 રચનાને રસ્તે 101 કાવ્ય આસ્વાદો : રાધેશ્યામ શર્મા : પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન્સ : પૃ. 312 : કિંમત રૂ. 300
રચનાને રસ્તે 101 કાવ્ય આસ્વાદો : રાધેશ્યામ શર્મા : પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન્સ : પૃ. 312 : કિંમત રૂ. 300
હમણાં જ જેમણે એમના કાવ્યસંગ્રહ ‘એકાંતમાં ઊડેલાં નક્ષત્રો’ને ૨૦૧૫ના શ્રેષ્ઠ પુસ્તકનું સાહિત્ય અકાદમીનું મળેલું પારિતોષિક નકારીને કોઈ પણ જાતના પ્રચારથી વેગળા રહી સ્વાયત્ત આંદોલનને ટેકો આપી પ્રશસ્ય કાર્ય કરેલું છે, એ રાધેશ્યામ શર્મા. રાધેશ્યામ શર્મા એ સાહિત્યના એક અત્યંત સક્રિય એવા સર્જક, વિવેચક છે. એમને ઘણા વિશેષણો લગાડી શકાય, પણ તેઓ એ બધાંથી પર એક માત્ર સાહિત્યપ્રીતિના માણસ છે તેમ કહું તો ચાલે. ગુજરાતી ભાષામાં સાહિત્ય અને કલાનું કોઈ એવું માધ્યમ નથી, જેમના વિષે એમણે ના લખ્યું હોય. અને આવી વ્યક્તિને પારિતોષિક ના મળે એ જ નવાઈ કહેવાય. પ્રસ્તુત પુસ્તકમાં છેલ્લે આપેલી સૂચિ મુજબ અત્યાર સુધીમાં એમને ૨૧ જેટલાં પારિતોષિકો મળી ગયાં છે. પણ રાધેશ્યામ શર્મા તો અત્યારે એ કક્ષાએ છે, જ્યાંથી બધા પારિતોષિકો એમને નાનાં લાગે. સર્જક તરીકે એમણે સર્જન કર્યું છે, તેથી વિશેષ એમણે વિવેચનક્ષેત્રે કાર્ય કર્યું છે. અને એક નિષ્પક્ષ આલોચક તરીકે એઓ જાણીતા અને માનીતા છે. કૃતિમાં રહેલી અનેક સૂક્ષ્મતાઓને તેઓ અદ્ભુત રીતે વાચકોની સામે ખોલી બતાવે છે. એમની આ વિશિષ્ટતા પ્રસંશનીય હોવા છતાં પ્રસ્તાવનામાં તેઓએ સ્પૅનિશ કવિ-વિવેચક ઉનામુનું એક વિધાન નોંધ્યું છે – ‘Literature is not a specialist’s occupation.’
કાવ્ય-આસ્વાદ એ એમનો પ્રિય પ્રકાર છે અને એટલે જ અનેક કવિતાઓનો એમણે આસ્વાદ અલગ-અલગ સામયિકોમાં કરાવ્યો છે. બહુ જૂજ કવિતા લખનાર મારા જેવાની કવિતાને પણ એમની કલમનો લાભ મળેલ છે.
‘રચનાને રસ્તે’ એ એમના ૧૦૧ કાવ્ય-આસ્વાદનો સંચય છે. પ્રસ્તુત સંચયમાં, શીર્ષકમાં નિર્દિષ્ટ છે તે મુજબ એકસો એક કાવ્યોના આસ્વાદ એમણે સમાવ્યા છે. બીજા અનેક કાવ્યાસ્વાદો હોવા છતાં અહીં આ સંચયમાં ફક્ત એમણે એકસો એકને જ સમાવ્યા છે. અને પારિતોષિક પણ એમણે એકવીસ મળ્યાં પછી બાવીસમાને એમણે નકાર્યું છે. જે કવિઓને સમાવ્યા છે, તેમાં કવિની સિદ્ધિ-પ્રસિદ્ધિ કે અલ્પ પ્રસિદ્ધિને મહત્ત્વ આપ્યા વગર કાવ્યો અને કવિઓ પસંદ થયાં છે, એટલે ઉમાશંકર જોશી કે નિરંજન ભગત જેવા કવિઓની એક-એક કૃતિઓ માત્ર, તો બીજાની એકથી વધારે પણ અહીં પસંદ પામી છે. સંચયમાં કવિતાઓ એકસો એક પસંદ પામી છે, પણ કવિઓ ૮૯ (નેવ્યાસી) જેટલા પસંદ થયા છે. આસ્વાદ કે કાવ્યની પસંદગી કઈ રીતે કરી છે, એ અંતે તો એમનો અંગત વ્યક્તિગત પ્રશ્ન છે અને એમ જ હોવું જોઈએ. પણ તે છતાં કોઈ વાચકભાવકને એવો પ્રશ્ન પણ થાય કે આ કવિની આ જ કૃતિ કેમ પસંદ થઈ ? કે આ કેમ ન થઈ? સંચયની અનુક્રમણિકા કવિઓનાં નામના પ્રથમ અક્ષરના અનુક્રમ મુજબ છે.
