હોગા કોઈ ઐસા ભી કિ 'ગાલિબ' કો ન જાને
શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહુત હૈ
મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન 'ગાલિબ'ની આજે ૨૨૧મી સાલગિરહ છે. ઇતિહાસ એ લોકો બનાવે છે, જે પરંપરાવાદી દુનિયાની સીમાઓ તોડે છે. ગાલિબ એટલે જ એક ઇતિહાસ છે, જે બસ્સો વર્ષ પછી પણ એટલા જ વ્હાલથી યાદ રાખવામાં આવ્યો છે. પ્રેમ અને દર્શનની નવી વ્યાખ્યા કરનાર અને હિજ્ર અને વિસાલ (જોડ અને તોડ) બંનેને સાથે રાખીને જીવનાર ગાલિબે એના ચિંતનથી એવી જાદુઈ દુનિયા રચી છે, કે તે હજુ ય કરોડો લોકોને મોહિત કરે છે.
‘ગાલીબ’ના અંતિમ દિવસોનો આ એક માત્ર પોટ્રેટ ૧૮૮૬માં લેવામાં આવ્યો હતો. ગાલીબના દોસ્ત બાબુ શિવ નારાયણ પાસેથી તેની પ્રપૌત્રી શ્રીમતી સંતોષ માથુર પાસે આ ફોટો આવ્યો હતો. અત્યારે એ અલ્હાબાદમાં પ્રાઇવેટ સંગ્રહમાં છે.
ગાલિબનો જન્મ ૨૭ ડિસેમ્બર ૧૭૧૬માં આગ્રાના કાલા મહલમાં અને મોત ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૯માં દિલ્હીની નિજામુદ્દીન બસ્તીમાં. ચાર વર્ષના હતા, ત્યારે જ પિતા અલવિદા ફરમાવી ગયા. પરિણામે ગાલિબ બચપણથી જ અનિયંત્રિત અને સ્વછંદ. આ સ્વભાવ આખી જિંદગી સાથે રહ્યો, અને એમાંથી જ એનું બેસ્ટ સર્જન આવ્યું. ૧૧ વર્ષની ઉંમરે ગાલિબે લખવાનું ચાલુ કર્યું. ૧૩ વર્ષની ઉંમરે લોહારું નવાબના ભાઈ ઇલાહી બખ્શ ખાનની બેટી ઉમરાવ ખાન સાથે શાદી થઇ ગઈ. ૧૫ વર્ષની ઉંમરે બંને દિલ્હી આવી ગયાં, જ્યાં એમણે 'ગાલિબ' બનતા પહેલાં ‘અસદ' તખ્ખલુસથી લખવાનું ચાલુ કર્યું. સાત સંતાનો થયાં. એક પણ જીવિત ન રહ્યું. એમની શાયરીમાં જીવનનાં આવાં દર્દ છલકતાં હતાં –
શહાદત થી મિરી કિસ્મત મેં, જો દી થી યહ ખૂન મુજકો
જહાં તલવાર કો દેખા, ઝુકા દેતા થા ગર્દન કો
સ્વભાવગત જ જવાબદારીનું કોઈ ભાન નહીં, ગૃહસ્થી શું ખાક નિભાવે? આખી જિંદગી ફાકા-મસ્તી અને ભૂખમરામાં ગઈ. એમાં જ ગાલિબની અંદર જે બદલાવ આવ્યો, તે એને સૂફી સંતની ઊંચાઈ પર લઇ ગયો. પોતાની કમનસીબીમાં પણ સાર્થકતા જોતાં એ લખે છે –
ગાલિબ વઝીફા-ખ્વાર હો દો શાહ કો દુઆ
વો દિન ગયે કી કહેતે થે નૌકર નહીં હું મૈ
(ગાલિબ, તારે રાજાનો આભાર માનવો જોઈએ કે તને એનો આસરો છે, 'હું નોકર નથી' એવું કહેવાના દિવસો ગયા)
ગાલિબની બે મોટી કમજોરીઓ – શરાબ અને જુગાર. આખી જિંદગી એ એનાથી પીછો છોડાઈ ન શક્યા. ઘરમાં દૂધવાળા, ધોબી, રાશનવાળા, કિતાબોવાળા ઉઘરાણી કરતા રહે. એક વાર ગાલિબ પાસે પૈસા ખતમ થઇ ગયા. ત્યારે એ ફારસી પુસ્તક લખતા હતા, અને શરાબની સખ્ત જરૂરત હતી. બેગમ ઉમરાવે પૈસા માટે સાફ ના પડી દીધી, અને ઉપરથી મેણું માર્યું – ખુદાના દરબારમાં દુઆ માગો અને નમાઝ અદા કરો, ઈચ્છા પૂરી થશે. ગાલિબ ગયા જામા મસ્જિદ. ત્યાં નમાઝ પઢવાનું શરૂ જ કર્યું હતું અને સામે કોઈએ બોટલ મૂકી. એક દોસ્ત કામથી ઘેર ગયો હતો, અને બીવીએ કહ્યું કે ગાલિબ મસ્જિદ ગયા છે, તો પેલો બોટલ ઊઠાવતો ગયો ગાલિબ પાસે અને બોટલ થમાવી. ગાલિબ અડધી નમાઝ છોડી ઊભા થયા તો કોઈકે ટકોર પણ કરી, જવાબમાં ગાલિબ બોલ્યા – ભાઈ, મારું તો અડધી નમાઝમાં જ કામ થઇ ગયું!
