અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ગાંધી આશ્રમનું ૧૨૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. આ મુદ્દે દેશભરમાં ઊહાપોહ ઊભો થયો છે. કેટલાંક ગાંધીવાદીઓ નારાજ છે. ૧૩૦ જેટલા કર્મશીલો અને ગાંધીવાદીઓએ પત્ર લખીને તેની સામે વિરોધ નોંધાવ્યો છે.
તેમણે કહ્યું છે કે આટલા જંગી ખર્ચમાં ગાંધીજીની સાદગી ખોવાઈ જશે. આ આયોજન ગાંધીવિચારની વિરુદ્ધ છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે એવું તેમનું માનવું છે.
બી.બી.સી. સાથે વાત કરતાં અમદાવાદના ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વૅશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટનાં ચૅરપર્સન ઈલાબહેન ભટ્ટે કહ્યું, ગાંધીમૂલ્યોના જોખમે કશું નહીં કરીએ. સરકાર તરફથી એવું લેખિતમાં આપવામાં આવ્યું છે કે એનું સરકારીકરણ નહીં થાય. જે સાચવવાનું છે તે ગાંધી આશ્રમની શુચિતા, સાદાઈ, ગાંધીવિચારનાં તત્ત્વો છે.
તેમને જાળવીને જ આશ્રમમાં સૌની સહમતીથી અને નિસબતથી ફેરફાર થાય એ બાબતે સરકાર સાથે થયેલી મસલતમાં સમજૂતી થયેલી છે. આ બાબતો મિનિટ્સ – નોંધમાં પણ લખાયેલી છે. સરકારનો જે પત્ર આશ્રમ પર આવ્યો તેમાં આ બાબતો નોંધાયેલી છે.
સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતી ગાંધીજીની સાદગી કરોડોના ખર્ચે મરી પરવારશે એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં ઈલાબહેને કહ્યું, એવું આપણે નહીં કહી શકીએ. સરકાર પણ લોકો દ્વારા ચૂંટાયેલી છે, આપણામાંથી જ આવી છે. તેથી મુલાકાતીઓ સહિત પ્રજા અને સરકારની એટલે કે બધાંની ફરજ છે કે જે છે તેને આપણે જાળવી રાખીએ.
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર અરુણ ગાંધીએ બી.બી.સી.ને કહ્યું, લોકોએ તો લોકશાહી પદ્ધતિથી હિટલરને પણ ચૂંટ્યો હતો. તેથી તેણે જે કર્યું એમાં બધા લોકો સહમત એવું માનવાનું? લોકશાહીમાં અસહમતીનું ખૂબ મહત્ત્વ છે. મેં એક વખત સહમતી આપી દીધી એટલે જીવનભર સહમત જ રહેવાનું એવું ન હોય?
તુષાર ગાંધીએ આક્ષેપ કરતાં એમ પણ કહ્યું, ગાંધી સ્મારકનિધિ જ્યારે બની એમાં જે બંધારણીય સિદ્ધાંતો હતા એમાં સ્પષ્ટપણે એવું લખેલું છે કે કોઈ દિવસ આશ્રમ કે સ્મારકના કોઈ પણ કામમાં સરકાર સીધી સામેલ નહીં થાય. પહેલાં તો એમાં એવું પણ લખ્યું હતું કે સરકાર પાસેથી પૈસા પણ ન લેવા.
સાથે એમ પણ લખ્યું છે કે જો જરૂર પડે તો પૈસા સરકાર પાસેથી લેવા પણ સરકારની ભૂમિકા ફક્ત પૈસા આપનાર તરીકેની જ એમાં હોવી જોઈએ. એમાં કોઈ પણ જાતનું કામ કરવાનું હોય તો એ ટ્રસ્ટની ધારણા મુજબ થવું જોઈએ.
સરકારે ભંડોળ આપીને અલગ થઈ જવાનું રહે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહ સાથે બી’બી’સી'એ વાત કરતા એમણે કહ્યું, હાલની સરકારનું વલણ મૅગલોમૅનિયક પ્રકારનું એટલે કે ભવ્ય-અતિભવ્ય તરફ આકર્ષણ ધરાવતું છે.
