણીય સરમુખત્યાર બન્યા તો ખરા પણ તેમની નીતિઓ અમલમાં ન મૂકાતી. સેન્ટ્રલ કમિટી સેક્રેટેરિયટનું જોર વધ્યું પણ ગોર્બાચોવે બમણું જોર કરી પક્ષને રોજિંદા અર્થતંત્રમાં માથાકૂટ કરતા રોક્યો. સત્તા સોવિયેટ્સ પાસે ગઇ. બધા રિપબ્લિક્સને પોતાનું પ્રમુખપદ ખડું કરવાનો મોકો મળ્યો. આ તરફ શીત યુદ્ધને કારણે ખડો થયો આર્થિક બોજ ગાર્બાચોવને સમજાયો. ગોર્બાચોવે યુ.એસ.એસ.આર. હવે આંતરરાષ્ટ્રીય જોખમ નથી તેવું વિશ્વભરના દેશોને ગળે ઉતાર્યું. બદલાયેલી નીતિને કારણે શીત યુદ્ધ અટક્યું અને પૂર્વીય યુરોપનું લોકશાહીકરણ થયું. બીજી તરફ સોવિયેત યુનિયનની સ્થિતિ નબળી પડી, આર્થિક પ્રશ્નો ગંભીર બન્યા – સોવિયેત સામ્રાજ્યના નેતા તરીકે ગોર્બાચોવનું સ્થાન જોખમાયું. બોરિસ યેલ્તસીનની એન્ટ્રી-એક્ઝિટ અને રિ એન્ટ્રી થઇ. ગોર્બાચેવને માથે માછલાં ધોવાયા અને યેલ્તસીનના રાજકારણે રશિયન રાષ્ટ્રવાદની લાગણી તીવ્ર કરી. રશિયન્સને સોવેયતનું તંત્ર કઠ્યું. ઘણી ઊંચ – નીચ પછી અંતે સામ્યવાદી પક્ષનો અંત આવ્યો. સમયાંતરે સોવિયેત યુનિયનનું ખંડન થયું. યેલ્તસીને મોકાનો લાભ લઇ પોતાની છબી મજબૂત કરી, જો કે તેના શાસનમાં પણ સમસ્યાઓનો પાર નહોતો.
વર્તમાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના મતે ગોર્બાચોવે અને યેલ્તસિને રશિયાને સૌથી વધુ નુકસાન કર્યું છે. આજે રશિયાનું અર્થતંત્ર રેઢિયાળ હાલતમાં છે. પુતિનને તેની કોઇ પરવા નથી. લોકશાહી તરફી વાત પુતિનને CIAનું કાવતરું લાગે છે. પુતિને આ પહેલા તો હંમેશાં એ વાતની ના જ પાડી છે કે તે પોતાના પાડોશી દેશ યુક્રેઇન પર હુમલો કરશે. યુરોપિયન લોકશાહી ધરાવતા યુક્રેન પર હુમલો કરવાનું કારણ આપતા પુતિને કહ્યું કે રશિયાને હંમેશાં આધુનિક યુક્રેનથી બહુ જ જોખમ રહ્યું છે. પુતિન હાલમાં જે ચાલી રહ્યું છે તેને યુદ્ધ કે ચઢાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તે પોતે યુક્રેનની સફાઇ કરે છે – સૈન્યને ત્યાંથી કાઢી તેમાંથી નાઝીવાદ દૂર કરે છે તેવો તેનો દાવો છે. પુતિનની માંગ છે કે યુક્રેનને નાટોમાં જોડાવું નહીં, ભૌગોલિક દૃષ્ટિએ પૂર્વીય વિસ્તરણ કરવું નહીં અને જેમ 1997માં નક્કી થયું હતું તેમ કરવું. પુતિનના મતે આધુનિક યુક્રેન સામ્યવાદી રશિયાથી બન્યું હતું પણ હવે તે એક પપેટ સ્ટેટથી વધારે કંઇ નથી જેનો દોરી સંચાર પશ્ચિમી રાષ્ટ્રના હાથમાં છે. નાટોની મનમાની સામે પુતિનને વાંધો છે. પુતિનનું સૈન્ય યુક્રેન પર બધી તરફથી ફરી વળ્યું છે અને યુરોપને હચમચાવી દેવાની તેની ધમકી રશિયનો માટે જ બહુ મોટી ખોટ સાબિત થશે. પુતિનને કોઇ પરવા નથી, તેને પોતાની પ્રજાના ભલામાં રસ નથી. યુરોપની સૌથી મોટી આર્મીની લગામ તેના હાથમાં છે, તેણે આખા વિશ્વને યાદ કરાવ્યું છે કે તેની પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે. યુક્રેનિયન જેનોસાઇડ – નરસંહારને રોકવા માટે પોતે જે કરી રહ્યો છે તે યોગ્ય છે તેમ પુતિનની માન્યતા છે. પુતિનને યુક્રેનની સ્વતંત્રતાનો અને પશ્ચિમી ઝુકાવનો ડર છે, શસ્ત્રોનો નહીં.