ગાલિબનું ઘર હકીમોની મસ્જિદ નીચે જ હતું, અને લોકો એમને ટોક્યા કરે કે, મિયાં મસ્જિદમાં પડછાયામાં શરાબ ના પીવો. એમાં ગાલિબનો સૌથી અધ્યાત્મિક શેર આવ્યો –
જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠકર
યા વો જગહ બતા જહાં પર ખુદા ન હો
એમાં એકવાર શરાબના ઠેકાવાળાએ ઉધારીના કારણે ગાલિબ પર કેસ કરી દીધો. કોર્ટમાં ગાલિબને સવાલ-જવાબ થયા, એનાથી ખુશ થઇને એ બોલ્યા –
કર્જ કી પીતે થે મય લેકિન સમજતે થે કિ હાં
રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન
કોટે ગાલીબને તરત છોડી મુક્યા. ગાલિબના સમકાલીન શેખ મુહ્મ્મદ ઈબ્રાહીમ જૌક (લાઈ હયાત, આયે, લે ચલી, ચલે … ન અપની મરજી આયે, ન અપની ખુશી ચલે) બહાદુર શાહ ઝફરના દરબારી શાયર. ઝફરને ગાલિબની રચનાઓ ગમે. જૌકને આ ના ગમે. એકવાર ગાલિબ જુગાર રમવા બેઠેલા અને જૌકનો રસાલો નીકળ્યો. ગાલિબે તંજ કર્યો, 'બના હૈ શાહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા.' જૌકને ખબર પડી એટલે એમણે બાદશાહને ફરિયાદ કરી. ગાલિબને દરબારમાં ઊભા કરવામાં આવ્યા. ઝફરે ખુલાસો પૂછ્યો તો ગાલિબે ચતુરાઈથી કહ્યું, હું ગઝલ લખતો હતો, અને જે બોલ્યો એ તો એનો મક્તા હતો. બાદશાહને કહ્યું, સંભળાવો પૂરી ગઝલ. અને ગાલિબ બોલ્યા –
હર બાત પે કહેતે હો તુમ કિ 'તું ક્યા હૈ'
તુમ્હી કહો કિ એ અંદાજ-એ-ગુફ્તગુ ક્યા હૈ
હુઆ હૈ શહ કા મુસાહિબ, ફિરે હૈ ઇતરાતા
વગરના શહર મેં 'ગાલિબ' કી આબરૂ કયા હૈ
ગાલિબ કોણ હતા, એ જો કોઈ પૂછે તો એવું કહેવાય કે અંગ્રેજી ભાષાને શેક્સપિયર જે ઊંચાઈ પર લઇ ગયા, ઉર્દૂને એવું જ સન્માન ગાલિબે આપ્યું. મહાન શાયરો તો અનેક થયા છે, પણ ગાલિબ એ બધામાંથી અલગ પડે છે એમની રચનાઓમાં, વિચારોમાં, સંવેદનાઓમાં, ભાષામાં, અભિવ્યક્તિમાં જે નવીનતા અને તેજસ છે તેના કારણે. કદાચ એટલે જ એમણે સવાલ પૂછીને જવાબ પણ આપી દીધો હતો –
પૂછતે હૈ વોહ કી 'ગાલિબ' કોન હૈ
કોઈ બતલાયે કી હમ બતલાયે ક્યા
https://www.facebook.com/raj.goswami.31/posts/2253277464722584