માન્ચેસ્ટરમાંનાં મારાં 35 વર્ષનાં રહેઠાણ દરમ્યાન અનેક પ્રકલ્પો અને પ્રવૃત્તિઓમાં હિસ્સેદાર બનવાનું સદ્ભાગ્ય મળ્યું જેણે મારી અનુભવ સમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે. એવી અનેક તકોમાંની એક હતી ‘જીવતું પુસ્તકાલય’માં એક પુસ્તક બનવાની.
Living Library એક એવો પ્રકલ્પ છે જે બ્રિટનનાં ઘણાં શહેરોમાં અમલમાં મુકાયેલો છે. અલબત્ત તેનાં સ્વરૂપ અને ‘વાચકો’ પર થયેલ અસર દરેક સ્થળે અલગ અલગ જોવા મળી છે.
આ ‘જીવતું પુસ્તકાલય’ ચીજ કઈ છે? માન્ચેસ્ટરના કેન્દ્રીય પુસ્તકાલયે બૃહદ્દ માન્ચેસ્ટરમાં વસતા જુદા જુદા ક્ષેત્રમાં સક્રિય હોય તેવાં પુરુષો અને મહિલાઓને સ્વેચ્છાએ પોતાનો સમય એક ‘પુસ્તક’ બનવા માટે નિમન્ત્ર્યાં. દરેક વ્યક્તિ પાસેથી પોતાના વિચારો કે કાર્યની ઝાંખી કરાવતા વિધાનો એકઠા કરવામાં આવ્યા, જેને એક બનાવટી પુસ્તકના પાછલા પૃષ્ઠ પર છાપીને એક પુસ્તકોના ઘોડા પર મુકવામાં આવેલ. લગભગ વીસેક જેટલાં સજ્જન-સન્નારીઓએ ભાગ લીધેલો.
પોતાના જીવનની કિતાબ લોક સમક્ષ ખુલ્લી મુકનારાઓમાં એક બહેન પોતાને ડાયાબિટીસનું નિદાન થયા પછી રહેણી-કરણી અને ખાણી-પીણીમાં કરવા પડેલ ફેરફારને કારણે જે રસપ્રદ અનુભવો થયા તે કહેવા આવેલ. તો વળી, એક સજ્જન સ્પેશ્યલ સ્કૂલમાં ભણેલા, વિકલાંગ હોવાને કારણે લાંબા સમય સુધી વ્યવસાય મેળવી ન શકવાને પરિણામે, જે જીવન ભાથું બાંધવા મળ્યું તેની કથા કહેવા તત્પર હતા. અલબત્ત લેસ્બિયન, ગે, બધિર, અંધ અને જીવનને મર્યાદિત કરતી અન્ય ક્ષતિઓ વાળી હસ્તીઓનો પણ સહજ સમાવેશ કરાયેલો. એક મહિલાએ છેલ્લા છ દાયકામાં આ દેશના લોકો કેટલા બદલાયા છે, અહીંનું સામાજિક માળખું તૂટતું જાય છે, જેના પરિણામે પૂર્વગ્રહો અને વિભાજન વધતું જાય છે, તેનો સ્વાનુભવ કહેવા અભિયાન આદરેલું. એક રસપ્રદ છતાં ખેદજનક કિસ્સો જાણ્યો, એક યુવાન સ્ત્રી ત્રણ બાળકોની માતા, પતિથી છુટા પડવું પડ્યું, પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આવકમાં પૂર્તિ કરવા સરકારી બેનિફીટનો આશરો લેવો પડ્યો જેથી કરીને સ્નાતક થયેલી, સ્વમાનથી ત્રણ બાળકોના ઉછેર અને શિક્ષણની જવબદારી ઊઠાવતી હોવા છતાં ‘સરકારની દયા પર નભનારી’ એવું લેબલ લગાવી લોકો તેને કેવી ઊતરતી ગણે છે, તેની દર્દ ભરી દાસ્તાન કહેતી સાંભળી. ઝિમ્બાબ્વેમાં પેદા થયેલ એક યુવતી, 2006માં શરણાર્થી તરીકે માન્ચેસ્ટર આવી, ત્યારથી સરકારી મદદ ઉપર નભવાને બદલે જુદા જુદા સ્વૈછિક સંગઠનોમાં કામ કરે છે અને અન્ય દેશોમાંથી આવેલાને આવાસ અને વ્યવસાય શોધવામાં સહાય કરે છે. કેવી ઉમદા નારી!