આ યુદ્ધ લાંબુ ચાલશે તો અન્ય રાષ્ટ્રોએ પોતે કોની તરફ છે તે જાહેર કરવું પડશે. પશ્ચિમી દેશોએ આ યુદ્ધથી થતું નુકસાન જેટલું ઓછું થાય તે માટે સાબદા રહેવું પડશે. પશ્ચિમી દેશોએ ફુલ સેન્ક્શન પેકેજીઝના જે વાયદા કર્યા હતા, તે પૂરાં કરવા પડશે. વગર કારણ રશિયન્સ નાગરિકોને દંડાવું પડે તેવાં પગલાં ટાળવાં પડશે જેમ કે રશિયન્સ માટે વિઝાનો પ્રતિબંધ જેવા પગલાં તેઓ નહીં લઇ શકે. રેફ્યુજી ક્રાઇસિસ પણ નવા સ્તરે પહોંચશે. નાટો અને તેના સભ્ય દેશોએ યુક્રેનને શસ્ત્ર સંરજામ સહિતની તમામ સહાય પૂરી પાડવી પડશે. બિન પશ્ચિમી દેશોએ પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. જેમ કે કેન્યાના યુ.એન. પ્રતિનિધિએ રશિયાનો વાંક છે તેમ કહેવામાં કોઇ સંકોચ ન રાખ્યો. ચીનને રશિયા-પુતિન સાથેની યારી દોસ્તી આર્થિક અને રાજકીય દૃષ્ટિએ ભારે પડી શકે છે અને માટે સાચા દોસ્તની માફક તેણે પુતિનને પીછેહઠ કરવા સમજાવવો રહ્યો. યુ.એન. અને અન્યોએ યુક્રેનમાં યુદ્ધને કારણે થનારા માનવતાવાદી નુકસાનને પહોંચી વળવામાં મદદ કરવી જોઇએ. આપણા દેશની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારી સંબંધોને પગલે હાલના સંજોગોને કારણે સુરક્ષા, ઊર્જા, ધાનની ડિલીવરી અને કિંમતો પર ઘેરો પ્રભાવ પડવાની શક્યતાઓ છે. રશિયન ક્રાઇસિસને કારણે UNSCમાં ભારતનો ફાળો ઘટી રહ્યો છે. ભારતને યુરોપિયન દેશોની માફક રશિયા સાથે ડીલ કરવાનું માફક આવે તેમ છે નહીં કે યુ.એસ.ની માફક.
બાય ધી વેઃ
પુતિને રશિયા માટે જોખમી અને અચોક્કસ સંજોગોનો માર્ગ પસંદ કર્યો છે. યુદ્ધ કોણ જીતશે તે જરૂરી નથી. ઇરાક અને અફઘાનિસ્તાનના દૃષ્ટાંત પરથી યુ.એસ.એ.ને સમજાયું હશે કે સરકાર ઉથલાવવી અને તેને બદલે કંઇક સ્થિર સ્થાપિત કરવું બન્ને અલગ બાબતો છે. પુતિને જે સૈન્યોના વિસ્તરણનો ડર બતાડી યુક્રેન પર હુમલો કર્યો છે, તે લાવ-લશ્કર નાટોએ સરહદે સજ્જ કરી દીધાં છે. રશિયન ઇતિહાસ સરમુખત્યારોના હાથમાં રહ્યો છે, તે ઝાર નિકોલસ હોય કે જોસેફ સ્ટાલિન હોય. રશિયા યુક્રેનનો સંઘર્ષ છેલ્લા દાયકાઓમાંનો સૌથી મોટો યુરોપિયન સંઘર્ષ બની શકે તેવું જોખમ છે. રશિયાના ઇતિહાસમાં આ એક શરમજનક પડાવ ગણાશે તેવું ઉદારમતવાદી રશિયન્સનું માનવું છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 માર્ચ 2022
![]()


થોડા અઠવાડિયા પહેલાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર એક ફિલ્મ રિલીઝ થઇ, ‘ગેહરાઇયાં’. શકુન બત્રાની આ ફિલ્મને તેની બોલ્ડનેસ માટે ઘણી ચર્ચવામાં આવી. કોઇએ તેને વખોડી તો કેટલાકે વખાણી. જો કે ગેહરાયઇયાંને માથે માછલાં વધારે ધોવાયા. લોકોએ તેને ઇનફિડલિટી – બેવફાઇના વિષયને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ફિલ્મ તરીકે ખપાવી.
