ભારતીય ચિત્રકલામાં આધુનિકતાના પુરસ્કર્તા અને પોપ આર્ટ શૈલીના સ્થાપક ભૂપેન ખખ્ખર અનેક રીતે સ્મરણીય છે. ચિત્રકલા ઉપરાંત એમણે સાહિત્ય સર્જન પણ કરેલું છે અને તે પણ ખાસ્સું ઉલ્લેખનીય છે. ભૂપેન ખખ્ખરના જીવન ઉપર હમણાં એક પુસ્તક પ્રગટ થયું છે જે એમના અવસાન બાદ બે દાયકાથી પણ વધુ સમય બાદ એમના જીવનની કથની રજૂ કરે છે. આ પુસ્તક ‘ભૂપેન ખખ્ખર’ના લેખક છે જાણીતા પત્રકાર અને અનેક જીવનકથાઓના લેખક બીરેન કોઠારી. સાર્થક પ્રકાશને આ પુસ્તક પ્રગટ કરેલું છે.
ભૂપેન ખખ્ખર વિશે અનેક લોકો પાસેથી એમના વિશે મળેલી માહિતીના આધારે આ જીવનકથા લખાયેલી છે. કોઇ વ્યક્તિના અવસાન બાદ જ્યારે એમના જીવન વિષે લખવા માટે આજ એક માત્ર માર્ગ હોય છે. વળી ઘણી વખત બધા જ મિત્રો ઇચ્છીત માહિતી ઘણી વખત આપતા પણ નથી. તે ઉપરાંત કેટલાકનો સંપર્ક પણ થતો નથી. એટલે જે કંઇ માહિતી મળી તેના આધારે ચિત્ર દોરવું રહ્યું. પણ ભૂપેન ખખ્ખર એક ચિત્રકાર અને સાહિત્યકાર હતા. એમને વિપુલ માત્રામાં બન્ને માધ્યમમાં સર્જન કરેલું છે. એટલે એ બધા પર પણ ખાસ્સું લખાયું છે. આમ આ બધી સામગ્રી પરથી અત્યંત મુશ્કેલ એવું ચિત્ર સર્જવામાં બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. આ સંદર્ભમાં બીરેન કોઠારી લખે છે, “કોઇ પણ જીવનકથાનો આરંભ ‘સ્ક્રેચ’થી કરવો પડે, ભલેને એ વ્યક્તિ વિશે આપણે ગમે તેટલું જાણતા હોઇએ. કથાનાયકની સિદ્ધિઓ કઇ, એનાં વ્યક્તિત્વનાં પાસાં કયાં, એના વિશે કોણ અધિકૃત રીતે કહી શકશે, વગેરે બાબતોનો ખ્યાલ ધીમે ધીમે આવતો જાય. એવે ટાણે સામેવાળા કોઇ પણ કારણસર અસહયોગ કરે, કે એમ વિચારે કે જેને કથાનાયક વિશે કશી ખબર નથી એ જીવનકથા શું લખવાનો, ત્યારે મુશ્કેલી વધી જાય. ભૂપેન સાથે સંકળાયેલા કોઇએ મને આમ કહ્યું નહોતું, પણ અમૂક વાક્યો કહ્યા વિના સંભળાતા હોય છે.” (પૃષ્ઠ 163)
ભૂપેન ખખ્ખર પરના આ પુસ્તકને લેખકે ચાર ખંડમાં રજૂ કર્યું છે. તેમાં પહેલા ખંડમાં – ભારતીય ચિત્રકલા સફરની ઝાંખી, હું કોણ?, મુંબઇની માયાઓ, પેનની સમાંતરે પીંછી, કળાક્ષેત્રે અધિકૃત પ્રવેશ, આધુનિકતાનો નવો અધ્યાય, શૈલીમાં બદલાવ, સામાન્ય લોકો : જીવનમાં અને ચિત્રોમાં, ભારતીય નજરે અંગ્રેજી જીવન, ખ્યાતિનો દાયકો, આંતરરાષ્ટ્રીય ફલક પર, રોગ, રોગી અને શહેર, પીડા અને યાતનામાંથી છૂટકારો – એવા તેર પ્રકરણમાં એમની જીવન કથાની રજૂઆત થઇ છે. એવી જ રીતે ખંડ બીજામાં પણ એમના જીવનની ઘટમાળાઓના સંદર્ભમાં જ વાંચવા મળે છે. આ બીજા ખંડમાં – ગુપ્ત વલણની ઘોષણા, ભૂપેનની ગૃહસ્થી : કલ્પનાનું કમઠાણ, રંગમાં સત્સંગ, વિવાદ : ભૂપેનનો મરણોત્તર સાથી, ચિત્રકારના જીવન રંગ શોધતા શોધતા – બીજા પાંચ પ્રકરણોમાં રજૂ થઇ છે. આ બન્ને ખંડમાં ભૂપેન ખખ્ખરના જીવનની મહત્ત્વની ઘટનાઓને આવરી લેવાઇ છે.
