બે મિત્રો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડે ત્યારે કાં હંગામી અબોલા થતાં હોય છે અને મામલો ગંભીર હોય તો કાયમ માટે નેહ-નાતો તૂટી જતો હોય છે, પણ જ્યારે બે ભાઈઓ વચ્ચે તનાતની થાય અને સંબંધોનો અંત આવે ત્યારે એકબીજા માટે ‘નાહી નાખવા’નું આત્યંતિક વલણ અખત્યાર કરાતું હોય છે. અંગત સ્તરે જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંબંધોનું આ જ સમીકરણ લાગું પડતું હોય છે. આનું પોતીકું ઉદાહરણ આપણી સામે જ ભારત અને પાકિસ્તાનનું છે. ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજોની ગુલામી વિરુદ્ધ ખભે ખભો મિલાવીને લડ્યા પછી આઝાદી વખતે એવા વિભાજિત થયા કે આજસુધી એક થઈ શક્યા નથી. એક ન થવાની વાત તો દૂર રહી પણ સાડા છ દાયકા પછી પણ બન્ને વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ પણ બની શક્યા નથી, એટલું જ નહીં, એકબીજા પ્રત્યેનો ધિક્કાર પણ ઓગાળી શકાયો નથી.
ભારતના ભાગલાને કારણે સૌથી વધારે ભોગ આઝાદીના ઇતિહાસને બનવું પડ્યું છે. આજે ય આઝાદી આંદોલનના પાકિસ્તાની નેતાઓ અંગે આપણે તટસ્થતા કેળવીને તેમને સન્માની શકતા નથી તો પાકિસ્તાનના ઇતિહાસનાં પુસ્તકોમાં ગાંધી-નેહરુ-સરદાર સહિતના નેતાઓને ભાગ્યે જ હીરો તરીકે મૂલવવામાં આવે છે. મેરે તો ઝીણા મહાન દુસરા ન હોઈ …! પાકિસ્તાનમાં મોટા ભાગે આઝાદી આંદોલનની વાત મોહમ્મદ અલી ઝીણાથી શરૂ થઈને તેમના નામ સાથે જ પૂરી થતી હોય છે. જો કે, સદ્દભાગ્યે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલમાં સુખદ બદલાવ આવી રહ્યો છે. અન્ય આઝાદી આંદોલનના નેતાઓ તો ઠીક પણ અત્યારના પાકિસ્તાનની સરજમીં પર જન્મેલા ભગતસિંહ માટે નવી પેઢીનો પ્રેમ વધતો જાય છે. છેલ્લાં ઘણા સમયથી કાયદા-એ-આઝમના દેશમાં શહીદ-એ-આઝમ ભગતસિંહની સ્મૃિતઓને સાચવવાની અને વાગોળવાની ભાવના તીવ્ર બની રહી છે.
વર્ષ ૨૦૧૨માં શહીદ ભગતસિંહની ૧૦૫મી જન્મતિથિ નિમિત્તે લાહોરના સ્થાનિક તંત્ર દ્વારા ભગતસિંહની શહીદીના સાક્ષી બનેલા શાદમાન ચોકનું નામ બદલાવીને શહીદ ભગતસિંહ ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના લોકો દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી આ અંગે માગણી કરવામાં આવી હતી. લોકલાગણીને માન આપીને જ આ નિર્ણય લેવાયો હતો. છેલ્લાં થોડા મહિનાઓથી પાકિસ્તાની અખબારોમાં ભગતસિંહનું નામ સતત ચર્ચામાં રહે છે. આ ચર્ચાનું નિમિત્ત પૂરું પાડ્યું છે – ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઇમ્તિયાઝ રાશિદ કુરેશીએ. તમને જાણીને નવાઈ લાગશે પણ ઇમ્તિયાઝ રાશિદ કુરેશી, ભગતસિંહને જે સૌંડર્સ હત્યા કેસમાં ફાંસી અપાઈ હતી, એ કેસમાં નિર્દોષ સાબિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે! ઇમ્તિયાઝ રાશિદ કુરેશીનું માનવું છે કે સૌંડર્સ હત્યા કેસમાં ભગતસિંહ વિરુદ્ધ જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અનેક ઊણપો હતી અને ઉતાવળિયો નિર્ણય લઈને ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યા હતા. ઇમ્તિયાઝના આ અંગેના પ્રયાસોએ હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. થોડા મહિના પહેલાં ઇમ્તિયાઝે કોર્ટ પાસેથી હુકમ મેળવીને લાહોરના અનારકલી પોલીસ થાણામાંથી સૌંડર્સ હત્યાની એફ.આઈ.આર.ની ખરી નકલ મેળવવામાં સફળતા મેળવી હતી. આ એફ.આઈ.આર.માં ભગતસિંહનું નામ ન હોવાથી ઇમ્તિયાઝનો જુસ્સો બેવડાયો છે.
