લાગણીનો પડ્યો છે કારમો દુકાળ,
        તારા સંબંધો પાછા તું વાળ!
છાંયડાની આશાયું મેલી દે મનવા,
        તડકાનાં ઉગ્યાં છે ઝાડ!
તારા સંબંધો પાછા તું વાળ!
ઝાંઝવાનાં જળથી છેતરાવું કેટલું?
        સીંચી સીંચીને આંખ થાકે!
કાળઝાળ ફૂંકાતાં ઊનાં આ વાયરાથી
        મનડુંયે માંય માંય દાઝે!
ચોખ્ખીચણાંક તારી ધસમસતી લાગણીને
        જાતે બાંધી દે હવે પાળ!
તારા સંબંધો પાછા તું વાળ!
આભાસી વાદળો વરસે નહીં ઝાઝાં
        ને વીજળીના વરતારા ખોટા!
ઘેરાતું આભ લાગે હાથવેંત ઢૂંકડું
        ને અડકો તો નકરાં પરપોટા!
ભીતરે રીબાતાં લીલાછમ ઝાડની
         કેમ કરી લેવી સંભાળ!
તારા સંબંધો પાછા તું વાળ!
e.mail : gor.uday.chandra@gmail.com
 

