અમે નાનાં હતાં ત્યારે ચોમાસાની ઋતુમાં, નાના ખબોચિયાંમાં પાણી ભરાય, ત્યારે કાગળની હોડી બનાવીને ‘ચાલોને ચાલોને રમીએ હોડી હોડી’ ગાતાં કલાકો સુધી એ અંત્યત સામાન્ય લાગતી રમતનો આનંદ માણતાં. જ્યારે ‘ચાલોને રમીએ ગાંધી ગાંધી’ એવા શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ જાણ્યું ત્યારે સહેજે ઉસ્તુક્તા થઈ.
સ્વાતંત્ર્ય સંગ્રામનાં વર્ષો દરમ્યાન ભારતને રાજકીય આઝાદી મળે તેની સાથે સાથે સદીઓથી પછાત રહી ગયેલા સમાજનું ઉત્થાન કરવાના પ્રયાસો રચનાત્મક કાર્યક્રમો દ્વારા શરૂ થયેલા. ગુજરાતના રાની પરજ વિસ્તારમાં જુગતરામ દવેએ ધૂણી ધખાવી અને એ વિસ્તારના અનેક યુવક-યુવતીઓને ગ્રામોદ્ધાર માટે કટિબદ્ધ કર્યા. સદ્નસીબે મોટા ભાગના તાલીમ પામેલા કાર્યકરો કહેવાતા ‘વ્હાઇટ કોલર જોબ’ મેળવવા આજુબાજુના શહેરોમાં ભાગી ન ગયા, અને એ સમગ્ર વિસ્તારમાં તારા મંડળની માફક છવાઈ ગયા. આદિવાસીઓ અને હળપતિ, ગામીતોની વચાળે પલાંઠી વાળી બેસી ગયા. એવા જ એક સંગઠને એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું તે વિષે જાણીએ.
વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ મારફત શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, સર્વોદય, ખાદી અને ગ્રામોદ્યોગ દ્વારા સામાજિક ઉત્થાનના પ્રયત્નો જુગતરામકાકાનાં મૂલ્યોને સાચવીને સ્થપાયેલી સંસ્થાઓ દ્વારા ચાલે છે. અનેક ગાંધીજનોએ એ સંસ્થાની ધુરા સંભાળી અને રચનાત્મક કાર્યો કર્યાં. આજે એ વિસ્તારની કાયા પલટ થઇ ગઈ છે. સ્વ. બાબુભાઇ શાહ તેમાંના એક સક્રિય ગાંધીજન કે જેમણે ગાંધી ચિંધ્યા માર્ગે આ કાર્યોને આગળ ધપાવ્યાં. ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજના પાછળ રહી ગયેલા વર્ગને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસો આજીવન કર્યા. પોતાના નિકટના સ્વજનને તર્પણ આપવાની રીત વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. બાબુભાઈના નિકટતમ પરિવારજનો અને આ કાર્યની મશાલને જીવંત રાખનાર પૂરેપૂરી સેના તેમની પુણ્યતિથિને દર વર્ષે અનોખી રીતે ઉજવે છે. આ વર્ષે તા. 8મી જાન્યુઆરીએ તેમને યાદ કરી ગાંધી વિચારને પ્રાથમિક શાળાના બાળકોને રમતાં રમતાં સમજાવવાનો કાર્યક્રમ એટલે ‘ચાલોને રમીએ ગાંધી ગાંધી’.
વાલોડ તાલુકાની આઠ પ્રાથમિક શાળાના લગભગ 540 બાળકોને બે એક મહિના અગાઉ ગાંધીજી વિષે નાની નાની પુસ્તિકાઓ આપવામાં આવેલી અને તેમાંથી શક્ય તેટલું વધુ વાંચી જવા સૂચવેલું.

વિદ્યાર્થીઓના એ અભ્યાસના પરિપાકરૂપે કાર્યક્રમને દિવસે કેટલાંક બાળકોએ ગાંધીજી વિષે વાંચન કરેલ પુસ્તકનો પરિચય આપ્યો, કેટલાકે પૂજ્ય બાપુના જીવન પ્રસંગોની નાટ્ય સ્વરૂપે ભજવણી કરી, તો વળી ચિત્ર સ્પર્ધા, ગાંધી કવીઝ, સુલેખન, એકપાત્રીય અભિનય અને ગાંધી ગીતોનો પણ સમગ્ર દિવસના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. સહુથી વધી દિલને આનંદ આપી જાય તેવી એક પ્રવૃત્તિ એ હતી કે ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંના કેટલાકે ગાંધીજી જેવો વેશ પરિધાન કર્યો અને સહુ શ્રોતાઓ સમક્ષ આવ્યા અને વિદ્યાર્થી શ્રોતાઓએ એ ‘ગાંધી’ બનેલા એક એક પાત્રને ગાંધીજીના જીવન-કાર્ય વિષે પ્રશ્નો પૂછયા, જેના એ બાળ અભિનેતાઓએ પોતાની જ સૂઝ બુઝથી સુંદર ઉત્તરો આપ્યા.

