અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ વડા પ્રધાન પોતાની ટર્મ આખી પૂરી નથી શક્યા

ચિરંતના ભટ્ટ
પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે, આ લખાઇને તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં પાકિસ્તાનના રાજકીય દાવાનળમાં ઘણું બધું રાખ થઈ ચૂક્યું હશે. અત્યારે તો પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લશ્કર રસ્તા પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાનનો રાજકીય ઇતિહાસ એટલે જાણે અંધાધૂંધીનું બીજું નામ. 1947માં પાકિસ્તાનની રચના થઇ ત્યારથી માંડીને આજ સુધી એક પણ વડા પ્રધાન તેમની પૂરી ટર્મ સુધી સત્તા પર નથી રહી શક્યા. પાકિસ્તાનમાં કોઇ પણ ત્યાં સુધી વડા પ્રધાનના પદ પર બેસી શકે જ્યાં સુધી સંસદમાં તેમના પક્ષનો બહુમત હોય, જેમ કે પી.પી.પી. અને પી.એમ.એલ.-એન.ની ટર્મ પૂરી થઇ પણ આ પક્ષના વડા પ્રધાન પાંચ વર્ષની ટર્મ પૂરી ન કરી શક્યા.
આ ઇતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાન મુવમેન્ટના લિયાકત અલી ખાન પહેલા વડા પ્રધાન બન્યા અને રાવલપિંડીમાં એક રેલીને સંબોધન કરતા હતા ત્યારે તેમને એક અફઘાનીએ ગોળીએ દઇ દીધા હતા. એ સમયે જ ગવર્નર જનરલ હતા તેવા ખ્વાજા નઝીમુદ્દીનને આ જવાબદારી સોંપાઇ. 182 દિવસમાં જ ગવર્નર જનરલ ગુલામ મોહંમદે તેમને પૂર્વ પાકિસ્તાન અને લાહોરમાં થયેલા રમખાણો રોકવામાં નિષ્ફળ જવાના મામલે પદ પરથી હટાવ્યા. આ પછી મહંમદ અલી બોગરા જેમની પર આક્ષેપ છે કે તેમણે યુ.એસ.એ. સાથેના પાકિસ્તાનના જોડાણને મામલે છેતરપિંડી કરી હતી તે સત્તા પર આવ્યા. બોગરા પણ 2 વર્ષ અને 2 મહિના સુધી સત્તા પર હતા અને પછી ચૌધરી મહંમદ અલી 13 મહિના માટે વડા પ્રધાન બન્યા. 1956માં પાકિસ્તાનનું નવું બંધારણ આવ્યું. એ વખતે વડા પ્રધાન હતા હુસૈન શહીર સહરાવર્દી પણ બંધારણને મામલે પણ મતભેદ થયા અને એ પછી પણ સાવ 2 મહિના માટે ઇબ્રાહિમ ઇસ્માઇલ ચુંદરીગર અને ફિરોઝખાન નૂન 9 મહિના માટે વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનનુ વડા પ્રધાનનું પદ જાણે બળતું ઘર છે. એક એવો દેશ જ્યાં પાંચ વર્ષમાં છ વડા પ્રધાન બદલાયા. રાજકીય પક્ષો અને સૈન્ય વચ્ચેનો સંઘર્ષ ત્યાં ચાલતો જ આવ્યો છે અને આ કારણે જ રાષ્ટ્રપતિ ઇસિકંદર મિર્ઝાએ પાકિસ્તાનમાં બંધારણનું અમલીકરણ જ રોકી દીધું અને માર્શલ લૉ લાગુ કર્યો, સૈન્યા વડા ઐયૂબખાનને આ જ જોઇતું હતું, રાજકીય સ્થિતિ વણસી અને રાષ્ટ્રપતિ મિર્ઝાને તેમણે ઘર ભેગા કરીને સત્તા લઇ લીધી. ઐયૂબ ખાન પર અમેરિકાની લોકશાહીનો પ્રભાવ હતો તે એમણે ચૂંટણી જાહેર કરી, એમાં ઝીણાની બહેનને જીત મળી પણ તો ય ઐયૂબ ખાને સત્તા છોડી નહીં. એ પછી એમણે ભારત સામેના યુદ્ધમાં હાર અને ચૂંટણીના ગોટાળાને કારણે રમખાણોને પગલે રાજીનામું આપ્યું અને પછી આવ્યા જનરલ યાહ્યાખાન. યાહ્યા ખાને ચૂંટણી યોજી અને મુજીબૂર રહેમાનને વડા પ્રધાન બનાવ્યા પણ એ પૂર્વીય પાકિસ્તાનના હતા જેમાંથી અંતે પાકિસ્તાનના ભાગલા થયા બાંગ્લાદેશની રચના થઇ. ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોએ આ સમયે રાષ્ટ્રપતિ પદ છોડી વડા પ્રધાનની ખુરશી સંભાળી પણ 46 મહિના પછી સૈન્યના વડા જનરલ ઝિયા ઉલ હકે ભુટ્ટોને હટાવ્યા. ઝિયાએ દસ વર્ષ સરમુખત્યારની માફક સત્તા ચલાવવાનો પ્લાન કર્યો અને મહંમદખાન જુનેજોને વડા પ્રધાન બનાવ્યા પણ ત્યાં ય વાંધા વચકા પડ્યા અને સંસંદ ભંગ થઇ અને જુનેજોની સત્તા ગઇ, ચૂંટણી થાય એ પહેલાં વિમાન અકસ્માતમાં એ માર્યા ગયા. બેનઝીર ભૂટ્ટો પાકિસ્તાનના પહેલાં મહિલા વડાં પ્રધાન બન્યાં અને 22 મહિના પછી એમણે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સત્તા છોડી. ગુલામ મુસ્તફા બે મહિના શાસન કરી શક્યા અને 1993માં બેનઝીર ફરી સત્તા પર આવ્યાં. જેની પર વિશ્વાસ હતો એવા રાષ્ટ્રપતિ લેંઘારીએ બેનઝીરને હટાવ્યા અને 3 મહિના માટે મલિક મિરાઝે વડા પ્રધાનપદું કર્યું. એ પછી વારો આવ્યો નવાઝ શરીફનો અને અઢી વર્ષમાં સૈન્યના દબાણને કારણે એ પણ ગયા, પછી એક મહિનો બલખશેર મઝારી એ પદ સાચવ્યું અને પાછો શરીફનો વારો આવ્યો પણ એ ય માત્ર એક મહિનો; એ પછી મોઇનુદ્દીન અહેમદ 3 મહિના વડા પ્રધાન રહ્યા. 1997માં ફરી નવાઝ શરીફને બુહમ મળ્યો પણ ત્યાં મિંયા મુશર્રફ્ફે તાનાશાહી લાદી અને એ જ રાષ્ટ્રપતિ તથા એ જ સૈન્યના વડા. એ વખતે ચૂંટણીમાં ઝફર ઉલ્લાહ જમાલી પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા અને બે વર્ષમાં શૌકત અઝીઝ સત્તા પર આવ્યા. 2007માં બેનઝીર ભૂટ્ટો ચૂંટણી લડવા પાકિસ્તાન આવ્યાં પણ તેમને બોમ્બથી ઉડાવી દેવાયા, એમની પાર્ટી જીતી અને યુસૂફ રઝા ગિલાની વડા પ્રધાન બન્યા. પાકિસ્તાનમાં સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાન પદે ગિલાની રહ્યા પણ તો ય 4 વર્ષ અને 4 મહિના એ પછી રઝા પરવેઝે એમની ટર્મ પૂરી કરી. 2017માં નવાઝ શરીફ પનામા પેપર્સને કારણે પદ ગુમાવી બેઠા અને શાહિદ ખાનક અબ્બાસી આવ્યા અને છેલ્લે નસીર ઉલ મુલ્ક વચગાળાના વડા પ્રધાન બન્યા. 2018માં ઇમરાનખાનનો પક્ષ મોટો થયો અને તે વડા પ્રધાન બન્યા. આ બધામાં અર્થતંત્ર તળિયે જઇને બેઠું અને દેશ આઇ.એમ.એફ.ની લોન પર ચાલવા માંડ્યો. ઇમરાના ખાને અમેરિકા સાથે દોસ્તી ઓછી કરી રશિયા સાથે હાથ મેળવ્યા. ઇમરાન ખાનને કારણે પાકિસ્તાનની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઇ છે કારણ કે ન તો અંદર શાંતિ છે ન તો આંતરરાષ્ટ્રિય સંબંધોમાં કંઇ સારાસારી રખાઇ છે.