પ્રસ્તુત એફ.આઈ.આર.ની વિગત જોઈએ તો ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮માં એ.એસ.પી. જૉન પી. સૌંડર્સની હત્યા પછી ઢળતી બપોરે આશરે સાડા ચારે બે અજાણ્યા બંદુકધારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉર્દુમાં નોંધાયેલી આ એફ.આઈ.આર. અનુસાર ફરિયાદી તથા સાક્ષી તરીકે એક પોલીસ અધિકારીએ જણાવેલું કે મેં એક વ્યક્તિનો પીછો કરેલો, જેનું કદ પાંચ ફીટ પાંચ ઇંચ હતું. હિંદુ ચહેરો હતો. નાની મૂછો હતી. પાતળું પણ કસાયેલું શરીર હતું. તેણે સફેદ પાયજામો અને ગ્રે રંગનો કૂરતો પહેર્યો હતો. તેણે ક્રિસ્ટી જેવી કાળી ટોપી પણ પહેરી હતી. આ કેસ આઈ.પી.સી.ની ધારા ૩૦૨, ૧૨૦ અને ૧૦૯ અંતર્ગત નોંધાયો હતો.
આ કેસ અંગે ઇમ્તિયાઝની મુખ્ય ફરિયાદ એ છે કે કેસમાં ૪૫૦ સાક્ષીઓની કોઈ પૂછપરછ કરવામાં આવી નહોતી. વળી, ભગતસિંહના વકીલને પણ પ્રતિદલીલ કે સવાલો કરવાની તક આપવામાં આવી નહોતી. ઇમ્તિયાઝ ઇચ્છે છે કે આ કેસ ફરી ખોલવામાં આવે. એફ.આઈ.આર.ની નકલ મળ્યા પછી તેમના પ્રયાસોના પરિણામે લાહોર હાઇકોર્ટે ચીફ જસ્ટિસને અપીલ કરી છે કે આ મામલે સુનાવણી માટે એક ઉચ્ચ સ્તરીય ખંડપીઠ રચવામાં આવે.
પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા ભગતસિંહ માટે આટલી બધી મહેનત કરે, એ બેશક આનંદદાયક ઘટના છે. ઇમ્તિયાઝના પ્રયાસોથી ભગતસિંહના પરિવારજનો પણ રાજી થયા છે, એટલું જ નહીં ભગતસિંહના ભત્રીજા કિરણજીતસિંહ સંધૂ તો પાકિસ્તાનના વિઝા મેળવીને લાહોર જવાની અને ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનને મદદરૂપ થવાની ઇચ્છા રાખે છે. કિરણજીતસિંહે આ અંગે જણાવ્યું હતું કે ભગતસિંહ જો સૌંડર્સ કેસમાં નિર્દોષ પુરવાર થશે તો પછી બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભગતસિંહની હત્યાનો કેસ કરવાનો મારો ઈરાદો છે!
ભગતસિંહની ફાંસીનો મામલો જોઈએ તો એ વાતમાં કોઈ શક નથી કે અંગ્રેજો તેમને ફાંસીના માંચડે લટકાવી દેવા માટે અધીરા થયા હતા. જાણીતા ધારાશાસ્ત્રી એ.જી. નુરાણીએ પોતાના પુસ્તક ‘ધ ટ્રાયલ ઑફ ભગતસિંહ : પોલિટિક્સ ઑફ જ્યુડિશિયરી’માં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સૌંડર્સ હત્યા કેસ માટે જે ટ્રિબ્યુનલ બનાવાઈ હતી, તેમાં બે બ્રિટિશ અને એક ભારતીય ન્યાયાધીશ હતા. બન્ને બ્રિટિશ જજ ભગતસિંહ અને સાથીઓને ફાંસી આપવા માટે તત્પર હતા. આ અન્યાય જોઈને ભારતીય ન્યાયાધીશ જસ્ટિસ આગા હૈદર જૈદીએ રાજીનામું ધરી દીધું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે બ્રિટિશ સરકાર ગમે તેમ કરીને ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવા માગતી હતી.