આશ્રમના સંદર્ભમાં કહીએ તો સહેજ પણ મૅગલોમૅનિયક રીતે પ્રગટ થાય એટલે ગાંધીની વિચારસરણી કરતાં વિરુદ્ધ છે. સરદાર પટેલની પ્રતિમા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોઈએ તો એ એવો ખર્ચ અને એવી પ્રતિમા હતાં જે વલ્લભભાઈ પટેલને પોતાને ગ્રાહ્ય લાગે નહીં. આશ્રમને પણ વર્લ્ડ ક્લાસ ઢબે રજૂ કરવાની વાત છે.
મૂળભૂત રીતે આ ચર્ચાને હું એક નાગરિક તરીકે જોઉં છું તો મને લાગે છે કે ગાંધી અને ગાંધી આશ્રમની વિશેષતા એના બિનસરકારી હોવામાં છે. સ્વરાજ પછી સરકારો ગાંધી સંસ્થાઓ જોડે એક સાનુકૂળ વલણ રાખતી અને એને ઉપયોગી થતી.
પરંતુ સરકારથી એક 'ક્રિટિકલ ડિસ્ટન્સ' રાખવું એ ગાંધીજીનો એક સ્વાભાવિક આગ્રહ હતો. આજે જે તબક્કો છે તે આગલી સરકાર કરતાં જુદો છે. આજની સરકાર આ સમગ્ર બાબત આંચકી લેવા માગે છે. ખંડી લેવા માગે છે.
સાબરમતી આશ્રમના નવીનીકરણ સામે ૧૨૫થી વધુ સામાજિક કાર્યકરો અને કર્મશીલોએ ખુલ્લો પત્ર લખ્યો છે
આશ્રમ નવીનીકરણ માટે સરકારે એક ગવર્નિંગ કાઉન્સિલ રચી છે. રાજ્યસભા સાંસદ નરહરિ અમીન એ કાઉન્સિલના સભ્ય છે.
બી.બી.સી. સાથે વાત કરતા તેઓ કહે છે, એવી કોઈ વાત જ નથી. ગાંધીમૂલ્યોને સાથે રાખીને જ એને સહેજ પણ ઝાંખપ ન લાગે એ રીતે જ આ પ્રોજેક્ટનું કામ થવાનું છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે વિશ્વના લોકો અહીં આવે અને શાંતિનો સંદેશ લઈને જાય. અહીં કોઈ મોટી ઇમારતો કે ફાઇવસ્ટાર હોટલો નથી બનવાની. ગાંધીમૂલ્યોને લગતી તમામ પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે.
પરંતુ વિશ્વના લોકો તો અત્યારે પણ આવે જ છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે વિશ્વના અનેક મોટા નેતા હોય તેઓ આશ્રમમાં વર્ષોથી આવે જ છે. આ મુદ્દે નરહરિ અમીન કહે છે કે, મુદ્દો એ છે કે કોઈ સારી પ્રવૃત્તિ થઈ રહી હોય તો એનો વિરોધ કરવાની શું જરૂર છે? ગાંધી વિચારધારા વિશ્વમાં વધુ ફેલાય એ જ ઉદ્દેશ છે. અત્યારે ગાંધી આશ્રમ આસપાસ ઘણાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. હોટલો છે, નાનીમોટી દુકાનો પણ છે.
પ્રકાશ ન. શાહ કહે છે, આશ્રમના નવીનીકરણ કે ગૌરવ જે કહો તે એ પ્રોજેક્ટની વિગતો જનતા પાસે આવી હોય અને એ અંગે કોઈ જાહેર સૂચનો કે ચર્ચા થયા હોય એ જનતા જાણતી નથી. સરકાર દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બનાવે તો એ ચાલે પણ ગાંધી આશ્રમ એ વસ્તુતઃ પ્રજાની પોતાની જગ્યા છે.
આશ્રમના ટ્રસ્ટીઓને એ મુદ્દો પકડાવો જોઈએ કે આ આશ્રમના ટ્રસ્ટીઓ અને સરકાર પૂરતો સીમિત સવાલ નથી. એ ભારતના જનવિરાટની સીધી નિસબત છે. તેથી સાદગી અને શુચિતા જળવાશે એવું ટ્રસ્ટી કે સરકાર કહે તો એનો આખો નકશો નિખાલસ ઢબે પ્રજા સમક્ષ મૂકવો જોઈએ.
