ચાર કલાકની નોટિસ આપીને દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં બેઘર અને બેકાર થઇ ગયેલા હજારો શ્રમિકોની હૃદયદ્રાવક વાતો અને તસ્વીરો તમે જોઈ હશે. ભૂખ્યા-તરસ્યા અને હાથે-પગે ચાલતા શ્રમિકોનું શહેરોમાંથી તેમનાં ગામો તરફનું પલાયન, ૧૯૪૭ના વિભાજન વખતના પલાયનની યાદ આપાવે તેવું હતું. એમાં ઇન્દોર જિલ્લામાંથી પસાર થતા આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આવેલો એક વીડિઓ (લેખ સાથે તેની તસ્વીર છે) તમે કદાચ જોયો હશે. તેમાં રાહુલ નામનો ૪૦ વર્ષનો એક માણસ, ગાડામાં એક મહિલા અને છોકરાને લાદીને, ખુદ બળદ સાથે જોતરાયો હતો. તેમાં એ બોલતો હતો, "બસો નથી ચાલતી, નહીં તો અમે બસમાં ગયા હોત. મારા પિતા, ભાઈ અને બહેન આગળ ચાલતાં ગયા છે, શું કરીએ? મારી પાસે બે બળદ હતા, પણ ઘરમાં લોટ અને બીજો સમાન ખતમ થઇ ગયો, એટલે ૧૫,૦૦૦ના બળદને ૫,૦૦૦માં વેચી દીધો."
આઈરીશ કવિ અને નાટ્યકાર ઓસ્કાર વાઈલ્ડે ૧૮૮૯માં તેના એક લેખમાં લખ્યું હતું કે, “કળા જીવનની નકલ નથી કરતું, કળાની નકલ જીવન કરે છે.” પશ્ચિમની કળાની તો આપણને ખબર નથી, પણ ભારતીય હિન્દી સિનેમામાં તો એવું બને છે કે જીવનની વાસ્તવિકતાની પડદા પર પ્રતિબિંબિત કરવામાં આવે છે. એવું ના હોત, તો કેવી રીતે શક્ય છે કે ૧૯૫૩માં બિમલ રોયે તેમની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં ઘોડાગાડીમાં ઘોડાની જગ્યાએ બલરાજ સહાનીને જોતર્યા હતા!
એ સાચું કે તત્કાલીન કલકત્તામાં કછોટો મારેલા એક્વલડી માણસો ખેંચતા હોય તેવી હાથ-રિક્ષાઓ ૧૩૦ વર્ષથી પ્રચલિત હતી. ૧૮૭૦ના દાયકામાં જાપાનમાં આવી રિક્ષાઓની શરૂઆત થઇ હતી, કલકત્તામાં તેનો પ્રવેશ થયો તે પહેલાં, બંગાળી શેઠો અને જમીનદારો પાલખીમાં ફરતા હતા. પાલખી તેમનું સામાજિક સ્ટેટ્સ હતું. અંગ્રેજો તેમનું વર્ચસ્વ અને સ્ટેટસ સાબિત કરવા હાથ-રિક્ષાઓ લઇ આવ્યા, અને તેના કારણે એક એવો મજદૂર વર્ગ પેદા થયો, જેનો વ્યવસાય જ હાથ-રિક્ષાઓમાં ગોરા સાહેબો અને પછી તો બંગાળી શેઠોને પણ લાવવા-લઇ જવા માટેનો હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ થયું, ત્યારે અનેક વિસ્થાપિત બાંગ્લાવાસીઓ અને ગરીબ ભારતીયો આ વ્યવસાયમાં જોતરાયા હતા.
૨૦૦૫માં તત્કાલિન ડાબેરી સરકારે આને માનવીય શોષણ અને ગરિમાનું અપમાન ગણાવીને હાથ-રિક્ષાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ એમાં રિક્ષા-ચાલકો બેરોજગાર થઇ જશે, તેવા તર્ક સાથે કોલકત્તા હાઈ કોર્ટે આ પ્રતિબંધ ફગાવી દીધો હતો. કોલકત્તામાં આજે પણ ૧૮,૦૦૦ રિક્ષા ખેંચનારા છે. હવે તેનાં નવાં લાયસન્સ આપવાનાં બંધ થઇ ગયાં છે અને મમતા બેનરજીની સરકાર આ રિક્ષાઓમાં બેટરી બેસાડી રહી છે.