રચનામાં રૂપ(form)ની અ-પૂર્વતા સમેતની, રૂપથી અભિન્ન, રસમયતાને પામવાની છે. અછાંદસમાં રચનાના મહત્ત્વને માણવા પ્રબોધ ૨. જોશીની કવિતાનો આસ્વાદ (પૃ. ૧૩૯) જોઈએ. ‘એક લીટીમાં, સળંગ એક વાક્યમાં લખી શકાત, પણ એવું થયું હોત, તો ‘વૃક્ષાનુભૂતિ’, જે રીતિએ દૃશ્ય-અભિવ્યક્તિમાં ઉપસ્થિત છે, તેમ ના થયું હોત. શબ્દે-શબ્દે પદે-પદે વિરામનો પરિચય પણ લયની દૃષ્ટિએ ના થાત.’ (પૃ. ૧૩૯) આમ ફૉર્મને પણ ધ્યાનમાં રાખીને આસ્વાદ થયો છે. કવિતામાં અછાંદસ કૃતિઓનો આસ્વાદ અહીં વધુ થયા છે … એટલે રચનાનું મહત્ત્વ એદકેરું છે. કારણ કે અછાંદસમાં કાવ્યનું સ્વરૂપ (form) જ મહત્ત્વનું હોય છે.
રાધેશ્યામ શર્માનો રસ સાહિત્ય પૂરતો મર્યાદિત નથી. અને અનેક વિષયમાં એમનો અભ્યાસ છે, એટલું જ નહીં, એમણે વિવિધ કલામાધ્યમોમાં રચાયેલી કૃતિઓના પણ આસ્વાદો કરાવ્યા છે. એનો પણ અણસાર અહીં જાણવા મળે છે. જેમકે ચિનુ મોદીની ગઝલ – ‘પર્વતને નામે પથ્થર’નો આસ્વાદ કરાવતા લખે છે – ‘ગીત-ગોવિન્દ’ના શૃંગારસિક્ત સર્જક જયદેવ નાયિકાઓનાં અંગોપાંગો ઉપર દંતક્ષત-નખક્ષત વર્ણવ્યા પણ અશ્રુ ઉપર નખક્ષત તો મોદીની જ મિરાત! પણ થોભો, અહીં તો સંદેહપ્રશ્ન છે ભારે – આ કોના નખની નિશાની? સાથે કલ્પનાપૂર્ણ સ્ટેટમેન્ટ સૂચવે છે કે ઇચ્છા એ કેવળ હાથ છે, પણ છે એટલું જ નહીં, એને નખ પણ છે અને છતાં હીચકોકિયન સસ્પેન્સ, ‘આ કોના નખની થઈ નિશાની?’ (પૃ. ૮૨) તો ત્રીજો શેર વાંચતા ફિલ્મ ‘સાહેબ બીવી ઓર ગુલામ’ને યાદ કરે છે. આમ, એક જ કવિતામાં હોલીવૂડ અને બોલીવૂડના સર્જક અને સર્જનના સંદર્ભમાં વાંચવા મળે છે.
