રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું
ભારતને અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું ઐતિહાસિક કામ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થતાં એમને રાષ્ટ્રપિતા ગણાવવાની પ્રચલિત પરંપરા છે. તેનાથી વિપરીત દેશના વર્તમાન ભાજપી શાસકો અને એમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત સહોદર સંગઠનો ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં સંકોચ અનુભવે છે અને એટલે જ સંઘના કોઈ કાર્યક્રમમાં ગાંધીજીની તસવીર મૂકાય તો એ ન્યૂઝ બને છે. ગાંધીહત્યાનો આરોપ વીર સાવરકરના જૂથની સાથે જ સંઘ પરિવાર ઉપર પણ આવ્યો હતો. દેશના ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે એના પર બંધી લગાવી અને ઊઠાવી હતી, પણ ગાંધીહત્યા સુધીના ઝેરી પ્રચારનું વાતાવરણ તૈયાર કરવામાં સંઘનો હાથ હતો, એ વાત છેલ્લે સુધી સરદારે પોતાના પત્રોમાં સ્વીકારી હતી. તેમને એ વાતનું પણ દુ:ખ હતું કે ગાંધીજીની હત્યા થઈ ત્યારે સંઘ પરિવારના લોકોએ મીઠાઈ વહેંચીને તેનો આનંદ મનાવ્યો હતો. (‘આરએસએસ બીજાં ઘણા પાપ અને ગુનાઓ માટે નિ:શંકપણે જવાબદાર છે, પણ આ પાપ (હત્યા) માટે નહીં’, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર સરદારનો 27 ફેબ્રુઆરી, 1948નો પત્ર)
સંઘ પરિવારની પ્રચલિત માન્યતા એવી છે કે આ દેશ કાંઈ ગાંધીએ સર્જ્યો નથી. એનો પાંચહજાર વર્ષ પુરાણો ઇતિહાસ છે. સંઘનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2015ના રોજ કોંગ્રેસી શાસકોની પરંપરા જાળવતાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર આદર વ્યક્ત કરવા ગયા. ઉપરાંત ટ્વિટ કરીને પણ મહાત્માને શત શત વંદન કર્યાં. ઝારખંડના દુમકામાં પણ એમણે મહાત્મા ગાંધી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો, પરંતુ એમની વડાપ્રધાન તરીકેની વેબસાઇટ પર મૂકાયેલાં વ્યાખ્યાન કે ટ્વિટમાં ગાંધીજયંતીએ ક્યાં ય એમણે ‘રાષ્ટ્રપિતા’ શબ્દપ્રયોગ કરવાનું ટાળ્યું છે. એ જુદી વાત છે કે સરકારી પ્રસાર માધ્યમોએ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપિતાને અંજલિ અર્પવામાં આવી, એવા સમાચાર પ્રસારિત કર્યા હોય, પણ સ્વયં વડાપ્રધાને સ્વયંસેવક તરીકેની શિસ્ત જાળવીને કે અજાણતાં ગત 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી માટે ક્યાં ય રાષ્ટ્રપિતા જેવો શબ્દપ્રયોગ કર્યો નથી.
મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય ફલક પર ઉપસેલા લોકમાન્ય બાળગંગાધર ટિળકનું 1 ઓગષ્ટ 1920ના રોજ નિધન થતાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય ચળવળમાં એમના ખાલીપાને મહાત્મા ગાંધીએ ભરવાની કોશિશ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની 1925માં સ્થાપના કરનાર અને ક્રાંતિકારી માર્ગે આઝાદી મેળવવાના આકાંક્ષી ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું. એમણે તો પાંડિચેરી જઈને મહર્ષિ અરવિંદ(પૂર્વાશ્રમમાં ક્રાંતિકારી અને બોમ્બ સંસ્કૃિતના સમર્થક એવા પ્રા. અરવિંદ ઘોષ)ને નાગપુરમાં 1920માં મળનારી કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા વિનવણી પણ કરી જોઈ હતી. અરવિંદે નન્નો ભણ્યો એ પછી કોંગ્રેસમાં છવાતા ગયેલા સત્યાગ્રહ અને અહિંસાના પ્રણેતા મહાત્મા ગાંધીનું નેતૃત્વ એમણે નાછૂટકે સ્વીકારવું પડ્યું હતું. કોંગ્રેસમાં ગાંધીયુગ બેઠો એટલે ટિળકવાદીએ પોતાને બાજુએ હડસેલાયેલા સમજવા માંડ્યા.
સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર (ગુરુજી) ગાંધીહત્યા પછી 1952માં પણ સાવરકર સાથે પુણેમાં એકમંચ પર આવીને ગાંધીજીની રાષ્ટ્રપિતા ગણાવવાની બાબતમાં ખુલ્લી અસંમતિ વ્યક્ત કરતા જણાયા હતા. 1961માં સંઘના રાજકીય ફરજંદ જનસંઘના નેતા અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ ‘ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ’ એવું જણાવ્યું હતું. આ હકીકત ‘ધ આરએસએસ ઍન્ડ ધ બીજેપી : અ ડિવિઝન ઑફ લેબર’માં એ. જી. નૂરાની જેવા વિદ્વાન અભ્યાસી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ નોંધી છે. ભાજપના અધ્યક્ષ રહેલા નેતા લાલકૃષ્ણ આડવાણી પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા માનવાનો સાફ ઇનકાર કરી રહ્યાનું ટાઇમ્સ ઑફ ઈન્ડિયા 17 ઑક્ટોબર 1980ના અંકમાં તેઓ જણાવે છે. આમ છતાં મુંબઈના વાંદરા રેકલેમેશનમાં સમતાનગર ઊભું કરીને યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના 1980ના સ્થાપના અધિવેશનમાં સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી અને આડવાણી જોડીએ ‘ગાંધીવાદી સમાજવાદ’ને સ્વીકારવાની રજૂઆત કરી ત્યારે એનો વિરોધ કરનાર માત્ર રાજમાતા વિજયારાજે સિંધિયા અને ભૈરોંસિંહ શેખાવત જ હતા. એ અધિવેશન કવર કરનાર આ લેખકે એ વેળા રાજમાતા અને ભૈરોંસિંહના વિસ્તૃત વિરોધ-ઈન્ટરવ્યુ પણ કર્યા હતા.
મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધોને સંઘ તરફથી નકારવામાં આવ્યા છે. એમણે 1934માં સંઘ છોડીને હિંદુ મહાસભા સાથે જોડાવાનું પસંદ કર્યું હોવાનું કહી હાથ ખંખેરવાનો પ્રસાય થયો છે. સંઘના સરસંઘચાલક રહેલા પ્રા. રજ્જુ ભૈયાએ ‘આઉટલુક’ની મુલાકાતમાં નથુરામ ગોડસેને કોંગ્રેસી ગણાવવાની કોશિશ કરી હતી. એમ તો સંઘના સંસ્થાપક ડૉક્ટરજી પણ કોંગ્રેસી જ હતા! જો કે મુંબઈમાં ગોપાલ ગોડસે (નથુરામના લઘુબંધુ) સાથેની આ લેખકની ચર્ચા કે તેમણે ઈન્ડિયન ઍક્સપ્રેસને આપેલી મુલાકાતમાં પણ છેલ્લે સુધી ગોડસે પરિવારને સંઘ સાથે સંબંધ જળવાયાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. એટલું જ નહીં, ગોપાલ ગોડસે ઘણી વાર સંઘસંચાલિત ’હિંદુસ્તાન સમાચાર’ સંસ્થાની મુંબઈ સ્થિત કચેરીની સ્વજનભાવે 1977-81 દરમિયાન મુલાકાત પણ લેતા રહ્યા હતા. તેઓ પોતાને સંઘના સ્વયંસેવક ગણાવવામાં ગર્વની અનુભૂતિ કરતા હતા. 1965માં જેલમાંથી છૂટેલા ગોપાલરાવનું 2005માં નિધન થયું હતું. પ્રદીપ દળવી લિખિત અને વિનય આપ્ટે દિગ્દર્શિત ‘મી નથુરામ ગોડસે બોલતોય’ નાટક મહારાષ્ટ્રમાં ખૂબ ગાજતું રહ્યું છે.