કાર્યક્રમની સમાપ્તિ બાદ એ નાનકડા ગાંધીઓમાંના કેટલાકે કહ્યું કે ‘હું ગાંધી બનીને આવી રીતે બધાના પ્રશ્નોનો જવાબ આપી શકું એ મારુ સદ્ભાગ્ય છે. મને કદીયે એવી કલ્પના નહોતી કે હું ગાંધીજી વિષે આટલું જાણી શકું અને આ રીતે બીજાના પ્રશ્નોના ઉત્તર પણ આપી શકું. મને તેનાથી ઘણું જાણવા-સમજવાનું મળ્યું.’
‘ગાંધી’ બનેલ વિદ્યાર્થીઓની ઉત્તર આપતી વખતની મૌલિકતા સહુને સ્પર્શી જાય તેવી હતી. અહીં એ વાતની નોંધ લેવી યોગ્ય થશે કે આ સમગ્ર કાર્યક્રમનું શૈક્ષણિક મૂલ્ય પરીક્ષામાં કેટલા ગુણ મેળવીને પાસ થયા તેવી રોકડિયા મૂલ્યાંકન પદ્ધતિથી ન થઈ શકે. સારાયે પ્રકલ્પની કલ્પના જેમના દિમાગમાં સ્ફૂરી એ તરલાબહેનનો પ્રતિભાવ ઘણું કહી જાય છે. તેમને પ્રતીતિ થઈ કે એ તમામ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ખરા દિલથી તેમને આપવામાં આવેલ સાહિત્યનું દરેકે પોતાની શક્તિ અને સમજ મુજબ પઠન કર્યું, તેમાંથી ઘણું સમજ્યા અને એવી શ્રદ્ધા જન્માવી ગયા કે એ બધી વાતો આજના આ નાનકડા બાળકો, જે આવતી કાલના નાગરિકો છે તેમનામાં દ્રઢ થઇ ગયેલી છે અને તે જરૂર તેમને સાચો રાહ બતાવશે.
આ અનોખી રમતમાં કસ્તૂરબા અધ્યાપન મંદિર – બોરખડીની 60 તાલીમાર્થી બહેનોએ હાજરી આપેલી. ખૂબીની વાત એ છે કે કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા શિક્ષણવિદ્દથી માંડીને એ વિસ્તારના રચનાત્મક કાર્યો અને તેને સંલગ્ન સંસ્થાઓનું સંચાલન કરનાર હોદ્દેદારો હાજર રહેલા; છતાં કોઈ મોટા પ્રવચનો ન અપાયાં, કોઈ શિખામણની પીરસણી ના થઈ કે ન તો કોઈએ દંભ-દેખાડો કરીને પોતાના કાર્ય અને સિદ્ધિઓનાં બણગાં ફૂંકાયાં. જાણે એ સૌ અનુભવીઓ આ નવી પેઢીને ગાંધીના જીવન અને કાર્યનું સાચું દર્શન થાય તેમાં માર્ગદર્શન આપવા જ હાજર રહેલા.

આમ લગભગ 600 વિદ્યાર્થીઓ અને તાલીમાર્થી બહેનોએ સાથે મળીને આખો દિવસ ગાંધીને માણ્યા. સાથે આંખ નિદાન કેમ્પ પણ યોજાયેલો જેમાં લગભગ 215 દર્દીઓને તપાસાયા. 41 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે તેજસ હોસ્પિટલ માંડવી લઈ જવાયા.

કોઈ ફળાઉ વૃક્ષ કે ફૂલછોડની જાત સુધારવી હોય તો તેની કલમ સારી કરવી જોઈએ. તેમ જો કોઈ સમાજની વિચારધારાને સુધારવી હોય તો તેની ઉછરતી પેઢીમાં ઉત્તમ વિચારનાં બીજ વાવવાં જોઈએ. આ વાત વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સાથે સંલગ્ન સહુ કાર્યકરો સુપેરે જાણે છે તે તેમણે કરી બતાવ્યું. આ વિચાર મૂળે તરલાબહેન શાહના દિમાગની ઉપજ, પરંતુ એમનો બોલ સહકાર્યકારોએ હોંશથી ઝીલી લીધો અને બાકીનો સઘળો કાર્યભાર અનોખા ઉત્સાહથી ઉપાડી લીધો જેની ફલશ્રુતિ એ સેંકડો બાળકોને ગાંધી નામના વ્યક્તિત્વની પરખ રૂપે મળી, જે તેમના જીવનમાં સદાય માટે વાટ બતાવતી રહેશે એ મનને તૃપ્ત કરનારી વાત છે.
આ કાર્યક્રમની જેને સ્ફુરણા થઈ, જેમણે તેના આયોજનથી માંડીને સાધનો પૂરા પાડવા અને વ્યવસ્થા કરવામાં શ્રમ કર્યો અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લઈ આટલો અભ્યાસ કરીને સુંદર રજૂઆત કરી તે સહુને ધન્યવાદ ઘટે.
e.mail : 71abuch@gmail.com
![]()