અલબત્ત, સૌંડર્સ હત્યામાં ભગતસિંહનો કોઈ હાથ હતો નહીં, એવું કહી શકાય નહીં. ભગતસિંહ પર લખાયેલાં મોટા ભાગનાં પુસ્તકોમાં સ્પષ્ટ છે કે ભગતસિંહ અને સાથીઓએ લાલા લજપતરાયના ખૂનનો બદલો ખૂનથી લેવાનું કાવતરું ઘડ્યું હતું. લાલા લજપતરાય સાઇમન કમિશનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ જે.એ. સ્કોટના હુકમથી આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરાયો. સ્કોટની નજર સામે લાલા લજપતરાયને પીટવામાં આવી રહ્યા હતા અને તેણે લાલાજી બેભાન થઈને ઢળી પડ્યા ત્યાં સુધી પોલીસોને વાર્યા નહોતા. ભગતસિંહ અને રાજગુરુ પોતે જ સ્કોટને ઠાર મારવા ગયા. જોકે, સ્કોટ તે દિવસે ઇંગ્લેંડથી પધારી રહેલાં પોતાનાં સાસુને લેવા ગયા હતા એટલે બચી ગયા અને ખોટી ઓળખને કારણે સૌંડર્સ ઘાએ ચડી ગયો. રાજગુરુની એક ગોળીએ સૌંડર્સ ઢળી પડ્યો અને પછી ભગતસિંહે પણ ગોળીઓ મારી હોવાનું કહેવાય છે. ભગતસિંહે કે સાથીઓએ ક્યારેય સૌંડર્સ હત્યામાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું નહોતું. આમ, ભગતસિંહ ૮૪ વર્ષ જૂના મામલામાં ‘નિર્દોષ’ હોવાનું કહી શકાય એમ નથી. એ જોતાં, ઇમ્તિયાઝના પ્રયાસો કેટલા સફળ થશે, એ કહેવું મુશ્કેલ છે, પણ આનંદદાયક વાત એ છે કે આ કેસને કારણે પાકિસ્તાનની નવી પેઢી ભગતસિંહના યોગદાન અને શહાદતથી વાકેફ થઈ રહી છે.
પાકિસ્તાનમાં ભગતસિંહ માટેનું આકર્ષણ વધ્યાનો બીજો એક પુરાવો પણ મળ્યો છે. ભગતસિંહનો જન્મ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બાંગે ગામમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. ફૈસલાબાદના લોકોને ભગતસિંહ પોતાની માટીના સપુત હોવાનું ગૌરવ છે. પાકિસ્તાન સરકારે ભગતસિંહના ઘર, શાળા અને ગામના પુનરોદ્ધાર માટે એક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત આઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ભગતસિંહના પૈતૃક ઘરનો કબજો મેળવીને ત્યાં તેમની ચીજવસ્તુઓનું મ્યુિઝયમ પણ બનાવવાનું આયોજન છે.
પાકિસ્તાનમાં ભગતસિંહ પ્રત્યે વધતા આદર અને સન્માન એક આનંદદાયક ઘટના છે. આશા રાખીએ પાકિસ્તાનની નવી પેઢી કટ્ટરવાદી આતંકીને નહીં પણ ભગતસિંહ જેવા ક્રાંતિકારીને રોલમૉડલ બનાવે.
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2015, પૃ. 11 – 12
![]()


લોકોને માત્ર પાંચ વર્ષે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર આપી દેવાથી લોકશાહીના અચ્છે દિન આવી જતા નથી.
આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યાં, કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે 'મુક્કો' બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે, ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે, એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ ચુકાય ?
આજે અમદાવાદમાં સાબરમતીથી કલોલ જતા હાઇવે અને મોટેરા સ્ટેિડયમ જતા રસ્તાના ક્રોસિંગ પર ઇન્દુચાચાની નવ ફૂટની કાંસ્ય પ્રતિમા સાથેના સ્મારકના લોકાર્પણનો કાર્યક્રમ યોજાવાનો છે. ઇન્દુચાચાને મોટા ભાગના લોકો મહાગુજરાત આંદોલનના નાયક તરીકે ઓળખે છે, આ ઓળખાણ સાચી છે, પણ આખી નથી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો ફાળો અનન્ય હતો એ કબૂલ, પરંતુ એ તો એમના જીવનકાર્યનો એક યશસ્વી અધ્યાય માત્ર હતો. આઝાદી આંદોલનમાં તેમનું યોગદાન નાનુસૂનું નહોતું. દેશને આઝાદી મળ્યા પછી સ્વરાજનું અમૃત ગરીબ-વંચિત-પછાત વર્ગના લોકો સુધી પહોંચાડવામાં તેમણે લીધેલી જહેમત યાદગાર છે. આઝાદ ભારતમાં ખેડૂતો અને આદિવાસીઓના કલ્યાણ માટે તેમણે સ્થાપિત હિતો સામે શિંગડાં ભરાવ્યાં હતાં. ગુજરાતના જ નહિ સમગ્ર દેશના ઇતિહાસમાં ઇન્દુચાચા એવું નામ છે, જેમને યાદ કર્યા વિના ચાલે જ નહીં, છતાં ઇન્દુચાચાની દેશમાં તો જવા દો ગુજરાતમાં પણ જોઈએ એવી કદર થઈ નથી, એ પીડાદાયક વાસ્તવિકતા છે.