શ્રદ્ધાંજલિ – એવા શિર્ષક, ખંડ ત્રીજામાં રામચંદ્ર પટેલે ભૂપેન ખખ્ખરને શ્રદ્ધાંજલિ રૂપે લખેલી ચાર કવિતાઓ, ચિત્રકાર જ્યોતિ ભટ્ટ, અને કવિ જયદેવ શુક્લએ લખેલી શ્રદ્ધાંજલિ સમાવવામાં આવી છે. તે ઉપરાંત ભૂપેન ખખ્ખરનાં લખાણોનો સમાવેશ થયો છે. આ લખાણોમાં ભૂપેન ખખ્ખરના નિબંધો અને અવલોકનોનો સમાવેશ થાય છે. અને ભૂપેન ખખ્ખરની કૃતિઓ પર અન્યોએ લખેલા લેખોનો સમાવેશ થયો છે. જ્યારે છેલ્લા અને ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ વિશે વાંચવા મળે છે. આ ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરના કેટલાંક ચિત્રો સમાવિષ્ટ થયાં છે અને તેના વિશે બીરેન કોઠારીએ આસ્વાદ કરાવેલ છે. આ બધાં ચિત્રો રંગીન છપાયાં છે. તેથી જોવા ગમે એવા છે. પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના જાણીતા ચિત્રકાર અને ભૂપેન ખખ્ખરના મિત્ર જ્યોતિ ભટ્ટે લખી છે.
‘હું કોણ’ એવા શિર્ષક હેઠળના પહેલા ખંડના બીજા પ્રકરણમાં ખૂદ ભૂપેન ખખ્ખરે પોતાની ડાયરીમાં લખેલી ઓળખાણથી ભૂપેનની જીવનીની વાત શરૂ થાય છે. તે તેમના 111માં પૃષ્ઠ પર લખાયેલી અંતિમવિધિ સુધીની ઘટમાળ વાંચવા મળે છે.
પ્રસ્તુત પુસ્તકમાં ભૂપેન ખખ્ખર વિશે ઘણું વાંચવા મળે છે એમ અનેક બાબતો રહી જાય છે. એમ બધા જ પ્રકરણમાં અનેક ફોટાઓ પ્રગટ કર્યા છે તો પણ અનેક ફોટાઓ રહી જાય છે એવું લાગ્યા કરે છે. અલબત, આવું તો બનવાનું જ. કારણ કે કેટલુંક તો લેખક – સંપાદક પર છોડવું રહ્યું. અને તો પણ કેટલાંક નિરીક્ષણો કરવાં ગમે એવાં છે.
બીજા ખંડમાં ‘ગુપ્ત વલણની ઘોષણા’ જે તટસ્થતાથી એમણે લખ્યું છે કે ખરે જ આવકાર્ય છે. આવી તટસ્થતા કે સંયમ પાળવો ઘણી વખત મુશ્કેલ પણ હોય છે. આ ખાસ કરીને જ્યારે આવી બાબતો પ્રત્યે સામાજિક અરુચિકરતા હોય. તેમ કેટલીક જગ્ચાએ કંઇક ખૂંટતું હોય તેવું પણ લાગ્યા કરે છે. તેમાં પણ સુનીલ કોઠારી સાથેની ભૂપેનની દોસ્તી અનેરી હતી. જેની વિગતો સુનીલ કોઠારીએ ન આપી એ સમજી શકાય પણ અન્ય સ્રોતમાંથી કેટલીક વિગતો મેળવી શકાઈ હોત. પૃષ્ઠ 110-111 ઉપર લખ્યું છે, “દિલ્હીના સુનીલ કોઠારી નામના તેમના ઘનિષ્ઠ મિત્ર છે, જે નૃત્યવિદ છે. ભૂપેનની પાસે રહી શકાય એ માટે તેઓ બે મહિના તેમની સાથે હતા. મને લાગે છે કે ભૂપેન માટે એ બહુ સારું થયું.” પણ આ નોંધ બાદની છેલ્લા મહિનાની, છેલ્લા દિવસોની અને છેલ્લી ઘડીઓની વિગત લખતા ક્યાં ય સુનીલ કોઠારીનો ઉલ્લેખ વાંચવા મળતો નથી. અહીં ગુલામ મોહમદ શેખના ભૂપેન પરના લેખ ‘ભેરૂ’માંથી કેટલીક વિગતો સમાવાઇ શકી હોત. આ ઉપરાંત એ દિવસોમાં સાથે રહેલા અન્ય મિત્રો પાસેથી પણ ખૂટતી વિગતો મેળવી શકાઈ હોત. શક્ય છે કે જેમ સુનીલ કોઠારીએ પછીથી ભૂપેનની વિગતો ન આપી તેમ અન્ય લોકોએ પણ કેટલીક વાતો અધ્યાર રાખીને રજૂઆત કરી હોય. તો પણ એ છેલ્લા દિવસોની વિગત હ્રદયસ્પર્શી રીતે લખાઇ છે.