‘દો બીઘા જમીન’માં બલરાજ સહાનીની યાતનાના પગલે દેશના પ્રવાસી શ્રમિકોની કરુણ વાસ્તવિકતાને હિન્દી સિનેમામાં સ્થાન મળ્યું. લોકડાઉનના પગલે દિલ્હીમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થયું, ત્યારે શાસક પક્ષના એક નેતાએ સવાલ કર્યો હતો, “આ લોકો ઘેર કેમ જાય છે? જ્યાં છે, ત્યાં કેમ નથી રહેતા?” હિન્દી સિનેમામાં દેશના પ્રવાસી શ્રમિકોની કહાનીઓ આવી, તેમાં એ સવાલનો જવાબ હતો: મજબૂરી ના હોય, તો કોઈ ઘર ના છોડે. એક સમય હતો, જયારે હિન્દી સિનેમામાં ‘મજદૂર’ અને ‘કિસાન’ હિરો હતા, અને તે ભારતીય જીવનની અસલિયતને પેશ કરતા હતા.
એમાં ‘દો બીઘા જમીન’ બેંચમાર્ક છે. બિમલ રોયે (પરિણીતા, બિરાજ બહુ, સુજાતા મધુમતી, બંદિની) રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા ‘દુઈ બીઘા જોમી’ પરથી આ ફિલ્મ બનાવી હતી. ૧૯૫૨માં બિમલ રોયે મુંબઈમાં યોજાયેલા પ્રથમ અંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ‘બાઈસિકલ થીફ’ (સાઇકલ ચોર) નામની ઇટાલિયન ફિલ્મ જોઈ હતી, જેમાં દ્વિતીય મહાયુદ્ધ પછીના રોમમાં એક ગરીબ પિતા તેની ચોરાઈ ગયેલી સાઈકલ શોધે છે, જે ના મળે તો તેની નોકરી જોખમમાં છે. આ ફિલ્મને પરદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર મળ્યો હતો અને તે ઇટાલીના ગરીબ અને કામદાર વર્ગ પરની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. તેના પરથી બિમલ રોયને અસલી લોકેશન પર શૂટ થઇ હોય અને શહેરની વાસ્તવિકતા રજૂ કરતી હોય, તેવી હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તે વખતે સંગીતકાર સલિલ ચૌધરી બંગાળી ફિલ્મો જ કામ કરતા હતા. તેમણે ટાગોરની કવિતા પરથી ‘રિક્ષાવાલા’ નામની વાર્તા લખી હતી, જેમાં એક બંગાળી ખેડૂત તેની જમીનને બચાવવા કોલકત્તાની સડકો પર પગ ઘસે છે. સલિલ’દા મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સાથે મળીને તેના પરથી ફિલ્મ બનાવવાના હતા, પણ ઘટકના મિત્ર બિમલ રોયે આ વાર્તા વાંચી હતી અને તેમણે સલિલ’દા પર એ જ દિવસે ટેલીગ્રામ કરીને આ વાર્તા માગી લીધી હતી, જે દિવસે સલિલ’દાનાં લગ્ન થવાનાં હતાં. સલિલ’દા એ એક શરતે હા પાડી; ફિલ્મનું સંગીત એ કમ્પોઝ કરશે! સલિલ ચૌધરીનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ અ રીતે થયો હતો. (એક આડ વાત : મીના કુમારીની પણ આ પહેલી ફિલ્મ છે. ‘આ રી આ, નિન્દીયા તું આ’ લોરી ગાવા પૂરતી તે એમાં આવે છે.)
