અંધશ્રદ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં, તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ.
કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિધ્ધારમૈયા રાજ્યમાં જ્યોતિષને લગતી ટી.વી.ચેનલો બંધ કરવા સંકલ્પબદ્ધ હોવાનું જાહેર કરે કે ગુજરાતની ભાજપ સરકાર કાલાજાદુ, માનવબલિ, અને મેલી વિદ્યા જેવી અંધશ્રદ્ધા અટકાવતા કાયદાની જરૂરિયાત અંગે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્રો લખી પૃચ્છા કરે એ આ દિવસોના સૌથી સુખકર સમાચાર છે.
ભારતીય બંધારણની કલમ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબદ્ધતાની જોગવાઈ છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દેશને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ લઈ જવા માંગતા હતા. પરંતુ તત્કાલીન નેતાઓ સાથે નહેરુના પ્રગતિશીલ વિચારોનો મેળ બેસતો નહોતો. આજે ધર્મ અને રાજનીતિની ભેળસેળના માહોલમાં વૈજ્ઞાનિક વિચારસરણી કે અંધશ્રદ્ધાનાબૂદીની વાત કરવી અઘરી બની ગઈ છે. દેશમાં ધર્મના નામે રાજકારણ – રાજકીય ધાર્મિક સંગઠનો વકર્યાં છે. દેશજનતાને ધર્મનું અફીણ પિવડાવી નવા પ્રકારની વોટબેન્ક રાજનીતિ ચાલી રહી છે, રેશનાલિસ્ટ વિચારસરણીનો પ્રચારપ્રસાર મુશ્કેલ બન્યો છે ત્યારે ગુજરાત-કર્ણાટકની આ પહેલ આવકાર્ય છે.
બંધારણીય જોગવાઈઓ છતાં અંધશ્રદ્દાનાબૂદીની દિશામાં કાનૂની પગલાં લેવાતાં નથી. ૨૦૦૪માં મહારાષ્ટ્રના દલિત મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે અંધશ્રદ્ધાનાબૂદી વટહુકમ લાવવા ઈચ્છતા હતા, પણ તત્કાલીન રાજ્યપાલ મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઊભો કરવા’ની વાત કરીને એ ટાળ્યો હતો. તે પૂર્વેથી મહારાષ્ટ્રનાં પ્રગતિશીલ-રેશનલ સંગઠનો અંધશ્રદ્ધાનાબૂદી કાયદા માટે સંઘર્ષ કરતાં રહ્યાં છે. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ નરેન્દ્ર દાભોલકરની હત્યાના વળતા દિવસે જ મહારાષ્ટ્ર સરકારે અંધશ્રદ્ધાનાબૂદી વટહુકમ જારી કર્યો હતો.
‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક વિધેયક ૨૦૧૩’ બહુ મર્યાદિત અર્થની અંધશ્રદ્ધા તાકે છે. તેમ છતાં આ કાયદાએ મોટી અસર ઊભી કરી છે. તેને કારણે આશરે દોઢસો પાખંડી બાબાઓને જેલમાં ધકેલી દેવાયા છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છેલ્લા વીસેક વરસોમાં ૨૫૦૦ કરતાં વધુ સ્ત્રીઓને ડાકણ ગણીને મારી નાખવામાં આવી છે કે પરેશાન કરવામાં આવી છે. એટલે રાજસ્થાન સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક – ૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ અને સજાની જોગવાઈ ઉમેરી દીધી છે. હવે ગુજરાત સરકાર પણ કાલા જાદુ, મેલી વિદ્યા અને માનવબલિનાબૂદીની દિશામાં કાયદા માટે વિચારી રહી હોવાના વાવડ છે.
આપણે ત્યાં ‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ અંધશ્રદ્ધાવિરોધી હોઈ શકે. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે. તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. ૨૦૦૫ના એક સર્વેક્ષણમાં દેશમાં ૮૭ ટકા લોકો ધાર્મિક હતા, પરંતુ ૨૦૧૩માં એ ૬ ટકા ઘટીને ૮૧ ટકા થયા હતા. તો બીજી તરફ ૨૦૦૫માં ૪ ટકા લોકો નાસ્તિક હતા, તે ૨૦૧૩માં ધટીને ૩ ટકા થયા હતા. જ્યારે દેશમાં ધર્મ એક ઉદ્યોગનું સ્વરૂપ લઈ રહ્યો હોય અને ટી.વી. ચેનલો ધાર્મિક ઉન્માદથી ફાટફાટ હોય ત્યારે દેશમાં ધાર્મિકતા ઘટે છે અને નાસ્તિકો પણ ઘટે છે, એ જરી ન મનાય તેવી વાત છે.
હિંદુ બહુમતી ધરાવતા ભારત દેશમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રદ્ધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ. પાશ્ચાત્ય એવા ખ્રિસ્તી ધર્મ કે બીજી અનેક રીતે સમાનતાવાદી મનાતા ઈસ્લામ ધર્મના અનુયાયીઓમાં પણ ઊંડી ધાર્મિક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. ધર્મોના મૂળ રૂપમાં આવી અંધશ્રદ્ધા ન પણ હોય. કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં, સઘળા ધર્મ આચરનારા અંધશ્રદ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રદ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં, તમામ ધર્મોની અંધશ્રદ્ધા આવરી લેનારો હોવો જોઈએ. મુસ્લિમોના તાજિયા જુલુસના ખેલ ભારોભાર અંધશ્રદ્ધાથી ભરેલા હોય તેનો કે ખ્રિસ્તી ચર્ચોમાં ચોક્કસ ધાર્મિક પ્રસંગોએ જોવા મળતી અંધશ્રદ્ધાનો પણ વિરોધ, ટીકા અને એ નાબૂદીના પ્રયત્ન થવા જોઈએ.