તુષાર ગાંધી હોય કે પ્રકાશ ન. શાહ બંને એ વાત પર સહમત છે કે સરકાર જે કામ કરવા માગતી હોય તે તેમણે જાહેર કરવું જોઈએ. તેમણે રહસ્યમય ન રહેવું જોઈએ.
આ બાબતે નરહરિ અમીને કહ્યું, આમાં કોઈ રહસ્યમય રાખવાની વાત જ નથી. પ્રોજેક્ટ હજી આયોજન સ્તરે છે. પ્રોજેક્ટ ફાઇનલ થયો નથી. એ પ્રોસેસમાં છે. ૫૫ એકરની જમીનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાં મકાનો છે. ત્યાં વિવિધ છ ટ્રસ્ટ છે. તેમની સાથે વાત ચાલે છે.
સરકારનું કહેવું છે કે આશ્રમના નવીનીકરણમાં ગાંધીમૂલ્યોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.
'ગાંધી સંસ્થાનો પર થતો સરકારી કબજો અટકાવો' એવા મથાળા સાથે ૧૩૦ જેટલા કર્મશીલોએ પત્ર લખીને એક ઝુંબેશ આદરી છે.
જેમાં રામચંદ્ર ગુહા, રાજમોહન ગાંધી, નયનતારા સહગલ, આનંદ પટવર્ધન, ગણેશ દેવી, પ્રકાશ ન. શાહ પણ સામેલ છે. એ પત્રમાં લખવામાં આવ્યું છે કે,
હાલની સરકાર '૧૯૪૯ના દેખીતા સ્વસ્થતા, સુલેહ-શાંતિ અને સુવ્યવસ્થિત વાતાવરણને 'ફરી’ મેળવવા અને તેને ૫૪ એકરમાં ફેલાયેલું 'વર્લ્ડ ક્લાસ’ પ્રવાસન-સ્થળ બનાવવા માટે તૈયાર છે. તેણે 'ગાંધી આશ્રમ મૅમોરિયલ ઍન્ડ પ્રિસિંક્ટ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ’ માટે રૂ. ૧૨૦૦ કરોડના બજેટની જાહેરાત કરી છે. અખબારના અહેવાલો અનુસાર નવા બનાવેલા 'વર્લ્ડ ક્લાસ’ મૅમોરિયલમાં નવા સંગ્રહાલયો, એક એમ્ફી થિયેટર, વી.આઈ.પી. લાઉન્જ, દુકાનો, ફૂડ કોર્ટ વગેરે હશે.
અહેવાલો કહે છે કે આ પ્રોજેક્ટ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની સીધી દેખરેખ હેઠળ થશે. દેશની તમામ ગાંધીવાદી સંસ્થાઓને સરખી કરવી અને તેનું વ્યાપારીકરણ કરવાની હાલની સરકારની વ્યૂહરચનાને અનુરૂપ આ પગલું છે.
આનું સૌથી ખરાબ ઉદાહરણ સેવાગ્રામમાં જોઈ શકાય છે, પરંતુ તમામ ગાંધીવાદી આર્કાઇવ્સ પર સરકારી નિયંત્રણ એ સૌથી ભયાનક પાસું છે. જ્યારે મહાત્મા ગાંધીની જે તત્ત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી તેમની વિચારધારા હજુ પણ ભારતમાં સત્તામાં રહેલા કેટલાક લોકોને પ્રેરણા આપે છે, ત્યારે આ જોખમને નજરઅંદાજ ન કરી શકાય.
ગાંધી આશ્રમના નવીનીકરણને લીધે આશ્રમ જે સાદગી અને ગાંધીમૂલ્યોનો સંદેશ આપે છે એ નામશેષ થશે એવો તેમનો આરોપ છે. પત્રમાં તેઓ લખે છે કે, ૧૨૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં આશ્રમની સાદગી સંપૂર્ણપણે ખોવાઈ જશે. દર વર્ષે લાખો ભારતીયો, ખાસ કરીને શાળાનાં બાળકો, તેમ જ વિદેશી મુલાકાતીઓ સાબરમતી આશ્રમમાં આવે છે.
