તોડો ફોડો
ભાંગીને ભુક્કો કરી નાખો
આ ઇમારતનો
લગાવો આગ
ભસ્મીભૂત થઇ જવા દ્યો બધું,
ઠારો નહીં તેને,
નામો નિશાન મટાવી દ્યો તેનું,
જમીનદોસ્ત કરી દ્યો
આ વ્યવસ્થાને,
ખાલી મેદાન બનાવી દ્યો
નવી ઇમારતના જન્મ માટે,
રાજકારણના નામે
માણસને ખરીદવાનો
ધંધો બંધ કરવા માટે,
સંસ્કૃતિની આડમાં ધર્મ, સંપ્રદાયનો
વેપલો બંધ કરવા માટે,
માણસ-માણસ વચ્ચે
ચણાયેલી દિવાલને
તોડવા માટે,
બૌદ્ધિકો-ચિંતકો-કહેવાતા હામીઓની
વિચારગોષ્ટિ ભાષણલીલા
ચર્ચાસભાઓ, સેમિનારોના
ધોધને ખાળવા માટે
સળગાવી દ્યો બધું
ડરો નહીં લગાવો આગ,
આ ઇમારતને
રાખ બનાવી દ્યો તેને
રાખમાંથી તમે ઇચ્છો છો
એવો સાચુકલો કહેવાય એવો
માણસ મળશે,
ભાઇચારાનો મિસાલ પેદા થશે,
નવા ઘુંમટો,
નવા પ્રસ્થાનો,
નવી વાત, નવી વ્યવસ્થા,
સદ્ભાવ લઇને જનમશે,
લગાવો આગ આ જૂની ઇમારતને
જૂની વ્યવસ્થાને
ડરો નહીં તમે,
આ કડક નિર્ણય લેવાનો સમય હવે પાકી ગયો છે,
લગાવો આગ-જલાવી દ્યો બધું
નવસર્જન કરવા માટે,
નવી સમાજવ્યવસ્થાના જન્મ માટે …
તા. ૧૨-૦૨-૨૦૦૪