ધાર્મિક અંધશ્રદ્ધાનો સૌથી વધુ ભોગ સ્ત્રીઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રદ્ધાળુ હોય છે. આ હકીકતો લક્ષમાં રાખીને અંધશ્રદ્ધાનાબૂદીના કાર્યક્રમો અને કાયદાની દિશામાં વિચારવું ઘટે. ગુજરાત રાજ્યમાં પણ ધાર્મિક અંધશ્રદ્ધાનો માહોલ છે. પાટનગર ગાંધીનગર નજીકના રૂપાલની પલ્લીમાં થતો કરોડો રૂપિયાના ઘીનો વેડફાટ (અને વાલ્મિકી દલિતોને માથે મરાયેલી ઢોળાયેલું ઘી એકત્ર કરીને વાપરવાની પરંપરા), શામળાજી નાગધરાના મેળામાં આદિવાસી સ્ત્રીઓની વળગાડ કાઢવાના નામે થતી મારઝૂડ અને શોષણ, ડાકોર અને અન્યત્ર અન્નકૂટની લૂંટાલૂંટ અને બગાડ, ધર્મસ્થાનકોની સમૃદ્ધિ – જાહોજલાલી, ધાર્મિક સ્થળોએ પદયાત્રાઓમાં ઊમટી પડતી બિનઉત્પાદક ભીડ અને રાજકીય પક્ષો ધાર્મિક સંગઠનો દ્વારા તેની સરભરાના – વખત અાવ્યે વટાવી લેવાના પ્રયત્નો સમજાવટથી, જનજાગૃતિથી અને નહીં તો કાયદાથી અટકાવવાની તાકીદ છે.
અનેક રીતે પછાત અને સામંતી એવા ઉત્તર પ્રદેશના કાનપુર પાસેના એક ગામ મોહમ્મદપુરના તમામ લોકોએ અંધશ્રદ્ધાથી જ નહીં, ધર્મથી પણ વિમુખ થઈ તર્ક અને નાસ્તિકતાનો માર્ગ અપનાવ્યો. આવું પણ આપણા ધર્મજડ સમાજમાં શક્ય છે. મોહમ્મદપુરના નિવાસીઓએ ન માત્ર ધર્મ, દેવી-દેવતા કે વ્રત-ઉપવાસ અને ધાર્મિક ક્રિયાકાંડ છોડ્યાં છે, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા છે અને એ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ મનાવે છે.
મોહમ્મદપુરના આશાયેશ જગાડનારા ગ્રામજનોના ઉજાસમાં આપણા રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દૃષ્ટિથી વિચારવાનું છે. ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. રામભક્ત ગાંધી સાથે પણ સંવાદ કરી શકતા નાસ્તિક ગોરા અને તેમનું વિજયવાડા સ્થિત નાસ્તિકકેન્દ્ર આપણી ધરતી પર છે એ ભૂલવું ન જોઈએ. દેશભરના વિવેકબુદ્ધિવાદીઓ વચ્ચેનું સંકલન એટલી જ તાકીદની બાબત છે. રેશનાલિસ્ટ મુવમેન્ટે એની નકારાત્મકતાની એટલી જ સાવધાનીની છાપમાંથી બહાર આવવું પડશે. આ દિશામાં ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશને આરંભેલી અને હાલ મંદ પડી ગયેલી પ્રવૃત્તિમાં કોરી રેશનાલિસ્ટ પ્રવૃત્તિ નહીં, પણ સ્ત્રીપુરુષ સમાનતા, વર્ણભેદનાબૂદી, સામાજિક આર્થિક- અસમાનતા નાબૂદી, સેક્યુલારિઝમ, લોકશાહી તથા હ્યુમેનિઝમ(માનવવાદ)નો સમાવેશ કરવો પડશે.
સૌજન્ય : ‘વિરોધમાં સમાનતા’, “દિવ્ય ભાસ્કર”, 28 જાન્યુઆરી 2016
http://www.divyabhaskar.co.in/news/ABH-religion-and-politics-blind-shraddha-budi-environment-law-and-we-5233707-NOR.html
![]()


નવ દાયકા કરતાં વધુ સમય પૂર્વે, ઈ.સ. 1923માં, મદ્રાસ મ્યુિનસિપલ કોર્પોરેશને શહેરી વિસ્તારોની શાળાનાં બાળકો માટે પોષક આહાર યોજના શરૂ કરી હતી. 1930માં પોંડિચેરીમાં ફ્રેન્ચ વહીવટી તંત્રે પણ આવો પ્રયાસ કર્યો હતો. આઝાદી બાદ 1962-63માં તામિલનાડુમાં કે. કામરાજે નાના પાયે અને પછી એમ.જી. રામચંદ્રને 1982માં સમગ્ર રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી. મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું. કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 19મી નવેમ્બર 1984ના રોજ ગુજરાતમાં આ યોજના શરૂ કરી હતી. આરંભે રાજ્યના 68 તાલુકામાં શરૂ થયેલી આ યોજના ડિસેમ્બર 1984થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. 2001 અને 2004ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી એ યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી. 1995થી આ યોજના માટે કેન્દ્ર સરકાર 75% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો જોગ બપોરાંની આ યોજના અમલી છે, જેમાં 450 કેલેરીનો 180 ગ્રામ આહાર સરેરાશ 200 દિવસ આપવામાં આવે છે.