અહીં ભૂપેનની અંતિમવિધિ વિશે શાલિની સહાનીએ લખેલ વર્ણન હ્રદયસ્પર્શી છે. “હું સવારે 6.30 વાગ્યે પહોંચી અને સીધી ભૂપેનને ઘેર ગઇ. તેમનો દેહ તૈયાર કરાઇને મુકેલો હતો. તેમને સફેદ ચાદરમાં લપેટેલા હતા. મહિલાઓ તેમના માથાની તરફ અને પુરુષો આસપાસ બેઠેલા હતા. તેઓ ભજનો ગાઇ રહ્યાં હતાં (એમાંનું એક મને બહુ હ્રદયસ્પર્શી લાગેલું – ચાલો જઇએ આપણા મલકમાં, કોલ આવ્યો ઇશ્વરતણો, મારો એ આખરી મુકામ). ભજન એટલે એક પ્રકારનાં ભક્તિગીત, જે એકદમ યોગ્ય અંજલિ હતી. દોઢેક કલાક સુધી એ ચાલ્યા. કલાકાર બિરાદરીના તમામ લોકો આવેલા. મોટાભાગના લોકોએ શોક અને આદર દર્શાવવા માટે શ્વેત વસ્ત્રો પહેરેલા.
અંતે સૌ નજદીકી મિત્રોએ તેમના દેહને ફૂલહાર ચઢાવ્યા. અમારામાંના કેટલાકે ફૂલની પાંખડીઓ મૂકી. તેમના મિત્રો અને સગાંએ તેમના દેહને કાંધ આપી અને સ્મશાનભૂમિએ લઇ ગયા. મને લાગે છે કે તેમને ગેસની ચિતા પર અગ્નિદાહ અપાયો. એ વિધિ પતી ગયા પછી કોઇને ખ્યાલ નહોતો આવતો કે હવે શું કરવું. એ સ્નેહમિલનની જિંદગી જાણે કે અદૃશ્ય થઇ ગઇ હતી. બહુ ઉદાસ ક્ષણો હતી. સૌ જાણે કે વિખૂટા પડી ગયા હતા. મને લાગે છે કે ભજનો ગવાઇ રહ્યાં હતાં એ બહુ હ્રદયસ્પર્શી ક્ષણો હતી. અમને સૌને ભિતરમાં ને ભિતરમાં ભૂપેન વિશેની સ્મૃતિઓ સંભારવા મળી – એક જાતનો અંગત તેમ જ જાહેર શોક કહી શકાય.
– શાલિની” (14-8-2003) પૃષ્ઠ – 111.
એક લેખક તરીકે બીરેન કોઠારીનું કાર્ય થોડું કઠિન હતું, કારણ કે એમણે અનેક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે કડીઓ જોડવાની હતી. અને આ કડીઓ જોડવામાં લેખક તરીકે બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. ભૂપેન ખખ્ખર વિશે અંગ્રેજીમાં ખાસ્સું તથા કેટલેક અંશે ગુજરાતીમાં પણ લખાયું છે. એમાં આ પુસ્તક વધારો કરે છે એવું નહીં પણ એક જુદી જ રીતે ભૂપેન ખખ્ખરને રજૂ કરે છે. જેને રીતસરની જીવનકથા કહીએ તેવું તો ગુજરાતીમાં આ એક માત્ર પુસ્તક વાચકોને પ્રાપ્ત થયું છે. ખાસ તો ચોથા ખંડમાં બીરેને ભૂપેન ખખ્ખરના ચિત્રોનો આસ્વાદ કરાવ્યો છે એ પણ ભૂપેનને સમજવામાં અને એમનાં ચિત્રો માણવામાં સહાયભૂત થાય છે. કોઇ પણ પુસ્તકના વાચકો તે અનેક કારણસર વાંચતા હોય છે. અને આ જ ભૂપેન ખખ્ખરના ગયાના બે દાયકા બાદ જે પેઢી આવી છે એમના માટે ભૂપેન ખખ્ખરને જાણવા માટે આ એક ઉત્તમ પુસ્તક બની રહ્યું છે. સુધીરચંદ્રે લખેલી એક વાત અહીં નોંધવી રહી, “ભૂપેનના મિત્રો અને પરિચિતો માટે હવે જીવન બે ભાગમાં હવે વહેંચાઇ જવાનું હતું. ભૂપેનની સાથે અને ભૂપેન બાદ.” (પૃ. 111)
————————————
ભૂપેન ખખ્ખર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક – લેખન – સંપાદન : બીરેન કોઠારી : પૃષ્ઠ : 252 + 24 (રંગીન) = 278 કિંમત – રૂ. 450/- : પ્રકાશક : સાર્થક પ્રકાશન : 14, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર પાસે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ – 380 007 : પ્રાપ્તિ સ્થાન : બુકસેલ્ફ, અમદાવાદ
e.mail : abhijitsvyas@gmail.com