અત્યારે ઇમરાન ખાનની ધરપકડને ત્યાં સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી છે. ઇમરાન ખાનને સત્તા પર આવ્યા પછી બહુ દુ:શ્મનો ઊભા કર્યા. ભૂતકાળમાં ઇમરાનને ટેકો આપી ચૂકેલા ઉદ્યોગકારો, સરકારના બીજાં તત્ત્વો, શહબાઝ શરીફ સરકારના અસંતોષી સભ્યો, બીજા પક્ષો બધા કોઇને કોઇ રીતે ઇમરાન ખાનને કોઇ રીતે અયોગ્ય ઠેરવી ખસેડવાની તજવીજમાં જ રહ્યા પણ કોઇને કારી ફાવી નહીં. એમાં ઇમરાન ખાને આઇ.એસ.આઇ.ના વડા મેજર જનરલ ફૈઝલ નસિર પરના જૂના આક્ષેપ વાગોળ્યા અને તેમની આવી બની. અત્યારે ઇમરાન ખાનના ટેકેદારો અને સૈન્ય વચ્ચે તંગ સંઘર્ષ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના પંજાબ અને ખૈયબર પાખ્તુનખ્વામાં સૈન્ય ઊતરી આવ્યું છે જે સંજોગો વણસવાની સીધી નિશાની છે. ફરી ચૂંટણી થાય અને ઇમરાન ખાનને જીત મળે તો સૈન્ય સાથે મળીને રાજ કરવું પડે જેમાં બંધારણ જશે ખાળમાં.
પાકિસ્તાનનું મુશ્કેલીમાં હોવું આંતરરાષ્ટ્રીય રાજકીય તંત્રો માટે ચિંતાજનક છે, પાકિસ્તાન અત્યારે ધાર પર ઊભેલો દેશ છે. ચીને પાકિસ્તાનમાં બહુ રોકાણ કર્યું છે અને એની ઊંઘ હરામ થઇ ગઇ હશે, એ ચોક્કસ. યુ.એસ.એ. દ્વારા તો ‘સેફ’ વિધાન કરાયું છે જેમાં લોકશાહી સાચવવાની વાત છે પણ અંદરખાને તો પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશની આ હાલતે યુ.એસ.એ.ની ચિંતા પણ વધારી દીધી હશે. એ ચોક્કસ. આપણે તો સાવ બાજુનો દેશ છીએ અને આપણામાંથી છૂટા પડેલા પાકિસ્તાન સાથેના આપણા સંબંધો તંગ જ રહ્યા છે. જો કે આંતરિક અંધાધૂંધીની સીધી અસર ભારત પર ત્યાં સુધી નહીં પડે, જ્યાં સુધી લાઇન ઑફ કન્ટ્રોલ પર સિઝફાયરની સ્થિતિ જળવાયેલી રહેશે. આમ આપણે કોઇ સીધી ચિંતા ન કરવી જોઇએ પણ છતાં ય સાબદા તો રહેવું જ પડે.
બાય ધી વેઃ
ઇમરાન ખાનની છબીને આ બધા કોલાહલનો ભારે ફાયદો થશે પણ આખરે પાકિસ્તાનની વાત આવે ત્યારે સૈન્ય કેવી રીતે અને શું પ્રતિભાવ આપે છે એ જ અગત્યનું હોય છે. આ તરફ પાકિસ્તાન એક દેશ કરીતે નાદારી નોંધાવી દે એ પણ એવા સમયે જ્યારે રાજકારણમાં આટલી અરાજકતા હોય. પાકિસ્તાનની સમસ્યાઓ ઉકેલવાની વાત વખારે નખાઇ છે અને કોણે પાકિસ્તાન પર રાજ્ય કરવું જોઇએ એનો સંઘર્ષ ત્યાં સંજોગો આકરા બનાવી રહ્યો છે. પાકિસ્તાન 75 વર્ષથી ગુલામી, દબાણમાં જ રહ્યો છે અને ત્યાંની પ્રજાને સૈન્યના શાસનમાંથી મુક્તિ જોઇએ છે પણ પાકિસ્તાનમાં સૈન્યની સત્તા ભૂખ કોઇનાથી ય છાની નથી. પાકિસ્તાન – એક દેશ જે સૈન્ય સાથે નથી પણ એક સૈન્ય જે દેશને માથે છે. શું પાકિસ્તાનમાં સિવિલ વૉર – આંતરવિગ્રહની સ્થિતિ સમૂળગું બધું બદલશે કે પહેલાં તારાજીના રાજ પછી કદાચ કોઇ સત્તાધીશની સાન ઠેકાણે આવશે?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023