ફિલ્મમાં શંભુ (બલરાજ સહાની) બે વીઘા જમીન પર ગર્ભવતી પત્ની પાર્વતી (નિરૂપા રોય), પુત્ર કનૈયા અને બાપ મંગુનું પાલનપોષણ કરે છે. ગામમાં જમીનદાર હરનામ સિંહ (મુરાદ) તેની વિશાળ જમીન પર મિલ લાવે છે. તેમાં વચ્ચે શંભુની જમીન આવે છે. એ જમીન પડાવી લેવા, ઠાકુર શંભુ પર દેવું ચુકવવા દબાણ કરે છે. શંભુ ઘરનો સમાન વેચીને પણ દેવું ચૂકતે કરી શકતો નથી, કારણ કે ઠાકુરના મુંશીએ નકલી કાગળો બનાવીને દેવાની રકમ ૩૫થી વધારીને ૨૩૫ કરી નાખી હોય છે.
મામલો કોર્ટમાં જાય છે અને કોર્ટ પણ ફેસલો આપે છે કે શંભુએ ૩ મહિનામાં રકમ ચૂકવવી પડશે, નહીં તો જમીન વેચીને વસૂલ કરવામાં આવશે. વખનો માર્યો શંભુ તેના દીકરા સાથે કલકત્તા જઈને રિક્ષા ખેંચવાનું કામ શરૂ કરે છે, પણ એમાં ય એની પનોતી બેસે છે. રિક્ષા ચલાવવામાં એ જખ્મી થઇ જાય છે, તેની સગર્ભા પત્ની તેને મળવા શહેર આવે છે અને અકસ્માતનો ભોગ બને છે. તેનો પુત્ર ગરીબીથી ત્રાસીને ચોરી કરે છે. શંભુની કમાણી પત્નીની સારવારમાં જ ખતમ થઇ જાય છે. થાકી-હારીને પરિવાર પાછો ગામ જાય છે, તો જમીન વેચાઈ ગઈ હોય છે અને મિલ બની રહી હોય છે. તેનો બાપ પાગલ થઇને રખડતો હોય છે. છેલ્લે શંભુ તેની જમીનની માટી મુઠ્ઠીમાં ભરે છે, તો ત્યાં બેઠેલો ગાર્ડ એ માટી પણ લઇ લે છે.
બલરાજ સહાનીનો એક્ટર પુત્ર પરીક્ષિત સહાની પિતાના જીવનચરિત્રમાં લખે છે, “રિક્ષા ખેંચનાર શ્રમિકની ભૂમિકા માટે પિતાએ ખૂબ અભ્યાસ કર્યો હતો. એ જોગેશ્વરીમાં દૂધવાળા ભૈયાની વસ્તીમાં ગયા હતા, જ્યાં તેમનું કામ તો જોવા મળે જ, સાથે તેમનો જુસ્સો પણ સમજવા મળે. એ ખેતરમાં જઈને ખેડૂતો સાથે રહ્યા હતા, ઘરે જઈને સાથે જમ્યા હતા. કોલકત્તામાં ફિલ્મનું શુટિંગ થતું હતું, ત્યારે પિતા એક સ્થાનિક રિક્ષા-ચાલકને મળ્યા હતા, જેની વાર્તા પણ શંભુ જેવી જ હતી. બાકી હોય તેમ, રિક્ષા કેવી રીતે ખેંચાય, તે શીખવા માટે તે શહેરના આસ્ફાલ્ટના રોડ પર ખુલ્લા પગે દોડ્યા હતા. એમાં પગમાં ફોલ્લા પડી ગયા હતા.”
તેમની આત્મકથામાં બલરાજ સાહની લખે છે, “જોગેશ્વરીમાં બિહાર અને ઉત્તરપ્રદેશના ભય્યાઓ રહેતા હતા અને દૂધનો ધંધો કરતા હતા. બિમલ રોય સાથે મારી મુલાકાત થઇ, તે પછી હું તબેલાઓમાં જવા લાગ્યો. હું ધ્યાનથી જોતો કે તેઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ખાવા બેસે છે, કેવી બોલી બોલે છે અને કેવાં કપડાં પહેરે છે. હું બધું મગજમાં નોંધાતો હતો અને મારી જાતને તેમના સ્થાને કલ્પના કરતો હતો. ‘દો બીઘા જમીન’ની ભૂમિકામાં જે પણ સફળતા મેં મેળવી છે, તે આ ભૈય્યાઓના અભ્યાસને આભારી છે.”
