એક સમાચાર મુજબ જર્મનીમાં 14 વિશ્વવિદ્યાલયોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. વધુને વધુ વિદ્યાર્થીઓ એ વિષય શીખવા તત્પર હોવાને કારણે તેમની માગને તેઓ પહોંચી વળતા નથી.
આ સમાચારથી બહુ ખુશી થઈ એ કબૂલ કરું. સંસ્કૃત ભારતની પુરાણી ભાષા, જેને વેદ, ઉપનિષદ અને હિંદુ ધર્મ તથા તમામ ધાર્મિક વિધિ વિધાનો, પ્રાર્થનાઓ સાથે ગાઢ સંબંધ છે એટલું જ નહીં પણ ભારતની મોટા ભાગની પ્રાંતીય ભાષાઓની એ જનની છે જે હાલમાં ભારતમાં તો મૃતપ્રાય: થઈ ગઈ હોય તેમ ભાસે છે.
જર્મનીમાં સંસ્કૃત અને Sinology coursesની આટલી માગ હોય તો શું ભવિષ્યમાં તેઓ સંસ્કૃત ભાષાના રખેવાળ થઈ જશે? અત્યારે તો એવું લાગે છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીની સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટને સંસ્કૃત બોલ-ચાલના વર્ગો માટેની માગને પહોંચી વળવા સ્વીત્ઝર્લેન્ડ, ઇટલી અને ભારતમાં ગ્રિષ્મ વર્ગો શરૂ કરવાની ફરજ પડી છે. ભારતને આયાત કરેલી ચીજો ગમે છે તેનો આ એક વધુ પુરાવો. Classical Indologyના પ્રોફેસર આક્સેલ માઈક્લ્સ કહે છે, “અમે પંદર વર્ષ પહેલાં જયારે આ કોર્સ શરૂ કર્યો ત્યારે બે એક વર્ષમાં બંધ કરી દેવાની વેળા આવી ગયેલી, જયારે આજે યુરોપના બીજા દેશોમાં એ કોર્સ શીખવવા જેટલા અમે સબળ બની ગયા તે માન્યામાં નથી આવતું.”
યુનાઇટેડ કિંગ્ડમમાં ચાર યુનિવર્સિટીમાં સંસ્કૃત શીખવાય છે જયારે જર્મનીમાં 14 યુનિવર્સિટી સંસ્કૃત શીખવે છે. 43 દેશોમાંથી આવેલ 254 જ્ઞાન પિપાસુઓએ તેનો લાભ લીધો છે અને દર વર્ષે કેટલાકને નિરાશ કરવા પડે છે. આની સામે એક અભ્યાસ પ્રમાણે ભારતમાં લગભગ 15 યુનિવર્સિટીઓમાં સંસ્કૃત શીખવાય છે એ હકીકત નોંધવા જેવી ખરી.
પ્રોફેસર આક્સેલ માઈક્લ્સના મંતવ્યો પર મારું ધ્યાન ગયું. તેઓ કહે છે, “સંસ્કૃતને ધર્મ અને કોઈ એક રાજકીય વિચારધારા સાથે જોડવી તે મૂર્ખામીભર્યું છે અને તેના સમૃદ્ધ વારસાની જાળવણી માટે જોખમભર્યું છે. બુદ્ધ ધર્મના મૂળભૂત સંદેશ સંસ્કૃતમાં અપાયેલ. પૂર્વના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ભાષાઓ, વિજ્ઞાન અને સંસ્કૃિતના ઉદ્દભવસ્થાનને સમજવા મૂળ સંસ્કૃત ગ્રંથો વાંચવા અનિવાર્ય છે કેમ કે તેમાં જ સહુથી પુરાણી શોધ ખોળ અને વિચારોનાં બીજ પડેલાં છે.”