મહાત્માને સંઘની પ્રાર્થનામાં ‘પ્રાત:સ્મરણીય’ ગણાવાયા છતાં આરએસએસની ગાંધીજી ભણીની દુર્ભાવના અનેક વાર સંઘ પરિવારના સંગઠનોમાં પ્રગટતી રહી છે. 1965માં દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનમાં સંઘ સંલગ્ન નગરસેવકોએ એક ઠરાવમાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા ગણાવવા સામ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના વર્તમાન સાંસદ સાક્ષી મહારાજ મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને ‘દેશભક્ત’ ગણાવે છે, તો વિશ્વ હિંદુ પરિષદનાં સાધ્વી પ્રાચી આર્ય મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવવા સામે ખુલ્લો વિરોધ કરે છે. સંઘ પરિવારમાંથી ક્યારેક માગ ઊઠે છે કે મહાત્મા ગાંધીને બદલે સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરો. કારણ? સરદાર જ વર્તમાન ભારતના સાચા શિલ્પી હતા. માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વેબસાઇટ રાષ્ટ્રપિતા તરીકે ડૉ. ભીમરાવ આંબેડકરને જાહેર કરે છે. રાષ્ટ્રપિતા તરીકે ક્યારેક સાવકર તો ક્યારેક સુભાષચંદ્ર બોઝને જાહેર કરવાની ઊઠતી માંગ પાછળ મતનું રાજકારાણ જોવા મળે છે.
એકંદરે મહાત્મા ગાંધીની છબીને ધૂમિલ કરવાના ચોફેરથી પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે વડાપ્રધાને મૂકપ્રેક્ષક બનીને આવી ચર્ચાને મોકળાશ બક્ષવાની જરૂર નથી. આવી રાષ્ટ્રભંજક પ્રવૃત્તિને રોકવા તેમણે દેશવાસીઓને ખરા અર્થમાં અપીલ કરવાની જરૂર છે.
સૌજન્ય : ‘ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, 21 અૉક્ટોબર 2015
![]()


કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારે મહિસૂરના રાજવી રહેલા ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણીનો નિર્ણય કર્યો અને હિંસક વિવાદ ભડક્યો. કર્ણાટકના દેવનહલ્લીમાં ૨૦ નવેમ્બર ૧૭૫૦ના રોજ જન્મેલા ફતેહઅલી ખાન બહાદુર ઉર્ફે ટીપુ સુલતાન અંગ્રેજોની કંપની સરકારની સેના સામે ચોથા યુદ્ધમાં લડતાં ૪ મે ૧૭૯૯ના રોજ મરાયો. એને ખાસ્સાં બસ્સો કરતાં વધુ વર્ષ વીત્યાં છતાં મહિસૂરના આ શાસકને રાષ્ટ્રનાયક ગણવો કે રાષ્ટ્રદ્રોહી એ હજુ અનિર્ણિત વિવાદ જ રહ્યો છે. સવિશેષ એટલા માટે કે ટીપુ સામે અંગ્રેજોને પક્ષે લડનારાઓમાં પેશવાના મરાઠા અને હૈદરાબાદના નિઝામ હતા. ટીપુને પડખે ફ્રેંચ હતા.