પ્રવાસીઓને આકર્ષવા માટે આ સ્થળને ક્યારે ય 'વર્લ્ડ ક્લાસ' નવનિર્માણની જરૂર નથી. ગાંધીની આભા અને આ સ્થળની અધિકૃતતા અને સરળતા એ માટે પૂરતી છે.
આશ્રમમાં આવેલ હૃદયકુંજ, અન્ય ઐતિહાસિક ઇમારતો, અને વર્તમાન સંગ્રહાલયો, જો અડવામાં ન આવે તો પણ તે કેન્દ્રમાં રહેશે નહીં, પરંતુ નવા મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, ફૂડ કોર્ટ, દુકાનો વગેરે દ્વારા ખૂણામાં ધકેલી દેવામાં આવશે.
સૂચિત યોજના શ્રેષ્ઠ રીતે 'ગાંધી થીમ પાર્ક' અને સૌથી ખરાબ રીતે ગાંધીની 'બીજી હત્યા'ની કલ્પના કરે છે. જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે.
નરહરિ અમીને કહ્યું, ગાંધીજીની પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની છે. ૧૨૦૦ કરોડ રૂપિયા જે છે એમાં રસ્તા, લાઇટ્સ, પાર્કિંગની સુવિધા વગેરે કરવાની છે. બગીચો બનાવવાનો છે. હોટેલો, રેસ્ટોરાં કે વૈભવી ઇમારતોની વાત જ નથી. સાદગી અકબંધ જ રહેશે.
જે લોકો આશ્રમ પરિસર આસપાસ રહે છે. તેમને નવા મકાનો તેમ જ વળતર વગેરે આપવાનું છે. એ બધું મળીને રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે. ગાંધીજી પણ ગુજરાતી હતા. ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદીને મન ગાંધીજીનું ખૂબ મહત્ત્વ છે. તેથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ગાંધી આશ્રમને જેમ છે તેમ જાળવી રાખવા માટે ૧૩૦ લોકોએ લખેલા સહિયારા પત્ર પછી સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટે એક પ્રેસ નિવેદન બહાર પાડ્યું હતું.
જેમાં લખ્યું હતું કે, ટ્રસ્ટીઓ એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે આ જગ્યાએ આટલાં વર્ષોથી વિશ્વ માટે જે નૈતિકતા અને મૂલ્યોની પ્રતિષ્ઠા કરી છે તેને સુરક્ષિત રાખવામાં આવે અને ગુણવત્તા વધારવામાં આવે. આનો અર્થ એ છે કે આશ્રમ હંમેશાં વિશ્વ માટે ગાંધીજીની છેલ્લી વ્યક્તિ તરફ ધ્યાન આપવાની હાકલ, તમામ બાબતોમાં સાદાઈ, કરકસર, મિતવ્યવસ્થા, શુચિતા અને કુદરત સાથે માનવી પ્રત્યેનો આધરનો સંદેશ આપતો રહેશે. અમારી સમજણ છે કે આ પરિસર સાથે સંકળાયેલા તમામ હિતધારકો અને અધિકારીઓ જેની સાથે આશ્રમના ટ્રસ્ટીઓ સંપર્કમાં છે તેમની વચ્ચે આ મૂલ્યો વિશે સમજ પ્રવર્તે છે."
તુષાર ગાંધીએ કહ્યું કે ટ્રસ્ટીઓએ આ નિવેદન કરીને પોતાના કાંડા કાપીને આપી દીધા છે.
જે ૧૩૦ લોકોએ પત્ર લખ્યો છે તેમાં પ્રકાશ ન. શાહ પણ છે. તેમણે બી.બી.સી.ને કહ્યું, હું જરૂર એમ ઇચ્છું કે આ પત્ર લખીને સહી કરનારાઓ તેમ જ સરકાર વચ્ચે વાત થાય. એમાં સહેજ પણ મોડું થયું નથી. સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચે જે સમજૂતી થઈ હોય એની વિગતો પણ મૂકવી જોઈએ. એમાં સુધારાવધારાને અવકાશ છે એમ વાત કરવી જોઈએ. જેમણે પત્ર લખ્યા છે એ કોઈ આશ્રમના વિરોધીઓનો મોરચો નથી.