Francesca Lunari હાઈડલબર્ગ યુનિવર્સિટીની મેડિકલની વિદ્યાર્થિની છે જે સંસ્કૃતનો અભ્યાસ કરે છે અને બંગાળી ભાષા શીખવા ધારે છે, કેમ કે મનોવિજ્ઞાનમાં પાયાનું કામ કરનાર ગિરીન્દ્ર શેખરના લખાણો એ સમજવા માગે છે. હવે પહેલી વાત તો એ કે ભારતમાં કેટલા લોકો ગિરીન્દ્ર શેખરના નામ અને કામથી પરિચિત હશે તે જાણવાનું રસપ્રદ થઈ પડશે, અને બીજું કોઈ મેડિકલ કોલેજમાં ભણતી વ્યક્તિ સંસ્કૃત ભણે અને ખાસ બંગાળી ભાષા શીખે, તેવું તો કલ્પનામાં પણ ન માની શકાય. ભારતીય યુવાન/યુવતી માટે મેડિકલ સાયન્સ=ઇંગ્લિશ એવું જ સમીકરણ માન્ય છે. હાઈડલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયન ભાષાઓના વડા ડો. હાન્સ હાર્ડ્રને ચિંતા છે કે ભારતમાં ઇંગ્લિશ ભાષાના મારાને કારણે સંસ્કૃતની જેમ બંગાળી ભાષા પર પણ ખતરો ઊભો થયો છે. તેમનું કહેવું છે કે, “દુનિયાની મહત્ત્વની સાંસ્કૃિતક સંપત્તિ વિનાશને આરે આવીને ઊભી છે કેમ કે અતિ વિકસિત એવી હિન્દી અને બંગાળી જેવી ભાષાઓ ભારતીય ઇંગ્લિશનો શિકાર બનવા લાગી છે. એમ થતાં ત્યાં ન માત્ર મૂળ ભાષાઓ પરંતુ ઇંગ્લિશ પણ નબળી થવા લાગી છે.” તેમણે કહેવાતા પ્રગતિવાદી અને ઉચ્ચ માધ્યમ વર્ગના લોકો પોતાની ભાષા પોતાનાં બાળકોને શીખવવાનું બંધ કરી દે છે એ સામે લાલ બત્તી ધરી છે. તેમની આ ચેતવણી ન સમજીએ તેવા અણસમજુ આપણે નથી; તો કરીશું શું?
ડો. માઈક્લ્સ દ્રઢપણે માને છે કે ભારતની સંસ્કૃિત સમજવા તેની ભાષાઓ જાણવાથી જે તે વિષય સાથે અનુબંધ જોડી શકાય, જેમ કે ભારતની રાજકીય અને આર્થિક ઉત્ક્રાંતિ ચાણક્યના અર્થશાસ્ત્રને મૂળ ભાષામાં વાંચવાથી સારી રીતે સમજી શકાય. આ સત્ય ભારતના શિક્ષિત વર્ગને કેટલી સમજાય છે તે ન કહી શકાય. સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટમાં ‘ઉપનિષદમાં શરીર વિજ્ઞાન અને માનસ શાસ્ત્ર’ એ વિષય શીખવવામાં આવશે. એ શીખવનાર આનંદ મિશ્રાને પાણિનીના સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે એ વ્યાકરણ કમ્પ્યુટરની ભાષા માટે એક ઉત્તમ સાધન પુરવાર થઈ શકે તેમ છે. એટલે સંસ્કૃત માત્ર એક જૂની પુરાણી ભુલાઈ ગયેલી પુરોહિતોએ વાપરવાની ભાષા છે એ ગેરસમજ દૂર કરવાનો સમય પાકી ગયો છે તેમ લાગે છે.