‘દો બીઘા જમીન’ ડીરેક્ટર બિમલ રોયને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી ગઈ અને બલરાજ સહાનીને એક દમદાર અભિનેતા તરીકે સાબિત કરી ગઈ. ફિલ્મફેરમાં જે બેસ્ટ ફિલ્મની કેટેગરી છે, તે જીતનારી આ પહેલી ફિલ્મ છે. બલરાજ સહાની સામ્યવાદી હતા અને કાર્લ માર્ક્સને ‘ગુરુ’ માનતા હતા. રોજી-રોટી માટે એ ફિલ્મોમાં આવેલા, પણ તેમાં ય તેમણે તેમનો માનવતાવાદી અભિગમ જાળવી રાખ્યો હતો. ફિલ્મોમાં અને ફિલ્મો બહાર તે એક આદર્શ જીવન જીવતા હતા અને ગરીબોના અન્યાય સામે અવાજ ઉઠાવતા હતા.
તે આમ લોકો વચ્ચે જીવતા હતા. તે જવાહરલાલ નહેરુ અને અન્ય અનેક નેતાઓના અંગત મિત્ર હતા અને તેમની સાથે પ્રજાની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરતા રહેતા હતા. વિભાજનમાં તે રાવલપિંડીથી કોલકત્તા આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં તે અંગ્રેજી ભણાવતા હતા અને તેમની પત્ની હિન્દી ભણાવતી હતી. થોડો વખત તેમણે ગાંધીજી સાથે પણ કામ કરેલું પણ પછી સામ્યવાદી બની ગયા. ૧૯૪૭માં તેમની પત્નીના અવસાન પછી તો તેમણે સમાજ સેવામાં જ ઝંપલાવી દીધું હતું.
એ સમયે બંગાળમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને સાહની સાધારણ લોકોની વિપદાને સિનેમાના માધ્યમથી બતાવવા માંગતા હતા. ‘દો બીઘા જમીન’ (અને ‘ધરતી કે લાલ’) જેવી ફિલ્મો કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું. તે માનવધિકાર માટે અંદોલનો કરતા હતા અને સરકારની ટીકા પણ કરતા હતા.
૧૯૭૨માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ મુખ્ય મહેમાન તરીકે બલરાજ સાહનીએ એક અવિસ્મરણીય પ્રવચન આપ્યું હતું. તેમાં એમણે કહ્યું હતું, “જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં સ્વીકાર કર્યો છે કે દેશની આઝાદીની લડાઈમાં શરૂઆતથી જ મૂડીવાદી વર્ગનું વર્ચસ્વ રહ્યું છે. એટલે સ્વાભાવિક જ હતું કે આઝાદી પછી આ વર્ગનું શાસન અને સમાજ પર વર્ચસ્વ હોય. આજે કોઈ એ વાતનો ઇનકાર ના કરી શકે કે પાછલા ૨૫ વર્ષથી મૂડીવાદી વર્ગ દિન-પ્રતિદિન વધુ ધનવાન અને શક્તિશાળી બન્યો છે, જ્યારે શ્રમિક-ખેડૂત વર્ગ વધુ લાચાર અને પરેશાન.
“પંડિત નહેરુ આ સ્થિતિને બદલવા માંગતા હતા, પણ ના બદલી શક્યા. સંજોગોથી એ મજબૂર હતા. આજે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકાર આ સ્થિતિને બદલવાની વાતો કરે છે. એ કેટલી સફળ થશે, તે કહી ના શકાય. ન તો મારે એ ચર્ચામાં પડવું છે. રાજકારણ મારો વિષય નથી. માત્ર એટલું જ કહેવું ઘણું છે કે જે રીતે હિન્દુસ્તાનમાં અંગ્રેજોની હુકુમત પર અંગ્રેજી મૂડીવાદીઓનો દબદબો હતો, એવી જ રીતે આજે દેશની હુકુમત પર મૂડીવાદીઓનો પ્રભાવ છે.”
કદાચ આ જ કારણ છે કે ઇન્દોર-આગ્રા હાઈવે પર રાહુલે બળદગાળામાં બળદની જેમ જોતરાવું પડ્યું હતું.
પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2020