આ ગાંધીપ્રેમી અને આશ્રમના પ્રેમીઓની સહિયારી નિસબત છે. અને એ વાઇડર કન્સલ્ટેશન મારફતે નિવારવી જોઈએ.
પરંતુ ઈલાબહેને તેમ જ આશ્રમના ટ્રસ્ટીઓએ લેટરમાં પણ કહ્યું છે કે, આશ્રમની સાદગી અકબંધ રહેશે. આનો જવાબ આપતાં પ્રકાશ ન. શાહે કહ્યું કે, ઈલાબહેને કહ્યું હોય તો એમનાં મોંમાં સાકર, પણ આ બાબત સમગ્ર પ્રજાકીય પ્રક્રિયામાં થઈને જવી જોઈએ.
તુષાર ગાંધી ટ્રસ્ટી તેમ જ સરકારને કહે છે કે, તમે આશ્રમનું હિત જ જોવા માગતા હોય તો એક બ્લૂપ્રિન્ટ લઈને લોકોની વચ્ચે કેમ નથી આવતા? લોકોની સહમતીથી કામ થશે.
એક વાત એવી પણ થઈ રહી છે કે ગાંધી આશ્રમમાં જે ફેરફારો થઈ રહ્યા છે એનાંથી એક એવી છાપ પણ ભવિષ્યમાં ઊભી થશે કે નવીનીકરણ પછી ગાંધી આશ્રમ જો કોઈને દિવ્ય કે ભવ્ય કે આકર્ષક લાગતો હોય તો એ ભા.જ.પ.નાં શાસનમાં થયું છે. મોદી સરકારે કર્યું છે. આવા એક અભિપ્રાયની આશંકા વ્યક્ત થઈ રહી છે.
આ વિશે ઈલાબહેને કહ્યું હતું, આશંકા તો અનેક પ્રકારની હોઈ શકે. અમે તો શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ છીએ. સરકાર એટલે તો ચૂંટાયેલી સરકાર. એમાં તો પક્ષાપક્ષી હોય જ પણ હજુ સુધી આમાં કોઈ પાર્ટી પૉલિટિક્સ કે દબાણ આવ્યું નથી.
અમદાવાદનાં કર્મશીલ તેમ જ ગાંધીપ્રેમી મનીષી જાનીએ કહ્યું કે, જે લોકો ગોડસેના મંદિર બનાવતા હોય એ લોકો ગાંધી આશ્રમની ચિન્તા કરવા માંડે તો શંકા તો જાય જ. આ ફાસીવાદી સરકાર છે. દરેક સંસ્થાને ખતમ કરી રહી છે. સ્વાયત્તતાને ખતમ કરી રહી છે. ઇતિહાસ એવું કહે છે કે એ હંમેશાં પોતાનાથી જુદા પ્રકારના ઇતિહાસને ભૂંસવા પ્રયત્ન કરતા હોય છે. આશ્રમનું નવીનીકરણ એ ઇતિહાસ ભૂંસવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે. એટલા માટે પણ અમે વિરોધ કરીએ છીએ.
મનીષી જાનીએ ટ્રસ્ટીઓને પણ હાકલ કરી કે, સરકાર આવી એક સંસ્થાને હાથમાં લઈ લેવા માગતી હોય ત્યારે ટ્રસ્ટીઓએ બોલવું જોઈએ. ટ્રસ્ટી એટલે શું? અંતે તો રખેવાળ જ છે ને, એ માલિકો નથી.
તેઓ ઉમેરે છે, સાચવણી કરવાની તેમની ફરજ છે. ગાંધીજી હોત તો પોતે પણ અત્યારે આશ્રમનાં નવિનીકરણ સામે લડવા નીકળી પડ્યા હોત. ગાંધીજી હોત તો શું એ ટ્રસ્ટીઓની જેમ મૌન રાખીને બેઠા હોત?
આ સવાલ ટ્રસ્ટીઓએ જાતને પૂછવાની જરૂર છે. આવો વિચાર, સત્યાગ્રહનો વિચાર ટ્રસ્ટીઓને આવવો જ જોઈએ.