સંચયમાં એકસો એક કાવ્યના આસ્વાદો છે અને આ અવલોકનમાં એ બધાનો ઉલ્લેખ કરવો શક્ય પણ નથી. એટલે આસ્વાદનો આસ્વાદ નહીં; પણ પરિચય માત્ર જ અહીં તો હું કરાવું છું. કેટલાક કવિઓ, જેમ કે પ્રબોધ પરીખ, પવનકુમાર જૈન, દિલીપ ઝવેરી, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર વગેરેની કૃતિઓના આસ્વાદમાં એમના આસ્વાદો અનન્ય છે. સંચયના અંતિમ આવરણ પર કવિ લાભશંકર ઠાકરે લખેલું ‘રસસંકેતોની અ-પૂર્વ સંપ્રાપ્તિ’માંથી થોડું નોંધું છું. લા.ઠા. લખે છે. ‘વિશ્વનાં આધુનિક કાવ્યેતર સાહિત્યસ્વરૂપોથી પણ અને ચલચિત્ર જેવા આવિર્ભાવોથી પણ તમે સતત પ્ર-ભાવિત થતા રહ્યા છો. તેથી તમારી ભાવકચેતના વિસ્તરતી-વિસ્તરતી દુર્બોધ લાગતી આધુનિક કાવ્યરચનાને પણ ષડનન્દ્રિયોથી (પાંચ જ્ઞાનેન્દ્રિયો + ઉભયાત્મક ઇન્દ્રિયો-મન) પામી શકે છે. કાવ્યો વિશેના તમારા રસસંકેતોનો આ હિસાબ અ-પૂર્વ સંપ્રાપ્તિ છે.’
રાધેશ્યામ શર્માનું સાહિત્ય એ વિશેષજ્ઞ કાર્ય ભલે પ્રતીત ન થતું હોય પણ કાવ્યાસ્વાદ કરાવવો એ એમની એક વિશિષ્ટતા છે. એમણે કવિતામાં ‘અર્થ’ની ખોજ ચાલુ રાખીને પણ અર્થઘટન ઉપરાંત મર્મઘટન તરફ જવાનો નમ્ર પુરુષાર્થ સેવ્યો છે. આસ્વાદની સાથોસાથ વિવેચન પણ વણાતું આવે એ સ્વીકાર્યું છે.
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 07
 


 ગુલામમોહમ્મદ શેખ એ એક એવું વ્યક્તિત્વ છે, જે બે માધ્યમમાં કાર્ય કરે છે, જે ચિત્રકલા અને સાહિત્ય. એક ચિત્રકાર તરીકે એઓ જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ એક કવિ અને નિબંધકાર તરીકે પણ વાચકોમાં જાણીતા છે. એમનાં કાવ્યસંગ્રહો ‘અથવા’ અને ‘અથવા અને’ ગુજરાતીમાં એક સીમાચિહ્ન સમો સંગ્રહ છે. ગુલામમોહમ્મદ શેખ મુખ્યત્વે એક ચિત્રકાર છે. પણ એમના વડોદરા નિવાસ દરમિયાન તેઓ સુરેશ જોષીના પરિચયમાં આવ્યા અને સાહિત્યના રંગે રંગાયા. એમના સંસર્ગે ભોગીભાઈ ગાંધીનો પરિચય થયો. અને શેખના હાથમાં ફક્ત ઇશિતા જ હતી તે કલમ પણ ઉમેરાઈ. ગુજરાતી ભાષાનો આ એક અત્યંત સુભગ સંયોગ આમ સર્જાયો. એમનું આરંભિક લેખન અલબત્ત, ચિત્રકલાથી શરૂ થયું. એ સમયને યાદ કરતાં શેખસાહેબ લખે છે, “ભોગીભાઈએ એમના નવા સામયિક ‘માનવ’(જે પછી ‘વિશ્વમાનવ’ થયું)માં સુરેશભાઈને કવિતાનો આસ્વાદ લખવા નોતર્યા, ત્યારે મને ય દશ્યકળા વિશે લખવા નોતર્યા ત્યારે મને ય દૃશ્યકલા વિષે લખવા કહ્યું.” (પૃ.૨) આમ, ગુજરાતને એક ચિત્રકાર મળ્યાની સાથે એક લેખક પણ મળ્યા. પછી જે યાત્રા શરૂ થઈ, તેનું પરિણામ એ ‘નીરખે તે નજર’.