ડો. માઈક્લ્સનું સૂચન માનીને ભારતના લોકોએ સંસ્કૃત અંગે રાજકીય અને ધાર્મિક વિવાદમાંથી બહાર નીકળીને પોતાની સાંસ્કૃિતક ધરોહર સાચવવાનો પ્રયત્ન કરવો કોઈએ. તેમના કહેવા પ્રમાણે આપણે જેમ કોઈ અલભ્ય ચિત્ર કે શિલ્પની રક્ષા કરીએ છીએ તેમ આ તો જીવંત ભાષા છે જે હામ્પી સંસ્કૃિત, અજંતાની ગુફાઓ કે કોણાર્કના મંદિરની માફક વિસ્મૃિતની ગર્તામાં ધકેલાઈ જશે. બ્રિટિશ લોકોએ આ કલાધામો શોધીને સાચવ્યાં. તો શું સંસ્કૃત ભાષાને પુનર્જિવિત કરવાનું પણ આપણને જર્મની જેવા દેશો શીખવશે? સંસ્કૃત ભાષા તેની સાથે સંકળાયેલી સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે મૃતપ્રાય: થઈ જવા સંભવ છે એવો એમને ભય છે. એમને એમ પણ લાગે છે કે સંસ્કૃત દ્વારા હજુ તો સિંધુ સંસ્કૃિત વિષે પણ ઘણું શોધવાનું બાકી છે.
જર્મનીમાં સંસ્કૃતના જ્ઞાતાઓ છે. એટલું જ નહીં પણ હાર્વર્ડ, કેલીફોર્નિયા બર્કલી કે યુનાઇટેડ કિંગ્ડમની યુનિવર્સિટી હોય, પણ ત્યાંના સંસ્કૃતના સ્કોલર જર્મન હોવાના. આ શું સૂચવે છે? ડો. માઈક્લ્સનું માનવું છે કે કદાચ જર્મનીએ ભારત પર કદી રાજ નથી કર્યું તેથી તેની સાથેનો રોમાંચક સંબંધ કાયમ રહ્યો એ કારણ હોઈ શકે.
આ સમાચાર વાંચતાં વિચાર આવ્યો કે ભારતમાં છેલ્લા છ દાયકા દરમ્યાન નાનાં મોટાં શહેરોમાં તો શું, નાનાં નાનાં ગામડાંઓમાં ઇંગ્લિશ માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. કેટલીક નર્સરી અને પ્રાથમિક શાળાઓમાંતો ઘરમાં બોલાતી ગુજરાતી કે હિન્દી બોલવાની ‘સખત મનાઈ’ ફરમાવવામાં આવે છે. સવાલ થાય કે કોણ સાચે રસ્તે જઈ રહ્યું છે, ભારતની પ્રજા કે જર્મનીના લોકો? આપણામાં કહેવત છે ‘ઘરકી મુર્ગી દાલ બરાબર’ − એ ન્યાયે સ્વભાષા હોય, પુરાણા વૈદકીય શાસ્ત્ર હોય, શિલ્પ સ્થાપત્યના નમૂના હોય કે સાહિત્ય હોય, તેની સંભાળ રાખવી, તેનું સંગોપન કરવું, ઉપયોગ કરી જીવિત રાખવા એ જાણે ભરતીય લોકોના લોહીમાં નથી. કદાચ એવી દલીલ કરી શકાય કે જેમ જર્મની અને અન્ય દેશના લોકોને સંસ્કૃતનો અભ્યાસ કરવાનો મોહ છે તેમ જ ભારતના લોકોને ઇંગ્લિશ ભણવાનો ચસરકો કેમ ન હોઈ શકે? એ માટે વધુ વિચાર કરતાં માલુમ પડશે કે ઉપર કહેલા તમામ દેશોમાં શિક્ષણનું માધ્યમ માત્ર જે તે દેશની માતૃભાષા જ છે. તે પછી પાડોશી દેશોની ભાષા શીખવાય છે. તેમાંના કોઈ દેશે સ્વભાષાને ભોગે સંસ્કૃત કે બીજી વિદેશી ભાષાને શિક્ષણના માધ્યમના તખ્ત પર નથી બેસાડી. એક બીજી હકીકત પણ ઇંગ્લિશના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાના હિમાયતીઓએ ધ્યાન પર લેવા જેવી છે કે સંસ્કૃત તો બરાબર, માતૃભાષા અને રાષ્ટ્રભાષાને પણ શાળામાં વૈકલ્પિક વિષયનું સ્થાન આપીશું તો ડો. માઈક્લ્સ કહે છે તેમ તેની સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃિત, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને ખુદની ભારતીય તરીકેની અસ્મિતા જ લોપાઈ જશે. પછી Make in India કે ઘરવાપસીથી વધારેલા હિંદુ લોકોની સંખ્યાથી કશો ફાયદો થવાનો નથી કેમ કે એ બધાને પણ ઇંગ્લિશ શીખીને વિદેશ ભણી મોઢું રાખવાનું જ શીખવવામાં આવશે.
