4 ડિસેમ્બર 2022ના રોજ ન્યૂજર્સીથી રવાના થયો ત્યારે સમગ્ર વૃક્ષો નગ્ન હતાં. કાળાંકાળાં, જાણે સુકાઈને ઊભાં રહી ગયાં હોય ! પાનખર / પતઝડ / ફોલમાં આ દૃશ્ય જોવા મળે. પોષ કે માઘ મહિનાની આપણી ભારતીય પાનખર અને સપ્ટેમ્બર / ઓક્ટોબરમાં અમેરિકા / યુરોપમાં શરૂ થતી ‘ફોલ’ની ઋતુ ઘણી ભિન્ન છે. પાન ખર્યાં પહેલાં આપણાં વૃક્ષો ઝાંખો પીળો રંગ ધારણ કરે છે, તેમાં બહુ શોભા હોતી નથી, પરંતુ ‘ફોલ’ શરૂ થતાં અમેરિકાની વનરાજીનું ભવ્ય નગ્ન રૂપ અચંબિત કરી મૂકે છે ! આપણે ત્યાં પાનખરની સાથોસાથ, વસંત બેસી જાય. તેથી માઘ મહિનાની પહેલી પંચમીને વસંતપંચમી નામ આપ્યું છે. અમેરિકામાં નવેમ્બર / ડિસેમ્બર /જાન્યુઆરી / ફેબ્રુઆરી / માર્ચ સુધી સઘળાં વૃક્ષો યોગ પોઝિશન ધારણ કરી લે છે. બરફ પડે તો પણ વિચલિત ન થાય ! હા, વાયરામાં વૃક્ષો મીઠાં અવાજો કરે ! પક્ષીઓ દૂર જતાં રહે. વ્યંગ્યમાં ફોલ એટલે પતન. ફોલ ઓફ મેન. મિલ્ટનના ‘પેરેડાઈઝ લૉસ્ટ’નો વિષય.

14 માર્ચ 2023ના રોજ ન્યૂજર્સી પરત આવ્યો, ત્યારે આ કાળાં વૃક્ષો થોડાં ઓછાં કાળાં દેખાતાં હતાં. થોડા દિવસોમાં થોડી ભૂરાશ આવી હતી. અહીં કુદરતનો ખેલ જૂઓ, પાનખર બાદ સૌ પ્રથમ વૃક્ષોમાં ફૂલો આવે છે, પછી પાંદડાં આવે ! જાણે ફૂલો પાંદડાંનાં સ્વાગત માટે જ ખિલતા હોય એવું લાગે ! કેટલાંક ઉતાવળિયાં વૃક્ષો એપ્રિલ આવતા જ જુદાજુદા રંગ ધારણ કરવા લાગે. પારસીપેની, ન્યૂજર્સીમાં મારા નિવાસસ્થાન સામે એક વૃક્ષ છે. એ વૃક્ષનું નામ શું છે, એની ખબર નથી. 11 એપ્રિલ 2023ના રોજ એ વૃક્ષનાં ફૂલોએ મને ફોટો પાડવા વિવશ કરી મૂક્યો ! પવનની લહેરખીઓમાં એ નાચતા હતાં ! હસતાં હતાં ! કુદરતની લીલા તો જૂઓ ! સૃષ્ટિમાં કેટલાં છોડ, કેટલાં વૃક્ષો; એ બધાંનાં ફૂલો અલગ અલગ ! કેટલાંક સુંગંધિત તો કેટલાંક મનમોહક ! ફૂલો પછી પક્ષીઓ પણ દેખાવાં લાગ્યાં છે.
કુદરતે વનરાજી બનાવી / ફૂલછોડ બનાવ્યા; એમાં સુંદરતા ભરવા ફૂલો બનાવ્યાં, વંશવૃદ્ધિ માટે ફળો બનાવ્યાં ! ફૂલની લાક્ષણિકતા એ છે કે તે મનમોહક હોય છે, સાથે કોમળ પણ ! ફૂલો એટલે કુદરતનો આનંદ, તેનો શ્રૃંગાર, તેનું મધુર હાસ્ય ! શ્રદ્ધાળુઓ કહેશે કે આ તો ઈશ્વરની લીલા છે ! વૈજ્ઞાનિકો કહે છે કે આ બધી રચના કરનાર ઈશ્વર નહીં, કુદરત છે. કેમ કે દરેક ધર્મ કુદરત પાસે લાચાર છે ! કુદરત તો બધા ધર્મો માટે સરખી છે; સેક્યુલર છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને IPC કલમ-499/ 500 હેઠળ બદનક્ષી સબબ 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. આ ચુકાદો 168 પેજનો છે. ચુકાદામાં ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની લાંબી લાંબી દલીલો ટાંકવામાં આવી છે. પેજ-54 ઉપર કોર્ટ મુદ્દો ઉપસ્થિત કરે છે : “શું ફરિયાદ પક્ષ એ હકીકત નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પોતાના 13 એપ્રિલ 2019ના પોતાની ચૂંટણી સભામાં ભારતના વર્તમાન પ્રધાન મંત્રી મોદીને ચોરનું ઉપનામ આપી તેમ જ તેની સરખામણી આર્થિક ગુનેગારો જેવા કે નિરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી તથા વિજય માલ્યા સાથે કરી ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછ્યું હતું કે ‘બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવી ટિપ્પણી કરેલ હતી તથા ફરિયાદી તેમ જ સમસ્ત મોદી સમાજની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે તેમ જ હાનિ પહોંચશે તેવી જાણકારી અને એવું માનવાના કારણ સાથે ઉપર્યુક્ત ગુનો કરી ફરિયાદીને સામાજિક અને શારીરિક તેમ જ માનસિક નુકશાન પહોંચાડેલ છે અને ફરિયાદીની બદનક્ષી થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી IPC કલમ-499/ 500 મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ છે?” આ મુદ્દાનો નિર્ણય અદાલતે હકારમાં આપેલ છે.