ગુલામમોહમ્મદ શેખ એ એક એવું વ્યક્તિત્વ છે, જે બે માધ્યમમાં કાર્ય કરે છે, જે ચિત્રકલા અને સાહિત્ય. એક ચિત્રકાર તરીકે એઓ જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ એક કવિ અને નિબંધકાર તરીકે પણ વાચકોમાં જાણીતા છે. એમનાં કાવ્યસંગ્રહો ‘અથવા’ અને ‘અથવા અને’ ગુજરાતીમાં એક સીમાચિહ્ન સમો સંગ્રહ છે. ગુલામમોહમ્મદ શેખ મુખ્યત્વે એક ચિત્રકાર છે. પણ એમના વડોદરા નિવાસ દરમિયાન તેઓ સુરેશ જોષીના પરિચયમાં આવ્યા અને સાહિત્યના રંગે રંગાયા. એમના સંસર્ગે ભોગીભાઈ ગાંધીનો પરિચય થયો. અને શેખના હાથમાં ફક્ત ઇશિતા જ હતી તે કલમ પણ ઉમેરાઈ. ગુજરાતી ભાષાનો આ એક અત્યંત સુભગ સંયોગ આમ સર્જાયો. એમનું આરંભિક લેખન અલબત્ત, ચિત્રકલાથી શરૂ થયું. એ સમયને યાદ કરતાં શેખસાહેબ લખે છે, “ભોગીભાઈએ એમના નવા સામયિક ‘માનવ’(જે પછી ‘વિશ્વમાનવ’ થયું)માં સુરેશભાઈને કવિતાનો આસ્વાદ લખવા નોતર્યા, ત્યારે મને ય દશ્યકળા વિશે લખવા નોતર્યા ત્યારે મને ય દૃશ્યકલા વિષે લખવા કહ્યું.” (પૃ.૨) આમ, ગુજરાતને એક ચિત્રકાર મળ્યાની સાથે એક લેખક પણ મળ્યા. પછી જે યાત્રા શરૂ થઈ, તેનું પરિણામ એ ‘નીરખે તે નજર’. ‘નીરખે તે નજર’ એ સંચય ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખે એમના ચિત્રકલાના ભાવનમાં જે નીરખ્યું તેનો આલેખ આપે છે. ૧૯૫૫થી લેખનની જે શરૂઆત એમણે કરી એ દરમિયાન લખાયેલા લેખોને આ સંચયમાં સમાવવામાં આવ્યા છે. કુલ ત્રેવીસ સચિત્ર લેખોમાં અગિયાર લેખો એમણે જોયેલાં અને માણેલાં ચિત્રોનાં ભાવન અંગે છે, પાંચ લેખો એમણે અન્યો સાથે મળીને અનુવાદ કર્યા તે છે, એક લેખ એમનો જ લખેલો પણ ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક ગોદાર્દ વિષે છે (ફિલ્મ પણ દૃશ્યકળા તો ખરીજને), પાંચ લેખો વિવિધ કલાકારો અને લેખકો સાથે એમણે કરેલા સંવાદના રૂપમાં છે અને છેલ્લો લેખ એમના એક ચિત્રની સર્જનયાત્રા વિષે છે.
‘નીરખે તે નજર’ એ સંચય ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખે એમના ચિત્રકલાના ભાવનમાં જે નીરખ્યું તેનો આલેખ આપે છે. ૧૯૫૫થી લેખનની જે શરૂઆત એમણે કરી એ દરમિયાન લખાયેલા લેખોને આ સંચયમાં સમાવવામાં આવ્યા છે. કુલ ત્રેવીસ સચિત્ર લેખોમાં અગિયાર લેખો એમણે જોયેલાં અને માણેલાં ચિત્રોનાં ભાવન અંગે છે, પાંચ લેખો એમણે અન્યો સાથે મળીને અનુવાદ કર્યા તે છે, એક લેખ એમનો જ લખેલો પણ ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક ગોદાર્દ વિષે છે (ફિલ્મ પણ દૃશ્યકળા તો ખરીજને), પાંચ લેખો વિવિધ કલાકારો અને લેખકો સાથે એમણે કરેલા સંવાદના રૂપમાં છે અને છેલ્લો લેખ એમના એક ચિત્રની સર્જનયાત્રા વિષે છે.