ટ્રસ્ટીઓની ટીકા થઈ રહી છે એ મુદ્દે ઈલાબહેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,
ટીકા તો કરી શકે. જાહેર જીવનમાં આ કોઈ નવો અનુભવ નથી. આશ્રમમાં જે કોઈ કામમાં જ્યારે પણ મૂલ્યોનો ભંગ થશે તો એ બાબતનો સત્યાગ્રહ કરવામાં અમે ડરતા નથી. મને તો એકંદરે અમદાવાદના લોકોનો અને બીજા લોકોનો ટેકો જ દેખાય છે. કોઈની નિસબત કે અભિપ્રાય જુદા હોય તો એ કહેવાની લોકશાહીમાં છૂટ છે, અને આપણે બધું નૅગેટિવ જ શા માટે લઈએ?
સરદારને સંઘ પરિવાર પ્રત્યે કૂણી લાગણી હતી?
સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જમીન સરદાર પટેલે ભારતમાં કેવી રીતે ભેળવી હતી?
'સરકાર જે પરિવારોને આશ્રમ પરિસરમાંથી હટાવશે એ જમીનની માલિકી કોની રહેશે?’
આશ્રમનાં ટ્રસ્ટીઓનાં વલણ પર ગાંધીપ્રેમીઓ તેમ જ ગાંધીજીના વંશજો સવાલ ઉઠાવી રહ્યા છે.
તુષાર ગાંધીએ કહ્યું હતું કે, જે કાંઈ નિવેદનો ટ્રસ્ટીઓ તરફથી આવી રહ્યા છે તેમાં તો કાયરતા દેખાય છે. જો ટ્રસ્ટીઓ કાંઈ કરી ન શકતાં હોય તો બહેતર છે કે તેઓ રાજીનામું આપી દે.
તેઓ કહી દે કે તેમને જે જવાબદારી આપી હતી તે નથી નિભાવી શકતા. આ બાબતે પણ કોઈ ખુલાસો નથી કે આશ્રમ પરિસરમાં જે પરિવારો પેઢીઓથી રહે છે. નવીનીકરણનાં ભાગરૂપે તેમને પૈસા વગેરે આપીને અન્ય સ્થળે મોકલવાનું ચાલી રહ્યું છે.
મુદ્દો એ છે કે જે લોકોનું સ્થાનફેર થશે એ જે મિલકતનું હસ્તાંતરણ છે એ પછી કોની રહેશે? હાલમાં તો એ હરિજન સેવક સંઘના ઇજારામાં છે.
સરકાર જો પૈસા આપીને તેમને છૂટા કરશે તો એ ટુકડાની માલિકી કોની રહેશે? એના વિશે ન તો કોઈ ખુલાસો થયો છે કે ન તો ટ્રસ્ટીઓ કોઈ જવાબ માગી રહ્યા છે.
મનીષી જાની માને છે કે ગાંધી આશ્રમનું નવીનીકરણ એ તેને છેવાડાના માનવીથી દૂર થઈ જવાની પ્રક્રિયા છે. તેઓ કહે છે :
ગાંધી આશ્રમ જાવ તો તમને સાદગીની ભાવના આવે. હવે એની આસપાસ તમે મહેલો ચણો એ કેવું લાગે. મહેલોની આસપાસ ઝૂંપડું. આ પરિસ્થિતિ ન ચલાવી લેવાય. ગાંધી આશ્રમ પાસેથી પસાર થતા હો અને અંદર લટાર મારવી હોય તો તે એકદમ સરળ છે. કોઈ ટિકિટ નહીં, કોઈ સિક્યૉરિટી નહીં. તરત તમે અંદર જઈ શકો છો. કોઈ બંધન નથી, સહજ છે. જ્યારે ટિકિટો આવે, બંધન થઈ જાય, ખાદીના બ્યૂટિક થઈ જાય. ચકચકિત દુકાનોમાં ખાદી વેચાય. આ બધું ચલાવવા માટે ટિકિટ તો રાખવી જ પડે તમે એક પ્રકારની ચાળણી કરીને સામાન્ય માણસને ત્યાંથી દૂર કરી રહ્યા છો.