ઈશુના વર્ષ ર૦૧૬માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. એના પાઈલટ-પરાક્રમ તરીકે બબ્બે વાર કૉંગ્રેસ અધ્યક્ષ રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ તથા તાશ્કંતમાં ભારત-પાક મંત્રણા વખતે મૃત્યુ પામેલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં રહસ્યમય મોત પરથી પડદો ઊંચકવા માટેની ગાજવીજ ભારે છે. સ્વરાજ મેળવવામાં ક્યારે ય સક્રિય ભૂમિકા નહીં ભજવનારાઓનાં સંગઠનો અને એમનાં રાજકીય ફરજંદોએ ભૂતકાળમાં ગાંધીજી-નેહરુની નેતાગીરીથી દુભાયેલા કૉંગ્રેસી કે બીજા નેતાઓને પોતીકા ગણાવવાનાં – પ્રજાને પ્રભાવિત કરવાનાં નિતનવાં અભિયાન આદર્યાં છે. કૉંગ્રેસના સૌથી મજબૂત નેતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલને ઍન્કૅશ કર્યા પછી હવે નેતાજી બોઝ અને લાલબહાદુર શાસ્ત્રીનો વારો છે.
ગુરુજી તરફથી જનસંઘની બાંધણી માટે અને દેશભરના સ્વયંસેવકોનો સહકાર મળી રહે એ માટે એમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા પ્રચારક આપવામાં આવ્યા હતા. શ્યામાપ્રસાદ અને દીનદયાળ બેઉનાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયાં હતાં. આજે ભા.જ.પ. કે સંઘ પરિવાર થકી સુભાષ અને શાસ્ત્રીના મૃત્યુનાં રહસ્યને ખોલવા ઊહાપોહ મચાવાય છે, પણ જનસંઘના બબ્બે અધ્યક્ષોનાં મૃત્યુનાં રહસ્ય ખુલે એ દિશામાં અનેક રાજ્યો અને કેન્દ્રમાં સત્તાસ્થાને બેઠેલા ભા.જ.પ. અને સંઘના અગ્રણીઓ મૌન સેવે છે અથવા તો જાણી જોઈને એની વિસ્મૃિત કરવાનું પસંદ કરે છે.
જો કે જનસંઘમાંથી તગેડી મૂકાયેલા બલરાજ મધોકલિખિત આત્મકથાના તૃતીય ખંડ ‘જિંદગી કા સફર-૩, દીનદયાળ ઉપાધ્યાય કી હત્યા સે ઇન્દિરા ગાંધી કી હત્યા તક’(દિનમાન પ્રકાશન, દિલ્હી, ર૦૦૩)માં ઇતિહાસના આ પ્રાધ્યાપકે જે રહસ્યોદ્દઘાટન કર્યાં, એ પછી સંઘ-જનસંઘ-ભા.જ.પ.ના કોઈ પણ નેતાની હિંમત શ્યામાબાબુ અને દીનદયાળની હત્યાઓના રહસ્ય પરથી પડદો ઊંચકવાની થઈ શકે તેમ નથી. કારણ? નેહરુઘરાના પર દોષારોપણ કરવાની ચાલતી રહેલી પરંપરાથી વિપરીત બલરાજ મધોકે રજૂ કરેલાં તથ્યો પોતીકાઓની જ સંડોવણી ભણી અંગુલિનિર્દેશ કરે છે. વર્ષ ર૦૦૩થી આજ લગી ઉપલબ્ધ મધોકની આત્મકથા સામે ભા.જ.પ. કે સંઘ કે બીજી કોઈ વ્યક્તિઓએ બદનક્ષીનો દાવો કર્યાનું સાંભળ્યું નથી; ભલે એમાં સંઘના સરસંઘચાલક રહેલા બાળાસાહેબ દેવરસ,વરિષ્ઠ પ્રચારક રહેલા નાનાજી દેશમુખ અને દેશના વડાપ્રધાન રહેલા અટલબિહારી વાજપેયીના નામોલ્લેખ સાથે હત્યાના ષડ્યંત્રનાં વિશદ વર્ણન કરાયાં હોય.