આ રહી એવી એક આશા ઉપજાવે તેવી સત્ય કહાણી. શાંતિ પ્રિય અને પ્રવાસના શોખીન એવા એક કર્મશીલ જ્હોન એન્ડ્રુઝ કોસ્ટા રીકાની સફરે ગયેલા, જ્યાં તેમણે જે જોયું અને અનુભવ્યું તેના પરથી શીખેલ પાઠ વિષે જાણવા જોગ છે જે અહીં ધરું છું.
લશ્કરને વિખેરી નાખવાને પરિણામે કોસ્ટા રીકા આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ અને દેશના તમામ નાગરિકો માટે પેન્શનની જોગવાઈ કરી શક્યું કે જે દુનિયાના એ ભાગોમાં તદ્દન અજાણ્યો વિચાર છે. આ પગલાંને કારણે તેઓ લગભગ કાર્બન ન્યુટ્ર્લ એનર્જી પૂરી પડી શકે છે અને મહાકાય મિલકતો ઊભી કરનારી બાંધકામની કંપનીઓ દ્વારા થતા વિનાશથી પ્રાકૃતિક જળ, જંગલ અને જમીનની રક્ષા કરી શક્યા છે. આમાનું મોટા ભાગનું નાણું તેઓને લશ્કર પાછળ ન કરવા પડતા ખર્ચમાંથી મળી રહે છે. આપણે જાણીએ છીએ કે સ્વીત્ઝર્લેન્ડ પાસે પણ કાયમી ધોરણે કોઈ લશ્કર નથી, અને છતાં તેની આસપાસના યુદ્ધગ્રસ્ત દેશોથી ઘેરાયેલું હોવા છતાં તે પોતે લગભગ છેલ્લાં બસો વર્ષથી સલામત રહ્યું છે.
અહિંસાના છેલ્લા મસીહા જેવા ગાંધીજીના શસ્ત્રો – ખાસ કરીને અણુશસ્ત્રો વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ગાંધીજીના જીવનના લગભગ અંત સમયે અણુશસ્રોની શોધ થઈ જેના વિષે તેઓએ કહેલું, “જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી કહી શકું કે એટમ બોમ્બે માનવીની ઉત્તમોત્તમ લાગણીઓને મૃતપ્રાયઃ કરી નાખી છે જેના પર માનવતા યુગોથી ટકી છે. પહેલાં યુદ્ધના કેટલાક નિયમો હતા, જેને કારણે તે સહ્ય બનતું. હવે આપણી નજર સામે યુદ્ધનું નગ્ન સત્ય ઉઘાડું પડ્યું. લડાઈ એક પણ કાયદો કે નિયમ નથી જાણતી, સિવાય કે પાશવી તાકાત.” તેમણે એમ પણ કહ્યું કે, “બોમ્બની અંતિમ કરુણાંતિકામાંથી એક શીખ પ્રામાણિક પણે લેવા જેવી છે કે એવા સંહારનો જવાબ બીજા બોમ્બથી નહીં વાળી શકાય. જેમ હિંસાને વળતી હિંસાથી ન ખાળી શકાય. માનવજાતે હિંસાના વિષ ચક્રમાંથી માત્ર અહિંસાથી જ બહાર નીકળવાનું રહેશે. હું માનું છું કે જેઓએ એટોમિક બોમ્બની શોધ કરી છે તેઓએ વૈજ્ઞાનિક જગત સામે ભયાનક પાપ કર્યું છે. દુનિયાને બચાવવા માટે જો કોઈ એક માત્ર શસ્ત્ર હોય તો તે અહિંસા જ છે. દુનિયાની હાલની સ્થિતિ જોતાં કોઈને હું મૂર્ખ ભાસું. પણ મને તે વિષે જરા પણ દિલગીરી નથી. હું તો ભગવાનનો પાડ માનું છું કે તેણે મને એટોમિક બૉમ્બ બનવવાની ક્ષમતા ન આપી.”