ભારતને ચીન સાથે ઘણી બધી બાબતોમાં હરીફાઈ કરવી ગમે છે. જો જર્મનીની જેમ ચીનમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ શાળા અને વિશ્વવિદ્યાલયના સ્તર સુધી પ્રચલિત થાય તો અબઘડી હાલની સરકાર નિશાળોમાં સરસ્વતી પૂજનની માફક સંસ્કૃતનો અભ્યાસ પણ ફરજિયાત દાખલ કરશે. તો આ સમાચાર પરથી આપણે શો પદાર્થપાઠ લેવો રહ્યો? સહુ પ્રથમ તો પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી કક્ષાનું ભણતર દરેક બાળકની માતૃભાષા-કે જે તેની પ્રાંતીય ભાષા પણ હશે તેમાં જ અપાય, બીજી ભાષા તરીકે હિન્દી, ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત અને ચોથી ભાષા ઇંગ્લિશ એક વૈકલ્પિક ભાષા તરીકે શીખવાય તો ન માત્ર સ્વભાષા જળવાઈ રહેશે પરંતુ આપણાં બાળકો બીજા બધા વિષયોમાં માત્ર પોપટિયું નહીં પણ ઊંડી સમજ સાથેનું ‘જ્ઞાન’ (આજે અપાય છે તે તો માત્ર માહિતી છે) મેળવતાં થઈ જશે. પશ્ચિમના દેશોની શિક્ષણ પદ્ધતિ આ નિયમ પ્રમાણે જ ગોઠવાઈ છે અને તેથી જ તો એ દેશોના નાગરિકો જરૂર પડ્યે દુનિયાની કોઈ પણ ભાષામાં પ્રભુત્વ મેળવી શકે છે. અહીં દુનિયા સાથે કદમ મિલાવી શકે તેવા વેપારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય વ્યાવસાયિકો પેદા કરવા માટે ઇંગ્લિશ શિક્ષણ અને ઇંગ્લિશ માધ્યમની શાળાની ભલામણ કરતા સમુદાયને ધરપત આપી શકાય કે જે વિદ્યાર્થીઓ માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં પારંગત થયા હશે તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇંગ્લિશ પર અત્યારે મેળવે છે તેના કરતાં અનેક ગણું સારું પ્રભુત્વ હાંસલ કરીને દુનિયામાં પોત પોતાના ક્ષેત્રમાં નામના કાઢશે તે નિ:શંક છે. વધારામાં પોતાની સંસ્કૃિત, વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનથી વેગળા નહીં થઈ ગયા હોવાને કારણે જગતને પણ તેની લ્હાણી કરી શકશે.