અહીં મારી દાસ્તાનની રૂપરેખા પણ શામેલ કરું:
પુસ્તકાલયમાં આવનારાઓ કોઈ પણ એક પુસ્તક પાછળ લખેલ પૂર્વભૂમિકા વાંચે, પોતાને રસ પડે તેવું લાગે તો બહાર ઊભેલા મદદનીશને જણાવે, જે તેના લેખક/લેખિકા સુધી એ ‘વાચક’ને દોરી જાય અને ત્યાર બાદ એ ‘વાચક’ પેલા ‘પુસ્તક’ને સવાલો પૂછીને તેમના જીવનનાં પાનાં જાણે વાંચતાં જાય. મારે ભાગે છ કલાક દરમ્યાન દસેક ‘વાચકો’ સાથે ગોષ્ઠી કરવાનું આવ્યું જેમાં યુરોપ, રશિયા, મિડલ ઇસ્ટથી આવેલ યુવાન સ્ત્રી-પુરુષો, જુઇશ યુથ વર્કર, યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ, શિક્ષિકાઓ, શરણાર્થીઓ અને સંગીત રસિયાઓનો સમાવેશ હતો.
મેં નોંધ્યું કે કોઈની જીવન કથા ટેબ્લેટ પર ‘ડાઉન લોડ’ કરીને વાંચી શકાય કે પુસ્તક ખરીદીને વાંચી પણ શકાય. પણ એ લખનારાઓ યા તો કઇંક સિદ્ધિ મેળવી ચૂકેલા પ્રખ્યાત લોકો હોય અથવા કોઈ ક્ષેત્રના નિષ્ણાત હોય છે. જ્યારે સમાજમાં આપણી આસપાસ રહેનારા ‘સામાન્ય જન’ના જીવનમાં ડોકિયું કરવાની તક મળે, તો તેમની કથા રસ પડે તેવી, પ્રેરણાદાયી, પોતાના જીવનને માર્ગદર્શક બને તેવી, કરુણા ઉપજાવે તેવી અને ઘણા કિસ્સાઓમાં આંખ ઉઘાડનારી સાબિત થતી હોય છે. એવું એ ‘વાચકો’ના અભિપ્રાય પરથી લાગ્યું. આ ‘ડિજિટલ’ જગતમાં માણસ માણસ વચ્ચેનો પારસ્પરિક બોલચાલનું તંતુ તૂટતો જાય છે જે હવે કેટલાકને અવસાદમાં ડુબાડી દેવા લાગે છે અને સહુએ એકી અવાજે કહ્યું કે તેમની પસંદગીના ‘પુસ્તક’ સાથે વાત કરીને તેમનું જીવન વાંચવાની મજા કઇં ઓર આવી. વિવિધ ચામડીના રંગ ધરાવતા, વિવિધ શારીરિક-માનસિક શક્તિઓ ધરાવતાં લોકોની સન્મુખ થવાથી કેટલાક પૂર્વગ્રહો ભાંગ્યા, તો કેટલાકને આઘાત લાગ્યો, ક્ષોભ થયો.
આવા પ્રકલ્પો સમાજને નિકટ લાવે, સંવાદી બનાવે અને એકબીજા માટે સહિષ્ણુ બનાવે તેમાં શંકા નથી.
e.mail : 71abuch@gmail.com
![]()


ઉત્તમ આચાર્ય અને મગધના મહામંત્રી વિષ્ણુગુપ્ત ચાણક્યે મગધના રાજપુત્ર ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં રાષ્ટ્રભક્તિનું અભિયાન આદર્યું. વિદ્યાર્થીઓ અને જનસમાજને દેશ પરના ભય અંગે જાગૃત કર્યા. સર્વત્ર દેશભક્તિ જગાડીને મગધના વિસ્તૃત બળવાન રાજ્યનું નિર્માણ કર્યું.