આ ફિલ્મ બેવફાઇ વિશે છે? હા અને ના. આ ફિલ્મ એક બહુ અગત્યના મુદ્દા અંગે છે – ચાઇલ્ડહુડ ટ્રૉમા. ઇન્ટરનેટની દુનિયામાં તરબોળ લોકો હશે તે અને ખાસ કરીને Gen-Zને આ શબ્દ વિશે ખબર હશે. આમ તો આપણી ભારતીય સમાજ વ્યવસ્થામાં આ બધી બાબતો પ્રત્યે લોકો બહુ સંવેદનશીલ નથી હોતા, બદલાતા સમય સાથે શહેરોમાં આ બાબતે થોડીઘણી જાગૃતિ આવી છે. જો કે આ જાગૃતિ એવા લોકોમાં આવે છે જે નવી પેઢીનાં છે અને પોતાના વર્તન, વહેવાર, સંબંધોમાં આવતી સમસ્યાઓને ચાઇલ્ડહુડ ટ્રોમા સાથે સંબંધ છે, એવું સમજી શકે છે. અંગ્રેજી ફિલ્મો જોવાની ટેવ હશે તેને ખ્યાલ હશે કે ત્યાંની સંસ્કૃતિમાં મોટે ભાગે બાળકો સામે માતા-પિતા એકબીજાં સાથે ઊંચા અવાજે બોલવાનું પણ ટાળે છે. ત્યાં છૂટાછેડા થાય જ છે, પણ તેની આસપાસનો ડ્રામા-તાણ-હુંસાતુંસી બધું છોકરાંઓની હાજરીમાં કરવાનું ટાળવામાં આવે છે. આનો અર્થ એમ નથી કે ત્યાં સમસ્યાઓ હોતી નથી, પણ આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને કારણે શારીરિક હિંસાના બનાવો, રોકકળના બનાવો, બોલાચાલી, ઝગડા બધું જ છડેચોક થાય છે. આ બધી બાબતોની બાળકોના મન પર ધાર્યા કરતાં વધારે ઊંડી અસર પડતી હોય છે. ફિલ્મના પાત્રોના સંદર્ભે ચર્ચા કરીએ તો દીપિકા – અલિશાએ નાનપણમાં માતાની આત્મહત્યા જોયા બાદ હંમેશાં પોતાના પિતા નસીરુદ્દીન શાહ – વિનોદ-ને આ ટ્રેજેડી માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેનું પાત્ર વયસ્ક થયું પછી પણ મનમાં ઘર કરી ગયેલા આ વિચાર અનુસાર જ તેનો વહેવાર પણ ઘડાયો. યોગ શિક્ષક હોવા છતાં તેને એન્ગ્ઝાયટી ઇશ્યૂઝ છે, આ માટે તે દવાઓ લે છે. તેને જિંદગીમાંથી બીજા લોકો તેને છોડીને ચાલ્યા ન જાય તેનો ડર રહે છે, એને લાગે છે કે જે રીતે તેની મમ્મીને લાગતું હતું કે પોતે ‘સ્ટક’ છે, ફસાયેલી છે એવી રીતે તે પણ સ્ટક થઇ જશે. તેનો વર્તમાનકાળ જેમાં તે જે રિલેશનમાં છે તેનાથી તે ખુશ નથી પણ ભૂતકાળનો બોજ તેને વર્તમાન બદલવાની હિંમત પણ નથી આપતો. આ તરફ સિદ્ધાંત ચતુર્વેદીનું પાત્ર છે તેણે નાનપણમાં ઘરમાં પોતાની માને માર ખાતા જોઇ છે, ટૉક્સિક રિલેશનશીપ ચલાવતા જોઇ છે અને બેજવાબદાર પિતા જોયા છે જેને કારણે ગરીબીમાં ઉછરેલા આ પાત્રને માટે આર્થિક સલામતી સૌથી અગત્યની બાબત છે, અને એ માટે તે કોઇપણ સ્તરે જવા તૈયાર છે. પછી ભલેને અનન્યા પાંડેને મારી નાખવાનો વિચાર આવે કે દીપિકાની હત્યા કરવાનો તે પ્લાન કરે. ફિલ્મના બીજા ભાગમાં જ્યારે અણધાર્યા વળાંકો આવી જાય છે પછી અનન્યા પાંડેનું પાત્ર – ટિયા દીપિકાને પોતાના પપ્પા અને તેની માતા વચ્ચેના સંબંધની વાત કરે છે. અચાનક જાણે ચોકઠાં ગોઠવાઇ જાય છે કે શા માટે બે ભાઇઓ છૂટા પડ્યાં, શા માટે માએ (ગિલ્ટમાં) આત્મહત્યા કરી. આખી જિંદગી પિતાને દોષી માનતી અલિશાને સમજાય છે કે વિક્ટિમ તો તેના પપ્પા પણ હતા, પણ તેમણે પોતાના ભૂતકાળને સ્વીકાર્યો. નસિરુદ્દીનનું વેર-વિખેર ઘર, પોતાની કાળજી ન રાખનારું પાત્ર એટલે કે એવી વ્યક્તિ જેને પ્રેમ નથી મળ્યો, દગો થયો છે અને માટે તેને પોતાની પરવા કરવામાં કોઇ ખાસ રસ નથી. એ દીકરીને ખાતર, જે દીકરી તેને ગુનેગાર માને છે, તેને ખાતર જિંદગી મેનેજ કરે છે કારણ કે તે ભૂતકાળમાંથી તેને ખાતર પણ ‘મુવ ઓન’ થયું છે. ફિલ્મનું હાર્દ અલિશા-વિનોદ વચ્ચેનો સંવાદ છે, જેમાં પિતા દીકરીને કહે છે કે, ‘આપણી ચોઇસ સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ તમારે તમારી જાતને એક મોકો તો આપવો જ પડે.’