શિક્ષણના ખરા માધ્યમની પસંદગી અને ભારતની સંસ્કૃત સહિતની તમામ ભાષાઓના શિક્ષણ તેમ જ તમામ સ્તરે તેનો ઉપયોગ કરવાના નિર્ણયને ખરી ઘરવાપસી કહી શકાય તેમ મારું નમ્ર પણે માનવું છે.
e.mail : 71abuch@gmail.com
![]()


1982માં માન્ચેસ્ટર આવીને વ્યવસાય અંગે સ્થાયી થવાનું બન્યું. થોડા વખતમાં તેની આસપાસનાં જોવાં લાયક સ્થળોની ભાળ મળી, તેમાંની એક તે માન્ચેસ્ટર શીપ કેનાલ. આ કેનાલને ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંબંધ એટલે સહેજે તેના વિષે જાણવાની ઇન્તેજારી હતી. જો કે કેનાલની બોટ ટ્રીપ કરવાની તક; કહો કે ફુરસદ તાજેતરમાં મળી જે આ લખાણ લખવાનું નિમિત્ત બને છે.
અહીં અમારી સફરની વાત શરૂ કરતાં પહેલાં કેનાલ વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવા ધારું છું. ઉપર કહ્યું તેમ માન્ચેસ્ટર શીપ કેનાલ 1894માં વિધિવત્ ખુલ્લી મુકાઈ એટલે 1994માં તેની શતાબ્દી નિમિત્તે કેનાલને કિનારે સુંદર પગથી, તેના પર બંને બાજુ ગોળ ઘુમ્મટ આકારવાળાં વૃક્ષોની હાર અને સહેલાણીઓને વિશ્રામ લેવા મુકેલ બાંકડાઓની સુવિધા કરવામાં આવી. ત્યાં અનેક વખત નવરાશના સમયે ટહેલતાં ટહેલતાં કેનાલની અંદર હંસ અને બતકની જલક્રીડા અને યુવક-યુવતીઓને પાણીમાં રમાતી રમતોની તાલીમ લેતાં નિહાળ્યાં છે. કેનાલને કિનારે Su Andi નામના કવિ, એક આર્ટસ કંપની અને સ્થાનિક લોકોએ કહેલાં કથનો પથ્થરની તકતી પર કોતરીને જમીન પર જડેલ જોવા મળે જેમાનાં કેટલાંક અહીં ટાંકું : “You build a community with bricks and mortar, but most of all with people.” “Ordinary people build world within worlds, ordinary people make a good life out of living.” આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે પછી શાંતિનો સમય હોય, અનિચ્છનીય બનાવો હંમેશ દરિયામાં બનતા હોય છે. 70% બ્રિટિશ અને 30% એશિયા આફ્રિકા અને યુરોપના ગુલામ દેશોમાંથી દુશ્મનોના ઘેરાવામાંથી બચીને ઉદ્યોગ-ધંધા માટેનો માલસામાન લાવનાર સામાન્ય નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ વેપારી અને સાગરખેડુઓ લડ્યા અને દર ચારમાંથી એક શહીદ થયા. એવા કસોટી કાળમાં પણ લોકો હસતાં હસતાં કામ કરતાં કેમ કે રુદન નહીં પણ હાસ્ય જ જીવનને ટકાવી રાખે છે તેમ તેઓ માનતા. સોલફર્ડના આ બારામાં ચાઇનીઝ, નોર્વિજિયન, ડચ, પોલીશ, રશિયન, વેસ્ટ આફ્રિકન અને મોલ્ટીઝ વહાણો લાંગરતાં. દરિયાના પાણીને જમીન સુધી લાવવા 34,000 હાથ મળીને 52 મીલિયન ટન માટી ખસેડી. આથી જ કોઈ મજ્દૂરે કહ્યું, “ઇતિહાસ સામે નાકનું ટેરવું ન ચડાવશો, ભવિષ્ય અમારા જેવા લોકોના ભૂતકાળ ઉપર જીવે છે.”
જાણે એક વાર્ષિક મિલનની પરંપરા હોય તેમ, ઓણ સાલની માફક આ સાલ પણ, બે દિવસ પહેલાં, વિપુલ કલ્યાણી માન્ચેસ્ટર આવ્યા એ નિમિત્તે તેમની સાથે અને દીપક બારડોલીકર સાથે સંવાદ કરવાનો લ્હાવો લીધો.