હજારો વર્ષોથી ગુલામીમાં સબડી ભૂખમરાની હાલતમાં જીવતા રહેલા વાલ્મીકિ સમાજની હાલત આજે ય દયાજનક છે. જે કામ કોઈ ન કરે તે સફાઈનું કામ, મેલું ગંદુ સ્વચ્છ કરવાનું કામ વાલ્મીકિ સમાજનો પરિવાર, મહિલાપુરુષ બન્ને કરે છે તો ય તેની હાલત નિરાધાર રહી છે. નથી રહેવાને મકાન, નથી શૈક્ષણિક સગવડ, નથી પૂરતો પોષણક્ષમ ખોરાક, મેલું સાફ કરવાનું કામ પોતાના હાથે કરી સ્વચ્છતા બક્ષનારો સમાજ પોતે ગંદી, કઢંગી હાલતનો ભોગ બની રહેલ છે.
ગ્રામપંચાયત, નગરપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઓ, નિગમો, જુદીજુદી સરકારી કચેરીઓ વગેરેમાં સફાઈનું કામ કરતા સફાઈ-કામદારને પૂરા પગારના, પ્રોવિડન્ટ ફંડ, વારસાઈમાં નોકરી, પેન્શન વગેરે આર્થિક હિતના અધિકારો જે રીતે સચિવાલયના અધિકારી, કલેક્ટર કચેરીના કર્મચારીઓને લાભ અપાય છે, તેનાથી સફાઈ, કામદારને વંચિત રખાયા છે, તે બધી સંસ્થાઓમાં પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિ વહીવટકર્તા છે. એક બાજુ દલિતોના ઉદ્ધારની વાત કરવી બીજી બાજુ અમલદારીમાં સફાઈ કામદારોનું કારમું બેફામ શોષણ થાય છે. લોકતંત્રમાં આનાથી શરમજનક ઘટના બીજી કઈ હોઈ શકે?
કૉન્ટ્રાક્ટ આપનાર સરકારી, અર્ધસરકારી એજન્સીઓ અને પ્રજાએ ચૂંટેલ સંસ્થાઓ નગરપંચાયત, નગરપાલિકા હોય છે. સરકારી કામે ય કૉન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરી વાલ્મીકિ સમાજનું લોહી પીવાની હદે પરિસ્થિતિ વણસી છે.
સ્વરાજ્યને ૭૩ વર્ષનાં વાણાં વીતી ગયાં છે. હજારો વર્ષથી ભૂખમરામાં સબડતા વાલ્મીકિ સમાજને આશા હતી કે સ્વરાજ પછી અમારા ગુલામીમાં સબડતા સમાજને સ્વતંત્રતા મળશે, ગુલામીમાંથી મુક્ત બનીશું, અમારાં બાળકોને ભણવાની તકો મળશે, તેઓને નોકરીઓ મળશે, સારાં મકાનો મળશે, રોજગારીની નવી તકો મળશે અને સમાજની હરોળમાં આવી ખભેખભા મિલાવી દેશના વિકાસમાં સહયોગી બનીશું, પરંતુ દુઃખની વાત છે કે અમારી તે આશા ઠગારી નીવડી છે. નવા ધંધા કે નવી રોજગારી ન મળી, પરંતુ ચાલુ સફાઈના ધંધામાં પણ તે કામ કરવામાં ય અમારા કારમા શોષણની ચક્કી ચાલુ રહી છે. સચિવાલય કે કલેક્ટર કચેરીના કારકુનને પૂરો પગાર મળે, મોંઘવારી મળે, રજાઓ મળે, માંદગીનું ખર્ચ મળે, પ્રોવિડન્ટ ફંડ મળે, વારસાઈની નોકરી મળે, પેન્શન મળે પણ સફાઈનું કામ કરનારા વાલ્મીકિ સમાજને આમાંથી કશું ન મળે તે માટે કૉન્ટ્રાક્ટની નવી પદ્ધતિ શોધી કાઢી કોન્ટ્રાક્ટરને ઘી-કેળાં અને સફાઈનું કામ કરનારા મહિલા અને પુરુષ-કામદારને ટુકડા ફેંકવાના. આ અમાનવીય પ્રથાને નાબૂદ કરવા સમાજે ઘણા કાલા-વાલા કર્યા, પરંતુ તે નિષ્ફળતામાં પરિણમ્યાં છે. અર્ધભૂખમરાની હાલતમાં અને ગુલામીપ્રથામાં હજુ વાલ્મીકિ સમાજને ક્યાં સુધી સબડવાનું છે ? લોકતંત્રથી ચુંટાયેલ સરકારમાં માનવીય ગુણોનો અંશ હોય તો તત્કાળ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વટહુકમ આપે અને કાયદાનું સ્વરૂપ આપે.
સમાજના સફાઈ-કામદારો જ્યાં-જ્યાં કૉન્ટ્રાક્ટ થતા હોય તેવાં કામોનો બહિષ્કાર કરે ને સમાજના કોઈ વ્યક્તિએ અવેજીમાં કામે ન જવા સંકલ્પ કરો. મહાત્મા ગાંધીજીનું શસ્ત્ર સત્યાગ્રહ હતું તે શસ્ત્રનો ઉપયોગ આપણે સત્યનો અમલ માટે કરાવવા જાગૃતપણે સંગઠિત બની ડૉ. બાબાસાહેબ આંબેડકરના પગલે સંઘર્ષ કરવા મંડી પડવાનું છે.
લીંભોઈ, તા. મોડાસા, જિ. અરવલ્લી
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 09
![]()


ગુજરાતભરમાં હિંમતનગરમાં ચાલતા એકમાત્ર સહકારી પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક અને પ્રમુખ નૂરભાઈ લાઘાણીનું મૃત્યુ થતાં કામદારોએ મને આવીને પ્રમુખ થવા કહ્યું. મેં કહ્યું કે પ્રિન્ટિંગ પ્રેસના કામનો મને અનુભવ નથી, એટલે ઉપયોગી થઈ શકીશ નહીં. ત્યારે કામદારોએ કહ્યું કે પ્રેસનું કામકાજ અમો સંભાળી લઈશું. આપ પ્રમુખ હોવ તો પંચાયત, સહકારી અને સરકારી કામકાજ મળી શકે. મારા પ્રમુખ થયા પછી જિલ્લાની સહકારી સંસ્થાઓ સભ્ય બનાવી શૅરભંડોળ વધાર્યું. પ્રેસ ધમધોકાર ચાલવા માંડ્યો અને મોડાસામાં તેની શાખા શરૂ કરી, છ માસમાં જ પ્રિન્ટિંગ પ્રેસના મૅનેજર ઉપર પ્રોવિડન્ટ ફંડ લાગુ ન કરવા માટે પ્રોવિડન્ટ ફંડના ઇન્સ્પેક્ટરે કોર્ટમાં ફરિયાદ મૂકી, ત્યારે મૅનેજરે કહ્યું કે પ્રેસમાં પૂરા કામદારો નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ દાખલ કર્યો નથી. આ તો ઇન્સ્પેક્ટર બધા પાસેથી હપતા ઉઘરાવે પણ આપણે આપીએ નહીં, એટલે ખોટો કેસ કર્યો.