બીજો મુદ્દો એ છે કે માનવજાતના ઇતિહાસમાં જે દશ સૌથી અગત્યની કૂચ ગણાય છે એ દાંડીકૂચ ગાંધી આશ્રમમાંથી નીકળી હતી. તમે ચારે તરફ વર્લ્ડ ક્લાસ ટુરિઝમની વાત કરો એટલે સત્યાગ્રહ શબ્દની ગરિમા ઝાંખી પડે છે. સત્યાગ્રહની વિભાવના મરી પરવારે છે. એની સામે વાંધો છે. સરકાર અને ટ્રસ્ટીઓ ભલે કહે પણ આજુબાજુમાં આડંબર ઊભા થાય તો સાદગી અને શુચિતા કેવી રીતે સચવાય? ગુમ થઈ જાય. આ તો ચારેબાજુ મહેલોની વચ્ચે ઝૂંપડું મૂકી દો એવી વાત છે. ઝૂંપડું અટવાઈ જાય, ગૂંચવાઈ જાય.
અખબાર ‘ટાઇમ્સ ઑફ ઈન્ડિયા'ને ટાંકીએ તો નવીનીકરણ થયા બાદ સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટ પાંચ એકરમાંથી ૫૩ એકરમાં વિસ્તરશે. આસપાસમાં જે ૧૭૭ બિલ્ડિંગ્સ છે, એમાંથી ૬૫ આ નવતર કૅમ્પસમાં રહેશે.
સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 03-05
————————————————————-
ગાંધી આશ્રમ પરનું સરકારી ગ્રહણ અટકાવવા અંગે નાગરિક હસ્તક્ષેપને ધોરણે જે નિવેદન પ્રસારિત થયું તેના સમર્થનમાં ઠેકઠેકાણેથી સહીઓનો પ્રવાહ અવિરત ચાલ્યો આવે છે. અહીં સ્થળસંકોચ લક્ષમાં રાખી નમૂના દાખલ થોડાંક જ નામો આપીએ તો લેખકો ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, સંજય ભાવે, પ્રવીણ ગઢવી, ભારતી રાણે, જયદેવ શુક્લ, પરેશ નાયક, યશવંત મહેતા તેમ જ કૃષ્ણકાંત વખારીયા (પૂર્વ પ્રમુખ, વિશ્વ ગુજરાતી સમાજ), શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્ય મંત્રી), પ્રવીણસિંહ જાડેજા (પૂર્વ મંત્રી), પત્રકાર નચિકેતા દેસાઈ, ધીમંત પુરોહિત, રંગકર્મી રાજુ બારોટ, અદિતિ દેસાઈ, કપિલદેવ શુક્લ, શિક્ષાકર્મી રમેશ થાનવી (જયપુર), એ અન્નામલાઈ (નવી દિલ્હી), હિમાંશુ કુમાર (છત્તીસગઢ), રચનાકર્મી નફીસા બારોટ, રેશનલિસ્ટ સુજાત વલી, અફલાતૂન (સમાજવાદી જનપરિષદ બનારસ), લાલજી દેસાઈ (અધ્યક્ષ રાષ્ટ્રીય સેવા દળ) આદિનો સમાવેશ થાય છે.
નિવેદનકારો વતી નમ્રતાપૂર્વક કહેવાનું કે આશ્રમ પ્રોજેક્ટની પૂર્ણ રૂપરેખા જાહેર થાય તે જરૂરી છે. સંબંધિત ટ્રસ્ટીગણ પરત્વે પૂરા આદર સહ કહેવું રહે છે કે આ પ્રશ્ન માત્ર સરકાર અને ટ્રસ્ટીઓ વચ્ચેનો જ કેવળ નથી. સરકાર જો Legal Sovereign હોય તો નાગરિકો Political Sovereign છે. ગાંધીએ શીખવેલી અને જયપ્રકાશે સંમાર્જેલી આ બુનિયાદી સમજથી નિવેદનકારો પરિચાલિત થયા છે અને એ ધોરણે ટ્રસ્ટીઓને પણ તે પોતાની એટલે કે પ્રજાની તરફે કલ્પી સાર્થક સટીક સંવાદ અને સુસ્પષ્ટ ભૂમિકાની અપેક્ષા રાખે છે.
— પ્ર.ન.શા.
તંત્રી, “નિરીક્ષક”